Home Blog Page 1115

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગેલ ગરમીનું જોર ઘટ્યું, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે શહેરમાં ગતરાતથી સુસવાટાભર્યા પવન ફૂંકાવાના શરૂ થયા હતા. એક બાજુ ધીમા પગલે ઠંડી વિદાય લઈ રહી છે. અને ઉનાળાની ગરમી જોર પકડી રહી છે. ત્યારે એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી. જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા ગતરોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી તથા યલો એલર્ટ જાહેર કર્યું હતું. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છના અખાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ હતી. ગુજરાત રાજ્યના રહેવાસીઓને છેલ્લા બે દિવસથી ગરમીથી રાહત મળી છે તથા હજુ પણ આગામી 36થી 48 કલાક ગરમીનો પારો ઊંચકાવાની શક્યતાઓ નહિવત્ છે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થયું છે. જેથી દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ઝડપી ગતિએ પવનો ફુંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા ગુજરાતવાસીઓ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ ભુક્કા બોલાવતી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 32.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં 24 કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન દીવમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છના નલિયામાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં 13 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. ચાર માર્ચની રાત્રે નલિયાનું લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરાનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઔરંગઝેબની પ્રશંસા કર્યા પછી અબુ આઝમી વિધાનસભામાંથી સસ્પેન્ડ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાથી સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અબુ આઝમીએ ઔરંગઝેબને વિવાદિત નિવેદન આપ્યું હતું અને મુગલ શાસકની પ્રશંસા કરી હતી. શિવસેનાપ્રમુખ અ રજ્યના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ અબુ આઝમીની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા સત્રમાં મંત્રી ચંદ્રકાંત પાટિલે અબુ આઝમીને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે અબુ આઝમીને ધારાસભ્યપદ પરથી હટાવવા જોઇએ ના કે એક સત્ર માટે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને અમે આસાનીથી જવા નહીં દઇએ.

પાટિલે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ધારાસભ્યોને એક સત્રથી વધુ સમય માટે સસ્પેન્ડ ના કરી શકાય. અમે તેનું આકલન કરવા માટે સમિતિની રચના કરીશું કે શું ધારાસભ્ય તરીકે અબુ આઝમનીને સસ્પેન્ડ કરી શકાય કે ના કરી શકાય?

અબુ આઝમીએ માગી માફી

 

ઓરંગઝેબ પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. અબુ આઝમીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ નથી શકતો. વિવાદ વધ્યા બાદ અબુ આઝમીએ માફી પણ માગી હતી.

અબુ આઝમીએ શું કહ્યું હતું?

અબુ આઝમીએ કહ્યું હતું કે ઓરંગઝેબના શાસનકાળમાં ભારતની સરહદ અફઘાનિસ્તાન અને બર્મા સુધી પહોંચી ગઇ હતી. તેમણે દાવો કર્યો હતો કે આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વિશ્વના GDPના 24 ટકા હતી અને ભારતને (ઓરંગઝેબના સમયે) સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું.

 

 

 

 

 

 

શું તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધનો અંત? બ્રેકઅપની ચર્ચાએ પકડ્યુ જોર

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. બંને ઘણી વાર એકબીજાના વખાણ કરતા હતા. પરંતુ હવે એવા સમાચાર છે કે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાય છે કે બંનેએ થોડા અઠવાડિયા પહેલા જ અલગ થવાનો નિર્ણય લીધો છે પરંતુ અલગ થવા છતાં, બંનેએ કહ્યું છે કે તેઓ સારા મિત્રો રહેશે.

(Photo: IANS)

બંને કેવી રીતે મળ્યા?

તમન્ના ભાટિયાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ વિજય વર્માએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે એક રેપ-અપ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બહુ ઓછા લોકો આવ્યા હતા. તમન્ના ભાટિયા પણ તેમાંથી એક હતી. વિજયને તમન્નાને પહેલી વાર પાર્ટીમાં જોઈ ત્યારે તેના પ્રેમમાં પડી ગયો. વિજયે તમન્ના સાથે સમય પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સંબંધની શરૂઆત ખૂબ જ ધીમી હતી. બંને વચ્ચે પહેલી ડેટ માટે 20 થી 25 દિવસ લાગ્યા. આ પછી બંને વચ્ચે નિકટતા વધી.

‘લસ્ટ સ્ટોરીઝ 2’ દ્વારા નજીક આવ્યો

તમન્ના ભાટિયા અને વિજયે 2023 માં ‘લસ્ટ સ્ટોરીઝ 2’ માં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંનેએ પોતાના સંબંધોની જાહેરાત કરી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે આ વેબ સિરીઝના સેટ પર બંને વચ્ચે નિકટતા વધી હતી પરંતુ તેઓ પહેલા પણ મળ્યા હતા.

પહેલી વાર સંબંધની જાહેરાત કરી

શરૂઆતના ડેટિંગ પછી બંને જાહેર સ્થળોએ વારંવાર દેખાવા લાગ્યા. વિજય આ સંબંધથી ખૂબ ખુશ હતો, તેથી તેણે પોતે જ પોતાના સંબંધની જાહેરાત કરી. GQ ઈન્ડિયા સાથેની વાતચીતમાં, વિજયે તમન્ના ભાટિયા સાથેના પોતાના સંબંધની જાહેરાત કરી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. હું ખુશ છું અને તેના પ્રેમમાં પાગલ છું.’

તમન્નાએ પણ સંબંધની જાહેરાત કરી

તમન્ના ભાટિયા પણ વિજયથી ખૂબ ખુશ હતી. તમન્ના ભાટિયાએ બધાની સામે વિજયને પોતાનું ‘હેપી પ્લેસ’ કહ્યું. તેમના મતે વિજયે ક્યારેય તેમની સાથે એટિટ્યુડથી નહીં પણ ખુબ જ પ્રેમથી અપ્રોચ કર્યો હતો. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ સ્વાભાવિક છે. તમન્નાએ પણ વિજયની ખૂબ પ્રશંસા કરી. તમન્નાના મતે તેમના સંબંધોની શરૂઆત પ્રામાણિકતાથી થઈ હતી. તમન્ના ભાટિયાના મતે, આ સંબંધ ખૂબ જ સરળતાથી આગળ વધ્યો હતો.

શું બંને અલગ થઈ ગયા?
તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તેમના બ્રેકઅપ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, બંને અલગ થઈ ગયા છે. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પણ હટાવી દીધી છે. જોકે, બંને હજુ પણ એકબીજાને ફોલો કરી રહ્યા છે.

ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ઝટકો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બુધવારે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી સ્મિથે સાથી ખેલાડીઓને જણાવ્યું કે તે હવે કોઈપણ વનડે મેચ નહીં રમે.

જણાવી દઈએ કે 35 વર્ષીય સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 169 વનડે રમ્યા છે. જેમાં 5727 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં તેમનો બેટિંગ સરેરાશ 43.06 અને સ્ટ્રાઇક રેટ 87.13 છે. આ દરમિયાન તેમણે 12 સદી અને 34 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 164 રનનો છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે ત્રણ ઇનિંગ્સમાં 97 રન બનાવ્યા હતા, જેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 73 રનની હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સ્મિથે કહ્યું, “આ સફર અદભૂત રહી છે, અને મેં તેનો પૂરો આનંદ માણ્યો છે. બે વનડે વર્લ્ડ કપ જીતવા મળ્યા, જે માટે હું ગૌરવ અનુભવું છું. હવે, 2027 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ નવી તૈયારી કરી શકે, અને મને લાગે છે કે નિવૃત્તિ માટે આ યોગ્ય સમય છે.”

સ્મિથે માત્ર ODI નહીં, પણ ટેસ્ટ ક્રિકેટમાં પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 1 રન બનાવતાં જ 10,000 ટેસ્ટ રનનો આંકડો પાર કર્યો. સ્મિથ ઓસ્ટ્રેલિયાના માટે આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજા બેટર બન્યા છે. તેમને પહેલા રિકી પોન્ટિંગ (13378), એલન બોર્ડર (11174) અને સ્ટીવ વોએ (10927) આ સિદ્ધિ મેળવી છે. આટલાં વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યા બાદ, સ્ટીવ સ્મિથ હવે ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

દ્વારકામાં 200 ધાર્મિક સ્થળોને નોટિસ

દ્વારકાઃ જિલ્લાના વહીવટી તંત્રએ ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે. આ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આપવામાં આવી છે, તે પૈકી ઘણાં તો આઝાદી પહેલાંનાં છે. આ ધાર્મિક સ્થળોએ લોકો જ્ઞાતિ, જાતિ ધર્મ બાજુએ મૂકી રંગેચંગે તહેવારો ઊજવે છે. હવે સવાલ એ છે ધાર્મિક સ્થળોને તોડી સરકાર જ સૌહાર્દપૂર્ણ વાતાવરણને કેમ ડહોળી રહી છે? CMને પત્ર લખી કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ આક્ષેપો કર્યા હતા.

જિલ્લાના મોટા ભાગનાં ધાર્મિક સ્થળોમાં તાલુકા-જિલ્લા પંચાયત જ નહીં, ધારાસભ્ય-સાંસદોએ ભૂતકાળમાં ગ્રાન્ટ ફાળવી છે. સરકારી ગ્રાન્ટમાંથી જ ધાર્મિક સ્થળોએ વિવિધ કામો થયાં છે. તો શું દબાણ વાળી જગ્યાએ ધાર્મિક સ્થળની પૂરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી.

આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી, આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદે કેવી રીતે કહેવાય.

ચાલુ વર્ષે જ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂા. 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. હવે એક બાજુ, સરકાર ધાર્મિક સ્થળો માટે ગ્રાન્ટ ફાળવે છે તો બીજી તરફ, ધાર્મિક સ્થળોને ગેરકાયદે ઠેરવી તોડી પાડવા કાર્યવાહી કરે છે. સરકારની આ બેધારી નીતિ  સામે સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે.

આ જ વિસ્તારમાં ગેરકાયેદ વિન્ડફાર્મ ઊભા કરાયા છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. શહેરી વિસ્તારોમાં ભાજપના મળતિયાઓના ગેરકાયેદ બાંધકામોને તોડી પાડવામાં આવતા નથી. એવી પણ માગ કરવામાં આવી છે, ધાર્મિક સ્થળો માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવે.

‘આશ્રમ’ના પ્રમોશન દરમિયાન બોબી દેઓલને આવ્યો વર્ટિગો એટેક

બોબી દેઓલની ફેમસ વેબ સીરિઝ ‘આશ્રમ સીઝન 3 ભાગ 2’ રિલીઝ થઈ ગઈ છે. લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને બોબી દેઓલનું બાબા નિરાલાનું પાત્ર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. શો વિશેની ચર્ચાઓ વચ્ચે બોબી દેઓલ પણ હેડલાઇન્સમાં છે. તાજેતરમાં બોબી દેઓલે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે શોના પ્રમોશન દરમિયાન તેમને એક એવો અનુભવ થયો જેનાથી તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા. આના કારણે અભિનેતાને પરસેવો થવા લાગ્યો અને તે ખૂબ જ ગભરાઈ ગયો. અભિનેતાએ એમ પણ કહ્યું કે તેને ગભરામણ થતું હતું.

ફિલ્મફેર સાથેના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા બોબી દેઓલે ખુલાસો કર્યો કે ‘આશ્રમ’નું પ્રમોશન કરતી વખતે તેમને પહેલી વાર ગભરાટના કારણે ચક્કર આવવા લાગ્યા. બોબી દેઓલ વર્ટિગોના હુમલા વિશે ખુલીને વાત કરે છે. જ્યારે બોબીને પૂછવામાં આવ્યું કે શું તે પ્રમોશન દરમિયાન હજુ પણ નર્વસ અનુભવે છે, ત્યારે તેણે જણાવ્યું કે તે કેવું અનુભવે છે. તેણે કહ્યું,’આ પહેલી વાર હતું જ્યારે હું ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યો હતો અને હું ચોક્કસ નર્વસ હતો. મને યાદ છે જ્યારે હું તેનું પ્રમોશન કરી રહ્યો હતો – મને વર્ટિગોનો હુમલો આવ્યો હતો કારણ કે મને વર્ટિગોની સમસ્યા છે. મને લાગે છે કે આવા પાત્ર ભજવવા પર લોકો કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે ઘણી ગભરાટ અને ડર હતો. નોંધનીય છે કે વર્ટિગોના હુમલા દરમિયાન આંખો સામે અંધારું થઈ જાય છે અને એવું લાગે છે કે જાણે દુનિયા ફરતી હોય.

બોબી દેઓલે વધુમાં કહ્યું કે ક્યારેક કલાકારો બીજાઓથી એટલા પ્રભાવિત થઈ જાય છે કે તેઓ પોતાની ક્ષમતાઓ પરનો વિશ્વાસ ગુમાવી દે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એક અભિનેતા માટે સૌથી નબળી વાત એ છે કે જ્યારે તેઓ પોતાનું મન ગુમાવી દે છે અને તેઓ જે પ્રાપ્ત કરવા સક્ષમ છે તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે. પરિણામ સારું નથી હોતું. ઘણા લોકો પોતાને જોઈતું કંઈક મેળવવા માટે સખત મહેનત કરવાને બદલે સરળ રસ્તો પસંદ કરે છે. ત્યારબાદ તેમણે ઉમેર્યું કે બાબા નિરાલાનું પાત્ર ભજવવું તેમના માટે સરળ પસંદગી નહોતી કારણ કે તેઓ પોતાની કારકિર્દી ફરી શરૂ કરી રહ્યા હતા અને તેમણે એવી ભૂમિકા પસંદ કરી હતી જેમાં તેઓ પહેલાં ક્યારેય જોવા મળ્યા ન હતા.

આ ફિલ્મોમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે, ‘આશ્રમ સીઝન 3 પાર્ટ 2’ પહેલા, અભિનેતા ‘ડાકુ મહારાજ’ અને ‘કંગુવા’માં જોવા મળ્યો હતો. બંને ફિલ્મોમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. આ પહેલા ‘એનિમલ’માં પણ આ અભિનેતાને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં બોબી દેઓલ ‘હાઉસફુલ 5’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હરિ હરા મલ્લુ’માં જોવા મળશે.

ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ ભરતી પ્રક્રિયા પર સુપ્રીમકોર્ટનો સ્ટે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સિવિલ જજ (જુનિયર ડિવિઝન) અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ભરતી પ્રક્રિયાને સુપ્રીમકોર્ટએ સ્ટે આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા ઉમેદવારો માટે ન્યુનત્તમ લાયકાતના નક્કર માપદંડ નક્કી કર્યા વગર જ ભરતી શરૂ કરવામાં આવતા સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી છે. આ કેસની આગળની સુનાવણી 18 માર્ચે હાથ ધરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 30મી જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલી ભરતી સૂચનામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઉમેદવારને ન્યુનત્તમ કેટલાં વર્ષની વકીલાતની પ્રેક્ટિસ હોવી જોઈએ. સુપ્રીમકોર્ટના મતે, ન્યાયિક સેવામાં પ્રવેશ માટે ફ્રેશર્સને તક આપવી કે નહીં તે અંગે ત્રણ જજોની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે. આ પરિસ્થિતિમાં, હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ નહીં, તેમ સુપ્રીમકોર્ટનું માનવું છે.

આ મામલે સુપ્રીમકોર્ટની ત્રણ જજોની ખંડપીઠમાં વિશ્રત સુનાવણી થઈ છે, જેમાં તમામ રાજ્ય સરકારો અને હાઈકોર્ટોની દલીલો સાંભળ્યા બાદ અંતિમ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ સ્થિતિમાં, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉતાવળમાં ભરતી પ્રક્રિયા આગળ ધપાવવી યોગ્ય નથી, તેમ કોર્ટે જણાવ્યું.

ઑલ ઈન્ડિયા જજીસ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમકોર્ટે આ સ્ટે ફરમાવ્યો છે. અરજદાર એસોસિએશને હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કેટલાક ઉમેદવારોને પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના હુકમ સામે પણ સ્ટે માંગ્યો હતો. આ સંદર્ભે સુપ્રીમકોર્ટએ સ્પષ્ટતા કરી છે કે જે સુધી આ મુદ્દા પર અંતિમ ચુકાદો ન આવે, તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટની આ ભરતી પ્રક્રિયાને સ્થગિત રાખવી પડશે.

જીવનમાં, શ્રદ્ધા આપનું એકમાત્ર કવચ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

શ્રદ્ધા એક એવું તત્ત્વ છે જે આપણા સહુની ભીતર ઉપસ્થિત છે. જ્યારે આપ જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો અનુભવ કરો છો, ત્યારે આપ કેટલા સ્થિર અને શાંત રહી શકો છો તેનો આધાર, આપની અંદર કેટલી શ્રદ્ધા પ્રવર્તે છે, તેના ઉપર રહેલો છે. જો આપની અંદર શ્રદ્ધાનો અભાવ છે અને આપ ભયભીત થાઓ છો તો એ સંજોગોમાં આપ અનાજનાં ફોતરાંની જેમ હવામાં વિખરાઈ જશો. આપ ક્યાંય ટકી નહીં શકો, આપની પાસે એવું કંઈ જ નહીં હોય જેનો આપ આધાર લઈ શકો! આવું બને છે ત્યારે લોકો તેમનું મૂલ્ય ખોઈ બેસે છે.

પરંતુ જો આપની અંદર શ્રદ્ધા છે તો આપ અનાજના નક્કર દાણાની જેમ ભૂમિ ઉપર સ્થિર રહેશો. જ્યારે આપ શાંત છો અને આપની અંદર શ્રદ્ધા છે કે બધું સારું જ થશે ત્યારે વાસ્તવમાં બધા સંજોગો સ્થિર-સકારાત્મક થવા માંડે છે.

ઈશ્વરને આપની પાસે માત્ર એક જ અપેક્ષા છે: આપની અંદર અડગ અને દ્રઢ શ્રદ્ધાની ઉપસ્થિતિ! જો આપની શ્રદ્ધા વારંવાર ડગમગે છે અથવા આપ કઠિન પરિસ્થિતિમાં શ્રદ્ધા જાળવી શકતા નથી તો ફોતરાંની જેમ હવામાં વિખરાઈ જવાનું નિશ્ચિત છે.

જીવનમાં કેટલી બધી ઘટનાઓ ઘટે છે! અનેક પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે! શું આપ આ બધા સંજોગોમાં શાંત અને સ્થિર રહી શકો છો? જગતમાં આપનું કર્તવ્ય, સમત્વ જાળવી રાખવાનું છે. જગતમાં બધું જ મધુર નથી. પણ જો આપ અડગ શ્રદ્ધા ધરાવો છો, ફોતરાં થી આવૃત્ત, એક ઘનીભૂત- નક્કર અનાજના દાણાની જેમ દ્રઢ છો, તો આપની પ્રગતિ નિશ્ચિત છે.

શ્રદ્ધાનો અભાવ એ સહુ થી મોટું દુઃખ છે. શ્રદ્ધા થી તાત્કાલિક જ આપ વિશ્રામનો અનુભવ કરો છો. તર્ક આપને સ્થિરતા અને શાણપણ આપે છે પરંતુ ચમત્કાર તો શ્રદ્ધા દ્વારા જ સંભવે છે. શ્રદ્ધા આપને સીમાઓથી પરે લઈ જાય છે. શ્રદ્ધા દ્વારા આપ પ્રકૃતિનાં નિયમોને પણ અતિક્રમી જાઓ છો, પરંતુ આપની શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ!

પ્રસન્ન રહેવાનો, પ્રેમમય રહેવાનો સંકલ્પ કરો! આજે જ નિર્ણય કરો કે “ કંઈ પણ બનશે, હું સ્થિર રહીશ. હું શાંત રહીશ.” શ્રદ્ધા રાખો કે “ઈશ્વરનું સુરક્ષા કવચ મારી આસપાસ છે. કંઈ પણ થઈ જશે પણ હું નિર્બળ નહીં બનું, ઈશ્વર હંમેશા, નિરંતર મારો હાથ પકડી રાખશે.” ઉપર ઉઠવા માટે આટલું પર્યાપ્ત છે. શ્રદ્ધા આપની અણમોલ સંપત્તિ છે. લોકો ભૌતિક જગતમાં તેમની શ્રદ્ધા રાખે છે પરંતુ જગત તો એક પરપોટા જેવું છે. લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે, પરંતુ પોતે કોણ છે એ વિશે તેમને કંઈ જ જાણ નથી. લોકો કહે છે કે તેમને ઈશ્વરમાં શ્રદ્ધા છે પરંતુ ઈશ્વર કોણ છે તે પણ તેઓ જાણતાં નથી!

તો આપના મનને બધી જ પરિસ્થિતિઓમાં શાંત રાખો. બાકી બધી સંભાળ સ્વત: લેવાઈ જશે. આપનું સમત્વ જાળવી રાખો. આપને માત્ર આટલું જ કરવાનું છે.

પરંતુ જો આપ કંઈ જ પ્રયત્ન નહીં કરો તો કશું ઘટિત નહીં થાય! પ્રયાસ તો કરવો પડશે! માત્ર એક પગલું આગળ ભરવું પડશે. શાંત અને સ્થિર રહો. જ્યારે આપ ખરેખર કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને ત્યારે પણ આપ હસી શકવા માટે સમર્થ છો, તો નિશ્ચિતપણે માની લો કે ઈશ્વરનું સુરક્ષા કવચ આપની ભીતર જ છે! વિશ્વ પ્રેમમય છે. સહુની અંદર પ્રેમનો પ્રકાશ છે. બસ, આપ સ્વયંની અંદર એ પ્રેમને જુઓ!

આપે વિશ્વને ક્યારેય પ્રેમના દૃષ્ટિકોણથી નિહાળ્યું છે? જ્યારે આપ લોકોના સમૂહનો એક ભાગ છો ત્યારે ક્યારેય આપે લોકોની ભીડને જોઈ ને વિચાર્યું છે કે ઓહ, શું આ જ પ્રેમ છે? ફક્ત એક વાર આ રીતે વિચારો. આપની આસપાસ જુઓ અને પ્રત્યેકની અંદર વ્યાપ્ત પ્રેમનો અનુભવ કરો. વિશ્વમાં પ્રતિદિન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રત્યેક દિવસ એક ઉત્સવ છે.

 

વ્યક્તિ એ આ જગતમાં માત્ર પ્રસન્નતાની પ્રાપ્તિ માટેની જ ઝંખના રાખવી જોઈએ! બાકી બધા જ કાર્યોમાં ઉતાર-ચડાવ આવશે. તે સહજ જ છે. શરીર છે તો શરદી, ખાંસી, જ્વર કે અન્ય રોગો થશે પરંતુ થોડા સમયમાં શરીર પૂર્વવત્ સ્વસ્થ થઈ જ જતું હોય છે. તો એ જ રીતે, આપની અંદર સદૈવ પ્રસન્નતાનો વાસ રહે તે જુઓ. આ જ પુરુષાર્થ છે.

જો પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ અને અટલ છે તો બાકી બધું આપમેળે થશે. જેમ એક ખેડૂત લણણી કરે છે ત્યારે અનાજને મોટી ચાળણીમાં રાખે છે. એક ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને તે ચાળણી હલાવે છે, ત્યારે અનાજના ફોતરાં હવામાં ઉડી જાય છે અને દાણા ત્યાં જ સ્થિર રહે છે. આ દાણાને એકત્ર કરવામાં આવે છે. તેમને ફરીથી વાવવામાં આવે છે અથવા અન્યત્ર ઉપયોગ કરવામાં આવે છે. જે રીતે અનાજના દાણા ભૂમિ ઉપર સ્થિર અને દ્રઢ રહે છે તે જ રીતે આપણાં જીવનમાં પણ હંમેશા શ્રદ્ધા દ્રઢ રહે, બાકી બધું આપમેળે જ યથા સ્થાને ગોઠવાતું જશે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

એક્ટ્રેસ, DGPની પુત્રીની સોનાની દાણચોરીમાં ધરપકડ, જાણો…

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બેંગલુરુ એરપોર્ટ પર કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવની પાસે રૂ. 12 કરોડથી વધુનું 14.8 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓએ એક્ટ્રેસની ધરપકડ કરી છે. એક્ટ્રેસ ધરપકડ પછી આર્થિક અપરાધ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, કોર્ટે તેને 14 દિવસની હિરાસતમાં મોકલી દીધી છે. રાન્યા રાવ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે.

કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી જાણીતી હિરોઈન રાન્યા રાવ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ છે. તે દુબઈથી સોનાના કન્સાઈનમેન્ટ લઈને બેંગલુરુ એરપોર્ટ પર ઊતરી હતી. રાન્યા તેના પિતાના પદના પ્રભાવનો ગેરફાયદો ઉઠાવીને દાણચોરી કરતી હતી.

હાલમાં DRIની ટીમે રાન્યા રાવને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાન્યા રાવ પોલીસ મહાનિર્દેશક રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રાન્યાની માતાએ રામચંદ્ર રાવ સાથે બીજાં લગ્ન કર્યા છે. રાન્યાએ ભૂતકાળમાં કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ખૂબ જ ચર્ચિત ફિલ્મોમાંની એક હતી માણિક્ય. જો કે બાદમાં તે દાણચોરીના ધંધામાં લાગી ગઈ હતી, એમ DRIએ જણાવ્યું હતું.

તે લાંબા સમયથી દુબઈથી ભારતમાં સોનાની દાણચોરી કરી રહી હતી. DRIના અધિકારીઓ રાન્યા રાવને ઈન્વેસ્ટિગેશન રૂમમાં લઈ ગયા અને તેનાં કપડાંની તપાસ કરી. રાન્યાએ તેનાં કપડાંના અંદરના ભાગમાં 14.8 કિલો સોનાનું પડ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. DRIના અધિકારીઓના જણાવ્યા અનુસાર અભિનેત્રી રાન્યા રાવ પાસેથી મળેલી સોનાની કિંમત, ખુલ્લા બજારમાં 12 કરોડ રૂપિયાથી વધુ છે. હવે DRIએ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.

 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી

નવી દિલ્હી: 27 ફેબ્રુઆરી 2002માં ગોધરામાં મોટી સાંપ્રદાયિક હિંસા થઈ હતી. જેમાં કુલ 1,044 લોકો માર્યા ગયા હતા. આ ગોધરા કાંડના સાક્ષીઓને CISFના 150 જવાનો દ્વારા સુરક્ષા આપવામાં આવતી હતી. જે ઘટનાના 23 વર્ષ બાદ હટાવી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે.

મહત્વનું છે કે ગૃહ મંત્રાલયે એસ.આઈ.ટી.ની ભલામણના આધારે 14 સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ગોધરા કાંડને લઈને રચવામાં આવેલી સમિતિએ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો તેમનો અહેવાલ રિપોર્ટ ગૃહમંત્રાલયને આપ્યો હતો.

કયા સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ

હબીબ રસુલ સૈય્યદ
અમીનાબેન હબીબ રસુલ સૈય્યદ
અકીલાબેન યાસીનમીન
સૈય્યદ યુસુફભાઈ
અબ્દુલભાઈ મરિયમ અપ્પા
યાકુબભાઈ નૂરન નિશાર
રજકભાઈ અખ્તર હુસૈન
નાઝીમભાઈ સત્તારભાઈ
મજીદભાઈ શેખ યાનુશ મહામદ
હાજી મયુદ્દીન
સમસુદ્દીન ફરીદાબાનુ
સમસુદ્દીન મુસ્તફા ઈસ્માઈલ
મદીનાબીબી મુસ્તફા
ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા