Home Blog Page 1234

PM મોદીએ રોજગાર મેળામાં 71 હજાર એપોઇન્ટમેન્ટ લેટર વહેંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની સરકારે છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 10 લાખ યુવાનોને કાયમી સરકારી નોકરીઓ પ્રદાન કરી છે, જે તેમણે એક રેકોર્ડ હોવાનો દાવો કર્યો છે. રોજગાર મેળામાં ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રો આપતાં તેમણે કહ્યું હતું કે અગાઉ ક્યારેય કોઈ સરકારના કાર્યકાળ દરમિયાન આ પ્રકારના “મિશન મોડ”માં નોકરીઓ આપવામાં આવી નથી.

વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 45 સ્થળોએ આયોજિત રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને જોડાવા પત્રોનું વિતરણ કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારની નીતિઓ અને કાર્યક્રમોના કેન્દ્રમાં યુવા વસ્તી છે અને ભરતી પ્રક્રિયામાં પ્રમાણિકતા અને પારદર્શિતાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે.

રોજગાર મેળાને સંબોધતા PM એ એમ પણ કહ્યું કે ભરતી કરવામાં આવેલી મહિલાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે અને તેમની સરકારનો પ્રયાસ મહિલાઓને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે કહ્યું કે મહિલાઓ માટે 26 અઠવાડિયાની પ્રસૂતિ રજાની નીતિ તેમની કારકિર્દીમાં મદદરૂપ સાબિત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ બનેલા મકાનોની મોટાભાગની માલિકો મહિલાઓ છે.

પ્રદૂષિત શહેર, 100 કરોડનું કૌભાંડઃ ભાજપનું કેજરીવાલ વિરુદ્ધ આરોપપત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં શિયાળાની ઠંડી વચ્ચે રાજકીય ગરમાટો આવ્યો છે. દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી છે. ભાજપે દિલ્હી સરકાર, આપ પાર્ટીના સંયોજકની વિરુદ્ધ આરોપોની એક યાદી જારી કરી છે.  ભાજપના અનુરાગ ઠાકુર, દિલ્હી ભાજપપ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને અન્ય પાર્ટી નેતાઓએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ આ આરોપપત્ર જારી કર્યું છે. આ આરોપોનું લિસ્ટ દિલ્હી સરકાર અને કેજરીવાલ પર નિશાન સાધવામાં આવ્યું છે.

ભાજપના નેતાઓએ આરોપપત્રમાં જણાવ્યું છે કે આ પાર્ટીની સરકારમાં 1200થી વધુ AQI રહેવાને કારણે દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હી સરકારે રૂ. 100 કરોડનું લિકર કૌભાંડ કર્યું છે. દિલ્હીમાં રસ્તા, પીવાનું પાણી અને વીજપુરવઠાની ખસ્તા હાલત છે.

‘कान्हा तेरी यमुना काली हो गई, केजरीवाल के पाप धोते-धोते’, એમ જણાવતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ અને ખરાબ સિવેજ સિસ્ટમને કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે. એનાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થઈ રહી છે. પાણી પ્રદૂષિત છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપ સરકારની વિરુદ્ધ ભાજપ દ્વારા આરોપપત્ર જારી કરવા પર આપના વડા કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ પાસે ચૂંટણી લડવાનો કોઈ એજન્ડા નથી. ભાજપે દિલ્હીની જનતાને જણાવવું જોઈએ કે તેમણે દિલ્હીમાં પાંચ વર્ષમાં કેટલાં કામો કર્યાં. દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી છે. તેમની પાસે CMનો કોઈ ચહેરો નથી. હવે ચૂંટણી આવી હોવાથી તેઓ મારી વિરુદ્ધ ચાર્જશીટ જારી કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, બાળકોને છોડવું પડ્યું ઘર

હૈદરાબાદ: અલ્લુ અર્જુનના બાળકો અયાન અને અરહાને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં તેમના નિવાસસ્થાન પર હુમલાના કલાકો બાદ સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. 22 ડિસેમ્બર, રવિવારના રોજ ઓસ્માનિયા યુનિવર્સિટીના આઠ સભ્યો દ્વારા તેમના ઘરની તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુનનું પૂતળું બાળ્યું, છોડના વાસણો તોડ્યા અને વિરોધ કર્યો. જે બાદ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આઠ લોકોની ધરપકડ કરી હતી.

હુમલા સમયે અલ્લુ અર્જુન ઘરે ન હતો. હુમલા બાદ અભિનેતાના બાળકો અલ્લુ અરહા અને અલ્લુ અયાન ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોતાના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતા અલ્લુ અરવિંદે કહ્યું, “આજે અમારા ઘરે જે બન્યું તે બધાએ જોયું, પરંતુ હવે આપણે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાનો સમય છે. હું પ્રતિક્રિયા આપવાનો આ યોગ્ય સમય નથી માનતો. પોલીસે તોડફોડ કરનારની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અમારા ઘરની નજીક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ આવી ઘટનાઓને પ્રોત્સાહન ન આપે.આ સમય સંયમ રાખવાનો છે. કાનુન પોતાનું કામ કરશે.”

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી હતી અને પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હું ફિલ્મી હસ્તીઓના ઘરો પર થયેલા હુમલાની નિંદા કરું છું. હું રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવાનો આદેશ આપું છું. આ બાબતમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં.” વરિષ્ઠ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સંધ્યા થિયેટરની ઘટનાથી અસંતુષ્ટ પોલીસકર્મીઓ આ અંગે પ્રતિક્રિયા ન આપે.”

ગુજરાતમાં ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો, નલિયામાં ઠંડીનું જોર યથાવત્

રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. ગુજરાતના લગભગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતા કચ્છના નલિયામાં ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગતરોજ દિવસ દરમિયાન અને આજે વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે.

ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે છે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની પણ સંભાવના છે.

છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના નલિયામાં રાજ્યોનું સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે નલિયામાં ભેજનું પ્રમાણ 87% જેટલું નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય ચાર મહાનગરોમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ સુરતમાં ગાઢ ધુમ્મસ છવાયુ છે, સુરતમાં ઘુમ્મસની ચાદર પથ્થરાતા એર સેવા ઘણી અસર થતી જોવા મળી હતી. કેટલીક ફ્લાઈટો રદ કરવાની ફરજ પડી હતી, તો કેટલીક ફ્લાઈટોએ સમય મોડી ઉડાન ભરી હતી.

ઇરાનમાં અંધારપટઃ શોપિંગ મોલ, સ્કૂલ-કોલેજ, ઓફિસ બંધ

નવી દિલ્હીઃ ઇરાન હાલ ગંભીર વીજસંકટથી ઝઝૂમી રહ્યું છે. જેને પગલે ઇરાનમાં સરકારી ઓફિસ બંધ છે અથવા તો કામના કલાકો ઓછા કરી દેવામાં આવ્યા છે. એ સાથે સ્કૂલ, કોલેજ ઓનલાઇન જ ચાલુ છે. અહીં વીજ સંકટ એટલું ઘેરું છે કે નેશનલ હાઇવે અને શોપિંગ મોલ અંધારામાં ડૂબી ગયા છે અને ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટ્સની વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ છે.

રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને આ મહિને રાષ્ટ્ર સંબોધનમાં કહ્યું હતું કે આપણ ગેસ, વીજ, પાણી, પૈસા અને પર્યાવરણમાં બહુ ગંભીર અસંતુલનનો સામનો કરી રહ્યા છે. અમારે લોકોની માફી માગવી પડી રહી છે, કેમ કે એવી સ્થિતિ ઊભી થઈ છે કે એની લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇરાનની પાસે વિશ્વમાં કુદરતી ગેસ અને ક્રૂડનો સૌથી મોટો ભંડાર છે, તેમ છતાં એ સૌથી મોટા વીજ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, કેમ કે વર્ષોથી લાગેલા આર્થિક પ્રતિબંધ, જૂના માળખા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલા છે.

દેશને ચલાવવા માટે ગેસના જથ્થામાં આશરે પ્રતિદિન 350 મિલિયન ક્યુબિક મીટર ઘટાડો અને જેમ-જેમ તાપમાન ઘટતું જાય છે, માગ વધતી ગઈ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓને કહ્યું હતું કે સરકારની સામે બે જ વિકલ્પ હતા અથવા તો એ ઘરોમાં ગેસ સેવા બંધ કરી દે અથવા વીજ પ્લાન્ટને પુરવઠો બંધ કરે. શુક્રવાર સુધી 17 વીજ પ્લાન્ટ સંપૂર્ણપણ બંધ કરવામાં આવ્યા હતા અને માત્ર આંશિક રૂપે ચાલુ હતા.

 

 

 

અમિત શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ

અમદાવાદ: સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ભાષણથી દેશમાં ભરમાં વિરોધના વંટોળ છવાય ગયા છે. થોડા દિવસો પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરના નામ લેવા પર વિપક્ષે વિરોધ છેડ્યો હતો. જે બાદ નિવેદનને લઇને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની પ્રતિમાનો ખંડીત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે. વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PMJAY યોજનાની નવી SOP જાહેર, આરોગ્ય સેવાના ધોરણોમાં કડક સુધારા

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આરોગ્ય સહાય માટે સરકાર દ્વારા PMJAY યોજના અને આવી જે કેટલીક યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેમાં પણ ખ્યાતિ જોવી હોસ્પિટલો ગરીબ અને મધ્યવર્ગના લોકોના માધ્યમ બનાવી સરકારી તીજોરી ખાલી કરવા જેવા કાંડ કરવાની ઘટાના બનતી હોય છે. જેમાં માસૂમ લોકોને પોતાના જીવનો ભોગ આપવો પડે છે. ત્યારે હવે મોડી પર સરકારની ઉંઘ ઉડી હોય તેવું લાગી રહ્યું છે. ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનાની નવી ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. નવી SOPમાં આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલટાઈમ રાખવા પડશે. અગાઉ હ્રદયરોગના નિષ્ણાંત તબીબો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતાં. તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે. આ ઉપરાંત નવી SOPમાં ઈમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટીની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું પણ ફરજિયાત બનાવાયું છે. આ ઉપરાંત હ્રદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના ICU ફરજિયાત બનાવાયા છે. તો આ ICU સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી SOPમાં કરવામાં આવી છે. હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે. તે સિવાય હોસ્પિટલોએ ફૂલટાઈમ ફિઝીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ઈમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિીની CD પ્રિ-ઓથ સમયે અપલોડ કરવી પડશે. ઈમરજન્સીના કેસમાં CD-વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.

કેન્સરના દર્દીઓ માટે પણ SOPમાં વિવિધ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કેન્સરની વિવિધ સારવાર માટે રાજ્ય સરકારે બનાવી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્સરની સારવાર માટે TBC દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે. કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઑન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઈમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ) માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.

કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહીલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં NICU/SNCU (નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સટોલેશન કરવાનું રહેશે. આ ઉપરાંત THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.

UPના પીલીભીતમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ એનકાઉન્ટરમાં ઠાર

નવી દિલ્હીઃ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક પોલીસ ચોકી પરના હુમલાના આરોપી ત્રણ ખાલિસ્તાની આતંકવાદી ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. તેમની પાસેથી બે એકે 47 મળી આવી છે. તેમના નામ ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે અને તેમનો સંબંધ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ નામના પ્રતિબંધિત સંગઠનથી હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પંજાબ અને UP પોલીસે એક સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરી છે. એન્કાઉન્ટર જિલ્લાના પુરનપુર વિસ્તારમાં થયું છે.  આ આતંકવાદીઓએ પોલીસના વાહન પર પણ ફાયરિંગ કર્યું  હતું. વાહન પર બુલેટના નિશાન દેખાય છે. તે જ સમયે, સ્થળ પરથી એક બાઇક પણ મળી આવી છે.

UPના DGP પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે આ ત્રણે આતંકવાદીઓ જિલ્લામાં છુપાયા હોવાની સૂચના મળી હતી. ત્રણે આતંકવાદીઓ પર ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં સંડોવણીના આરોપ હતા.સરન્ડર કરવાનો ઇનકાર ક્યા પછી અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. ગોળી વાગ્યા પછી તેમને હોસ્પિટલમાં જવામાં આવ્યા હતા, પણ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યા હતા. પંજાબ અને UP પોલીસના સમન્વયથી ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા મળી છે.

National Farmers Day: કયા વડાપ્રધાનના સન્માનમાં ઉજવાય છે ખેડૂતોનો દિવસ?

નવી દિલ્હી: રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day)) દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આ દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક વિકાસમાં ખેડૂતોના યોગદાનને ઓળખવાનો અને તેમના કલ્યાણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ વર્ષના ખેડૂત દિવસની થીમ ખેડૂતોને ટકાઉ ખેતી માટે સશક્ત બનાવવાની છે.

ચૌધરી ચરણ સિંહઃ ખેડૂતોના મસીહા

ભારત રત્ન ચૌધરી ચરણ સિંહનો જન્મ 1902માં ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા ચરણ સિંહે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો અને તે પછી પણ તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે સતત સક્રિય રહ્યા હતા. તેમના કાર્યો અને નીતિઓએ તેમને ખેડૂતોના મસીહા તરીકે સ્થાપિત કર્યા. 1967માં પ્રથમ વખત ચરણ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. આ પહેલા તેમણે મંત્રી રહીને ઘણા વિભાગો સંભાળ્યા હતા. 1970માં ચરણ સિંહ ફરી એકવાર યુપીના મુખ્યમંત્રી બન્યા.

રાષ્ટ્રીય ખેડૂત દિવસનો ઇતિહાસ
દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day)ની ઉજવણી કરવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહે 1979 થી 1980 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ટૂંકો હોવા છતાં તેમણે ખેડૂતોના કલ્યાણ માટે ઘણી મહત્વની યોજનાઓ બનાવી. તેમની નીતિઓ કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા અને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ હતી. વર્ષ 2001માં, ભારત સરકારે ભૂતપૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહના સન્માનમાં 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day) તરીકે જાહેર કર્યો હતો.

ચૌધરી ચરણ સિંહનું યોગદાન
ચૌધરી ચરણ સિંહે ખેડૂતોના અધિકારોની સુરક્ષા માટે હંમેશા સંઘર્ષ કર્યો. 1978 માં તેમણે કિસાન ટ્રસ્ટની સ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સમાજને ન્યાયના મહત્વથી વાકેફ કરવાનો અને તેમને એક કરવાનો હતો. તેમના દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને કાર્યક્રમોએ માત્ર ખેડૂતોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો નથી પરંતુ ભારતીય કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા અને પ્રગતિનો માર્ગ પણ મોકળો કર્યો છે.

રાષ્ટ્રીય ખેડૂત દિવસનું મહત્વ
રાષ્ટ્રીય ખેડૂત દિવસનો ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતોના યોગદાનને ઓળખવાનો અને તેમના જીવનને સુધારવાના પ્રયાસો કરવાનો છે. આ દિવસે, દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખેડૂતોને નવી તકનીકો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે. આ દિવસ ખેડૂતોને તેમના પડકારો અને લક્ષ્યોની ચર્ચા કરવાની તક આપે છે. ઉપરાંત, ખેડૂતોના સંઘર્ષને સમજવા અને તેના ઉકેલો શોધવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવામાં સહાય પૂરી પાડવી એ પણ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

Pune Accident: નશામાં ધૂત ડ્રાઈવરે મજૂરોને કચડી નાખ્યા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

મુંબઈ: મહારાષ્ટ્રના પુણે (Pune Accident)માં રવિવારે મધ્યરાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ રોડ અકસ્માત વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા નવ લોકોને નશામાં ધૂત ડ્રાઈવરે પોતાની ટ્રકથી કચડી નાખ્યા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

Photo: IANS

પુણે (Pune Accident)ની આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. નવ લોકોમાંથી ત્રણના મોત થયા છે અને છ ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સસૂન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાઘોલીના કેસનંદ ફાટા વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે આ અકસ્માત થયો હતો જ્યાં એક ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં મૃતકોની ઓળખ વૈભવી પવાર (1), વૈભવ પવાર (2) અને વિશાલ પવાર (22) તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા તમામ મજૂર પરિવારો હતા જેઓ અમરાવતીથી અહીં આવ્યા હતા. જ્યારે આ તમામ લોકો રોડની બાજુની ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા ત્યારે એક નશામાં ધૂત ડમ્પર ચાલકે આ સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર છે.