Home Blog Page 1095

અમદાવાદની આ સ્કૂલ દ્વારા પેરેન્ટ્સ ડેની કરાઈ અનોખી ઉજવણી

અમદાવાદ: દિલ્લી પબ્લિક સ્કૂલ – બોપલ દ્વારા પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન ‘કલાંજલિ 2024-25’નું ભવ્ય આયોજન કરવામાં અઆવ્યું હતું. પ્રિ-સ્કૂલથી લઈ ગ્રેડ 2 સુધીના 1,200 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

“નો ચાઈલ્ડ લેફ્ટ બિહાઈન્ડ” ની થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગ્રેડ 1 દ્વારા ‘અનુમાનધન–થ્રેડ ઓફ લવ’ રજૂ કરવામાં આવ્યું, જ્યારે જૂનિયર કેજી અને ગ્રેડ 2 ના નાનકડા પ્રતિભાશાળી બાળકો ‘ભારત–એક વિરાસત’ થી ભારતના સંસ્કૃતિક વારસાને જીવંત બનાવ્યો. સિનિયર કેજી અને બાલવાટિકાએ ‘તરંગ–અ મ્યુઝિકલ જર્ની’ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.

DPS-બોપલના પ્રિન્સિપાલ સબિના સાહનીએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાની સહભાગિતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શાળાના વિદ્યાર્થી વિકાસ પ્રત્યેના પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

કચ્છમાં ભૂકંપના બે આંચકા, 3.0 અને 2.8ની તીવ્રતાથી ધરતી હચમચી

ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે (11 માર્ચ) બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પ્રથમ ભૂકંપ સવારે 11:12 વાગ્યે નોંધાયો હતો, જેની તિવ્રતા 3.0 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. તેનું કેન્દ્ર રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. તેના એક મિનિટ પહેલા વધુ એક 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. બંને આંચકાઓ બાદ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપ બાદ તંત્ર સક્રિય બની ગયું છે. કોઈ જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી, તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં ટીમો તૈનાત કરી દેવાઈ છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ પર છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. વિજ્ઞાનીઓ અનુસાર, કચ્છ ભૂકંપ માટે હંમેશા જોખમી ગણાતા પ્રદેશોમાંથી એક છે. અહીં વારંવાર હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ અનુભવાતા રહે છે. 2001માં વિનાશક ભૂકંપના અનુભવ પછી, કચ્છમાં ભૂકંપ નિયંત્રણ માટે જુદા જુદા સુરક્ષા પગલા લેવામાં આવ્યા છે.

ઘઉંનું ઉત્પાદન વધીને 1154 લાખ ટનની રેકોર્ડ સપાટીએ પહોંચશે

નવી દિલ્હીઃ ઘઉંનું ઉત્પાદન પાક વર્ષ 2024-25ની રવી સિઝનમાં 1154.30 લાખ ટનની વિક્રમી સપાટીએ પહોંચ્યું હોવાનો અંદાજ સરકારે સોમવારે આપ્યો છે. ગત વર્ષે ઘઉંનું ઉત્પાદન 1132.92 લાખ ટન હતું. કૃષિ મંત્રાલયે સોમવારે મહત્વના પાક (ખરીફ અને રવી)નો બીજો એડવાન્સ અંદાજ રજૂ કર્યો હતો. ઉનાળુ પાકની સીઝનના આંકડા ત્રીજા એડવાન્સ અંદાજમાં સમાવવામાં આવશે. પાક વર્ષ 2024-25માં ખરીફ ચોખાનું ઉત્પાદન 1206.79 લાખ ટન થયું હોવાનો અઁદાજ છે, જે ગત વર્ષે આ સીઝનમાં 1132.59 લાખ ટન હતું. રવી સીઝનમાં ચોખાનું ઉત્પાદન 157.58 લાખ ટન થયું હોવાનો અંદાજ છે, જે ગત વર્ષે આ ગાળામાં 146.01 લાખ ટન હતું.

ઘઉંનું ઉત્પાદન 1154.30 લાખ ટન થશેનો અંદાજ છે, જે ગત વર્ષના ઉત્પાદન કરતાં 21.38 લાખ ટનનો વધારો દર્શાવે છે.શ્રી અન્ન (ખરીફ) 137.52 લાખ ટન થયું છે અને શ્રી અન્ન (રવી) 30.81 લાખ ટન થયું છે. જાડું ધાન્ય (ખરીફ) 385.63 લાખ ટન થયું છે અને જાડું ધાન્ય (રવી) પાકનું ઉત્પાદન 174.65 લાખ ટન થયું હોવાનો અંદાજ છે. તુવેરનું ઉત્પાદન 35.11 લાખ ટન અને ચણાનું ઉત્પાદન 115.35 લાખ ટન થયું છે. મસૂરનું ઉત્પાદન 18.17 લાખ ટન થયું છે.

તેલીબિયાંનું ઉત્પાદન ખરીફ સીઝનમાં 104.26 લાખ ટન અને રવી સિઝનમાં 8.87 લાખ ટન થયું છે. શીંગનું ખરીફ ઉત્પાદન 17.66 લાખ ટન થયું છે. સોયાબીનનું ઉત્પાદન 151.32 લાખ ટન થયું છે, જે ગત વર્ષે 130.62 લાખ ટન હતું. સરસવનું ઉત્પાદન 128.73 લાખ ટન થયું છે.

કપાસનું ઉત્પાદન 294.25 લાખ ગાંસડી (170 કિલોગ્રામની એક ગાંસડી) થયું છે અને શેરડીનું ઉત્પાદન 4350.79 લાખ ટન થયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસરત્ છે. તેમણે કહ્યું હતું કે મંત્રાલય વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે સહાય કરી રહ્યું છે જેને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધી રહ્યું છે અને વિક્રમી પાક થઈ રહ્યો છે.

હોળીના રંગમાં રંગાયા સલમાન અને રશ્મિકા, સિકંદરનું નવું ગીત રિલીઝ

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, તેની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં સલમાન ખાનનો અદ્ભુત અંદાજ જોવા મળ્યો હતો. ઉપરાંત, ફિલ્મનું પહેલી ગીત ‘જોહરા જબીન’ રિલીઝ થઈ ગયું છે. એવામાં આજે તેનું બીજું ગીત પણ રિલીઝ થયું છે.

‘સિકંદર’નું નવું ગીત
સલમાન ખાન અને રશ્મિકા મંડાન્નાની આગામી ફિલ્મ ‘સિકંદર’નું નવું ગીત ‘બમ બમ ભોલે’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત ઉજવણીની બધી ક્ષણોને કેદ કરે છે. તેમાં રેપ અને ડાન્સની સાથે અદ્ભુત દ્રશ્યો પણ છે જે રંગોના આ તહેવાર પર ચાહકોને ઉત્સાહિત કરશે. આ હોળીનું ખાસ ગીત છે, જેનો ચાહકો આ વર્ષે હોળી પર ખૂબ આનંદ માણી શકશે.

સલમાન ખાનને હોળીના ગીતમાં જોવાની મજા આવે છે. નિર્માતા સાજિદ નડિયાદવાલા તરફથી દર્શકો માટે આ એક અદ્ભુત ભેટ છે. આ ગીત રંગોનો છાંટો છે, જેમાં પ્રીતમનું જીવંત અને ભાવનાત્મક સંગીત છે. ઉપરાંત, શાન, દેવ નેગી અને અંતરા મિત્રાના અવાજો લોકોને નાચવા માટે મજબૂર કરશે. આ રેપ શેખસ્પાયર, વાય-એશ અને હુસૈન (બોમ્બે લોકલ) દ્વારા લખાયેલ અને રજૂ કરાયેલ છે. આ ટ્રેક બાળ રેપર્સ ભીમરાવ જોગુ, સરફરાઝ શેખ અને ફૈઝલ અંસારી (ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટ) સાથે સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.

ફિલ્મના કલાકારો અને રિલીઝ તારીખ
આ પહેલા ‘જોહરા જબીન’ ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ‘બમ બમ ભોલે’ ને કેટલો પ્રેમ મળશે. શાનદાર અને ઉચ્ચ ઉર્જાવાળા વાતાવરણથી ભરપૂર આ ગીતમાં સલમાન ખાન દ્વારા રશ્મિકા મંદાન્ના અને કાજલ અગ્રવાલ સાથે મજેદાર દ્રશ્યો અને આકર્ષક ડાન્સ મૂવ્સ રજૂ કરવામાં આવ્યા છે.’સિકંદર’નું આ હોળી સ્પેશિયલ ગીત આ વખતે હોળીની ઉજવણીમાં ઘણો રંગ ઉમેરશે. એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના અને કાજલ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. સલમાન સાથે રશ્મિકાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ બેનર્સ હટી ગયા.. પાર્કિંગ દબાણો શરૂ

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ રૂપે હજુ પણ ઘણાં સ્થળોએ નારી રક્ષણના અને અગ્રણી ગૌરવવંતી નારીઓને બિરદાવવાના અસંખ્ય કાર્યક્રમો સતત થઈ રહ્યા છે. જાહેર સ્થળોએ પણ મહિલા જાગૃતિ અને સુરક્ષા માટે પોલીસ દ્વારા ‘નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ ‘ હેઠળ સૂચનાઓ સાધનો અને સગવડો પુરી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કંટ્રોલમાં મેસેજ પહોંચાડતા કેમેરા અને કોમ્યુનિકેશનના આધુનિક સાધનોની સાથે અમદાવાદ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ પર “નો પાર્કિંગ”ના બેનર્સ લગાડવામાં આવ્યા છે…એ. એમ. ટી. એસ.ના જુદા જુદા બસ સ્ટેન્ડ પર પડદા જેવા વીનાઈલના બેનર્સમાં લખ્યું છે..’અહીંયા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા તથા ECB બોક્સ લાગેલ હોવાથી આ બસ સટેશનની આગળ કે આજુબાજુના 50 ફૂટ સુધી કોઈ પણ પ્રકારનું વાહન પાર્ક કરવું નહીં. જો વાહન પાર્ક કરેલું હશે તો આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..’જે પોલીસ સ્ટેશનની હદમાં બસ સ્ટેન્ડ પર આ બેનર્સ લગાડ્યા છે…સૌથી મહત્ત્વની વાત એ છે કે અતી ગંભીર, કાયમ લગાડવાની સૂચના સાવ સાધારણ દોરી સાથે બેનર્સ પર ટીંગાડી દીધી.. જ્યાં હાલ આ બેનર્સનો કોઈ પત્તો જ નથી..સૂચના હટી ગઈ એની જગ્યાએ આજુબાજુ જ લારી, ગલ્લા ખૂમચાનો અડીંગો શરૂ થઈ ગયો.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ

સુરતઃ ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવને નામે યોજાયેલો એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં ફાગોત્સવમાં અશ્લીલ ડાન્સ થતો જોવા મળ્યો છે, જેને કારણે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમણે નાચગાનની સાથે અશ્લીલ હરકતો કરી હતી. વિડિયોમાં વેપારીઓ પણ યુવતીઓ પર નોટો ઉડાવતા સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના બાદ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA)ના પ્રમુખે આ કૃત્યને સભ્ય સમાજને ન શોભે તેવું ગણાવીને સખત શબ્દોમાં વખોડ્યું છે.

આ ઘટનાને લઈને વેપારી આલમમાં ભારે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા વેપારીઓએ વાયરલ વિડિયોમાં અશ્લીલ હરકતો કરતા વેપારીઓ સામે ફિટકાર વરસાવ્યો છે. એક તરફ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આવા સમયે વેપારીઓની આ પ્રકારની હરકતથી વેપારી આલમનું માથું શરમથી ઝૂકી ગયું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સભ્ય સમાજને ન શોભે તેવી આ અશ્લીલતા છે. સામાજિક અને કલ્ચરલ કાર્યક્રમો થવા જોઈએ, પરંતુ આવા કાર્યક્રમોમાં આ પ્રકારની અશ્લીલતા બિલકુલ યોગ્ય નથી. આ વિડિયોમાં જે દ્રશ્યો જોવા મળ્યાં છે તે પારિવારિક સમાજના લોકો પણ જોઈ શકે તેવાં નથી, એક પ્રકારે બીભત્સ દ્રશ્યો છે. તમામ વેપારીઓને અપીલ છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન ટાળે. માર્કેટમાં આગની દુર્ઘટનામાં વેપારીઓને પહેલેથી જ કરોડોનું નુકસાન થયું છે, જેના કારણે સૌ વેપારીઓમાં દુઃખની લાગણી છે.

આ તારીખથી શરૂ થશે કપાસની ટેકાના ભાવે ખરીદી

ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે કપાસની ટેકાના ભાવે (MSP) ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતીય કપાસ નિગમ લિ. (CCI) દ્વારા સપ્ટેમ્બર-2025 સુધી કપાસની MSP પર ખરીદી થશે. કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7,471 નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો 15 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવી રહેશે.

ગુજરાતમાં કપાસ ખરીદ માટે 74 કેન્દ્રો

કપાસ ખરીદી માટે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ ઝોનમાં કુલ 74 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ ઝોનમાં બાવળા, બોડેલી, ધોળકા, હિંમતનગર, પાલેજ, વિસનગર જેવા ખાંડલાવાળા ખરીદ કેન્દ્રો કામ કરશે. રાજકોટ ઝોનમાં અમરેલી, બાબરા, ગોંડલ, ધોરાજી, મોરબી, પોરબંદર, રાજકોટ, બોટાદ, અને અન્ય 40 થી વધુ કેન્દ્રો કાર્યરત છે. કપાસ ખરીદી સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર +91 7718955728 જાહેર કરાયો છે. ખેડૂત મિત્રો આ નંબર પર મેસેજ મોકલીને મદદ મેળવી શકે છે.

ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થવા પર MCG ખાતે રમાશે પિન્ક બોલ ટેસ્ટ

ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટન 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટ 2027 માં તેના 150 વર્ષ પૂર્ણ કરશે. આ ખાસ તકે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે એક ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જેમાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એકબીજા સામે ટકરાશે. આ મેચ વર્ષ 2027 માં 11 થી 15 માર્ચ દરમિયાન રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માહિતી આપી. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 13 પિંક બોલ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 12 મેચ જીતી છે. આમાંથી 8 મેચ એડિલેડમાં રમાઈ છે.

પ્રથમ ટેસ્ટ 1877માં રમાઈ હતી
148 વર્ષ પહેલાં, મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. 15 થી 19 માાર્ચ 1877 દરમિયાન રમાયેલી આ પહેલી ટેસ્ટ મેચમાં, ડેવ ગ્રેગરીની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ જીતમાં ઓપનર ચાર્લ્સ બેનરમેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 165 રનની ઇનિંગ રમી. તમને જણાવી દઈએ કે, 1977માં, ટેસ્ટ ક્રિકેટના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે MCG ખાતે એક ટેસ્ટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રનથી હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમની કમાન ગ્રેગ ચેપલના હાથમાં હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠ નિમિત્તે એમસીજી ખાતે એક મોટી મેચનું આયોજન કરવામાં આવશે. તે ફ્લડલાઇટ્સ હેઠળ યોજાશે જે રમતના સમૃદ્ધ વારસા અને ટેસ્ટ ક્રિકેટના આધુનિક ઉત્ક્રાંતિ બંનેની ઉજવણી કરવાની એક અદ્ભુત રીત હશે. તેમણે કહ્યું કે આનાથી મહત્તમ સંખ્યામાં ચાહકોની હાજરી સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.

ઓસ્ટ્રેલિયા માટે 2025નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ વર્ષે નવેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે રમાનાર 2025-26 એશિઝ શ્રેણીને લઈને ઓસ્ટ્રેલિયા ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે ઓસ્ટ્રેલિયા એશિઝનું આયોજન કરશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમોમાંથી કઈ ટીમ જીતે છે. આ પહેલા, ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્ષે જૂનમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ મેચ રમશે. આ ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ઓસ્ટ્રેલિયન ટીમ બીજી વખત WTC ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

શું છે પિંક બોલ ટેસ્ટ ?
ક્રિકેટમાં ડે નાઈટ રમાતી ટેસ્ટને પિંક બોલ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે આવે છે. સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં લાગ રંગના લેધરના બોલનો ઉપયોગ થાય છે,પરંતુ જ્યારે ડે નાઈટ ટેસ્ટ મેચ હોય ત્યારે ગુલાબી રંગના લેધર બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

ટેસ્ટ ક્રિકેટને 150 વર્ષ પૂર્ણ

મેચ- ઓસ્ટ્રેલિયા વર્સીસ ઈંગ્લેન્ડ

વેન્યુ- મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

તારીખ- 11થી 15 માર્ચ, 2027

ફોર્મેટ- પિંક બોલ ટેસ્ટ

ICC ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો

નવી દિલ્હીઃ ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખસ હોટેલમાં સુખ-સુવિધાનો લાભ મેળવતો હતો. નકલી PA બનીને એક શખસ કેટલાક દિવસથી હોટેલમાં રોકાયો હતો અને સુવિધાઓનો લાભ ઉઠાવતો હતો. હવે પોલીસે ફરિયાદને આધારે જય શાહના નકલી PAને ઝડપી પાડ્યો છે.

પંજાબના ફિરોઝપુરનો 35 વર્ષીય અમરિંદર સિંહ ખુદને જય શાહનો અંગત સચિવ બતાવીને લોકોને મળતો પણ હતો. જોકે હોટેલના માલિકને શંકા જતાં તેણે પોલીસને ફરિયાદ કરી હતી અને તે બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના હોટેલ ઉદયમાનની છે.

જોકે જય શાહનો નકલી PA બનીને અધિકારીઓ પાસે વિવિધ કામ કરાવવાનો પર્દાફાશ થયો છે. આરોપીની ઓળખ પંજાબના અમરિંદર તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર અમરિંદર છેલ્લા ત્રણ દિવસથી હરિદ્વારની એક હોટેલમાં રોકાયેલો હતો. આ દરમિયાન તેને ખુદ ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર તેમ જ ICC ચેરમેન જય શાહનો PA બતાવીને હરિદ્વારના ઉચ્ચ અધિકારીઓને કોલ કરીને તેમને વિવિધ કામ કરવાનું દબાણ બનાવતો હતો.

અમરિંદર પાસેથી BCCIનું એક ફેક આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે જેના પર ICC ચેરમેન જય શાહ અને આરોપી અમરિંદરની તસવીર છે. આઇકાર્ડ પર જય શાહના હસ્તાક્ષર પણ છે. વચ્ચે અશોક સ્તંભ અને BCCIનો લોગો પણ છે. ICCના ચેરમેન બન્યા પહેલાં જય શાહ BCCIના સચિવ હતા. પંજાબ પોલીસ પાસેથી અમરિંદરના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવામાં આવી રહી છે.

BLAએ પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસનું હાઈજેક કર્યાનો દાવો, 120 મુસાફરોને બંધક બનાવ્યા

પાકિસ્તનની જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ટ્રેન બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLA દ્વારા હાઈજેક કરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. BLA સંગઠનને 11 માર્ચે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમને કહ્યું કે ટ્રેનના પાટા ઉથલાવી ટ્રેન પર કબ્જો મેળવ્યો છે અને 6 પાકિસ્તાની સૈનિકોને માર્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર BLAએ જે ટ્રેનમાં 500 લોકો સવાર હતા તે ટ્રેનને હાઈજેક કરી છે. જ્યારે હાલ તેમણે 120 મુસારફરોને બંધક બનાવી રાખ્યા છે. ટ્રેનમાં સવાર 6 સૈનિકોને મારી નાખ્યા છે. સંગઠને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેનાએ કોઈ લશ્કરી કાર્યવાહી કરી, તો બધા બંધકોની હત્યા કરવામાં આવશે.સંગઠનના જણાવ્યું કે, “આ ઓપરેશન મશ્કાફ, ધાદર અને બોલાન વિસ્તારમાં યોજના બનાવીને અમલમાં મૂકવામાં આવ્યું છે. રેલવે ટ્રેક ઉડાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ. હવે અમારી કબ્જામાં છે, અને જો કોઈ લશ્કરી કાર્યવાહી થશે, તો તમામ બંધકો માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.”

આ પહેલાં, 16 ફેબ્રુઆરી 2023ના રોજ પણ જાફર એક્સપ્રેસ પર વિસ્ફોટ થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા. તે હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી હતી. આ ઘટનાને લઈને પાકિસ્તાની સેનાની શું પ્રતિક્રિયા રહેશે અને શું બંધકોને સુરક્ષિત છુટકારો અપાવવામાં આવશે તે અંગે સમગ્ર દુનિયાની નજર ટકાઈ છે.