Home Blog Page 1117

સનમ તેરી કસમ-2′ ની વાર્તા તૈયાર, ફિલ્મ ક્યારે થશે રિલિઝ?

મુંબઈ: હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ફિલ્મ ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ પછી ફરીથી થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. જો કે, તે સમયે આ ફિલ્મ ખૂબ જ ફ્લોપ રહી હતી. પરંતુ બીજી ઇનિંગમાં ફિલ્મે ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મની સફળતા જોઈને, ફિલ્મ નિર્માતાઓએ આગામી વેલેન્ટાઇન ડે પર તેની સિક્વલની જાહેરાત પણ કરી છે. અભિનેતા હર્ષવર્ધનને આ ફિલ્મ માટે સત્તાવાર રીતે તૈયાર માનવામાં આવતા હતા, પરંતુ માવરા અંગે સસ્પેન્સ હતું. જો કે હવે સસ્પેન્સ દૂર કરતા, માવરાએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની સિક્વલ માટે તેમનો સંપર્ક કર્યો છે.ફિલ્મ નિર્માતાઓનો સંપર્ક કર્યો

અભિનેત્રી માવરા હોકેન, સનમ તેરી કસમની સિક્વલ વિશે વાત કરતા કહે છે, ‘ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મના બીજા ભાગ માટે મારો સંપર્ક કર્યો છે. જો કે, મેં હજુ સુધી સ્ક્રિપ્ટ વાંચી નથી. તે ઇનબોક્સમાં જ રાખવામાં આવી છે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું નથી કે તે આ ફિલ્મના બીજા ભાગમાં કામ કરશે કે નહીં. પરંતુ તેણે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી છે.

અભિનેત્રીએ બીજા એક ઇન્ટરવ્યુમાં ‘સનમ તેરી કસમ 2’ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણીએ એમ પણ કહ્યું કે જો ફિલ્મમાં મારી જગ્યાએ કોઈ બીજું હશે તો પણ હું તેને સંપૂર્ણ સમર્થન આપીશ.

માવરા ફિલ્મની સિક્વલમાં ભાગ બનવા માંગે છે

ફિલ્મની સફળતા વિશે વાત કરતાં માવરા કહે છે, ‘આ ફિલ્મની સફળતાનો શ્રેય ફિલ્મ નિર્માતાઓને જાય છે, ખાસ કરીને દીપક મુકુટને. તેણીએ કહ્યું, હું પ્રાર્થના કરું છું કે ફિલ્મનો સિક્વલ વધુ સફળ બને. મને આ ફિલ્મનો ભાગ બનવામાં ખુશી થશે, ભલે હું ત્યાં ન હોઉં તો પણ કોઈ વાંધો નથી.આ ફિલ્મ આવતા વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે

એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મ નિર્માતાઓ રાધિકા રાવ અને વિનય સપ્રુએ કહ્યું હતું કે ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ની વાર્તા બે ભાગ માટે લખવામાં આવી હતી. આ જ કારણ છે કે જ્યારે ફિલ્મ પહેલા ભાગમાં સમાપ્ત થાય છે, ત્યારે અંતનો દ્રશ્ય ખૂબ જ ભાવનાત્મક રાખવામાં આવ્યો છે. જ્યાં ઈન્દર ઝાડ તરફ ચાલે છે અને પીપળાના ઝાડનો અવાજ ગુંજતો રહે છે. આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું જેથી આગળ શું થવાનું છે તે અંગે સસ્પેન્સ રહે.

તે વધુમાં કહે છે કે ‘સનમ તેરી કસમ’ના બીજા ભાગની વાર્તા તૈયાર છે અને લગભગ બધા ગીતો પણ પૂર્ણ થઈ ગયા છે. આ વેલેન્ટાઇન ડે પર ફિલ્મની પુનઃપ્રદર્શનની સફળતાએ ફિલ્મને આવતા વર્ષે 2026માં વેલેન્ટાઇન ડે પર રિલીઝ કરવાની પ્રેરણા આપી છે.

PDEU ખાતે કેન્સર જાગૃતિ સત્રનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે સર્વાઇકલ અને સ્તન કેન્સર પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિષ્ણાત ડોકટરોએ મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતા કેન્સર અંગે માહિતી આપી હતી. અપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ અને ગાયનેકોલોજી વિભાગના વડા ડૉ. ઉષા બોહરાએ સર્વાઇકલ કેન્સર વિશે માહિતી આપી હતી, સર્વાઇકલ કેન્સર થવાના કારણો, લક્ષણો અને સારવારના વિકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી.

અપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ સર્જન ડૉ. શુભા સિંહાએ સ્તન કેન્સર વિશે માહિત આપી હતી અને વહેલા નિદાન પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ વર્ષમાં એક વખત મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સર બાબત તપાસ કરવા અંગે તબીબોએ અનુરોધ કર્યો હતો. આ સત્રમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ હાજરી આપી હતી, અને કેન્સરના નિવારણ અને સંભાળ વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું હતું.

ફાઇનલમાં પહોંચવા માટે ભારતને અપાયો 265 રનનો લક્ષ્યાંક

દુબઈઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમી ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ માટે સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી. ભારત તરફથી, મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તીને બે વિકેટ મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને બોલ્ડ કરી ટીમને દસમી વિકેટ અપાવી હતી.

આ પહેલાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા,જ્યારે સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા.  એલેક્સ કેરી ઉમદા બેટિંગ કરી હતી. તેણે 57 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જોકે, 58માં બોલે શ્રેયસ ઐયરે તેને રનઆઉટ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા મળી છે.

કેપ્ટન તરીકે રોહિત શર્માનું નસીબ ઓછામાં ઓછું ટોસના મામલે તો સતત ખરાબ જ છે. હવે તે કેપ્ટન તરીકે વન ડેમાં સતત 11મી વખત ટોસ હાર્યો છે. આ કારણે તે વનડેમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ટોસ ગુમાવનારા કેપ્ટન્સની યાદીમાં બીજા ક્રમે આવી છે.

રોહિત શર્મા નવેમ્બર 2023થી માર્ચ 2025ની વચ્ચે કેપ્ટન તરીકે સતત 11 વખત ટોસ હારી ચૂક્યો છે. આ સાથે તેણે માર્ચ 2011થી લઈને 2013 સુધી સતત 11 વખત ટોસ હારનારા નેધરલેન્ડના પીટર બોરેનની બરોબરી કરી લીધી હતી.

 

 

 

 

યુનિફોર્મ સિવિલ કોડ કમિટી દ્વારા UCC પોર્ટલ લોન્ચ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ માટેની તૈયારીઓ તેજ બની છે. UCC ને લગતી પ્રથમ સર્વપક્ષીય બેઠકનું આજે સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લામાંથી MLA અને વિવિધ પક્ષોના નેતાઓ આ બેઠક હાજર રહ્યા છે. જ્યાં UCC અંગેના અભિપ્રાયો લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ બાદ ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે એ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.”

રાજ્યમાં UCC માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ છે. 5 સભ્યોની આ સમિતિમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી.એલ. મીણા, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ સમિતિ 45 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે, જેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘સમાન નાગરિક ધારો’ (Uniform Civil Code) દેશવ્યાપી સ્તરે અમલમાં લાવવાનો સંકલ્પ છે.” આ બેઠકમાં સરકાર UCC ની લાગુ કરવાની પ્રક્રિયા, સામાજિક પ્રભાવ અને કાયદાકીય પાસાં પર ચર્ચા કરશે. બેઠકના પરિણામો પછી ગુજરાતમાં UCC લાગુ કરવાની દિશામાં મોટા પગલાં લેવાઈ શકે છે.

ગાંધીનગરમાં UCC કમિટીએ લોન્ચ UCC પોર્ટલ લોંચ કર્યુ છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું અભ્યાસનું કામ આજથી શરૂ થયુ છે.. તેમણે કહ્યું ગુજરાતમાં UCCની જરૂરીયાત પર ડ્રાફ્ટ બનશે..UCCના કાયદા માટે નાગરિકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. રંજના દેસાઇએ કહ્યું અભ્યાસ જલદી પૂર્ણ કરાશે . UCCમાં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું તેમણે કહ્યું છે. સાથેજ કહ્યું કે દરેક સમાજમાં લગ્ન-છૂટાછેડાના નિયમો સમાન હશે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવવા પર ભાર મુકાશે તેવું તેમણે કહ્યું

મહિલા દિવસની ઉજવણીથી એમના જીવનમાં કોઇ ફેર પડે?

રોજ સવારે એ બરાબર ચારના ટકોરે ઉઠી જતી. પપ્પાને શોરૂમ ખોલવાનો સમય પણ વહેલી સવારનો એટલે એની શરૂઆત પિતાની સેવાથી થાય. પતિને ઉઠાડવા, ગરમ પાણીની ડોલ બાથરૂમમાં મુકી આપવી, હાથમાં દાતણ આપવું, ગરમા-ગરમ ચા નાસ્તો અને પછી છેક દરવાજા સુધી પિતાને દુકાન માટે વળાવવા જવાનું. આ એનું વર્ષોનું રૂટીન કમસેકમ હું 22 વર્ષથી જોતી આવી છું.

પપ્પા જાય એટલે દાદા-દાદીનો ચા-નાસ્તો, દવા, મંદિર જવા માટે પૂજાની થાળી તૈયાર કરી આપવી. આ બધાની વચ્ચે પાછુ અમને ત્રણેય ભાઈ-બહેનોને તૈયાર કરી નાસ્તો કરાવી ટીફીન સાથે સ્કુલે જવા રવાના કરવા. સહેજ હાશ થાય અને ચાનો કપ હાથમાં લે ત્યાં સુધી તો દાદીમાં મંદિરેથી આવીને જમવાનું મેનું સંભળાવવા એને બોલાવે. બધાનું મનપસંદ જમવાનું બનાવું, પપ્પા માટે બરાબર 12ના ટકોરે ટિફીન મોકલાનું, પાછું વાસણ, કપડા, કચરા-પોતા તો ખરાજ. એટલામાં તોઅમે ત્રણેય સ્કુલેથી આવી પહોંચીએ, એટલે પાછી અમારી સેવામાં લાગી જવાનું. અમારું લેશન, ટ્યુશન બધુ એની જ જવાબદારી.

એ પૂર્ણ થાય એ પહેલા 4ના ટકોરે દાદા-દાદીને ચા અને 5ના ટકોરે નાસ્તો આપવાનો. ફરી દાદી રાડ પાડી સાંજના વાળુનું મેનું એને આપે, એ પણ આદેશ પ્રમાણે શાકભાજી લઈ આવે, ઘરમાં જોઈતી વસ્તુ લાવે અને ફરી પાછી રસોડામાં પુરાય. ગરમ ગરમ જમવાનું બધાને પીરસે, એટલામાં પપ્પા આવે, પાછી એમની સેવામાં એ લાગે, પાણી આપવાનું, હાથ-પગ ધોવે ત્યાં સુધી ટુવાલ પકડી એમની બાજુમાં ઉભા રહેવાનું, પછી જમવાનું પીરસવાનું સાથે આખો દિવસ દુકાનમાં શું થયું એ બધુ જ મૂક પ્રેક્ષક બની એને સાંભળવાનું. બધું કરીને પરવારે ત્યાં ઘડીયાળમાં 12ના ટકોરા સંભળાય. ફરી ચારના ટકોરે એનું એજ જીવનચક્ર શરૂ..

આ બધાની વચ્ચે કેટકેટલા વાર-તહેવાર, મહેમાનો,સગા-સંબંધીઓની અવરજવર, સારા-નરસા પ્રસંગો બધુ એને જ મેનેજ કરવાનું. પણ જરા અમથું એ કંઇક માગે તો સાંભળવાનું પણ ખરા કે તારે શું જરૂર છે? બધુ વગર માગે મળી તો રહે છે. એના રોજના આ જીવનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આવે, પરંતુ એના રોજીંદાકામમાં જરાય ફર્ક ન પડે.

સવાલ એ થાય કે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે પણ એથી મહિલાઓના જીવનમાં કોઈ બદલાવ આવે છે?

મહિલા દિવસ એ માત્ર એક દિનની ઉજવણી નથી!

સ્ત્રી એ માત્ર એક નામ નથી, એ એક સંભાવનાઓનો સમૂહ છે. આંકડાઓની હારમાળામાં શૂન્ય જેવું મહત્તવ ધરાવતું પ્રાત્ય છે, જે વગર બધા આંકડાઓ ફક્ત એક ડિજિટ બની જાય. એ જીવનનું અનિવાર્ય તત્વ છે, જેનાથી સમગ્ર સંસારનું સ્વરૂપ ઘડાય છે. સ્ત્રી એટલે એ નાજુક ખીલી, જે સંસારરથનાં ભારે પૈડાંને જોડીને, થાક્યા વિના જીવનને ગતિમાન રાખે છે. સંસારની ધુરામાં અથડાતી-કુટાતી છતાં, એ પોતાનું સર્વસ્વ ઝંખી, પરિવાર અને સમાજ માટે અડગ રહીને પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. પરંતુ શું સમાજમાં મહિલાને એ સ્થાન મળે છે? માત્ર મહિલા દિવસની ઉજવણી કરવાથી મહિલાઓની સમસ્યાનું નિવારણ થઈ શકે?  કારણ કે હજુ પણ સમાજ સ્ત્રીને યોગ્ય માન-સમ્માન આપતો નથી. આ માટે માત્ર પુરુષપ્રધાન સંસ્કૃતિ જ જવાબદાર નથી, પરંતુ સ્ત્રીઓની પોતાની મજબૂરીઓ અને અસામર્થ્ય પણ એક કારણ છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના પ્રમુખ હેતલ અમીન કહે છે, “મહિલા દિવસ, સમાજ અને લોકો માટે એક ઉજવણીનો દિવસ છે, પરંતુ ઘણી મહિલાઓ માટે આ દિવસ પોતાના અસ્તિત્વની ઓળખનો સમય પણ છે. સ્ત્રીઓ ઘણીવાર પોતાની શક્તિ અને યોગદાનને જજ કરી શકતી નથી. તેઓ રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત રહે છે કે, પોતે શું હાંસલ કર્યું છે, એ તરફ ધ્યાન જ આપતી નથી. પરંતુ જ્યારે મહિલા દિવસ ઉજવાય છે, સમ્માન થાય છે, વિવિધ કાર્યક્રમો યોજાય છે, ત્યારે અનેક મહિલાઓમાં એક નવી જાગૃતિ અને આત્મવિશ્વાસ જન્મે છે. બીજી એક વાત એ પણ છે કે,જ્યાં સુધી સ્ત્રી પોતાની જાતની  કિંમત નહીં જાણે, ત્યાં સુધી સમાજ પણ એને યોગ્ય સ્થાન નહીં આપે.મહિલા દિવસએ માત્ર એક દિનની ઉજવણી નહીં, પરંતુ સ્ત્રીઓ માટે પોતાની શક્તિને ઓળખવાનો, આગળ વધવાનો અને એકબીજાને પ્રોત્સાહિત કરવાનો અવસર છે. પુરુષ પ્રધાન સમાજને બદલવાની વાત કરવી શક્ય નથી કારણ કે એ તો રહેવાનો જ. કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર જ્યારે મહિલા કામ કરતી હોય ત્યારે પુરુષને એ વાત ક્યાંકને ક્યાંક ખટકે છે, જો કે એ વાતનો એ સ્વીકાર નહીં કરે. માટે મહિલાઓએ જાતે જ આ ઉજવણીનો ભાગ બની પોતાની માટે ઉભા રહેવીની જરૂર છે.”

મહિલાઓને પોતાનું સાચું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે

મહિલા! એક એવો શબ્દ કે જેની સાથે મમતા, તાકાત, સંવેદના અને સંકલ્પ બધું જ જોડાયેલું છે. એક દીકરી,  બહેન,  માતા કે એક સાથીદાર, સ્ત્રી જે રોલમાં હોય, ત્યાં પ્રેમ અને સમર્પણની અનુભૂતિ કરાવે. પરંતુ, હકીકત એ છે કે આજે પણ મહિલાઓને પોતાનું સાચું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજની સ્ત્રીઓ માત્ર ઘરના ચાર દિવાલોમાં સિમિત નથી, પણ વિશ્વાસ અને મહેનતથી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. વિજ્ઞાન, તંત્રજ્ઞાન, બિઝનેસ, રમતગમત, કે સામાજિક પરિવર્તનદરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની ક્ષમતાનો લોખંડી પુરાવા આપ્યા છે. છતાં હજી પણ ઘણી સ્ત્રીઓ માટે સ્વતંત્રતા અને સમાનતા એક સપનું જ છે. એટલે જ, એ દિશામાં પ્રયત્ન કરવા પડશે કે જ્યાં દરેક સ્ત્રી સુરક્ષિત, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના નાણાકીય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મોના દેસાઈ કહે છે કે, “મહિલા દિવસની ઉજવણીનો વ્યાપક પ્રમાણમાં તાત્કાલિક અસર ભલે ન પડે, પરંતુ કેટલાક લોકો માટે એ પરિવર્તનનું બીજ રોપી શકે છે. સમાજના દરેક સ્તરે મોટા ફેરફાર લાવવા માટે સમય લાગે, પણ જાગૃતિ અને વિચારસરણીમાં પરિવર્તન લાવવું એ એક મહત્વપૂર્ણ પ્રોસેસ છે. જો મહિલાઓ માટે સારા વિષયવસ્તુ ધરાવતા વ્યાખ્યાન અને ચર્ચાઓ યોજવામાં આવે, તો તે ચોક્કસપણે કેટલાંક જીવનમાં હકારાત્મક બદલાવ લાવી શકે છે. દર વર્ષે આપણે ભગવાન સત્યનારણ દેવની કથા કરાવીએ છીએ, જે સાંભળીને જીવનમાં ધીમે-ધીમે પણ પોઝીટીવ ધાર્મિક અસર પડે છે. એ જ રીતે જો મહિલાઓ સંબંધિત સશક્તિકરણના વિષયો પર ચર્ચા કરવામાં આવે, જો ઉપયોગી અને પ્રેરણાદાયક પ્રવચનો યોજાય, તો એમાંથી અમુક બહેનો ચોક્કસપણે પ્રભાવિત થાય છે અને પોતાનું જીવન બદલવા પ્રેરાય છે. જો 100 સ્ત્રીઓમાંથી ફક્ત 2-4 સ્ત્રીઓ પણ આમાંથી પ્રેરાય અને પોતાની જાતમાં સુધારો લાવે, તો એ પણ એક મહત્વનો બદલાવ છે.”

મહિલા દિવસ, એક ઉજવણી કે વાસ્તવિક બદલાવ?

દર વર્ષે ૮ માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ધૂમધામથી ઉજવાય છે. મંચ પર મહાન સ્ત્રીઓના ગૌરવગાન ગવાય,  એમના ત્યાગ અને સમર્પણની વાતો થાય, અને એક દિવસ માટે સમગ્ર સમાજમાં સ્ત્રી શક્તિની પ્રશંસા થાય. પરંતુ, પછી શું? શું આ એક દિવસની ઉજવણી પછી, સ્ત્રી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય છે? ઉજવણી કરતા વધુ જરૂરી છે માનસિકતા બદલવી.શું મહિના કે વર્ષના એક દિવસે સ્ત્રીઓને સન્માન આપી, બાકી દિવસો એમને અવગણવી એ સાચું છે? શું ૮ માર્ચે “Respect Women” લખી, પછી સમાજમાં એમના અધિકારો માટે અવાજ ન ઉઠાવવો યોગ્ય છે? હજી પણ કેટલાક પરિવારોમાં દીકરીઓને છોકરાઓથી ઓછી ગણવી એ સાચું છે? જો સાચા અર્થમાં પરિવર્તન જોઈએ, તો આ એક દિવસની ઉજવણી પૂરતી નથી.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કુલમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કલ્ચર કોર્ડિનેટર તરીકે કાર્યરત  પિંકલબહેન દેસાઈ કહે છે, “દર વર્ષે ૮ માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાય છે. શાળાઓમાં કાર્યક્રમો થાય, ઓફિસોમાં ખાસ પ્રવૃત્તિઓ યોજાય, સોશિયલ મીડિયામાં “વુમન પાવર”ના હેશટેગ ટ્રેન્ડ થાય. સ્ત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવે, કેટલાક સ્થળોએ પ્રોત્સાહન પત્રો અપાય. એક દિવસ માટે, સમગ્ર વિશ્વ સ્ત્રીશક્તિની વાતો કરે. પણ પ્રશ્ન એ છે કે, શું આ એક દિવસની ઉજવણી કાંઈક બદલાવે છે? આજે સ્ત્રીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, રાજકારણ, ઉદ્યોગ અને કલા જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પરંતુ, હકીકત એ છે કે હજી પણ લાખો સ્ત્રીઓ શિક્ષણથી વંચિત છે,Decision-making માં ભાગ નથી લઈ શકતી, અને ઘરના તથા સમાજના સંસ્કૃતિના નામે એમના સપનાઓ પર નિયંત્રણ મુકવામાં આવે છે.”

એ ઉમેરે છે કે “મહિલા દિવસની ઉજવણીની સાથે, જો સમાજની માનસિકતા ન બદલાય, તો આ એક દિવસ વાસ્તવમાં કંઈ નહીં બદલાય. આ એક દિવસના સન્માનથી શું એ સ્ત્રીની સમસ્યાઓ ઓછી થઈ જશે, જે રોજ લૈંગિક ભેદભાવનો શિકાર બને છે? શું આ એક દિવસની ઉજવણી એ મહિલાને ન્યાય અપાવી શકે, જે હજી પણ અવાજ ઉઠાવતા ડરે છે? હકીકત એ છે કે સ્ત્રીનો સમ્માન માત્ર ૮ માર્ચ સુધી મર્યાદિત નહીં, દરરોજ થવું જોઈએ. જો સાચા અર્થમાં પરિવર્તન જોઈએ, તો મહિલા દિવસ માત્ર એક ઔપચારિકતા નહીં, પણ એક ચેતના બની રહેવી જોઈએ. દરેક દીકરી માટે શિક્ષણ એ પ્રથમ અધિકાર બની રહે. કેળવણીના દ્વાર ખુલ્લા રહે. ઓફિસમાં અને ઘરનું કામ બન્ને સ્થળે સ્ત્રીઓને સમાન તક મળે. દરરોજ, દરેક સ્ત્રી માટે સલામતી, સન્માન અને સમાનતા ની સંસ્કૃતિ નિર્માણ થાય. ત્યારે જ મહિલા દિવસ એકદિવસીય નહીં, પણ કાયમી ઉજવણી બની જશે.”

“હું – એક દિવસ નહીં, દરરોજનું સન્માન!”

મારું નામ ‘મહિલા’ છે. લોકો મને જુદી જુદી ઓળખ આપે – મા, દીકરી, બહેન, પત્ની… છતાં, મારી એક એકલવાયી ઓળખ છે – હું, એક શક્તિ, એક ભાવના, એક ઉર્જા!

દર વર્ષે મારું સન્માન કરવાનું એક ખાસ દિવસ માટે મર્યાદિત કરી દે છે – ૮ માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’. એ દિવસે મારું મહત્વ વધે છે, ભાષણો થાય, અભિનંદન મળે, પણ… બસ એ એક જ દિવસ! બીજાં ૩૬૪ દિવસ, હું એ જ સમર્પિત સ્ત્રી – કોઈની મહત્વપૂર્ણ, પણ કદાચ કોઈની નજરો બહાર.

“મારા અસ્તિત્વનો મહોત્સવ એક દિવસ નહીં,

મારા સ્વાભિમાનની ઉજવણી દરરોજ થવી જોઈએ!”

હેતલ રાવ

WPL 2025: યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટ્સની દમદાર જીત

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025ની આજની મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)એ યુપી વોરિયર્સ (UP Warriorz)ને 82 રનથી માત આપી હતી. આ સાથે ગુજરાતે સિઝનની ત્રીજી મેચ પર જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર પાંચમા ક્રમથી સીધા બીજા સ્થાને પહોંચી ગયું છે. યુપી વોરિયર્સ માટે આ હાર મોટો ઝટકો સાબિત થઈ.

નોંધનીય બાબત છે કે, ગુજરાતે યુપી ટીમને 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે યુપી ટીમની બેટિંગની શરૂઆત ખરાબ વર્તાય હતી. આદેશ ભંગાયેલા બેટિંગ પર્ફોર્મન્સને કારણે ટીમ ફક્ત 105 રન સુધી જ પહોંચવામાં સફળ રહી. જેમાં કિરણ નવગિરે અને જ્યોર્જિયા વોલ શુન્ય પર પેવેલિયન પરત ફર્યા. જ્યારે વૃંદા એક અને ગૌહર શૂન્ય રન પર પવેલ્યન પર ફર્યા હતા. આ મેચમાં ઉમા છેત્રી 17 અને ચિનેલ હેનરીએ 28 રન સુધી સંઘર્ષ કર્યા બાદ પણ ટીમને જીના મુકામની નજીકના લાવી શકી.

ગુજરાતની ટીમના પર્ફોર્મશની વાત થાય તો, કાશ્વી ગૌતમ અને તનુજાએ જોરદાર બોલિંગનું પ્રદર્શન બતાવ્યું હતું. ડિઆન્ડ્રા ડોટિને બે વિકેટ ઝડપી અને યુપી વોરિયર્સને તોડી નાખ્યા. આ મેચમાં ગુજરાત માટે બેથ મૂનીની શાનદાર ઇનિંગ જોવા મળી. યુપી વોરિયર્સ સામે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 5 વિકેટે 186 રનનો મોટો સ્કોર બનાવ્યો. ગુજરાત માટે, અનુભવી બેટ્સમેન બેથ મૂની સદી ચૂકી ગઈ પરંતુ 96 રન બનાવીને અણનમ રહી. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 17 ચોગ્ગા ફટકાર્યા.સદી ફટકારવા માટે તેને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી પરંતુ તે 3 બોલમાં ફક્ત 6 રન જ બનાવી શકી. અહીંના એકાના સ્ટેડિયમ ખાતે સીઝનની પહેલી મેચમાં યજમાન યુપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને 34 રન આપીને 2 વિકેટ લીધી. હરલીન દેઓલે 45 રન બનાવ્યા. તેણે 32 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા.

રાજ્યમાં બે વર્ષમાં 265 સિંહ, 456 દીપડાનાં મોત

અમદાવાદઃ વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે. ખાસ કરીને એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદે લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રયત્નશીલ છે અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે, પણ સામે હવે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ મોત થયાં છે.

રાજ્યના MLA શૈલેશ પરમારના પ્રશ્ન પર સરકારે સિંહનો મૃત્યુઆંક વધ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સિંહ અને સિંહ બાળનાં મૃત્યુ ચિંતાજનક વધારો નોંધાયો છે. સિંહ અને સિંહ બાળના મૃત્યુઆંક સામે આવ્યા છે. બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળનાં મોત થયા છે. 102 સિંહ અને 126 સિંહબાળનાં કુદરતી મૃત્યુ થયાં છે, જ્યારે 41 સિંહ અને 17 સિંહ બાળનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ 2023માં 121 સિંહ અને સિંહ બાળનાં મોત થયાં હતાં. વર્ષ 2024માં 165 સિંહ અને સિંહ બાળનાં મોત થયાં છે.

રાજ્યનાં જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. રાજ્યમાં બે વર્ષમાં 456 દીપડાનાં મોત થયાં છે, જેમાં 201 દીપડા અને 102 બાળ દીપડાના કુદરતી મોત થયાં છે, જ્યારે 115 દીપડા અને 38 બાળ દીપડાનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ 2023માં 225 તો વર્ષ 2024માં 231 દીપડાનાં મોત થયાં હતાં.

 

તસવીરોમાં જુઓ વનતારામાં પીએમ મોદીનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. પીએમ મોદીએ મંગળવારે જામનગર જિલ્લામાં સ્થિત પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી અને તેનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ હાજર રહ્યા હતા.

તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની શોધખોળ કરી અને ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો. તેમણે વનતારા ખાતેની વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ, જે MRI, CT સ્કેન અને ICU સહિત અન્ય સુવિધાઓથી સજ્જ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાર્તાલાપ કરતા જોવા મળ્યા.

પીએમ મોદીએ હાથમાં ચાના કપ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં પૃષ્ઠભૂમિમાં વાઘ પણ જોઈ શકાય છે. આના પર તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘ચા પર અનોખી ચર્ચા’.

પીએમ મોદીએ સિંહણ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. આ તસવીરમાં પીએમ મોદી સિંહણ સાથે જોવા મળે છે.

આ કેન્દ્રમાં હાથ ધરવામાં આવતા કેટલાક મુખ્ય સંરક્ષણ કાર્યોમાં એશિયાઈ સિંહ, બરફ ચિત્તો, એક શિંગડાવાળા ગેંડા વગેરેનો સમાવેશ થાય છે.

AMCએ 100 મીટરથી વધુ ઊંચાઈનાં 23 બિલ્ડિંગ્સને આપી મંજૂરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 100 મીટરથી વધુ ઊંચાઈના 23 બિલ્ડિંગ્સને મંજૂરી આપી છે, જેમાં 18 રેસિડેન્શિયલ અને 5 કોમર્શિયલ પ્રોજેક્ટ છે. જ્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ આવા છ હાઈ-રાઈઝને મંજૂરી આપી છે અને અન્ય પાંચ પ્રોજેક્ટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

શહેરનું એસજી હાઈવે તો હવે કોમર્શિયલ હબ બની ગયું છે, જેથી બિલ્ડર્સ પણ આ હાઈવેની આસપાસ અને શહેરની ફરતે સ્કાયસ્કેપર્સ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. ગોતા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીની સામે અમદાવાદનું સૌથી ઊંચું 150 મીટરનું કોમર્શિયલ બિલ્ડિંગ બનશે, જેમાં 45 કરતાં વધુ ફ્લોર હશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તે અંગેની પ્રપોઝલ રાજ્ય સરકારની સ્પેશિયલ ટેક્નિકલ કમિટી સમક્ષ મૂકવામાં આવી ચૂકી છે. હાલમાં રાજપથ ક્લબ પાસે આવેલી 43 માળની બિલ્ડિંગ અમદાવાદની સૌથી ઊંચું કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની ઊંચાઈ 147 મીટર છે.

ડિસેમ્બર 2014માં રાજ્ય સરકારે ગુજરાત કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)ને મંજૂરી આપી હતી. તે સમયે આશ્રમ રોડના કેટલાક વિસ્તારોમાં 5.4 ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) મંજૂર કરવામાં હતી. જ્યારે મેટ્રો અને BRTS રૂટની બંને તરફ 200 મીટરના અંતરે ચારની FSI આપવામાં આવતી હતી. જોકે 4ની FSIની જોગવાઈ હોવા છતાં 22 ફ્લોરના બિલ્ડિંગ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના 70 મીટરથી ઊંચા હતા. વર્ષ 2017માં રાજ્ય સરકારે કોમન GDCR લાગુ કર્યા હતા, જેમાં વર્ષ 2018માં સુધારા-વધારા કરાયા હતા. વર્ષ 2021થી રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીગનરમાં 100 મીટરથી ઊંચા બિલ્ડિંગ્સને મંજૂરી આપવાનું શરૂ કર્યું હતું. રાજ્ય સરકારના ડેટા મુજબ 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 100 મીટરથી ઊંચા ગાંધીનગર અને સુરતમાં બે જ્યારે વડોદરામાં એક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ સિવિલ બોડીએ વર્ષ 2014ની CGDCR ગાઈડલાઈન મુજબ 45થી 70 મીટરની 127 બિલ્ડિંગ્સને મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળની સ્પેશિયલ કમિટી બધા હાઈ-રાઈઝ કોમર્શિયલ પ્લાન્સનો રિવ્યુ કરે છે. AMCના ડેટા દર્શાવે છે કે, મંજૂર કરાયેલી બિલ્ડિંગ્સમાંથી 80 ટકા પશ્ચિમ અમદાવાદની અને તેમાંય ખાસ કરીને બોડકદેવ અને થલતેજ વિસ્તારની છે, જ્યારે પૂર્વ વિસ્તારની 20 ટકા છે.

 

 

 

 

રોહિત શર્મા પર ફેટ શેમિંગ મામલો કેમ વકર્યો?

ભારતીય ક્રિકેટર અને ટીમને કેપ્ટન રોહત શર્મા પર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ વિવાદીત ટીપ્પણી કરી હતી. આ વિવાદનો પૂર્ણ થવાનો નામ જ નથી લઈ રહ્યો. એક બાજું ફેટ શેમિંગના આરોપ બાદ કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને ચારેબાજુથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ શમાની ટીકા કરી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રીની ટીકા પર શમાએ પલટ વાર કર્યો છે. તેમણે ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની એક જૂની ટ્વિટ સામે લાવીને ભાજપ અને મંત્રી માંડવિયાથી સવાલ પૂછ્યા છે.

વાત આખી એમ છે કે 2021માં ખેડૂત આંદોલન દરમિયાન જ્યારે રોહિત શર્માએ ખેડૂતોના પ્રશ્નને મહત્વનું ગણાવતાં સમાધાન કાઢવાની અપીલ કરી હતી, ત્યારે કંગના રણૌતે તેની પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે ટ્વીટ પર નીશાન ટાંકતા કેન્દ્રીય રમત ગમતના મંત્રી માંડવિયાજી પર આકરા પ્રશ્નો કર્યા હતા. શમા મોહમ્મદે કંગના રણૌતની એક જૂની ટ્વિટનો સ્ક્રીનશોટ એક્સ પર શેર કરતાં લખ્યું, ‘માંડવિયાજી, હવે કંગના રણૌત વિશે શું કહેશો?’ હવે શમા મોહમ્મદે સવાલ ઉઠાવ્યો છે કે તે સમયે ભાજપ નેતાઓએ કંગના રણૌત વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ ના કરી?

સોમવારે કેન્દ્રીય રમત-ગમત મંત્રી માંડવિયાએ શમા મોહમ્મદની ટિપ્પણીની નિંદા કરતાં તેને ગંભીર રીતે શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી. શમા મોહમ્મદે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘રોહિત શર્મા એક ખેલાડીના હિસાબે જાડા છે. તેમને વજન ઓછું કરવાની જરૂર છે અને તે ભારતના સૌથી નિરાશાજનક કેપ્ટન છે. તેમનામાં એવું શું વિશ્વસ્તરીય છે જે તેમના પૂર્વના ખેલાડીઓ કરતાં શ્રેષ્ઠ છે? તે એક સાધારણ કેપ્ટન અને સરેરાશ ખેલાડી છે, જે માત્ર નસીબથી ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે.’