મુંબઈ: બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ થોડા મહિના પહેલા જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ કપલે ‘દુઆ’ રાખ્યું છે. દુઆના જન્મથી જ આ કપલના ફેન્સ તેનો ચહેરો જોવા માટે ઉત્સાહિત છે. જોકે, કપલે હજુ સુધી દુઆનો ચહેરો જાહેર કર્યો નથી. પરંતુ દીપિકા અને રણવીરે પાપારાજીને પુત્રીને મળવા માટે આમંત્રિત કર્યા હતાં. વાસ્તવમાં દંપતીએ તેમની પુત્રી દુઆને મળવા માટે મીડિયાને તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. તેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નાતાલના આગલા દિવસે અમેરિકન એરલાઈન્સે તેની તમામ ફ્લાઈટ્સ થોડા સમય માટે રદ કરી હતી. તેનું કારણ ટેકનિકલ સમસ્યા હતી, જે હવે ઠીક કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સ્ટોપ દૂર કરવામાં આવ્યો છે. નાતાલના આગલા દિવસે ફ્લાઈટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરોને થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, જ્યારે ભૂલ આવી હતી, ત્યારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર એક નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સે તકનીકી ખામીને કારણે અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
તમામ ફ્લાઈટો બંધ થવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા. કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના વિચારો વ્યક્ત કર્યા. મુસાફરોએ જણાવ્યું કે તેમની ફ્લાઈટ એરપોર્ટ રનવે પર ફસાઈ ગઈ હતી. હવે તેમને પાછા ગેટ પર મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે કંપની દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું કે અમે આ સમસ્યાને વહેલી તકે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને એરલાઈન્સને પૂછ્યું કે તેઓને સમસ્યામાંથી ક્યારે રાહત મળશે. તેના પર કંપનીએ કહ્યું કે અમારી ટીમ હાલમાં સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. અમેરિકન એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ આવી છે. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ થતાં જ અમે તમને તમારા ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત રીતે લઈ જઈશું.
નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) એ ભાકરનું નામ ખેલ રત્ન માટે મોકલ્યું ન હતું, પરંતુ આ અંગેના વિવાદ બાદ હવે એસોસિએશને જ નામાંકન માટે રમત મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ખેલ મંત્રાલય પણ હવે મનુના નામાંકનની તૈયારી કરી રહ્યું છે. સરકાર મનુ ભાકરને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપી શકે છે.
જ્યારે બીજી બાજુ શૂટર મનુ ભાકરે મંગળવારે ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં તેનું નામ હોવાના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું, ‘હું માનું છું કે નોમિનેશન ફાઇલ કરતી વખતે કદાચ મારા તરફથી કોઈ ભૂલ થઈ ગઈ હતી, જેને સુધારવામાં આવી રહી છે.વધુમાં તેમણે કહ્યું, ‘હું એવોર્ડ માટે ઉત્સાહિત છું, પરંતુ તે મારું અંતિમ લક્ષ્ય નથી. હું મારા દેશ માટે વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રાલય કલમ 5.1 અને 5.2 હેઠળ મનુને નોમિનેટ કરી શકે છે. નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, જો ખેલાડી ખેલ રત્ન માટે આપવામાં આવેલી માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે, તો તે પોતે એવોર્ડ માટે પોતાનું નામ મોકલી શકે છે. આ સિવાય મંત્રાલય પાસે આવા 2 નામ મોકલવાની પણ સત્તા છે. ઉલ્લેખનિય છે કે, આને લઈ એક દિવસ પહેલા મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે નારાજગી વ્યક્ત કરી હતી.
મનુ ભાકરે પોતાની સોશિયલ મીડિયા એક્સ હેડલ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “હું કહેવા માગુ છું કે, રમતવીર તરીકે મારી ભૂમિકા મારા દેશ માટે ભજવવાની અને પ્રદર્શન કરવાની છે. હું માનું છું કે નોમિનેશન ફાઇલ કરતી વખતે મારા તરફથી કેટલીક ભૂલ થઈ હશે, જેને સુધારવામાં આવી રહી છે. હું પુરસ્કારો માટે ઉત્સાહિત છું, પરંતુ તે મારું અંતિમ લક્ષ્ય નથી. હું મારા દેશ માટે વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ.
એક દિવસ પહેલા મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે કહ્યું હતું કે ખેલ રત્ન એવોર્ડ માટે મનુની અવગણના કરવામાં આવી છે. તેમના નિવેદન બાદ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની નોમિનેશન લિસ્ટ વિવાદમાં આવી હતી. જેમાં મનુ ભાકરનું નામ આ યાદીમાં નહોતું. મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. તે 10 મીટર એર પિસ્તોલ ઈન્ડીવિજુઅલ અને મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેના બે મેડલ દમ પર ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.
અમદાવાદ: AMA(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન)ના જાપાન કેન્દ્રોએ ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરીને વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરેલ છે. જાપાન અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને પોષવા માટે AMA ખાતે પાંચ સમર્પિત પ્રવૃત્તિ કેન્દ્રો છે. જેમાં જાપાનીઝ ભાષા કેન્દ્ર, જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર, જાપાનીઝ ઝેન ગાર્ડન, KHS કાયઝેન એકેડેમી અને જાપાન કલ્ચરલ સેન્ટરનો સમાવેશ થાય છે.
AMAના પાંચ જાપાન સેન્ટરોની સફળતાથી પ્રેરિત, જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સના પ્રમોશન માટે, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન સાથે ભાગીદારીમાં AMA તેના છઠ્ઠા કેન્દ્ર ‘સુઝુકી-AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ના ઉદ્ઘાટન માટે ગર્વની લાગણી અનુભવે છે!‘સુઝુકી-AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ના આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે, શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના ગવર્નર યાસુતોમો સુઝુકી, ઔદ્યોગિક વિકાસ માટે શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી ડેલિગેશનના વડા મોરિયો સુગિયામા; હામામાત્સુ સિટીના મેયર યુસુકે નાકાનો; તોશીહિરો સુઝુકી, ડિરેક્ટર અને પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન; હિદેકી ડોમિચી, ભારતમાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત, ડિરેક્ટર, સુઝુકી મોટર કોર્પોરેશનના નેતૃત્વમાં શિઝુઓકા પ્રીફેક્ચરલ અને હમામાત્સુ સિટીના ૭૬ સભ્યોના જાપાની ગુડવિલ ડેલિગેશને ગુજરાતની મુલાકાત કરી હતી. આ ગુડવિલ ડેલીગેશનમાં શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના ૧૬ પ્રતિનિધિઓ; ૧૨ શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી સભ્યો; હામામાત્સુ સિટીના ૧૫ અધિકારીઓ; વ્યાપાર અને ઉદ્યોગના ૨૮ પ્રતિનિધિઓ; સુઝુકી મોટર કોર્પોરેશનના ૧૨ બિઝનેસ લીડર્સ અને જાપાની મીડિયા અને પ્રેસના પાંચ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે, AMAના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને અમદાવાદ, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલે મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર, અમદાવાદ અને હમામાત્સુ શહેર વચ્ચેના જોડાણનો પણ તેમણે પરિચય કરાવ્યો હતો. ગુજરાત અને શિઝુઓકા પાર્ટનરશીપ દિવસના ઐતિહાસિક પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં AMA અને સુઝુકી મોટર કોર્પોરેશન વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.AMAના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મયુર આર. શાહ (ચેરમેન, પ્રાર્થના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ)ના યોગદાનથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૨ના રોજ પ્રથમ પ્રવૃત્તિ કેન્દ્ર ‘પ્રાર્થના-AMA સેન્ટર ફોર કરિયર કાઉન્સેલિંગ એન્ડ વોકેશનલ ગાઇડન્સ’ની સ્થાપના કરવામાં આવી હતી. આટલા વર્ષોમાં, કોર્પોરેટ, સંસ્થાઓ અને વ્યક્તિઓના પરોપકારી સમર્થન અને યોગદાન સાથે AMA દ્રારા ૫૯ વિવિધ પ્રવૃત્તિ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. અમને ખૂબ આનંદ થાય છે કે સુઝુકી મોટર કોર્પોરેશન (જાપાન) સાથે ભાગીદારીમાં, AMA જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સને પ્રોત્સાહન આપવા માટે ‘સુઝુકી- AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ શરૂ કરી રહ્યા છીએ!”
ભારતમાં જાપાનના માનદ કોન્સલ અને આઈ.જે.એફ.એ. ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે જાપાનીઝ ભાષા કેન્દ્ર, જાપાનીઝ સાંસ્કૃતિક કેન્દ્ર, જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર, ઝેન ગાર્ડન અને કાયઝેન એકેડેમીની જેમ છઠ્ઠું જાપાનીઝ મેનેજમેન્ટ સેન્ટર બનશે તે ખૂબ જ આનંદની વાત છે. તેમણે ઉલ્લેખ કર્યો કે AMA અને આઈ.જે.એફ.એ. ગુજરાત માટે ખૂબ જ સંતોષની વાત છે કે તેમણે છેલ્લા સાત વર્ષ દરમિયાન બે સિસ્ટર સ્ટેટ્સ રિલેશનશિપ એટલે કે હ્યોગો-ગુજરાત અને શિઝુઓકા-ગુજરાત: અને બે સિસ્ટર સિટી રિલેશનશિપ એટલે કે કોબે-અમદાવાદ અને હમામાત્સુ-અમદાવાદને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશન આવ્યું છે કે જ્યાં સુઝુકી મોટરની શરુઆત થઇ હતી અને ઔઘોગિક ઈતિહાસમાં હામામાત્સુ શહેર એક આગવી ઓળખ ધરાવે છે. સુઝુકી મોટર (જાપાન), મારુતિ સુઝુકી (ભારત), સુઝુકી મોટર ગુજરાત બિઝનેસ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ છે. તોશીહિરો સુઝુકી (ડિરેક્ટર અને પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન) આ નવા કેન્દ્રના વિઝન પર સંબોધન કર્યું હતું અને રાજદૂત હિદેકી ડોમિચી (ભારતમાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત, સુઝુકી મોટર કોર્પોરેશનના ડિરેક્ટર); તાકાશી આરિયોશી (ભારતમાં જાપાનના દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન); હિરોયુકી કિશિદા (ચેરમેન, ધ શિઝુઓકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી); કાઓરુ સાઈતો (પ્રમુખ, હમામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)એ ભારત અને જાપાન વચ્ચેના દ્રિપક્ષીય સંબંધો અને સ્થાયી મિત્રતા પર સંબોધન કર્યું હતું.
હમામાત્સુ શહેરના માનનીય મેયર યુસુકે નાકાનોએ અમદાવાદ સાથે સિસ્ટર સિટી સંબંધો પર સંબોધન કર્યું; ઔદ્યોગિક વિકાસ પર શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી ડેલિગેશનના વડા મોરિયો સુગિયામાએ ઔદ્યોગિક વિકાસ અને દ્વિપક્ષીય વેપાર પર સંબોધન કર્યું. શિઝુઓકા પ્રીફેક્ચરલ સરકારના માનનીય ગવર્નર યાસુતોમો સુઝુકીએ ગુજરાત સાથે સિસ્ટર સ્ટેટ સંબંધો પર સંબોધન કર્યું. યતીન્દ્ર શર્મા (ચેરમેન, ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલ)એ સમાપન સંબોધન કર્યું હતું કરી અને પ્રતિનિધિમંડળનો આભાર માન્યો.
અમદાવાદ:ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંક ગિફ્ટ સિટીમાંથી ગોલ્ડ ફોરવર્ડ ડીલ હાથ ધરનારી પ્રથમ ઘરેલું બેંક બની ગઈ છે. વૈશ્વિક રીફાઇનર અને ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ધાતુના ઉત્પાદનોની ઉત્પાદનકર્તા અને ઔદ્યોગિક સેવાઓ પૂરી પાડનાર હિંદુસ્તાન પ્લેટિનમ પ્રા. લિ.ના સહયોગમાં HDFC બેંક ગિફ્ટ સિટી IBU દ્વારા આ ડીલ કરવામાં આવી હતી.નિયામકોએ ગોલ્ડ પ્રાઇસ એક્સપોઝર ધરાવતી ઑનશોર એન્ટિટીઓને ગિફ્ટ સિટી મારફતે તેમના જોખમોને સુરક્ષિત રાખવા માટે સક્ષમ બનાવી છે. HDFC બેંક ગિફ્ટ સિટીની બુલિયન ઇકોસિસ્ટમના વિકાસનો હિસ્સો બનવા માટે કટિબદ્ધ છે. ગિફ્ટ સિટીમાં આવેલી બેંકની IBU ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ના ટ્રેડિંગ અને ક્લીયરિંગ મેમ્બર તરીકે કામ કરે છે.આ પ્રસંગે વાત કરતાં HDFC બેંકના ટ્રેઝરીના ગ્રૂપ હેડ અરુપ રક્ષિતએ જણાવ્યું હતું કે, ‘આ સિદ્ધિ નવીન અને કાર્યક્ષમ નાણાકીય ઉપાયો પૂરાં પાડવા ગિફ્ટ સિટી દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો લાભ લેવા માટેની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. HDFC બેંક જેમ્સ અને જ્વેલરી સેક્ટર તેમજ વિવિધ ઔદ્યોગિક સેક્ટરોને તેમના જોખમોને કાર્યક્ષમ રીતે મેનેજ કરવા ખાસ તેમના માટે તૈયાર કરવામાં આવેલા હેજિંગના સોલ્યુશનો પૂરાં પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.’નોમિનેટ થયેલી એજન્સી HDFC બેંક IIBX પર સ્પેશિયલ કેટેગરી ક્લાયેન્ટ બનવાની દિશામાં અગ્રેસર છે અને તે હવે ગિફ્ટ સિટીમાંથી ગોલ્ડ અને સિલ્વર ફોરવર્ડ્સની સેવા પૂરી પાડી રહી છે.
પાર્થી, આ ઉનાળા વેકેશનમાં તો તારે રસોઈ કરતા તો શીખી જ જવું પડે, હવે બારમાં ધોરણમાં આવીશ. તને રસોઈ કરતા ન આવડે એ ન જ ચાલે. આ તો તારા મા-બાપે માથે ચડાવી છે. તારી ઉંમરે તો અમે આખા ઘરનું કામ એકલે હાથે કરતા. દાદીમાએ વગર વાંકે પાર્થીને લાંબુ લચક ભાષણ આપી દીધું. સાથે પુત્રવધુ જાનકીને પણ બોલવા લાગ્યા કે, હું જ્યારે જ્યારે અહીં રોકાવા આવું છું. ત્યારે તમારા લોકોના નવા જ નાટક જોવા મળે છે. પાર્થીને કામ કરતા શીખવાડો એ બરાબર કહેવાય, પણ સાથે અક્ષર પાસે ઘરના કામ કરાવવા યોગ્ય નથી. એ તો તાંબાનો લોટો છે, પાર્થીને પારકા ઘરે મોકલવાની જો એને કશું નહીં આવડે તો કુટુંબની આબરૂ જશે.
જાનકી સાસુમાની વાત મુંગા મોઢે સાંભળી રહી હતી, પરંતુ યોગેશથી ચૂપ ન રહેવાયું. એણે પોતાની મમ્મી સામે જોતા કહ્યું, કે હવે સમય બદલાયો છે. આજે દીકરી-દીકરા વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે. હું અને જાનકી બંને નોકરી કરીએ, માટે અમારા બંને બાળકો પોતાના કામ અને ઘરકામ જાતે કરે એ વધારે સારું. કાલે ઉઠીને અક્ષર બીજા શહેર કે દેશમાં અભ્યાસ કરવા જશે તો અમે એની પાછળ નથી જવાના. કામ શીખેલુ હશે તો એના જ કામમાં આવશે. તમે મને કોઈ કામ ન શીખવ્યું તો જાનકીને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. એ તો હવે હું એને મદદ કરતો થયો છું. હું ઇચ્છું છું કે મારો દીકરો પહેલેથી જ બધુ શીખે, જેથી એ કોઈના પર નિર્ભર ન રહે અને પત્નીને કામ કરવામાં મદદ પણ કરે.
જૂનવાણી વિચારના જશુબહેનને પુત્રની વાત અવગણી અને મનમાં જ બબડવા લાગ્યા કે, આ બધી મોટા શહેરની વાતો. દેખાદેખીએ બધુ કરે છે. દીકરા તે કોઈ દી’ ઘરકામ કરે? એ તો મરદની જાત, ઘરની બહાર કામ કરતા હારા લાગે ઘરની અંદર નહીં! યોગેશ અને પરિવાર આ બધું સાંભળી રહ્યા હતા, પણ કઈ બોલ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
સવાલ એ થાય કે શું ખરેખર દીકરાએ પણ દીકરીની જેમ જ ઘરના અને બહારના કામ શીખવા જરૂરી છે?
રીલ લાઈફ રીયલહોઈ શકે?
2016માં અર્જુન કપૂર અને કરીના કપૂરની ‘કી એન્ડ કા’ ફિલ્મ આવી હતી જેમાં અર્જુન કપૂરે લગ્ન પછી ઘર સંભાળવાનો નિર્ણય કર્યો. સામે કરીનાએ ઘરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બહુ સફળતા નહોતી મેળવી, પરંતુ સ્ટોરીનો વિષય ચર્ચાતો થયો. સમાજમાં મોટાભાગના લોકો આને રીલ લાઈફ કહી, જ્યારે ઘણા લોકો એમ પણ વિચારતા કે આવું જો રીયલમાં થાય તો ? એક પુરુષ ઘર સંભાળે એમાં વળી ખોટું શું છે?
આ વિશે વાત કરતા અમદાવાદના ફેમિલી કોર્ટના વકીલ અલ્પાબહેન જોગીચિત્રલેખા.કોમને કહે છે “અમેરિકા અને અન્ય દેશોમાં સમાજ અને ગૃહસ્થ જીવન વધુ સમાનતાવાદી બની ચૂક્યું છે, પરંતુ આપણા દેશમાં આધુનિકતા અને વિચારોમાં ફેરફાર થયો હોવા છતાં, સામાજિક મનોવૃત્તિમાં મોટાપાયે પરિવર્તન આવવું હજી બાકી છે. એક ફેમીલી કોર્ટના વકીલ તરીકે મેં ઘણી વખત આ વાતનો અનુભવ કર્યો છે કે જો એક મહિલા નોકરી કરે, તો પણ ઘરમાં રસોઈ બનાવવી, બાળકોની સંભાળ લેવી અને અન્ય ગૃહકામ કરવાની પ્રાથમિક જવાબદારી એના માથે જ રહે છે. હકીકતમાં, 90 ટકા પુરુષો ઘરના રોજિંદા કાર્યમાં પોતાની ભાગીદારી આપતા નથી. જો એ રસોઈ ન બનાવી શકે તો શાકભાજી તો કટીંગ કરે અથવા નાના કામમાં મદદરૂપ થઈ શકે. જો કે, એ માટે પણ તૈયાર નથી હોતા. જો એક દીકરાને નાની ઉંમરે ઘરના કામકાજ કરતા શીખવવામાં આવે, તો ભવિષ્યમાં એ પોતાની પત્નીને પણ મદદરૂપ થઈ શકે છે.”
આજના સમયની અગત્યની જરૂરિયાત છે
માતા-પિતા દીકરીને દરેક બાબતમાં સક્ષમ બનાવવાની જવાબદારી લે છે, એ જ રીતે દીકરાઓને પણ બેઝીક કૌશલ્ય શીખવવા જોઈએ. કામ કરવા માટે યોગ્ય મનોદશા અને કુશળતા બંને જરૂરી છે. દીકરાને એ સમજાવવા જોઈએ કે ઘરના કામકાજમાં મદદ કરવું એક ખોટું નથી પરંતુ પરિવાર પ્રત્યેની જવાબદારી છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા શિક્ષીકા હેમાંગીની હાર્દિક રાવલ કહે છે, “હું એ વાતથી સંપૂર્ણ સહમત છું કે દીકરાને ઘરના કામકાજમાં નિપુણ બનાવવા માટે પ્રેરિત કરવા આજના સમયની અગત્યની જરૂરિયાત છે. જે એમને જીવન કૌશલ્યમાં સક્ષમ બનાવે છે, સાથે જ એમના કેરિયરમાં પણ સહાયક બને છે. ઘરની મહિલાઓ કે દીકરીઓ હંમેશા ઘરના કામ સાથે નોકરીના દબાણને હસતા મોઢે સંભાળે છે, પણ એ ધીરજ અને સહનશક્તિનો અહેસાસ ઘણી વાર દીકરાઓને થતો નથી. એક સ્ત્રી પોતાનું ઘર, પરિવાર અને પ્રોફેશન ત્રણેયની જવાબદારી નિભાવે છે, તો એની અંદર એ શક્તિ અને સંઘર્ષ માટેની તૈયારી કેવી રીતે આવે છે, એની વેલ્યૂ અને એના મહત્વનો દીકરાઓને અહેસાસ કરાવવો જરૂરી છે. જ્યારે આ સમજણ વિકસસે, ત્યારે જ એક પુરૂષને સમજાય છે કે માત્ર કમાઈને લાવવું પૂરતું નથી, પરંતુ ઘરના કામમાં ભાગીદારી કરવી એ પણ સમાન રીતે અગત્યનું છે. દિકરાઓને આ મુદ્દે પ્રોત્સાહન આપવાથી તેઓ ઘરની મહિલાઓ સાથે વધુ સહાનુભૂતિ ભર્યો સંબંધ સ્થાપિત કરી શકે છે. સાથે જ એમનું મહત્વ વધુ સારી રીતે સમજી શકે છે. આ એક માત્ર પરિવાર માટે નહીં, પણ સમાજને વધુ સમાનતાવાદી બનાવવામાં પણ યોગદાન આપી શકે છે.”
નાની પણ મહત્વની શરૂઆત
મહિલાઓના શ્રમ અને નિષ્ઠાની કદર કરવી અને એમની સાથે કાર્યોમાં ભાગીદારી દાખવવી એ બદલાવનું પ્રથમ પગથિયું છે. આ એક નાની પણ મહત્વની શરૂઆત છે, જે દીકરાઓને આદરભાવ સાથે જીવન જીવવા માટે તૈયાર કરશે અને સમાજને વધુ સંવેદનશીલ બનાવશે.
કુકીંગ બેકિંગ ઇન્સ્ટીટ્યુટના ઓનર ઝલક જીગર મહેશ્વરીચિત્રલેખા.કોમને કહે છે કે “ઘર સંચાલન માત્ર મહિલાઓની જ જવાબદારી નથી. જો છોકરાઓ બેઝિક કામ શીખે, તો તેઓ પોતાનું જીવન સરળ બનાવે છે સાથે જ પરિવારને પણ મદદરૂપ બની શકે. આકાશી ક્ષિતિજ હાંસલ કરવા માંગતા યુવકો માટે આ કુશળતા જીવનમાં સ્વતંત્રતા અને સમર્થનનો આધાર સ્તંભ બની શકે છે. અમારે ત્યાં અનેક યુવાનો એવા છે જે કુકીંગ શીખવા માટે આવે છે. એ શીખે છે અને ઘરે જઈને બનાવે પણ છે. કમ સે કમ એ પોતાના બેઝીક કામ તો જાતે કરી શકે એટલું તો મેનેજ કરી જ લે છે.”
આજના સમયમાં, દીકરીને પગભર થવા માટે શિક્ષિત કરવાનું મહત્વ છે, એ જ રીતે દીકરાને પણ ઘરકામમાં પણ નિપુણ બનાવવું જરૂરી છે. જેમ આપણે દીકરીને બધુ શીખવીએ છીએ, એવી જ રીતે દીકરાને પણ ઘરકામના તત્વો શીખવવા જોઈએ. જે સમાનતાના વિચારોને પ્રોત્સાહન આપવાની સાથે પરિવાર અને સમાજમાં સમરસતાનું નિર્માણ કરશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જેના પર લગભગ તમામ ભારત અને પાકિસ્તાનની નજર હશે તેવો ભારત પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીમાં દુબઈમાં મેચ રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. આપને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.
ભરુચ: દર વર્ષે દહેજ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી ખેડૂતો સાથે કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી બે અલગ-અલગ કાર્યક્રમો સાથે કરવામાં આવી. જેમાં ખેડૂતોને તાલીમ અને ખેતી વિકાસની સહાય એ.કે.આર.એસ.પી., નેત્રંગ, તાલુકા ખેતીવાડી વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવી હતી. આ બે કાર્યક્રમમાં લગભગ 300 સક્રિય ખેડૂતોએ લીધો હતો. જેમાં ૭૦ જેટલી મહિલા ખેડૂત પણ હાજર હતી. શેરડીના પાકમાં આધુનિકતા અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ વિશેની તાલીમ કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક લલીત પાટીલએ આપી હતી. કે.વી.કે. દ્વારા ખેડૂતને બિયારણ, સેપ્લિંગ અને પાકના ઈન્પુટ વિતરિત કરાયા હતા.અદાણી ફાઉન્ડેશન દ્વારા આગાખાન સંસ્થા સાથે મળીને ખેડૂતોને જૈવિક ખેતીની તાલીમ નિષ્ણાત રમણીકભાઈએ આપી હતી. જૈવિકિ ખેતી વિકસાવવા માટે જરૂરી એવા જીવામૃત, વિજામૃત, જૈવિક કોમ્પોસ્ટ વગેરેને બનાવવાની રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી. હાજર ખેડૂતોને 24000 જેટલા શાકભાજીના નાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનકડા કવચિયા ગામના જય અંબે સખી મંડળના 10 સભ્યોને વર્મીકોમ્પોસ્ટ બનાવવામાં માટે જરૂરી બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેજના અદાણી ફાઉન્ડેશન સી.એસ.આર. હેડ ઉષાબેન મિશ્રા, AKRSPના નિતેશભાઈ અને તેમની ટીમ, FPO પ્રમુખ જસવંતભાઈ વસાવા, નેત્રંગના ગ્રામ સેવક, ભરતભાઇ વસાવા હાજર રહ્યા હતા. કિસાન દિન નિમિત્તે ખેડૂતોને કિસાન દિવસનું મહત્વ, કૃષિમાં નવા-નવા સંશોધનો તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વગેરે પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી.
બ્રિક્સમાં સભ્ય પદ મેળવવાની અપેક્ષા રાખતાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના આકરા વિરોધના કારણે પાકિસ્તાનને બ્રિક્સમાં સભ્ય પદ મળ્યું નથી. સૂત્રોની માહિતી પ્રમાણે પાકિસ્તાનને પાર્ટનર કંટ્રીની યાદીમાં પણ સ્થાન મળ્યું નથી. બીજી તરફ તુર્કેઈને બ્રિક્સ પાર્ટનર કંટ્રીની યાદીમાં સામેલ કરાયો છે. રશિયાએ હાલમાં જ 13 નવા પાર્ટનર દેશોની જાહેરાત કરી છે.
રશિયાએ હાલમાં જ 13 નવા પાર્ટનર દેશોની જાહેરાત કરી છે જેમાં અલ્જિરિયા, બેલારૂસ, બોલિવિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલૅન્ડ, તુર્કેઈ, યુગાન્ડા, નાઈજિરિયા, ઉઝ્બેકિસ્તાન અને વિયેતનામનો સામેલ થાય છે. આ દેશ 1 જાન્યુઆરી, 2025થી બ્રિક્સના પાર્ટનર કંટ્રી બનશે. પાકિસ્તાન જે ચીન અને રશિયાના સમર્થનથી બ્રિક્સમાં સ્થાન મેળવવા માગતું હતું તેને આ યાદીમાં સામેલ કરાયું નથી. કાશ્મીર મુદ્દે તુર્કેઈના રાષ્ટ્રપતિ રેચેપ તેયપ એર્ડોગનના વલણમાં ફેરફારના કારણે ભારતે તુર્કેઈની દાવેદારીનો વિરોધ કર્યો ન હતો. પાકિસ્તાનનો બ્રિક્સમાં સામેલ થવાનો પ્રયાસ ભારતના આકરા વલણથી નિષ્ફળ રહ્યો. તુર્કેઈના રાજકીય પરિબળોમાં અનુકૂળતા અને રણનીતિમાં ફેરફારના કારણે બ્રિક્સમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાને પોતાના રાજકીય પ્રયાસો પર પુનઃવિચાર કરવો પડશે. પાકિસ્તાનની આ નિષ્ફળતાની તેના જ દેશમાં આકરી ટીકા થઈ રહી છે. વિદેશી બાબતોના નિષ્ણાત મરિયાના બાબરે તેને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની “સંપૂર્ણ નિષ્ફળતા” ગણાવી હતી. તેમણે કહ્યું કે નાઈજીરિયા જેવા દેશે પણ પાકિસ્તાન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને બ્રિક્સ પાર્ટનર દેશ બન્યો. બ્રિક્સના નવા સભ્ય દેશોને સામેલ કરવા માટે તમામ સ્થાપક સભ્યોની સંમતિ જરૂરી છે. ભારતે પાકિસ્તાનના દાવાનો જોરદાર વિરોધ કર્યો હતો, જેના કારણે તેના માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે, ચીન અને રશિયાએ પાકિસ્તાનને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ: પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લાં આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. જેનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપની (FPC)ની ઉપસ્થિતિ પણ છે.
બનાસ FPCની યાત્રા એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે ખેડૂત જૂથો ગ્રામીણ પરિવર્તન, સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશક્તીકરણને આગળ વધારી શકે છે. તેમની સફળતા કૃષિને મજબૂત કરવા અને મજબૂત કૃષિ સમુદાયોના નિર્માણ માટે એક ઉદાહરણની ગરજ સારે છે. તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસિસ દ્વારા FPO ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત ‘FPO ઇમ્પેક્ટ એવોર્ડ 2024’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા વધારવામાં બનાસ FPCની પરિવર્તનકારી ભૂમિકાને ઉજાગર છે.રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિકાસની પહેલના ભાગરૂપે એપ્રિલ 2016માં શરૂ કરાયેલી બનાસ FPC સિંચાઈ, યાંત્રિકીકરણ, ટકાઉ ખેતી અને બજારની પહોંચ સહિતના કૃષિ ક્ષેત્રના નિર્ણાયક પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. આ FPC ખેડૂતોને વેલ્યૂ ચેઇનમાં ઉચ્ચતમ કિંમતો મેળવવા માટે, વધુ સારી કિંમતો સુનિશ્ચિત કરવા, સમયસર પેમેન્ટ મેળવવા અને સરળતાથી કૃષિ સંબંધિક સહાય મેળવવા માટે સમર્થ બનાવે છે. તેના ચેરમેન અને જીરુના ખેડૂત કરસનભાઈ જાડેજા બનાસની વૃદ્ધિની સફરમાં આગેવાનની ભૂમિકામાં છે. તેઓ આગામી દાયકામાં બનાસ FPC રૂ. 100 કરોડનું ટર્નઓવર હાંસલ કરતી સંસ્થા બને તેવી ઇચ્છા રાખે છે. પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય લાવવાની સાથે-સાથે તેની પોતાની રિટેલ બ્રાન્ડ ‘ચોરાડ’ સ્થાપિત કરવા અને આગામી પાંચ વર્ષમાં જીરુના નિકાસ બજારમાં પ્રવેશવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે.
બનાસ FPC 2100થી વધુ શેરધારકો (400થી વધુ મહિલાઓ સહિત) અને રૂ. 30 લાખની પેઇડ-અપ ઇક્વિટી સાથે નાણાકીય વર્ષ 2023-24માં મુખ્યત્વે જીરું, એરંડા અને અન્ય ઉત્પાદનોના વેચાણ અને પ્રોસેસિંગ થકી રૂ.7.4 કરોડની આવક હાંસલ કરી હતી. તેમાં કૃષિ વિષયક સહાયની સાથે ખેડૂતોને કૃષિને લગતા સાધનો ભાડે આપીને, ડ્રોનથી સ્પ્રે કરીને, ખેતરની માટીનું ટેસ્ટિંગ કરીને તથા આઇ.ઓ.ટી. સાધનોનો ઉપયોગ કરીને કૃષિ વિષયક સ્થાનિક માહિતી જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2018-19માં શરૂ થયેલો તેનો જીરુ પ્રોસેસિંગ બિઝનેસ રૂ.8 લાખથી વધીને રૂ. 3.25 કરોડનો થયો છે અને તે ખેડૂતોને સ્થાનિક વેપારીઓ કરતાં સારા ભાવ આપે છે. ખેડૂતોને ખાતરીપૂર્વકની ચૂકવણી, પારદર્શક વજન અને પરવડે તેવી ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ મળવાથી ફાયદો થાય છે અને તેનાથી ઉપજમાં 30 ટકાનો વધારો થાય છે.બનાસ FPCને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ માર્ગદર્શન, જોડાણો અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી. હવે તે આ પ્રદેશમાં અન્ય છ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીઓ માટે માર્ગદર્શકની ભૂમિકામાં પરિવર્તિત થઈ છે. તે તેમને બજાર જોડાણો, સંચાલન અને કામગીરીમાં મદદ કરે છે. નાબાર્ડના FPC પ્રમોશન પ્રોગ્રામ હેઠળ આમાંથી બે FPCને બનાસ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. બનાસ અને આ છ FPC હવે સાથે મળીને એક ફેડરેશન બનાવી રહી છે, જે 100 ગામડાઓમાં 4,000થી વધુ ખેડૂતોને સામૂહિક રીતે મદદ કરે છે. નાણાકીય વર્ષ 2023-24માં તેમનું સંયુક્ત ટર્નઓવર રૂ.23 કરોડ થવા જાય છે. બનાસ દ્વારા માર્ગદર્શન પામેલી FPCને ખેડૂતોના સશક્તીકરણ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ સન્માનિત કરવામાં આવી છે.
બનાસ તેના ફાર્મર્સ ડેટાબેઝ અને પોઈન્ટ-ઓફ-સેલ સિસ્ટમને ડિજિટાઈઝ કરીને ખેડૂતોને સમયસર, જરૂર મુજબની વ્યક્તિગત સલાહ માટે કૃષિ વિષયક પરિસ્થિતિઓની રિયલ ટાઇમ માહિતી પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ મસાલાના ખેડૂતોની ઉપજને સુનિશ્ચિત કરતી બંડલ્ડ કસ્ટમ-મેઇડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ સાથે સેટેલાઇટ આધારિત એગ્રો એડવાઇઝરી આપવા માટે એગ્રી-ટેક સ્ટાર્ટ-અપ સાથે પણ જોડાણ કર્યું છે.ખેડૂત સમુદાયના સન્માન માટે દર વર્ષે 23મી ડિસેમ્બરે ઉજવાતા આ કિસાન દિવસ નિમિત્તે ફાર્મર્સ પ્રોડ્યૂસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓસ)ના સમર્પિત સમર્થન અને માર્ગદર્શન દ્વારા ખેડૂતોને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન નાના ખેડૂતો અને ખેડૂત સમુદાયોને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.