Home Blog Page 123

ગરમી બાદ વરસાદનો રાઉન્ડ! 26 રાજ્યોમાં હવામાન વિભાગનું મોટું એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે દેશભરમાં હવામાનના મોટા ફેરફારની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂ (Heatwave) ચાલશે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCR માં 25 April સુધી આકરી ગરમી પડશે, પરંતુ 26 થી 29 April દરમિયાન વાદળછાયા આકાશ અને હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમી પવનની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર લૂ ચાલવાની શક્યતા છે. જોકે, પૂર્વોત્તર ભારતમાં સ્થિતિ અલગ હશે, જ્યાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પવનની ગતિ 50 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં રહેતા લોકો માટે અત્યારે ગરમીનો પ્રકોપ સહન કરવાનો સમય છે. 25 April સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની ધારણા છે. પરંતુ 26 April થી હવામાનમાં પલટો આવશે. 26 થી 29 April દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જેનાથી વધતા તાપમાન પર બ્રેક લાગશે અને લોકોને ગરમીથી થોડી રાહત મળશે.

ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 24 થી 28 April દરમિયાન વરસાદ અને હિમવર્ષા (Snowfall) થઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ 25 અને 26 April ના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પૂર્વી ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં પણ 23 થી 28 April દરમિયાન વાવાઝોડા સાથે વરસાદી માહોલ રહેશે. બિહાર અને ઝારખંડમાં 24 થી 26 April વચ્ચે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે સિક્કિમમાં ભારે વરસાદનો એલર્ટ અપાયો છે.

દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં હળવો વરસાદ થઈ શકે છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં કરા પડવાની (Hailstorm) પણ શક્યતા છે. બીજી તરફ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 April ના રોજ હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં હજુ થોડા દિવસો લૂનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન વિભાગે લોકોને આકરી ગરમીમાં સાવચેત રહેવા અને પૂર્વોત્તર ભારતમાં મુસાફરી કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.

ઝઘડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, 15થી વધુ કામદાર ગંભીર રીતે દાઝ્યા

ભરૂચ: ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં 23 એપ્રિલના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ. મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા કામદારોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.

દુર્ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 15થી વધુ કામદાર ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં નુકસાનની સાથે કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

બંગાળમાં લોહિયાળ જંગ: હુમાયું કબીરની કાર પર પથ્થરમારો અને ભાજપના ઉમેદવારની ધોલાઈ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ, કૂચબિહાર, સિલીગુડી અને માલદામાં ભારે હિંસા ફાટી નીકળી છે. મુર્શિદાબાદના નૌદામાં હુમાયું કબીરની કાર પર ઈંટો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ દિનાજપુરમાં ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. કૂચબિહારમાં ભીડને વિખેરવા માટે કેન્દ્રીય દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન આસનસોલમાં ટીએમસીએ બહારથી ટ્રેનો દ્વારા મતદારો લાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

 

મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં સ્થિતિ ત્યારે તણાવપૂર્ણ બની ગઈ જ્યારે રેજીનગર બેઠકના ઉમેદવાર અને AJUP પ્રમુખ હુમાયું કબીરના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો. અસામાજિક તત્વોએ તેમના વાહન પર લાકડીઓ અને ઈંટો વડે હુમલો કર્યો હતો, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ ટીએમસી અને એજેયુપીના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. હુમાયું કબીરે પોલીસની હાજરીમાં આ હુમલો થયો હોવાનો દાવો કરતા આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

દક્ષિણ દિનાજપુરના કુમારગંજમાં પણ આવી જ એક હિંસક ઘટના બની છે. ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકારને માહિતી મળી હતી કે એક ચોક્કસ બૂથ પર ‘બૂથ જામિંગ’ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેઓ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના કથિત સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. સુવેન્દુ સરકારને લાકડીઓ અને મુક્કાઓથી માર મારવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને જોતી રહી અને ટીએમસીના ગુંડાઓએ તેમને બેરહેમ રીતે પીટ્યા હતા. આ હુમલામાં તેમને ઈજાઓ પણ પહોંચી છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હવે ‘ડેટા વોર’!

ઈરાને સમંદર નીચે બિછાવેલી સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ પર હુમલો કરવાની ધમકી આપી છે, જે વિશ્વના 95% ઈન્ટરનેટ ટ્રાફિકને નિયંત્રિત કરે છે. હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્ર (Red Sea) માંથી પસાર થતી આ કેબલ્સ એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડે છે. જો આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચશે તો ભારત સહિત વિશ્વભરમાં બેંકિંગ, ક્લાઉડ સર્વિસ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ખોરવાઈ શકે છે. ભારતનો 60% ઈન્ટરનેટ ટ્રાફિક આ જ માર્ગ પર નિર્ભર છે, જેના કારણે દેશમાં ઈન્ટરનેટની ઝડપમાં મોટો ઘટાડો થઈ શકે છે.

અત્યાર સુધી ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ તેલના કુવાઓ, માલવાહક જહાજો અને મિસાઈલ હુમલાઓ સુધી મર્યાદિત હતો. પરંતુ હવે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) સાથે જોડાયેલા મીડિયાએ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ નીચે રહેલા કેબલ નેટવર્કને હાઈલાઈટ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલના પરિવહન માટે જ નહીં, પણ ડિજિટલ દુનિયા માટે પણ એક મોટું ‘ચોકપોઈન્ટ’ છે. અહીંથી ડઝનબંધ ઈન્ટરનેશનલ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પસાર થાય છે, જે વૈશ્વિક ડેટા ટ્રાફિકની કરોડરજ્જુ સમાન છે.

વિશ્વના ઈન્ટરનેટનો અંદાજે 95% ડેટા આ અન્ડરસી કેબલ્સ દ્વારા જ વહન થાય છે. એકલા લાલ સમુદ્રમાં જ 15 થી 20 જેટલી મુખ્ય કેબલ્સ આવેલી છે. જો ઈરાન દ્વારા એકસાથે અનેક કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવે તો ઈન્ટરનેટની સ્પીડ અત્યંત ધીમી થઈ જશે, મોટી વેબસાઈટ્સ ડાઉન થઈ જશે અને ક્લાઉડ સ્ટોરેજ પર નિર્ભર કંપનીઓનું કામકાજ ઠપ્પ થઈ જશે. આનાથી માત્ર ઈન્ટરનેટ જ નહીં, પણ વૈશ્વિક અર્થતંત્રને પણ અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, કારણ કે આજના સમયમાં બેંકિંગ અને શેરબજાર સંપૂર્ણપણે આ જ નેટવર્ક પર ટકેલા છે.

ઝાલમુરી મેં ખાધી, પરંતુ ઝાળ TMCને લાગીઃ PM મોદી

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંગાળમાં યોજાયેલી ચૂંટણી સભામાં જાહેરાત કરી હતી કે ચોથી મેએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે મીઠાઈ સાથે ઝાલમુરી પણ વહેંચવામાં આવશે.

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર માં પીએમ મોદીએ કહ્યું હતું કે  થોડા દિવસ પહેલાં કેરલમ,આસામ અને પોંડિચેરીમાં પણ મતદાન પૂર્ણ થયું છે. ત્યાં પણ રેકોર્ડ મતદાન થયું છે. અગાઉ પણ આપણે જોયું છે કે દેશમાં જ્યાં-જ્યાં રેકોર્ડ મતદાન થયું છે, ત્યાં ભાજપ ને ભવ્ય જીત મળી છે. ચોથી મેએ બંગાળમાં પણ ભાજપની જીતનો જશ્ન થશે. મીઠાઈ પણ વહેંચાશે અને ઝાલમુરી પણ વહેંચાશે. મેં સાંભળ્યું છે કે ઝાલમુરીએ પણ કેટલાક લોકોને જોરદાર ઝટકો આપ્યો છે. ઝાલમુરી મેં ખાધી, પરંતુ ઝાળ TMCને લાગી છે.

TMCએ બંગાળની મહિલાઓનો હક છીનવી લીધો – PM મોદી

PM નરેન્દ્ર મોદીએ TMC પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું હતું કે TMC અને આ તમામ પક્ષોનો મહિલાવિરોધી ચહેરો ફરી એક વાર સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં સંસદમાં જે કંઈ થયું, તે તમે બધાએ જોયું છે. ભાજપ સરકાર 2029ની લોકસભા ચૂંટણીથી મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાનો પ્રસ્તાવ લઈને સંસદમાં આવી હતી, પરંતુ TMCએ તેના વિરુદ્ધ મતદાન કર્યું. TMCએ બંગાળની મહિલાઓનો હક છીનવી લીધો છે.

TMC ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે – PM મોદી

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મને બદલાવની એક લહેર મહિલાઓના નેતૃત્વમાં દેખાઈ રહી છે, કારણ કે આ અસંવેદનશીલ સરકારની સૌથી મોટી ભોગ બનેલી મહિલાઓ જ છે. RG કોલેજ  જેવી ઘટનાઓ દર્શાવે છે કે TMC બળાત્કારીઓ અને ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. અમારી માતાઓ અને દીકરીઓને જેમ પરેશાન કરવામાં આવી છે, તે મહિલાઓ ક્યારેય ભૂલશે નહીં.

શેરબજારમાં ભૂકંપ: બે દિવસમાં સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1600 પોઈન્ટનું ગાબડું પડ્યું છે અને નિફ્ટી 24,150 ના સ્તરની નીચે બંધ થયો છે. આ ઘટાડા માટે મુખ્યત્વે ઇરાન-ઇઝરાયેલ યુદ્ધનો તણાવ, કાચા તેલના ભાવમાં થયેલો વધારો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો જવાબદાર છે. નિષ્ણાતો હાલમાં રોકાણકારોને ગભરાટમાં આવીને વેચાણ કરવાને બદલે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં ટકી રહેવાની સલાહ આપી રહ્યા છે.

બજારમાં આ મોટા ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં વધી રહેલો યુદ્ધનો તણાવ છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક બજારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. રોકાણકારોને ડર છે કે જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે તો વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જેની સીધી અસર ભારતીય કંપનીઓના નફા પર પડી શકે છે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે અને પોતાના શેર વેચીને રોકડ સુરક્ષિત કરી રહ્યા છે.

યુદ્ધના તણાવની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલો તોતિંગ વધારો પણ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે. ભારત તેની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે, તેથી તેલ મોંઘું થવાથી દેશની વેપાર ખાધ વધવાની અને ફુગાવો (મોંઘવારી) વધવાની પ્રબળ શક્યતા છે. મોંઘવારી વધવાના ડરથી રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ કરી શકે છે, જે શેરબજાર માટે નકારાત્મક સંકેત માનવામાં આવે છે.

બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારતીય બજારમાંથી સતત તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરની વધતી જતી મજબૂતીને જોતા વિદેશી રોકાણકારો ઉભરતા બજારોમાંથી પૈસા કાઢીને સોના અથવા અમેરિકી બોન્ડ જેવા સુરક્ષિત સ્થાનો પર રોકાણ કરી રહ્યા છે. આ મોટા પાયે થઈ રહેલી વેચવાલીએ બજારમાં લિક્વિડિટીની અછત સર્જી છે, જેના કારણે બજાર રિકવર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.

રાજ્યમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, 6 શહેરમાં પારો 40°Cને પાર

અમદાવાદ: હવામાન વિભાગે 23થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. શહેરનું તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગ મુજબ ખાસ કરીને 26મી તારીખે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 26મી તારીખે તાપમાન 37થી 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.

22 એપ્રિલે અમદાવાદ સૌથી ગરમ

રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જોકે, 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સિસ્ટમનો દુરુપયોગઃ 410 કરોડ રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ

બેંગલુરુઃ શહેરમાંથી એક મોટો ટેક્સ ફ્રોડ કેસ સામે આવ્યો છે, જ્યાં કોમર્શિયલ ટેક્સ વિભાગે 410 કરોડ રૂપિયાના ફેક ઇન્વોઇસ કૌભાંડનો ખુલાસો કર્યો છે. આ મામલો GST સિસ્ટમના દુરુપયોગ સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે, જેમાં નકલી કંપનીઓ બનાવી મોટા પાયે ખોટાx બિલો જારી કરવામાં આવ્યાં હતાં.

અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ 102.5 કરોડ રૂપિયાનો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કર્યું હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વેપારીઓ ખરીદી પર ચૂકવેલા ટેક્સ સામે જે સમાયોજન મેળવી શકે તે રકમ, પરંતુ આ કેસમાં કોઈ વાસ્તવિક વેપાર કર્યા વગર ટેક્સનો લાભ લેવા પ્રયાસ થયો હતો.અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ નકલી સરનામાનો ઉપયોગ કર્યો હતો. એ સાથે-સાથે નકલી ભાડા કરાર અને લીઝ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી કાગળ પર કંપનીઓ સાચી લાગે. આ દસ્તાવેજોને આધારે GST નંબર મેળવવામાં આવ્યા હતા.

તપાસમાં એ પણ સામે આવ્યું કે અનેક શેલ ફર્મ્સ બનાવવામાં આવી હતી. તેમાં કેટલીક કંપનીઓ સોલ પ્રોપ્રાયટરશિપ તરીકે હતી, જ્યારે કેટલીક લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ફર્મ્સનો હેતુ માત્ર ફેક બિલ બનાવવાનો અને ટેક્સ સિસ્ટમનો ગેરલાભ લેવાનો હતો. આ રેકેટ ચલાવવા માટે અલગ-અલગ નામોથી ઘણાં બેંક ખાતાઓ પણ ખોલવામાં આવ્યાં હતાં. ચોંકાવનારી વાત એ રહી કે કેટલાંક ખાતાંઓમાં અન્ય લોકોના મોબાઇલ નંબર અને આધાર વિગતોનો ઉપયોગ થયો હતો. તેથી તપાસ એજન્સીઓને ઓળખ છુપાવવાનો પ્રયાસ થયાની શંકા છે.

આ ફેક વ્યવસાયમાં આયર્ન સ્ક્રેપ, સિમેન્ટ, સ્ટીલ રોડ, ઝિંક શીટ્સ અને પાઇપ જેવા માલ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે કાગળ પર ભારે ટ્રેડિંગ બતાવવામાં આવ્યું, પરંતુ હકીકતમાં માલ સપ્લાય થયો કે નહીં, તે તપાસનો વિષય છે.

અધિકારીઓએ જણાવ્યું કે નોટિસ જારી થતાં જ ઘણી કંપનીઓ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે શંકા વધુ ગાઢ બની છે કે આખું નેટવર્ક પહેલેથી જ આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવ્યું હતું.

 

410 કરોડના ફેક બિલ કૌભાંડ કેવી રીતે ચલાવવામાં આવ્યું?

  • નકલી સરનામા પર કંપનીઓ રજિસ્ટર કરવામાં આવી
  • નકલી ભાડા અને લીઝ કરારો જમા કરાયા
  • GST નંબર મેળવવામાં આવ્યા
  • ફેક ઇન્વોઇસ જારી કરાયા
  • 102.5 કરોડનો ટેક્સ ક્રેડિટ ક્લેમ કરાયો
  • નોટિસ આવતાં જ કંપનીઓ બંધ કરી દેવામાં આવી

FASTag યુઝર્સ સાવધાન! વાર્ષિક પાસના નામે ખાલી થઈ શકે છે બેંક ખાતું

NHAI એ FASTag એન્યુઅલ પાસ સાથે જોડાયેલા મોટા કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ઠગ લોકો નકલી વેબસાઇટ્સ બનાવીને અને ગૂગલ પર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ટોપ રિઝલ્ટમાં આવીને યુઝર્સને છેતરી રહ્યા છે. આ વેબસાઇટ્સ પર યુઝર્સ પાસેથી મોબાઈલ નંબર અને વાહનની વિગતો લઈને પેમેન્ટ કરાવાય છે, પરંતુ હકીકતમાં આ પૈસા સ્કેમર્સના ખાતામાં જાય છે. NHAI એ માત્ર ‘Rajmargyatra’ એપ અથવા સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપી છે અને કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા તાકીદ કરી છે.

આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વિશે વિગતે વાત કરીએ તો, સાયબર ગુનેગારો એવી વેબસાઇટ્સ તૈયાર કરે છે જે દેખાવમાં બિલકુલ NHAI કે સત્તાવાર FASTag પોર્ટલ જેવી જ લાગે છે. જ્યારે કોઈ યુઝર ગૂગલ પર ‘FASTag Annual Pass’ સર્ચ કરે છે, ત્યારે આ નકલી વેબસાઇટ્સ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) અને પેઇડ જાહેરાતોના કારણે સૌથી ઉપર દેખાય છે. યુઝર જ્યારે આ લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેની પાસેથી વાહનનો રજીસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર અને પેમેન્ટની વિગતો માંગવામાં આવે છે. પેમેન્ટ કર્યા પછી યુઝરને કોઈ કન્ફર્મેશન મળતું નથી અથવા તો નકલી રસીદ આપી દેવામાં આવે છે, જેના કારણે ટોલ પ્લાઝા પર પહોંચતી વખતે ખબર પડે છે કે તેમનો પાસ માન્ય નથી.

ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે. અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરીને હાઈવે યુઝર્સને નિશાન બનાવવાની આ રીત ખૂબ જ જોખમી છે. ઠગ લોકો યુઝર્સનો વિશ્વાસ જીતવા માટે પ્રોફેશનલ દેખાતા ઈન્ટરફેસનો ઉપયોગ કરે છે. ઘણીવાર યુઝર્સને આકર્ષક ઓફર્સ કે ડિસ્કાઉન્ટની લાલચ આપીને નકલી પોર્ટલ પર પેમેન્ટ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. એક નાની ભૂલ રોકાણકારો કે વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

NHAI એ આ સ્કેમથી બચવા માટે કેટલીક પાયાની સૂચનાઓ આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે FASTag સંબંધિત કોઈપણ સેવાનો લાભ લેવા માટે હંમેશા ‘Rajmargyatra’ જેવી સત્તાવાર એપનો જ ઉપયોગ કરવો જોઈએ. ઓનલાઈન સર્ચ કરતી વખતે ‘Sponsored’ લખેલી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ, કારણ કે મોટાભાગે ઠગ લોકો આ રીતે પોતાની નકલી વેબસાઇટને પ્રમોટ કરતા હોય છે. કોઈપણ પેમેન્ટ કરતા પહેલા વેબસાઈટના URL ની ચોકસાઈપૂર્વક તપાસ કરવી જોઈએ. જો URL માં કોઈ સ્પેલિંગ ભૂલ હોય કે તે અજુગતું લાગે, તો તરત જ સાવધ થઈ જવું જોઈએ.

વધુમાં, સુરક્ષા એજન્સીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં તમારો OTP, કાર્ડની વિગતો કે લોગિન ક્રિડેન્શિયલ્સ કોઈની પણ સાથે શેર કરવા જોઈએ નહીં. જો કોઈ વેબસાઈટ બિનજરૂરી પરમિશન માંગે અથવા શંકાસ્પદ લાગે, તો તરત જ તે ટેબ બંધ કરી દેવી જોઈએ. સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જોઈએ અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ. જાગૃતિ એ જ આ પ્રકારની ડિજિટલ લૂંટથી બચવાનો એકમાત્ર રસ્તો છે.

 

વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે રિફાઇનરી કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. જેને કારણે ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25થી રૂ. 28 સુધીનો વધારો થવાની શક્યતા છે. એવો સંકેત ઘરેલુ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સિસ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આપ્યો છે. કોટેકે ક્રૂડ ઓઇલના વાયદા બજાર (ફ્યુચર્સ) અને હાજર બજાર (ફિઝિકલ માર્કેટ) વચ્ચે વધતા અંતરને પણ દર્શાવ્યો છે. આ અંતર ઓઇલની સપ્લાયમાં સતત અછત અને નજીકના ભવિષ્યમાં રાહત મળવાની મર્યાદિત શક્યતા બતાવે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળાને કારણે દેશનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાતની માત્રામાં 13થી 15 ટકા ઘટાડો નોંધાયો છે. છતાં ક્રૂડ ઓઇલના આયાત બિલમાં અંદાજે દરરોજ 19થી 21 કરોડ ડોલરનો વધારો થયો છે.

રિપોર્ટ મુજબ કોટકનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો છતાં દેશમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોટકના જણાવ્યા મુજબ  આ પરિસ્થિતિને કારણે રિફાઇનરો પર આર્થિક બોજ વધ્યો છે, જેની અંદાજિત વધારાની અસર દર મહિને લગભગ રૂ. 270 અબજ જેટલો છે. જોકે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ. 10નો કાપ મૂક્યો છે અને નિકાસ પર ‘વિન્ડફોલ ટેક્સ’ ફરી લાગુ કર્યો છે, પરંતુ આ પગલાં માત્ર આંશિક રાહત પૂરું પાડે છે. ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શક્ય

કોટકે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના પક્ષમાં દલીલો ખૂબ મજબૂત છે. પરંતુ વધારો ક્યારે થશે, તે સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિઓ અને વિચારણાઓ પર આધારિત રહેશે. અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. તેથી ભાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થવાની શક્યતા છે.