ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હવે ‘ડેટા વોર’!

12

ઈરાને સમંદર નીચે બિછાવેલી સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ પર હુમલો કરવાની ધમકી આપી છે, જે વિશ્વના 95% ઈન્ટરનેટ ટ્રાફિકને નિયંત્રિત કરે છે. હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્ર (Red Sea) માંથી પસાર થતી આ કેબલ્સ એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડે છે. જો આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચશે તો ભારત સહિત વિશ્વભરમાં બેંકિંગ, ક્લાઉડ સર્વિસ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ખોરવાઈ શકે છે. ભારતનો 60% ઈન્ટરનેટ ટ્રાફિક આ જ માર્ગ પર નિર્ભર છે, જેના કારણે દેશમાં ઈન્ટરનેટની ઝડપમાં મોટો ઘટાડો થઈ શકે છે.

અત્યાર સુધી ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ તેલના કુવાઓ, માલવાહક જહાજો અને મિસાઈલ હુમલાઓ સુધી મર્યાદિત હતો. પરંતુ હવે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) સાથે જોડાયેલા મીડિયાએ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ નીચે રહેલા કેબલ નેટવર્કને હાઈલાઈટ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલના પરિવહન માટે જ નહીં, પણ ડિજિટલ દુનિયા માટે પણ એક મોટું ‘ચોકપોઈન્ટ’ છે. અહીંથી ડઝનબંધ ઈન્ટરનેશનલ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પસાર થાય છે, જે વૈશ્વિક ડેટા ટ્રાફિકની કરોડરજ્જુ સમાન છે.

વિશ્વના ઈન્ટરનેટનો અંદાજે 95% ડેટા આ અન્ડરસી કેબલ્સ દ્વારા જ વહન થાય છે. એકલા લાલ સમુદ્રમાં જ 15 થી 20 જેટલી મુખ્ય કેબલ્સ આવેલી છે. જો ઈરાન દ્વારા એકસાથે અનેક કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવે તો ઈન્ટરનેટની સ્પીડ અત્યંત ધીમી થઈ જશે, મોટી વેબસાઈટ્સ ડાઉન થઈ જશે અને ક્લાઉડ સ્ટોરેજ પર નિર્ભર કંપનીઓનું કામકાજ ઠપ્પ થઈ જશે. આનાથી માત્ર ઈન્ટરનેટ જ નહીં, પણ વૈશ્વિક અર્થતંત્રને પણ અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, કારણ કે આજના સમયમાં બેંકિંગ અને શેરબજાર સંપૂર્ણપણે આ જ નેટવર્ક પર ટકેલા છે.