મુંબઈ-અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. આ કામને લઈ અમદાવાદમાં બે મહત્વાના બ્રિજ પર વાહનની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરીથી મણિનગરના નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ બંધ કરાયો હતો, જ્યારે 22 ફેબ્રુઆરીથી અસારવા બ્રિજ પણ એક મહિના માટે બંધ રહેશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે અમદાવાદના મહત્વના ગણાતા એવા બે બ્રિજ પર થોડા સમય માટે વાહનોની અવર જવાર રોક લગાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજ 28 ફેબ્રુઆરી, 2025 સુધી બંધ રહેશે. તો અસારવા બ્રિજ એક મહિના સુધી બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાથી શેહરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની સંભાવના સેવાય રહી છે. જેને લઈ ટ્રાફિક તંત્રએ વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શહેરના બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.
રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ PM મોદીના કાર્યકાળના અંત સુધી જ ચાલશે. ડિસેમ્બર 2018માં તેઓ RBIના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા અને 10 ડિસેમ્બર 2024એ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. આ નવા પદે, શક્તિકાંત દાસ મુખ્ય સચિવ-1 પી. કે. મિશ્રા સાથે કામ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે નિમણૂંક સમિતિએ તેમની PM સચિવ-2 તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે.
IAS કરિયર અને પ્રભાવી ભૂમિકા
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ મૂળ તમિલનાડુ કેડરના છે. 67 વર્ષીય શક્તિકાંત દાસ 1980ની બેચના IAS અધિકારી છે. તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની છે અને દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકારમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી છે, જેમાં આર્થિક મામલાના સચિવ, ફાઇનાન્સ સચિવ અને ખાતર સચિવ (Fertilizer Secretary) તરીકેની ભૂમિકાઓ શામેલ છે. તેમની આર્થિક નીતિઓમાંની વિશેષતા અને પ્રશાસનિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, મોદી સરકાર દ્વારા તેમને આ મહત્વપૂર્ણ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.
રાજકોટ: રેલનગર વિસ્તારમાં આવેલા એક મેદાનમાં આજે ઋષિવંશી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ વહેલી સવારે વર અને કન્યા પક્ષના લોકો આવી ગયા પણ આયોજકો ન આવતા વરઘોડિયા રઝળી પડ્યાની ઘટના સામે આવી છે.
28 યુગલોના સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. મંડપ નાખી દેવામાં આવ્યા હતા. તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. સવારે વર અને કન્યા પક્ષના લોકો તૈયાર થઈને આવી ગયા પણ આયોજકો જ ફરક્યા નહી. આયોજકોના ફોન લાગતા ન હતા. દોડાદોડી થઈ પડી.
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલાક યુગલો તૈયાર હતા તેમના લગ્ન કરાવવા ભૂદેવને પોલીસે બોલાવ્યા. પોલીસે હવે આયોજકોની ભૂમિકામાં આવી આ મામલે તપાસ હાથ ધરી છે.
વર-કન્યા પક્ષના લોકોના કહેવા મુજબ આયોજકોએ દરેક પાસે 15 થી 20 હજાર રૂપિયા લીધા છે. આમ મોટી રકમ ઉઘરાવી આયોજકો છુ થઈ જતા. પોલીસે તપાસ હાથ ધરી છે. એક આયોજક તબિયત સારી ન હોય તેમ કહીને હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ ઘટનાએ ભારે રમૂજ સાથે વર અને કન્યા પક્ષના લોકોને દોડતા કરી દીધા છે. કેટલાક કોંગ્રેસ આગેવાનો પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. કેટલાક તો લીલા તોરણે પાછા ગયા છે.
મુંબઈ: ફિલ્મ છાવા ઘણા સમયથી મોટા પડધા પર ધૂમ મચાવી રહી છે. વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની દમદાર એક્ટિંગ પર લક્ષ્મણ ઉતેકરના ડારેક્શને ફિલ્મ પર ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મ છાવાથી માત્ર દર્શકો જ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મરાઠા સમાજના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર સંભાજી મહારાજના જીવન પર બની છે. જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લડાઈ લડી અને પોતાનું બલિદાન આપ્યું હતું.
21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તાજેતરમાં વિક્કી કૌશલની રિલીઝ થયેલી છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’ના પણ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેમણે મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી સિનેમાને પણ નવી ઊંચાઈઓ આપી છે અને હાલમાં ફિલ્મ ‘છાવા’ તો ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની વીરતાનો પરિચય આ સ્વરૂપમાં શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે.’
નવી દિલ્હી: જે.એસ.ડબલ્યુ. ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15મા એ.આઇ.એમ.એ. મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ‘બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ સન્માન જે.એસ.ડબલ્યુ. ગ્રૂપને એક વૈશ્વિક સમૂહમાં વિસ્તારિત કરવામાં તેમના પરિવર્તનકારી નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે.આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અતિથિ વિશેષ ચકીતે વાણિજ્ય અને ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી જિતેન પ્રસાદ હાજર રહ્યા હતા. સજ્જન જિંદાલને આપવામાં આવેલું પ્રશસ્તિ પત્ર કે.પી.એમ.જી. ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યેજદી નાગપુરેવાલાએ વાંચ્યું હતું.
આ એવોર્ડ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પહેલ સાથે જે.એસ.ડબલ્યુ. ગ્રૂપને જોડવામાં સજ્જન જિંદાલની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતીય પોર્ટ સેક્ટરમાં બીજા ક્રમની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી. તેમજ આંતરરાષ્ટ્રીય ભાગીદારીના માધ્યમથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને સૈન્ય ડ્રોન સહિતના ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (એ.આઇ.એમ.એ.) મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સ ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરે છે..
તાજેતરમાં જે પદ્મ એવોર્ડ્ઝ જાહેર થયા તેમાં ગુજરાતના લવજીભાઈ પરમારનું નામ પદ્મશ્રી માટે જાહેર કરવામાં આવ્યું છે. ‘ટાંગલિયા’ હસ્તકળામાં નોંધપાત્ર યોગદાન બદલ એમની પસંદગી થઈ છે. લવજીભાઈ અને તેમનો પરિવાર સુરેન્દ્રનગરના વઢવાણમાં રહે છે. લવજીભાઈના દાદાજી, તેમના પિતાજી પણ ‘ટાંગલિયા’ હસ્તકળા સાથે જોડાયેલા હતા. આ જ હસ્તકળાને જીવંત રાખવાનું બિરૂદ લવજીભાઈએ ઉપાડ્યું હતું. છેલ્લાં ચાલીસેક વર્ષથી તેઓ ‘ટાંગલિયા’ હસ્તકળા સાથે જોડાયેલા છે. આજે લવજીભાઈના પત્ની જીવુબેન, ત્રણ પુત્રો મુકેશ, અનિલ, દિનેશ અને પુત્રવધુઓ પણ આ હસ્તકળા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં આ GI ટેગ ધરાવતી કળા લવજીભાઈએ તેમની દીકરી દક્ષાને અને પૌત્રીને પણ શીખવી છે.
તો, આવો આજે ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આપણે લવજીભાઈ પાસેથી આ કળા અને તેને જીવંત રાખવાના તેમના પ્રયાસો વિશે જાણીએ…
ચિત્રલેખા.કોમ: આપને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે, ત્યારે આ વિશે આપનું શું કહેવું છે?
લવજીભાઈ પરમાર: મેં આઠ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મારા પિતાજી, મારા દાદાજી આ કળા સાથે જોડાયેલા હતા. તે સમયે આજના જેવાં ઓટોમેટિક મશીનો ન હતા. જૂના સમયની શાળ રહેતી. જેના પર શાળાએથી પાછા આવ્યા બાદ હું વણાટ કામ કરવા માટે બેસતો હતો, એમ કહેવાય કે દાણો પાડવા માટે બેસતો હતો. મારા પિતાજીને અસ્થમાની બીમારી હતી. આથી ખૂબ જ નાની ઉંમરે આ કામ મારા માથા પર આવી ગયું હતું.
મારા પિતાજી નાગજીભાઈને 2002ના વર્ષમાં રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો હતો. આજે મારો આખો પરિવાર તેમજ અમારા સમાજના અનેક પરિવારો આ કળા સાથે જોડાયેલા છે. આથી હું તો કહી શકું આ એ દરેક વ્યક્તિનું સન્માન કહેવાય, જેમણે આ કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે એવોર્ડ આપવાની જાહેરાત કરી ત્યારે મને અમારા ગામમાંથી, આખા જિલ્લામાંથી, આખા સમાજમાંથી તેમજ રાજ્યમાંથી અભિનંદન માટેના ફોન આવવા લાગ્યા. અમારા સમાજમાં ખાસ કરીને આ સન્માનના કારણે ખુશીની લાગીણી જોવા મળી રહી છે. આ કળાને જીવંત રાખવામાં અમારા સમગ્ર પરિવારે જે મહેનત કરી છે તેની સરકારે નોંધ લીધી એનો આનંદ છે.
ટાંગલિયા હસ્તકળા એટલે શું?
ટાંગલિયા એ 700 વર્ષ જૂની પરંપરાગત હાથવણાટની ટેકનીક છે, જે સુરેન્દ્રનગરની ડાંગસિયા જ્ઞાતિ દ્વારા વિકસાવવામાં આવી છે. આ વણાટને દાણાવણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વણાટના આ પ્રકાર માટે ખૂબ કુશળતા ઉપરાંત ચોકસાઈ માટે તેજ દ્રષ્ટિની જરૂર હોય છે. ટાંગલિયા શબ્દ ગુજરાતી શબ્દ ‘ટાંગલિયો’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે “નીચલું શરીર”. ખાસ કરીને માલધારી સમુદાયની મહિલાઓના કમર પર પહેરવાના વસ્ત્રો તરીકે પરંપરાગત રીતે આ પ્રકારના વણાયેલા કાપડનો ઉપયોગ થતો હતો. આ કળામાં વણાટ માટે મૂળ કાચા માલ તરીકે પહેલાં ઘેટાના ઊનનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે મેરિનો ઊન અને સિલ્ક તેમજ એક્રેલિક, વિસ્કોઝ અને કોટન જેવી ઓછી ખર્ચાળ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ હસ્તકળાને જીવંત રાખવા માટે કેવાં પ્રયત્નો કર્યા?
ટાંગલિયા કળાના કારીગરોને વર્ષોથી એક્સપોઝર, માન્યતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતા મળી રહ્યા. જેના કારણે તે મૃતપ્રાયઃ થઈ રહી હતી. પ્રાચીન સમયમાં માલધારી સમુદાયની સ્ત્રીઓ જ આ પ્રકારના કપડાં પહેરતી હતી. પરંતુ હવે આ પરંપરાગત કપડાં આજની સ્ત્રીઓ પહેરતી નથી. પરિણામે અમે તૈયાર કરેલા કપડાનું માર્કેટ ઓછું થઈ ગયું હતું. કારીગરોની અછત હોય, આર્થિક સંકળામણ હોય કે પછી જગ્યાનો અભાવ, મેં કોઈ પણ સંજોગોમાં આ કળાને છોડવાનો વિચાર કર્યો ન હતો. મેં આ કળામાં નવું-નવું સંશોધન કરવાની શરૂઆત કરી.
1990માં મેં મેરિનો ઊનનો ઉપયોગ કરીને એક સાલ બનાવી હતી, જેના માટે મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ શાલમાં બન્ને તરફ ડિઝાઈન એક સરખી જ રહે. દોરા તમને જોવા મળે નહીં. વર્ષ 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેક્નોલોજી (NIFT), ગાંધીનગરે ટાંગલિયા હસ્તકલા એસોસિએશન (THA)ની સ્થાપના કહી હતી. જેનાથી આ હસ્તકલાના પુનઃરુત્થાન અને જાળવણીની શરૂઆત થઈ. આ એસોસિએશનમાં હવે 200થી વધુ ટાંગલિયા કારીગરોનો સમાવેશ થાય છે. કારીગરોને પ્રોત્સાહન મળતાં આ વણાટનો ઉપયોગ કરીને હવે સાડીઓ, ડ્રેસ મટિરિયલ, કુર્તી, સ્પેશિયલ દુપટ્ટા અને અન્ય ઉપયોગ માટેના વસ્ત્રો પણ બની રહ્યા છે. 2009માં જ્યારે ભારત સરકાર દ્વારા ટાંગલિયા શાલને GI tag આપવામાં આવ્યો તે ક્ષણ આ હસ્તકળા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી.
પહેલાંના વણાટ અને અત્યારમાં શું ફેર છે? કિંમત કેવી મળે છે?
પહેલાંના સમયમાં ઘેંટાના ઊનનો ઉપયોગ થતો હતો, એટલે એને સરખું કરવામાં સમય જાય. પછી જે શાળ હતી, તે ટોટલી હાથથી જ ચાલતી હતી. તેમાં નળો બેસાડવાનું કામ, નળો ઠોકવાનું કામ બધું જ હાથથી જ થતું હતું. એટલે એક કાપડ બનાવવામાં લગભગ 15 દિવસ કરતા વધુ સમય જતો હતો. જ્યારે આજે ઊનની જગ્યાએ મેરિનો ઊન, સિલ્ક જેવું ફેબ્રિક વપરાય છે. જેના કારણે કામમાં ઝડપ આવી છે. લોકોને હંમેશા કંઈક નવું જ જોઈતું હોય છે એટલે અમે ડિઝાઈનમાં પણ ફેરફારો કરતા રહીએ છીએ. એક સાડી કે આખો ડ્રેસ મટિરિયલ બેથી ત્રણ દિવસમાં તૈયાર થાય છે. જેમાં સાડીની કિંમત લગભગ 12,000 રૂપિયાની આસપાસ રહે છે. જ્યારે ડ્રેસ મટિરીયલ તમને 8,000 રૂપિયાની આસપાસ તમને મળી જાય છે.લવજીભાઈ પરમારે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પણ પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લઈને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાનું નક્કી કર્યું છે તે ખરેખર ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે એક ગૌરવની ક્ષણ છે.
પહેલાના જમાનામાં માણસ પોતાને ગમતું કામ કરીને પૈસા કમાતો હતો. એ પોતાની જરૂરિયાતો થી વધારે મળે એટલે અન્યને મદદ કરતો. પરસ્પર સુખની વહેંચણી થતી. અને સમાજ સ્થિર, સમૃદ્ધ હતો. અન્યને મદદ કરવા માટે વ્યક્તિને દેખાડો કરવાની ઈચ્છા નહોતી થતી. જ્યારથી સમાજને ભૌતિકતાની ભૂખ જાગી ત્યારથી પોતાની જરૂરિયાતોથી અનેક ગણું ભેગું કરવાની રેસમાં માણસ સુખથી વિમુખ થતો ગયો. એ મોજશોખને જ આનદ માનવા લાગ્યો. વ્યસનો વધ્યા, વ્યભીચાર વધ્યા અને માણસાઈ ઘટી. કોઈને નાનકડી મદદ કરવા માટે પણ રીલ્સ બનવવાની શરુ થઇ. મફતિયા વૃત્તિ વધી. સુખી થવા માટે બાંધછોડ કરવાની જરૂર નથી. પણ પ્રસિદ્ધ થવા માટે ઘણા નિયમો નેવે મુકવા પડે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શું બધું મફતમાં મળવું જોઈએ? જે સમાજ પોતાની આવડત અને ખુમારી માટે જાણીતો હતો એ આજે એક આશામાં જીવતો થઇ ગયો છે કે કોઈ આવશે, બધું મફતમાં આપશે, રૂપિયાના ઢગલા કરીને જતું રહેશે. મારી દ્રષ્ટીએ સરળ ધન જેવું કશું હોતું નથી. મહેનત અને આવડત બંને સફળ બનાવી શકે. વળી માત્ર ધન પ્રાપ્તિ એ સફળતાની ચાવી ન હોઈ શકે.
મારા એક પડોસીને ઘર લેવું હતું. એમના મમ્મી થોડા બીમાર થયા. એ પછી એમણે મોટી ઉમરનો વીમો લઇ લીધો. એક વરસ પછી એમણે એક ઘર માટે વાત શરુ કરી. અને જેવી વાત નક્કી થઇ એમના હરતા ફરતા મમ્મી ગુજરી ગયા. સાચી વાત તો ખબર નથી. પણ સ્મશાનમાં એમના સગા કહેતા હતા કે એમના વીમા માંથી ઘર લેવા માટે આવું કર્યું. શું સંબંધોનું કોઈ મહત્વ જ નહિ? અત્યારે એમના ઘરની દિશા દક્ષિણ છે. પહેલા ઉત્તર હતી.
જવાબ: આપણે જે વિચારીએ છીએ એ બધુજ સાચું હોય એવું જરૂરી નથી. બની શકે એમના મમ્મી સામાન્ય સંજોગોમાં ગુજરી ગયા હોય. એ સમયે એમના ઘરનું દ્વાર ઉત્તરી ઈશાનના પહેલા પદમાં હતું. આ દ્વારના લીધે અંગત દેખાતી વ્યક્તિઓ પીઠ પાછળ બદલાઈ જાય. જે એમની સાથે થયું. અત્યારે એમનું દ્વાર નૈરુત્ય દક્ષિણના પહેલા પદમાં છે. જેના કારણે એમના બીજા નંબરના પુરુષ સંતાનને તકલીફ પડી શકે. તમને અન્ય માટે ઘણા નકારાત્મક વિચારો આવે છે. એને દુર કરવા માટે સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો.
સવાલ: અભિવ્યક્તિની આઝાદીના નામે જે ચાલી રહ્યું છે તે યોગ્ય છે? કોઈ એલફેલ બોલે અને એને બચાનારા પણ ફૂટી નીકળે. કોઈ બળાત્કાર કરે એને વકીલ પણ મળી રહે. કહેવાતા સાધુ ચાર્ટર પ્લેનમાં ફરે. માયાથી વિમુખ થવાના બદલે દેખાડો? કર્મના સિદ્ધાંતનું શું? જો કર્મનો સિદ્ધાંત છે તો પછી એની અસર દેખાતી કેમ નથી? આપણા મૂળભૂત સિદ્ધાંતો વિસરાઈ રહ્યા છે. આવનારી પેઢી તો એવા નિયમો માનશે જે એમણે જોયા છે.
જવાબ: જે પેઢી પોતે જ નિયમો નથી શીખી એ નવી પેઢીને શું શીખવાડશે? આપણી અંગ્રેજી શિક્ષણ પાછળની આધળી દોટ એ અંગ્રેજોનો વિજય છે. કર્મનો ઇદ્ધાંત કામ કરે જ છે. માત્ર એના માટે યોગ્ય સમયની રાહ જોવી જૂરી છે. આપણે બધા ફરિયાદ કરવાના બદલે સંસ્કૃતિને સાચવવા માટે કાર્યરત થઇ જઈશું તો જ આપણે એને બચાવી શકીશું. મોડું તો થયું જ છે. પણ શરૂઆત તો ગમે ત્યારે થઇ શકે.
સુચન: ઇશાન ખૂણામાં આવેલા દ્વાર સકારાત્મક હોય છે એ માન્યતા ખોટી છે.
મુંબઈ: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન વિવાદના વંટોળમાં ફસાયા છે. ફરાહ ખાન પર હિંન્દુ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે FIR નોંધાઈ છે. આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરાહ ખાન વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે આગળ શું કાનૂની પગલાં લેવામાં આવે છે? હાલમાં આ વિવાદ પર ફરાહ ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ ટેલિવિઝન શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો. 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયેલા સેલિબ્રિટી માસ્ટરશેફના શો પર આ વિવાદસ્પદ કોમેન્ટ કરવામાં આવી હતી. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, ‘હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.’ હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી. ફરાહ ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ બબાલ મચી ગયો છે. લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને ગુસ્સે ભરાયેલા લોકોએ માફીની માગ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે, બોલિવૂડ સેલિબ્રિટિઝ હિંદુ તહેવારોની મજાક કેમ ઉડાવે છે? બીજી તરફ ઘણા લોકો ફરાહ ખાન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. કેટલાક સંગઠનોએ પણ ફરાહ ખાનના નિવેદનની નિંદા કરી છે અને આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એક મોટી ટનલ દુર્ઘટના બની છે. અહીં એક ટનલનો એક ભાગ તૂટી પડતાં છ કામદારો કાટમાળ નીચે ફસાયા છે. કામદારોને બચાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં, ફસાયેલા કામદારોની સંખ્યા છ છે કે આઠ તે સ્પષ્ટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ના નિર્માણાધીન ભાગમાં શનિવારે આ અકસ્માત થયો હતો. અહીં નહેરની છતનો એક ભાગ તૂટી પડ્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંધકામ કંપનીની ટીમ આકારણી માટે સુરંગની અંદર ગઈ છે અને ચકાસણી કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એજન્સીને જણાવ્યું કે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 થી 8 કામદારો ફસાયેલા હોવાની આશંકા છે.
આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીની સૂચના પર, રાજ્યના સિંચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ બાબતોના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે જવા રવાના થયા છે.
સુરત જિલ્લાના માંગરોળમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જે ગ્રીષ્માકાંડની યાદ અપાવે છે. ચાર દિવસ પહેલા બોરિયા ગામમાં એક કોલેજીયન યુવતીના પ્રેમીએ ચપ્પુ વડે ગળા અને શરીર પર ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ, પ્રેમીએ પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યા કર્યા બાદ જખમી થયા બાદ પ્રેમી સુરેશ જોગીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ENT સહિતના ડોકટરોની ટીમે તેની સર્જરી કરી અને ગળા પર 40 ટાંકા લઈને તેનો જીવ બચાવ્યો હતો.
આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોટા ખુલ્લાસા થયા છે. સુરેશ આ કૃત્ય પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ અંગેની વાતચીત કરી રહ્યો છે. યુવતીએ પ્રેમીને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દીધો હતો અને અન્ય યુવક સાથેની તસવીર પ્રોફાઈલમાં મૂકતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો. સુરેશને વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સગાઈ થઇ ગઈ છે’, વધુમાં સુરેશે કહ્યું કે ‘ એ મારી નહીં તો તને બીજાની નહી થવા દઉં’. આ વીડિયો તેની હત્યાના થોડા સમય પહેલા બનાવાયો હોવાનું અનુમાન છે.