
કાશ પટેલને વ્હાઇટ હાઉસે બોલિવુડ સ્ટાઈલમાં આપી શુભકામના
અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના અને વિશ્વાસુ સહયોગીઓમાં સામેલ ભારતીય મૂળના કાશ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના નવા ડાયરેક્ટર બની ગયા છે. તેમની નિમણૂક પર સેનેટની મોહર લાગી ચૂકી છે. કાશ પટેલના FBI ડાયરેક્ટર બનવા પર વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ તેમને બોલિવૂડ સ્ટાઈલમાં શુભકામનાઓ આપી છે. શુભકામના આપવાનો આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Congratulations to the new Director of the FBI, @Kash_Patel! pic.twitter.com/JsANV0s9cP
— Dan Scavino (@Scavino47) February 20, 2025
બોલિવૂડ સ્ટાઈલમાં આપી શુભકામનાઓ
સ્કેવિનોએ બોલિવૂડ મૂવી ‘બાજીરાવ મસ્તાની’ ના ગીત ‘મલ્હારી’ની એક ડાન્સ ક્લિપ એક્સ પર શેર કરી છે. આ ક્લિપમાં એક્ટર રણવીર સિંહના ચહેરાને કાશ પટેલના ચહેરાથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. તે ‘દુશ્મન કી દેખો વાટ લાવલી’ ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું આ સોન્ગ ખૂબ જ એનર્જેટિક, દુશ્મનને પડકાર આપનારું અને જોશ ભરનારું છે. રણવીર સિંહે આ ગીતમાં ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો. વિડીયો ક્લિપમાં કાશ પટેલ પણ આ ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે.
ખાસ અંદાજમાં શુભકામનાઓ
વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ આ વિડીયો ક્લિપને શેર કરીને ખૂબ જ ખાસ અંદાજમાં કાશ પટેલને FBIના નવા ડાયરેક્ટર બનવાની શુભકામનાઓ આપી. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 47 સેકન્ડની આ વિડીયો ક્લિપને અત્યાર સુધી 30 લાખથી વધુ વખત જોઈ ચૂકાયો છે અને 10,000 થી વધુ લાઈક પણ મળી ચૂકી છે.
રાજકોટ CCTV કાંડ: 2000થી વધુ વીડિયો હેક કરાયેલા હોવાનો ખુલાસો, ત્રણ આરોપી ઝડપાયા
રાજકોટની પાયલ મેટરનેટી હોસ્પિટલના CCTV હેકિંગ કાંડમાં મોટા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની સંયુક્ત તપાસમાં બહાર આવ્યું છે કે આ કિસ્સામાં દેશવ્યાપી ગેરકાયદેસર નેટવર્ક કામ કરી રહ્યું હતું. હેક કરાયેલા સીસીટીવી ફૂટેજ ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી.
પોલીસ તપાસ દરમિયાન માહિતી મળી છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી સંકળાયેલા ત્રણ આરોપીઓ – પ્રજ્વલ તૈલી (લાતુર), પ્રજ પાટીલ (સાંગલી) અને ચંદ્રપ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) – આ કૌભાંડમાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા હતા. તેઓ હેક કરાયેલા વીડિયો રૂ. 800 થી 4000 સુધીના રેટમાં વેચતા હતા.

8 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર નેટવર્ક
સીસીટીવી હેકિંગના આ કિસ્સામાં મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલીએ છેલ્લા 8 મહિનામાં આશરે 10 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ હોસ્પિટલ ઉપરાંત બસ સ્ટેન્ડ, પાર્લર અને નદીના સ્નાન સ્થળો જેવા સ્થળોના CCTV કેમેરા પણ હેક કર્યા હતા. પોલીસની તપાસમાં વધુ ખુલાસા થયા છે કે આરોપીઓ પાસે 22 અલગ-અલગ પ્રકારના વીડિયો હતા અને યુટ્યુબ-ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ ચલાવીને ગ્રાહકો પાસેથી પૈસા લેતા હતા. પ્રીમિયમ ગ્રુપ માટે વધુ પૈસા વસુલવામાં આવતા હતા.
વિદેશી હેકર્સની સંડોવણી
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ કિસ્સામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની ટેકનિકલ મદદ મળી હતી. હેકિંગ માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી અને વધુ તપાસ
આ મામલાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ અલગ-અલગ ટીમો બનાવીને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હાર્ડ ડિસ્ક, મોબાઇલ, લેપટોપ અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોના સંપર્કોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને ડિજિટલ સુરક્ષાને લગતા પગલાં લેવા અનુરોધ કર્યો છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓની રક્તદાનની પ્રતિજ્ઞા
અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના વારસાને માન આપવા માટે એકત્ર થયા હતા. ઇન્દ્રવદન મોદીએ સુલભ, સસ્તા આરોગ્યસંભાળની અડગ પ્રતિબદ્ધતા સાથે કેડિલા ફાર્માસ્યુટિકલ્સનું નિર્માણ કર્યું છે. તેમનો વારસો આજે પણ કંપનીના મૂલ્યો અને મિશનને આકાર આપીને પ્રેરણા આપે છે.
ઇન્દ્રવદન મોદીના મજબૂત દ્રષ્ટિકોણને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સે એક મહત્વપૂર્ણ રક્તદાન પહેલનું આયોજન કર્યું. સંસ્થાના કર્મચારીઓએ આ હેતુ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ રક્તદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી. એકતાનું આ શક્તિશાળી પ્રદર્શન માત્ર એક ઔપચારિક કાર્ય નહોતુ. પરંતુ કર્મચારીઓ દ્વારા અન્ય લોકોના કલ્યાણ માટે નિઃસ્વાર્થપણે યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ હતી, જે ઇન્દ્રવદન મોદીના જીવનમાં કરુણા, સેવા અને માનવતાના મૂલ્યોને સમર્થન આપ્યું હતું, તેને પ્રતિબિંબિત કરે છે.
રક્તદાન ઝુંબેશ એક સામૂહિક પ્રતિબદ્ધતા હતી, જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓએ કંપનીના સ્થાપકના માનમાં રક્તદાન કરવાનો નિર્ણય લીધો હતો. રક્તદાન કરવું તે કંપનીના વ્યાપક મિશનનું પ્રતીક છે – જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઇન્દ્રવદન મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને, વ્યવસાયિક ઉદ્દેશ્યોથી આગળ વધીને અસરકારક કાર્યો દ્વારા માનવ સેવા કરવાનું છે.
આ પહેલ દ્વારા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દાન, કરુણા અને સામાજિક જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને તેમના સ્થાપકના વારસાને માન આપવાનું ચાલુ રાખશે. આરોગ્ય પરિણામો સુધારવા માટે કંપનીનું સમર્પણ પ્રયોગશાળા અને ઉત્પાદન રેખાઓથી આગળ છે, તેમની સેવા સમુદાયોને સક્રિયપણે આકાર આપે છે.
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ત્રણ પુસ્તકોનું વિમોચન
નડિયાદ: સાચા અર્થમાં ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્થાન આપતાં 34 વર્ષથી વિદેશ-સ્થિત રેખા પટેલના વધુ ત્રણ પુસ્તકોનું વિમોચન વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયું. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને સર્જક ડૉ. બળવંતભાઈ જાની, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સંગીત અને સૂરોના સર્જક અરવિંદભાઈ બારોટ, દેવલ શાસ્ત્રી તથા મારુલબેન પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત હતા. મઝાના ભાવકો અને તેમના પતિ વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિ તેમની માટે ખૂબ અગત્યની હતી.
કાર્યક્રમને દીપકભાઈએ સંચાલિત કર્યો હતો. શરુવાતમાં રેખાબેનેનાં સહપાઠી દેવલભાઈ શાસ્ત્રીએ તેમના સંસ્મરણો સાથે લેખનયાત્રાને બિરદાવી. અરવિંદભાઈ બારોટે જ્યારે તેમના પુસ્તક ‘બંધ ડ્રોવર’ વિશે વાત કરતાં જણાવ્યું કે આ લઘુનવલ વાંચતા છ વખત તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ખુબ ભાવપૂર્ણ અને હ્ર્દયસ્પર્શી લખાણ છે.
આ વાત રેખાબેન માટે ખુબ સન્માનીય હતી. સાહિત્યના શબ્દ, વિચાર અને પ્રસ્તુતિ વિશે વાત કરતા વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું હતું કે આ લેખિકા ગુજરાતી સાહિત્યના કપાળ પરની સુંદર બિંદી છે, જે હજુ વધુ શોભિત થશે.
બલવંતભાઈ જાનીએ રેખાબેનના લખાણને તેમની લઘુવાર્તાના પુસ્તક ‘સંવેદનાનું સિમકાર્ડ’ને સાચા અર્થમાં માઈક્રોફિક્સન વાર્તાઓ ગણાવી હતી અને એક ડાયસ્પોરા લેખિકા અને પરદેશમાં માતૃભાષાને ટકાવી રાખનાર લેખકોની યાદીમાં મૂકી સમ્માન આપ્યું હતું.
આજકાલના ઢગલાબંધ કાર્યાક્રમોની વચ્ચે વ્યસ્ત રહેતા ભાષાને સમર્પિત લેખકો સાથે રેખાબેન માટે આ પ્રસંગ અંગત અને સહજ છતાં ખાસ હતો. તેમના જણાવ્યાં પ્રમાણે એક સ્ત્રીને જાહેરમાં પોતાના વિશે કંઈ બોલવાની વાત એટલે, દીકરી અને પત્ની પછી પોતાની અલગ ઓળખાણ હોવાનો ખુબસુરત અહેસાસ. તેમના પરિવારમાં કોઈએ લેખક કે પત્રકાર તરીકે પોતાની ઓળખ ઉભી કરી નથી. ત્યાં પહેલાના નવ અને આજે ત્રણ એમ કુલ ૧૨ પુસ્તકો તેમના નામે પબ્લીશ થયા છે. માત્ર લેખન પ્રવૃત્તિને કારણે પ્રથમ કવિયત્રી અને પછી લેખક તરીકેની અલગ પહેચાન મળી છે. જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વ્યતીત થયો હોવા છતાં તેમના ભારતીય મૂળિયાં હજુ છુટ્યા નથી. આજ કારણે તેમના લખાણોમાં બે દેશની ભેગી સંસ્કૃતિનું મિશ્રણ વાંચવા મળશે.
ખેડા જિલ્લાનાં નાનકડાં ગામ વાલવોડમાં જન્મ થયો અને ઉછેર ભાદરણમાં થયો હતો. ગામના જીવનમાં બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો. પતિ વિનોદનો સાથ, સરળ અને પ્રેમાળ રહ્યો છે, જેના કારણે જીવન ખુબ સુખી અને સમૃદ્ધ છે. જેની પોઝિટિવ અસર તેમના લખાણોમાં જણાય છે. બે વર્ષ પહેલા “અજાણ્યો હમસફર અને ધુમ્મસનાં ફૂલ” એજ જગ્યા ઉપર ફરી ત્રણ પુસ્તકો મનીષભાઈ અને તેમના ઝેડકેડ ગ્રુપ સાથે પબ્લીશ થયા.
પ્રથમ પુસ્તક “જીવનના રંગ અનેક”
જેમાં ૩૯ લેખો જેમાં માનવ જીવનની પ્રગટ-અપ્રગટ એવી અગણિત લાગણીઓના વહેણને નાના દાખલાઓ સાથે લખાણને સરળતાથી સમજી શકાય તેવો હકારાત્મકત પ્રયત્ન કરેલો છે.
બીજું પુસ્તક “સંવેદનાનું સીમકાર્ડ”
જેમાં માનવીય જીવનની અલગ અલગ સંવેદનાઓ અને વિચારોનું પ્રતિબિંબ આપતું 58 ટૂંકી વાર્તાઓનું પુસ્તક છે. જીવનની અસંખ્ય પળોને જેમ કેમેરાના નાનકડાં સીમકાર્ડમાં સમાવી લેવાય છે. તેમ ટૂંકી વાર્તાઓ સ્વરૂપે જીવનની અને આસપાસના બનાવોના ચડાવ-ઉતારને, પ્રેમ અને લાગણીઓના વ્યક્ત-અવ્યક્ત સ્પંદનોને માર્મિક અંત સાથે ટૂંકાણમાં વાંચકો સમક્ષ મુકવાનો પ્રયાસ રહેલો છે. આ વાર્તાઓમાં અમેરિકન અને ભારતીય કલ્ચરનું મિશ્રણ જોવા મળશે.
ત્રીજી અને સાવ અલગ એવી લઘુનવલ “બંધ ડ્રોવર”
આ લઘુનવલમાં શબ્દોથી વ્યક્ત થવા ટળવતી લાગણીઓથી ભરચક ભરાયેલી બે ડાયરીની અધુરી દાસ્તાં છે. બે ડાયરીની વ્યક્ત-અવ્યક્ત લાગણીઓને તારીખોના પાને-પાને કંડારવાનો નવીન એક પ્રયત્ન કર્યો છે. બંધ ડ્રોવર એ માત્ર એક વાર્તા નથી, પરંતુ એ નાયકનું આત્મમંથન છે. જેમાં દરેક વાંચકને તેમના દિલના ખૂણાને ફંફોસવા માટે મજબૂર કરી શકે છે. લાગણીઓને ઘૂંટી-ઘૂંટીને લખાયેલી આ લઘુનવલ ચોક્કસ હજારો સ્પદંન જગાવશે, તેની રેખા પટેલને ખાતરી છે.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ST વિભાગનું વિશેષ આયોજન
અમદાવાદ: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતા ST વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા રેગ્યુલર ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવવાનું આયોજન કર્યું છે. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન વધારાની બસો દોડશે તેવી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

રાજ્યમાં અગામી 27 ફેબ્રુઆરી થી 10 માર્ચ દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.



રાજ્ય નણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત આ બજેટ રજૂ કર્યુ છે. ગુજરાત સરકાર દ્વારા 3.70 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું રજૂ કરવામાં આવ્યું છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનના GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન આ બજેટમાં કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 
“2025-26નું બજેટ સમાજના દરેક ક્ષેત્રના લોકો માટે સંતોષકારક આપવામાં આવ્યું છે. સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે આ બજેટમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્વચ્છ હવા માટેની પહેલો, આઈ.ટી.આઈ.માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ‘ઘરનું ઘર’ માટે સબસિડીમાં વધારો કરવાની જાહેરાતથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. વડોદરાની વાત કરીએ તો, સરકારે વર્કિંગ વિમન્સ હોસ્ટેલ, મેડિસિટી બનાવવાની અને એરપોર્ટના વિકાસ માટેની યોજના જાહેર કરી છે. ખાસ કરીને, કમિશનરેટ ઑફ સર્વિસીસની રચનાથી સેવા ક્ષેત્રને ફાયદો થશે. સરકારે આ બજેટમાં તમામ લોકોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રનો સમાવેશ કર્યો છે.”
“વડોદરામાં વર્કિંગ વિમન્સ હોસ્ટેલ સ્થાપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ નિર્ણયથી અનેક મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થશે, જેઓ નોકરી માટે વિવિધ રાજ્યોમાંથી આવે છે. બીજું, તેમને યોગ્ય રેન્ટલ હાઉસિંગ મળશે, જે તેમને એક સમુદાય બનાવવામાં મદદ કરશે અને કોમ્યુનિકેશન સરળ બનાવશે. આ હોસ્ટેલથી તેઓ સરળતાથી ટાઈમ મેનેજમેન્ટ કરી શકશે અને તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે.”
“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26નું ચોથું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું કુલ કદ 3 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું છે, જે ગયા વર્ષની તુલનામાં 21.8% વધુ છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને નાના ઘરો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત MSME હબ તરીકે વિકસી રહ્યું છે અને તેની પ્રગતિ માટે સરકાર દ્વારા ₹2 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. સંકલિત રીતે જોવામાં આવે તો, આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
“ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ખરેખર ઐતિહાસિક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. કુલ ₹3.70 લાખ કરોડના આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, મહિલા વિકાસ અને ખેડૂત કલ્યાણ જેવાં ક્ષેત્રો માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે. હું ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરું છું અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે અહીં પહેલીવાર ‘ક્લાઈમેટ ચેન્જ’ વિભાગની રચના કરવામાં આવી છે. આ બજેટમાં પર્યાવરણ અને હવામાન પરિવર્તન માટે ફાળવણી કરવામાં આવી છે, જે એક ઉત્તમ પગલું છે. હું આ ઐતિહાસિક બજેટ માટે સમગ્ર સરકારને અભિનંદન પાઠવું છું.”
“જનસુખાકારી દ્વારા વિકસિત ગુજરાતનું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું છે. આ બજેટની અંદર ગુજરાતના તમામ શહેરીજનો, ગ્રામીણજનો અને આદિવાસીઓને, યુવાનો અને મહિલાઓને આવરી લેતું આ બજેટ છે. મુખ્ય જોગવાઈઓની જો વાત કરવામાં આવે તો એમાં, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપવામાં આવતી છૂટ છે. જેમાં અત્યાર સુધી ₹1 લાખ 20 હજારની સબસીડી આપવામાં આવતી હતી, તે વધારીને ₹1 લાખ 70 હજાર કરવામાં આવી છે. એટલે કે ₹50 હજારનો વધારો કરવામાં આવ્યો છે. આદિવાસી કલ્યાણ માટે આ વર્ષે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ₹30 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી. એના માધ્યમથી શિક્ષણ, રોજગારી અને લોકકલ્યાણના કામો થશે. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની જાહેરાત કરવામાં આવી. રાજ્યના સાગરકિનારાના વિસ્તારોને શહેરો સાથે જોડતો આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બનશે. કૃષિક્ષેત્ર માટે પણ લગભગ ₹1,612 કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. આવનારું ભવિષ્ય જે બાળકોમાં છે, એ બાળકોના પોષણ માટે પણ લગભગ ગત વર્ષના બજેટ કરતા 25% જેટલી માતબર રકમનો વધારો કરીને ₹8,460 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.”
“ગુજરાત બજેટ 2025-2026 ટેક્સટાઇલ સેક્ટર અને એમ.એસ.એમ.ઈ.ને સુદ્રઢ બનાવશે છે. જે રોજગારી અને આર્થિક વિકાસના મુખ્ય ચાલકબળો છે. ગુજરાત ટેક્સટાઇલ પૉલિસી હેઠળ રૂ. 2,000 કરોડની જોગવાઈ તથા આ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 3,600 કરોડની ફાળવણી બિઝનેસની સ્પર્ધાત્મકતાને વધારશે, રોકાણને આકર્ષશે અને રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પી.એમ. મિત્ર પાર્ક હેઠળ નવસારીમાં રૉ વૉટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે રૂ. 300 કરોડની સહાય એ આ સેક્ટર માટે સુદ્રઢ આંતરમાળખાનું નિર્માણ કરવા બીજું એક આવકારદાયક પગલું છે. આ પગલાં અગ્રણી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.
“ગુજરાત બજેટમાં હોમ લોન ધારકો અને નાના ઉદ્યોગસાહસિકો પાસેથી હાલમાં 1 કરોડ સુધીની લોન રકમ માટે ‘મોર્ટગેજ ડીડી’ પર 0.25%ના દરે મહત્તમ 25000 રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે, જે ઘટાડીને 5000 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વર્ષથી ઓછા સમયગાળાના લીઝ ડીડી પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવે છે. જેના બદલ હવે રહેણાંક મિલકતો માટે 500 રૂપિયા અને કોમર્શિયલ મિલકતો માટે 1,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવશે. વધુમાં, મોર્ટગેજ ડીડીની નોંધણી, મોર્ટગેજ ડીડીની પુનઃપ્રાપ્તિ, લીઝ ડીડી વગેરે માટે ઈ-રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આનાથી સબ રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લેવાની જરૂરિયાત ટાળી શકાશે. જેનાથી નાગરિકો અને નાના વેપારીઓનો સમય અને શક્તિનો બચાવ થશે. આ વર્ષે બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. આ સંસ્થા સુવ્યવસ્થિત માનવ સંસાધનો અને નવી ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં સુધારો કરીને સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં સુધારો કરવાનું કાર્ય કરશે.”

