
દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનું કયું સ્થાન?
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં તે 3 સ્થાન ઘટીને 96મા નંબર પર આવી ગયો છે. 2023માં ભારત 93મા નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.
પાડોશી દેશોની સ્થિતિ શું છે?
પાડોશી દેશ ચીન 76માં નંબર પર છે. 2 વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. તે 133મા સ્થાનેથી 135મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા 121મા અને બાંગ્લાદેશ 149મા ક્રમે છે.
ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન (180) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.
2023માં ભારત કયા ક્રમે હતું?
મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો સ્કોર 38 રાખવામાં આવ્યો છે. આ સ્કોર 2023માં 39 અને 2022માં 40 હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત 3 સ્થાન નીચે આવી ગયું છે. વર્ષોથી વૈશ્વિક સરેરાશ 43 રહી છે. જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ 50થી નીચેનો સ્કોર કર્યો છે.
કેવી રીતે થાય છે નક્કી?
આ ઇન્ડેક્સ માટે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના નિષ્ણાતો દરેક દેશના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું મૂલ્યાંકન કરે છે. આ પછી દરેક દેશને 0 થી 100 વચ્ચેનો સ્કોર આપવામાં આવે છે. જે દેશમાં જેટલો ભ્રષ્ટાચાર છે તેટલો ઓછો સ્કોર આપવામાં આવે છે. તેના આધારે ઇન્ડેક્સમાં રેન્કિંગ નક્કી થાય છે.
બ્રેડ વિનાની સેન્ડવિચ
બ્રેડનો ઉપયોગ કર્યા વગર પણ રવાની સેન્ડવિચ બની શકે છે!

સામગ્રીઃ
- બારીક રવો 1 કપ
- રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- કોથમીર સમારેલી 1 કપ
- તેલ
- લીલા મરચાં 2
- ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- બાફેલા લીલા વટાણા ½ કપ
- હળદર ¼ ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન
- બાફેલા બટેટા 3
- પનીર 100 ગ્રામ
- બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન
રીતઃ એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ તેમજ 1 ટી.સ્પૂન સમારેલી કોથમીર 1 મિનિટ માટે સાંતળીને 1 કપ પાણી નાખીને ઉકળવા માટે મૂકો. પાણી ઉકળે એટલે તેમાં રવો ઉમેરી દો. જો જાડો રવો હોય તો પાણી 1 ½ કપ લેવું. ગેસની આંચ ધીમી કરીને તવેથા વડે મિશ્રણ હલાવતા રહો. જ્યાં સુધી તે ઘટ્ટ લોટની જેમ બંધાઈ ના જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને કઢાઈ ઢાંકીને 5 મિનિટ રહેવા દો.
બીજા ગેસ ઉપર ફ્રાઈ પેનમાં 2 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરી લીલા મરચાં સમારીને ઉમેરો. ત્યારબાદ ખમણેલું આદુ નાખીને 2 મિનિટ સાંતળીને ધાણાજીરૂ પાઉડર, લાલ મરચાં પાઉડર, હળદર સાંતળીને બાફેલા વટાણા, મકાઈના દાણા ઉમેરી દો. બાફેલા બટેટાનો છૂંદો કરીને ઉમેરો સાથે ગરમ મસાલો, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. પનીરના નાના ચોરસ ટુકડા કરીને ઉમેરીને 3-4 મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો.
રવાનું પૂરણ લઈ તેમાંથી મોટો ગોળો લઈ પાટલા ઉપર તેલ ચોપળીને સહેજ જાડો વણી લો. આ મોટા રોટલામાંથી વાટકી વડે ગોળાકાર પૂરી કટ કરી લો. આ પૂરી સહેજ જાડી હોવી જોઈએ. આ પુરી ઉપર ચપ્પૂ વડે ચોરસ કાપા પાડીને એકબાજુએ ડિઝાઈન કરી શકાય છે.
પૂરીની ડિઝાઈનવાળો ભાગ બહારની બાજુએ રાખી, અંદરના ભાગમાં બટેટાનું પૂરણ લગાડીને ઉપર બીજી પૂરી ઢાંકી દો. આ રીતે બધી પૂરી તૈયાર કરીને સેન્ડવિચ તૈયાર કરી લો.
એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને તેમાં આવે તેટલી સેન્ડવિચ ઉમેરી દો. ગેસની મધ્યમ આંચે સેન્ડવિચ બંને બાજુએથી ગોલ્ડન રંગની શેલો ફ્રાઈ કરી લો.
તૈયાર સેન્ડવિચ ટોમેટો કેચ-અપ કે ચટણી સાથે પીરસો.

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું
પ્રયાગરાજ: મુકેશ અંબાણીએ તેમના માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રિલાયન્સ ગ્રુપના વડા એવા મુકેશ અંબાણીએ માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે તેમના સાસુ પૂર્ણિમાબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા.
અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમસ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી. તે પછી, મુકેશ અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે. આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે.
‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે અન્ન સેવા, વ્યાપક આરોગ્ય સુવિધાઓ, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.
જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટમાં રમી શકશે કે નહીં તે અંગે એક મોટી અપડેટ આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન સપ્રિત બુમરાહ ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે જ સમયે, બુમરાહે તાજેતરમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી હતી જેથી તે તેની પીઠનું સ્કેન કરાવી શકે. પરંતુ ભારતનો આ મોટો મેચ વિજેતા ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરવાનો નથી.
🚨 NEWS 🚨
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
— BCCI (@BCCI) February 11, 2025
બુમરાહ તેની પીઠની ઇજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી
ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ હજુ સુધી તેની પીઠની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. બેંગલુરુમાં કરવામાં આવેલા બુમરાહના સ્કેન દરમિયાન કંઈ અસામાન્ય જણાયું ન હતું, પરંતુ તે હજુ બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. એવી શક્યતા છે કે તે થોડા અઠવાડિયામાં દોડવાનું શરૂ કરશે અને તે પછી તે ધીમે ધીમે બોલિંગ શરૂ કરશે. ત્યાં સુધી BCCI મેડિકલ ટીમ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમની પ્રગતિનું નિરીક્ષણ કરશે.
ટીમ ઈન્ડિયાને ટીમમાં ફેરફાર કરવો પડ્યો
તમને જણાવી દઈએ કે, 18 જાન્યુઆરીએ જાહેર કરાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે BCCI એ ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવા પડ્યા છે. બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં બુમરાહના બેક-અપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ શ્રેણી દરમિયાન હર્ષિત રાણાએ પણ પોતાનો વનડે ડેબ્યૂ કર્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
નોન ટ્રાવેલિંગ રિઝર્વ્સ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે.
દિલ્હી સરકાર હવે 16 ફેબ્રુઆરી પછી રચાશે
રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, સંસદ ભવનમાં એક કલાક ચાલેલી આ બેઠકમાં નવી સરકાર અને મંત્રીમંડળની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા બાદ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે દિલ્હી સરકાર હવે 16 ફેબ્રુઆરી પછી રચાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ધારાસભ્ય પક્ષની બેઠક થશે, જેમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.

દિલ્હીના નવા ચૂંટાયેલા 10 ધારાસભ્યોએ બેઠક યોજી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે બપોરે દિલ્હીના 10 નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક સંસદ ભવનમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ધારાસભ્ય અનિલ શર્મા, શિખા રાય, સતીશ ઉપાધ્યાય, અરવિંદર સિંહ લવલી, વિજેન્દ્ર ગુપ્તા, અજય મહાવર, રેખા ગુપ્તા, ડૉ. અનિલ ગોયલ, કપિલ મિશ્રા, કુલવંત રાણા હાજર રહ્યા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આમાંથી કેટલાક લોકોને નવી સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.

ભાજપે કુલ 70 માંથી 48 બેઠકો જીતી
ભાજપે રાજધાનીની 70 માંથી 48 બેઠકો જીતી છે. AAP ફક્ત 22 બેઠકો પર સમેટાઈ ગઈ. ભાજપ સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે, ત્યારે AAP હવે વિપક્ષના નેતાની પસંદગીમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે AAPમાં આ માટે 4 નામોની ચર્ચા થઈ રહી છે. AAP એવા ચહેરાને વિપક્ષના નેતા બનાવવાનું વિચારી રહી છે, જે ગૃહમાં ભાજપને જોરદાર જવાબ આપી શકે.
સુપ્રીમ કોર્ટનો ઈવીએમ પર મહત્વનો આદેશ, ડેટા ડિલિટ-રિલોડ પર પ્રતિબંધ
નવી દીલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નવી નીતિ ઘડવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચ મહત્વના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા જણાવ્યું કે, ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલિટ અને રિલોડ ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે મત ગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે.

જણાવી દઈએ કે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કોર્ટમાં ઈવીએમના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જજ દિપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીપંચને કહ્યું કે, ‘ઈવીએમનો કોઈપણ ડેટા ડિલિટ કરશો નહીં. તેમજ તેને રિ-લોડ પણ કરશો નહીં. તેની ચકાસણી કરવા દો. તેમજ ચૂંટણી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા સમજાવતો રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરવા આદેશ છે.’ એડીઆર વતી હાજર એડવોકેટ પ્રશાંત ભુષણે જણાવ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ECI એ જે પ્રક્રિયા અપનાવવાની જરૂર છે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોય. અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ EVM ના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે જેથી તે જોઈ શકે કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં. ચૂંટણી પંચને ઈવીએમની મેમરી તથા ગાઈડલાઈન્સ રજૂ કરવાની અરજી કરી છે. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચના અધ્યક્ષ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે, “એકવાર મત ગણતરી થઈ જાય, પછી શું પેપર ટ્રેલ ત્યાં જ હોય કે તેને બહાર કાઢવામાં આવશે?” જેનો જવાબ આપતાં ભૂષણે કહ્યું કે, ઈવીએમને પણ સાચવવાનું હોય છે, જેથી કદાચ પેપર ટ્રેલ તેમાં જ હોવુ જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશને અનુસરતા કહ્યું કે, “અમે નથી ઈચ્છતા કે, મત ગણતરી દરમિયાન કોઈ ખલેલ પડે (અગાઉના આદેશ દ્વારા). બીજી તરફ અમે ઇચ્છતા હતા કે જો કોઈને શંકા હોય તો એન્જિનિયરિંગની મદદથી જાણી શકાય કે, તેમાં ચેડાં થયા છે કે નહીં.
જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે IED બ્લાસ્ટ, બે જવાન શહીદ, એકની સ્થિતિ ગંભીર
જમ્મૂ-ક્શમિરમાં LOC પાસે IED બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે જવાન શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે એક જુવાન ગંભીર હાલત હોવાનું પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. આ બ્લાસ્ટ લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ થયો હતો. જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની ટીમ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. તેનાથી ત્રણ સૈનિકો ઘાયલ થયા. માહિતી મળતા જ, વધારાના સૈન્ય દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ ગયા બાદ, આતંકવાદીઓ માટે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
મનોજ બાજપેયી અને ઈમ્તિયાઝ અલીએ રણવીર અલ્હાબાદિયા વિવાદ પર શું કહ્યુ?
મુંબઈ: રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે વિવાદ થયો છે. આ અંગે ઘણી સેલિબ્રિટીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહી છે. આ સંદર્ભમાં, ઇમ્તિયાઝ અલીએ એમ પણ કહ્યું છે કે તેમની ભૂલોને ગંભીરતાથી ન લો.

ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતા ઇમ્તિયાઝ અલી અને મનોજ બાજપેયીએ રણવીર અલ્હાબાદિયા વિવાદ પર પ્રતિક્રિયા આપી, જેમાં મનોજે કહ્યું કે આ બધું કરીને તમને ખૂબ જ ઝડપથી સફળતા મળે છે, પરંતુ તેને જાળવી રાખવા માટે આપણે એવા પ્રયાસ કરવા પડશે કે જેથી તમે તે સફળતાનો આનંદ માણી શકો. બધા યુવાનોએ માહોલને ધ્યાનમાં રાખીને કાર્યો કરવા જોઈએ.
ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે તે હજુ પરિપક્વ નથી. આપણે તેની ભૂલોને અવગણવી જોઈએ. સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે જે પણ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે તે લાંબો સમય ટકતું નથી. ઇમ્તિયાઝે પણ મનોજ બાજપેયીના વિચારોને સમર્થન આપ્યું હતું.
View this post on Instagram
વિવાદ શેના વિશે હતો?
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ નામનો શો ચલાવે છે. આ શોમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે, તેઓ સ્પર્ધકોને જજ કરે છે અને તેમના પર ટિપ્પણી પણ કરે છે. તાજેતરમાં, સમય રૈનાના શોમાં જજ તરીકે આવેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ એક વિવાદાસ્પદ અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ કમેન્ટ કરવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી
રણવીર અલ્હાબાદિયાના શોમાં વાંધાજનક ટિપ્પણીને કારણે વિવાદ વધ્યો હતો, જેના માટે રણવીરે સોમવારે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માંગી છે.


