Home Blog Page 1096

જામનગરમાં અજમાના ભાવમાં ઉછાળો, ખેડૂતોમાં ખુશીની લહેર

જામનગર: ગુજરાતનો પ્રસિદ્ધ અગ્રોખાદ્ય પદાર્થ અજમો હવે ખેડૂતો માટે ખુશીની ખબર બની રહ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે અજમાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગઈકાલની સરખામણીએ આજે 1000-1200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, જેથી ખેડૂતોને આજે 5,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મેળવ્યા.

જામનગરનું હાપા યાર્ડ દેશભરમાં અજમાની ખરીદી માટે જાણીતા યાર્ડમાં સ્થાન ધરાવે છે. અહીં અનેક વેપારીઓ મોટી માત્રામાં ખરીદી કરવા આવતા હોય છે, જેનાથી ખેડૂતોને અન્ય યાર્ડની સરખામણીએ સારા ભાવ મળતા હોય છે. ગત અઠવાડિયાના ભાવ પર નજર કરીએ, તો 5 માર્ચે અજમાના 1,400 થી 4,440 રૂપિયા હતા. જે 6 માર્ચે 1,800 થી 3,950 રૂપિયા પર પહોંચ્યા. જે બાદ 7 માર્ચે 1,500 થી 3,780 રૂપિયાના સોદા નોંધાયા હતા. જેની સામે આજે અજમાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અજમાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે પાછલા પાંચ દિવસમાં આજે સૌથી સારા ભાવ બોલાયા હતા. આ તેજીના કારણે આજના દિવસે હાપા યાર્ડમાં ખેડૂતોએ મજબૂત ભાવ મેળવતા, તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જો બજારમાં આવું જ વલણ ચાલુ રહે, તો ખેડૂતોને આગામી દિવસોમાં પણ સારા ભાવ મળવાની શક્યતા છે.

વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતના!

વધતી ગ્લોબલ વોર્મિંગ માનવ વસ્તી માટે એક મોટો ખતરો છે. એમાં પણ ભારતનું દિલ્હી પ્રદૂષણમાટે અવર નવાર ચર્ચામાં આવતુ રહેતું હોય છે. ત્યારે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના શહેરોના નામ મોખરે આવ્યા છે. વાસ્તવમાં વાત એવી છે કે, સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપનીએ મંગળવારે 11 માર્ચના રોજ IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. જેમાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. મેઘાલયનું બર્નિહાટ આ યાદીમાં ટોચ પર છે. તેમજ દિલ્હી આજે પણ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનું શરમજનક બિરુદ ધરાવે છે.

IQ એર રિપોર્ટ 2024ના પ્રમાણે ભારત વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં પાંચમા ક્રમે આવ્યું છે. નોંધનીય બાબત છે કે, દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી કે નોઈડા નહીં પરંતુ મેઘાલયનું બર્નિહાટ છે. જ્યારે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં અકબંધ સ્થાન ધરાવી રાખ્યું છે. જણાવી દઈએ કે, વિશ્વના 20 પ્રદૂષિત શહેરોમાં બર્નિહાટ (મેઘાલય), દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), લોની (ગાઝિયાબાદ), નવી દિલ્હી (દિલ્હી), ગુરુગ્રામ (હરિયાણા), ગંગાનગર (રાજસ્થાન), ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ), ભીવાડી (રાજસ્થાન), મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ), હનુમાનગઢ (રાજસ્થાન), નોઈડા (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

વર્ષ 2023માં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2024માં PM (Particulate matter) 2.5 સાંદ્રતામાં 7%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 2023માં સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. તેમ છતાં, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. ઉલ્લેખનીય છે કે 2.5 માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો ફેફસાં અને લોહીમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થાય છે. આ વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બાળવાથી પણ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતના 35% શહેરોમાં વાર્ષિક PM 2.5 સ્તર WHOની 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં 10 ગણું વધારે છે. દિલ્હી આખા વર્ષ દરમિયાન ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરે છે અને શિયાળામાં તે વધુ ખરાબ બને છે, જ્યારે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વાહનોનો ધુમાડો, પરાલી સળગાવવા, ફટાકડા ફોડવા અને અન્ય સ્થાનિક પ્રદૂષણ હવાની ગુણવત્તાને જોખમી બનાવે છે.

હોળીના રંગોથી મુશ્કેલી હોય તો હિજાબ પહેરી લોઃ રઘુરાજ સિંહ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય મંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધુળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી તમારી ટોપી અને શરીર સુરક્ષિત રહે. હવે મંત્રીના આ નિવેદનને લઈને હોબાળો થયો છે, તેની ટીકા થઈ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધુળેટીમાં વિક્ષેપ સર્જનારાઓ માટે ત્રણ વિકલ્પ છે – જેલમાં જાઓ, રાજ્ય છોડી દો અથવા યમરાજ પાસે પોતાનું નામ નોંધાવો.’ રઘુરાજ સિંહે એમ પણ કહ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવામાં આવશે, તે લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ.’

તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે વર્ષમાં 52 વખત જુમ્મા આવે છે અને ધુળેટી એક જ દિવસ આવે છે, તેથી એક દિવસ મોડી નમાજ પઢો. જો ધુળેટી રમતા સમયે નમાજ અદા કરવાની હોય, તો હું તમને બેગમ હિજાબ પહેરે છે તેવી તાડપત્રી પહેરવાનું સૂચન કરું છું, જેથી તમે રંગોથી સુરક્ષિત રહો.

રઘુરાજ સિંહે એમ પણ કહ્યું હતું કે AMUમાં મંદિર બનાવવામાં આવશે અને આ લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ. મારી માગ છે કે AMUમાં રામ મંદિર બને. જો તે બને છે તો હું પ્રથમ ઇંટ મૂકીશ. ત્યાં વ્યક્તિ મંદિર માટે સર્વસ્વ બલિદાન આપી શકે છે.

 

પ્રેમ ચોપરા દ્વારા પોતાના જીવન આધારિત પુસ્તક સૈનિકોને સમર્પિત

અભિનેતા પ્રેમ ચોપરાએ 11 વર્ષ પછી તેમની પુસ્તકનું ફરી વિમોચન કર્યુ. મુંબઈમાં ગ્લોબલ આઇકોનિક બિઝનેસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સ (GIEBA) ખાતે એર માર્શલ પવન કપૂર અને સર્જન વાઇસ એડમિરલ આરતી સરીનની હાજરીમાં તેમના આત્મકથાત્મક પુસ્તકનું પુનઃવિમોચન કરવામાં આવ્યું.

આ સમય દરમિયાન જીવનચરિત્રના લેખક અને તેમની પુત્રી રકીતા નંદા પણ તેમની સાથે હાજર હતા. ભારતીય સિનેમામાં પ્રેમ ચોપરાના અમૂલ્ય યોગદાન બદલ, તેમને GIEBA 2025 લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રેમ ચોપરા તરફથી દેશના સૈનિકોને આ એક અનોખી ભેટ છે.

આ પ્રસંગે પ્રેમ ચોપરાએ કહ્યું, “મને ગર્વ છે કે હું આજે આ મંચ પર દેશની રક્ષા કરી રહેલા સૈન્ય સૈનિકો અને માર્શલ સાહેબને મળ્યો અને તેમને મારી જીવનકથાની નકલ ભેટ આપી. હું આ સૈનિકોને સલામ કરું છું જેમણે પોતાના બલિદાનથી દેશની રક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મને ખુશી છે કે હું આજે મારી જીવનકથા ‘પ્રેમ નામ હૈ મેરા’ તેમને સમર્પિત કરી રહ્યો છું.”

હર્ષ ગુપ્તા અને સુમિત કુમાર દ્વારા આયોજિત GiEBA એવોર્ડ્સ 2025 ના ખાસ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અભિનેત્રી લીના ચંદાવરકરને પણ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ઉદિત નારાયણ, ફરીદા જલાલ, સમીર અંજાન, અર્શી ખાન, સુદેશ ભોંસલે, મીત બ્રધર્સ જેવા ઘણા કલાકારોએ પણ ભાગ લીધો હતો. પ્રસૂન જોશી અને કંગના રનૌતને ગ્લોબલ આઇકોનિક એન્ટરટેઈનમેન્ટ એન્ડ બિઝનેસ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફિલિપીન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ

નવી દિલ્હીઃ ફિલિપિન્સની પોલીસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય એટલે કે ICCએ તેમના પર માનવતાની સામે અપરાધનો આરોપ લગાવીને એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જે પછી ફિલિપિન્સની પોલીસે મનિલાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યા હતા.

દુતેર્તેની પોલીસે ફિલિપિન્સની રાજધાની મનીલા એરપોર્ટ પરથી ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ હોંગકોંગથી પરત ફરી રહ્યા હતા. દુતેર્તેએ 2016થી 2022 સુધી દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ રહેતા નશીલા પદાર્થોની સામે કાર્યવાહી કરી હતી. જેમાં કથિત પ્રકારે હજારો લોકો માર્યા ગયા હતા.

તેમની ધરપકડ થવા પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ જેલ જવા માટે તૈયાર છે. ફિલિપિન્સમાં માનવાધિકાર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધને આ ધરપકડને ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે દુતેર્તે વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર નેધરલેન્ડની રાજધાની હેગમાં છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે ચોક્કસ સંજોગોમાં નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, વોર ક્રાઈમ વગેરે જેવા ગુનાઓ માટે વ્યક્તિઓની તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે.

ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી આવ્યા બાદ દુતેર્તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશથી તેમની સામે કાર્યવાહી કરી હતી.

દુતેર્તે પર આરોપ છે કે તેમણે તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સના વેપાર સામે પગલાં લીધા હતા, જેના પરિણામે મોટા પાયે હત્યાઓ થઈ હતી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 1 નવેમ્બર 2011એ દુતેર્તે વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તે સમયે દુતેર્તે ફિલિપિન્સના દાવો શહેરના મેયર હતા. ICCની તપાસ 16 માર્ચ 2019 સુધી ચાલુ રહી. દુતેર્તેના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ICC તપાસને રદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ICCએ દુતેર્તેની માગને ફગાવી દીધી હતી. દુતેર્તે 2022માં ફિલિપિન્સમાં સત્તા પરથી હટ્યા હતા.

 

કિંગ ખાનના બંગલાને લાગી નજર? બંગલાના બાંધકામ પર કોણે લગાવ્યા આરોપ? જાણો

શાહરૂખ ખાનના બંગલા મન્નતની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા થાય છે. હવે તેમના પર પરવાનગી વિના તેનું વિસ્તરણ કરવાની યોજના બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાણો શું છે આખો મામલો, કોણે લગાવ્યો આ આરોપ અને શા માટે?

પરવાનગી મેળવ્યા પછી જ કોઈપણ બાંધકામ થઈ શકે
અભિનેતા શાહરૂખ ખાન તેમના મુંબઈ બાંદ્રા સ્થિત બંગલા મન્નતમાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલા પણ તેમની સામે એક સમસ્યા ઉભી થઈ છે. બાર અને બેન્ચના અહેવાલ મુજબ એક સામાજિક કાર્યકર્તા સંતોષ દૌંડકરે અભિનેતા વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) નો સંપર્ક કર્યો છે. આમાં, સંતોષે અભિનેતા અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) પર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ની પરવાનગી લીધા વિના બંગલામાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે શાહરૂખ ખાન છ માળના બંગલાને વિસ્તૃત કરવાની અને બે માળ ઉમેરવાની યોજના બનાવી રહ્યો છે. આ સાથે અભિનેતા પર બંગલા અંગે છેતરપિંડીનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

પુરાવા રજૂ કરવા કહ્યું
અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નત પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે. તેના માટે, NGT એ સંતોષને પુરાવા રજૂ કરવા કહ્યું છે. ન્યાયિક સભ્ય દિનેશ કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય વિજય કુલકર્ણીની બેન્ચે જણાવ્યું હતું કે, “જો પ્રોજેક્ટ પ્રસ્તાવક અથવા MCZMA દ્વારા ઉપરોક્ત પ્રક્રિયાનું કોઈપણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો અપીલકર્તા દ્વારા ચાર અઠવાડિયાની અંદર તેના સમર્થનમાં પુરાવા સાથે તે ખાસ કરીને ટાંકવામાં આવી શકે છે, જો નિષ્ફળ જાય તો અમારી પાસે આ ટ્રિબ્યુનલના આદેશનું પાલન ન કરવા બદલ પ્રવેશના તબક્કે જ હાલની અપીલને ફગાવી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.” કેસની આગામી સુનાવણી NGT દ્વારા 23 એપ્રિલે યોજાશે.

શાહરુખ ખાન વર્ક ફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેની સાથે જોવા મળશે. આ એક એક્શન ફિલ્મ હશે.’કિંગ’ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરશે.

રાજકોટ સિવિલ ફરી વિવાદોમાં ઘેરાઈ, જાણીતા હાસ્ય કલાકારે લગાવ્યા ગંભીર આક્ષેપ

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમની ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટરો મનફાવે તેવા સમય પર આવે છે. જેના પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.

આખી વાત એમ છે કે, 15 દિવસ પહેલા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની બહેન હળવદ જતા હતા ત્યારે એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. જેનાથી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક મોરબી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ડોક્ટરોની બેદરકારી સામે આવી. હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમનાં જેવા નામાંકિત કલાકાર હોવા છતાં 5 કલાક બાદ બહેનનું સિટી સ્કેન થયું, તો પછી સામાન્ય ગરીબ દર્દીઓને કેવી હાલાકી ભોગવવી પડતી હશે? તેમની ફરિયાદ છે કે ડોક્ટરો દર્દીઓ “વારો આવે ત્યારે આવજો” કહીને લટકાવે છે, જેના કારણે ગંભીર દર્દીઓના જીવન પર સંકટ ઊભું થાઈ શકે છે.

તેમણે વધું જણાવ્યું કે, અકસ્માત જેવા ગંભીર કેસમાં સારવારમાં આટલો બધો સમય થાય તો દર્દી સાથે વધુ ગંભીર બનાવ પણ બની શકે છે. સરકારની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા છે છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી કે સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાના સાધન તો અપાય છે. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી.  તંત્ર દ્વારા ડોકટરોની કામગીરીને લઈને નિયમિત તપાસ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો આવા બની બેઠેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લે તેવી મારી માંગ છે.

ગુજરાતમાં માર્ચમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ, 9 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉંચકાય રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે સિવિયર હિટ વેવના કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વરતાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગત સપ્તાહે ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આ સપ્તાહના આરંભમાં જ હવામાનમાં પલટો આવ્યો અને ગરમીનો પારો 40 ડિગ્રી એ પંહોચ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ અને મેમા ગરમીનો પારો 40થી 45 ડિગ્રીની આસપાસ જોવા મળતો હોય છે. જ્યારે માર્ચ મહિનાથી તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાના એંધાણ છે. આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સિવિયર હિટ વેવના કારણે IMDએ 9 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતોના મતે સપ્તાહના અંત સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરવાની સંભવાનાઓ સેવાય રહી છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો જોવા મળ્યો. રાજ્યમાં કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે કચ્છના ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 40.9 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી, સુરત 41.8 ડિગ્રી, અમરેલી 40.0 ડિગ્રી,ભાવનગર 39.2 ડિગ્રી, દ્વારકા 33.6 ડિગ્રી , ઓખા 31.0 ડિગ્રી, પોરબંદર 39.2 ડિગ્રી , વેરાવળ 36.9 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી , સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી, મહુવા 40.4 ડિગ્રી , કેશોદ 40.8 ડિગ્રી, રાજકોટમાં 41.7 અને કંડલા 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું.

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા

મોરબીઃ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2022માં પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો પીડિતાને રૂ. ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ અપાયા.

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મોરબી સ્પે.પોક્સો કોર્ટે આરોપી રિક્ષાચાલક નરશી સોલંકીને આજીવન કેદ અને રૂ. 35,100નો દંડ પણ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર રિક્ષાચાલકને અંતિમ શ્વાસ સુધી કેદ ફટકારવામાં આવી છે. મોરબી શહેરમાં 2022માં નરાધમે દિવાળી સમયે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે આરોપી નરશી નથુભાઈ સોલંકી (33)ને મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા ફટકારી છે. સગીરાના ઘરમાં ઘૂસી પિતાને મારી નાખવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પિતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને આજીવન કેદ 35,100નો દંડ અને વળતર યોજનામાંથી કુલ ચાર લાખ સહાયની ચૂકવવા આદેશ કર્યો હતો.

ઋતિક રોશનની માએ નાદાનિયાં ફિલ્મ પર એવુ તો શું કહી દીધું કે થવા લાગી ચર્ચા

મુંબઈ: સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે ‘નાદાનિયાં’ થી અભિનયની શરૂઆત કરી હતી, જે તાજેતરમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઇબ્રાહિમ સાથે દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ‘નાદાનિયાં’ પરના એક રિવ્યૂ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, જેના પર ઋત્વિક રોશનની માતા પિંકી રોશનની ટિપ્પણી વાયરલ થઈ રહી છે.

ચર્ચામાં નાદાનિયાં પર લખેલી પોસ્ટ
ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરની ફિલ્મ ‘નાદાનિયાં’ પર ઋતિક રોશનની માતા પિંકી રોશનની ટિપ્પણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, પિંકી રોશને નાદાનિયાંના નકારાત્મક સમીક્ષા પર પ્રતિક્રિયા આપી છે. ફ્રેડી બર્ડીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નાદાનિયાં વિશે એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે કહ્યું કે તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી કારણ કે તેમને તે વાસ્તવિકતાથી ઘણી દૂર લાગે છે.

પિંકી રોશને નાદાનિયાં પર લખેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
ફ્રેડી બર્ડીએ પોતાની પોસ્ટમાં લખ્યું,’નાદાનિયાં’ની સમીક્ષા લખવા માટે બે બાબતો અયોગ્ય બનાવે છે. પહેલી વાત, હું 20 વર્ષનો નથી અને બીજું, મારી પાસે મગજ છે. મને એ વાત ગમે છે કે આપણે ધીમે ધીમે બેધ્યાન રોમેન્ટિક કોમેડી તરફ પાછા ફરી રહ્યા છીએ જે સંપૂર્ણપણે મૂર્ખ બનવા પર કેન્દ્રિત હોય છે. નાદાનિયાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર પાર્ટ 3’ જેવું લાગે છે. શ્રીમંત લોકોના અટક સિંઘાનિયા, જયસિંહ અને ઓબેરોય હોય છે અને ગરીબ લોકોના અટક મહેતા, વાઘલે અને બિરદી હોય છે.

તેમણે ઉમેર્યુ કે, ‘ધનવાન લોકો પાસે પૈસા હોય છે પણ તેમની પાસે ખુશી હોતી નથી. ગરીબ લોકો પાસે નોઈડાનું સરનામું છે પણ તેમની પાસે દિયા મિર્ઝા જેવી સુંદર માતા છે. વારસદાર ઇચ્છતા શ્રીમંત લોકો માથાથી પગ સુધી કાળા સૂટ પહેરે છે. ગરીબ લોકો ડોક્ટર છે અને તેઓ નોઈડામાં રહે છે. તું મને એક ગરીબ ડૉક્ટર બતાવ અને હું ત્રણ વાર નાદાનિયાં જોઈશ, હું વચન આપું છું.’

ઇબ્રાહિમ અલી ખાનની પ્રશંસા
આ જ પોસ્ટમાં ફ્રેડી બર્ડીએ સૈફ અલી ખાનના પ્રિય પુત્રની પ્રશંસા કરી. તેણે લખ્યું- ‘મને ઇબ્રાહિમ અલી ખાન ગમ્યો કારણ કે તમને એકમાં બે કલાકારો મળે છે. સૈફ અલી ખાનનો લુક અને સંજય દત્તનો અવાજ… તમારા પોતાના જોખમે જુઓ. આ પોસ્ટ પર ઋતિક રોશનની માતા પિંકી રોશને પણ પ્રતિક્રિયા આપી છે, જેને જોયા પછી યુઝર્સ માને છે કે તે પણ આ પોસ્ટ સાથે સંમત છે.

પિંકી રોશનની ટિપ્પણી વાયરલ થઈ
આ પોસ્ટ પર ટિપ્પણી કરતા, પિંકી રોશને લખ્યું – ‘હું આ રમુજી સમીક્ષા સાથે સંપૂર્ણપણે સંમત છું, પણ મને ઇબ્રાહિમ અલી ખાન ગમ્યો.’ આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે પિંકી રોશનને પણ આ ફિલ્મ પસંદ ન આવી, પરંતુ તે સૈફના લાડલાથી ખૂબ પ્રભાવિત થઈ. તેમની ટિપ્પણી પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું, ‘મને ખાતરી છે કે તે થોડી ફિલ્મો પછી પોતાની ડાયલોગ ડિલિવરીમાં સુધારો કરશે.’ બીજાએ લખ્યું, ‘હું ફરીથી કહું છું, એક સારો દિગ્દર્શક તેનામાં શ્રેષ્ઠતા લાવશે.’ પિંકી રોશને પણ આ ટિપ્પણી પર પોતાની સંમતિ વ્યક્ત કરી છે.