Home Blog Page 1082

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રેક્ટર્સને સરકારી ટેન્ડર્સમા ચાર ટકા અનામત

બેંગલુરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને સરકારી ટેન્ડરમાં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, 1999માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા બે કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

આ ફેરફારનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે.

ભાજપે કર્યો વિરોધ

કોંગ્રેસ સરકારના આ નિર્ણય પર ભાજપ પ્રહાર કરી રહ્યું છે. કર્ણાટક સરકારના આ નિર્ણય પર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભાજપ એની વિરુદ્ધ છે. સરકારી કોન્ટ્રેક્ટ્સમાં અનામત સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટક કેબિનેટના આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક સ્તર પર તુષ્ટિકરણના રાજકારણને અપનાવ્યું છે. જે લોકો બંધારણની વાત કરે છે, તે આંબેડકરની વિરુદ્ધ જઈને ધર્મને આધારે આરક્ષણ આપી રહ્યા છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સક્ષમ કોન્ટ્રેક્ટર પૂલ બનાવશે, પરંતુ હવે લોકોને એવું જોવું પડશે કે આ પૂલ કયા ધર્મની વ્યક્તિએ બનાવ્યો છે. આ કોંગ્રેસની મુસ્લિમ લીગ-જિન્ના માનસિકતા દર્શાવે છે. હવે શું કોન્ટ્રેક્ટ પણ ધર્મને આધારે આપવામાં આવશે? 

ભાજપ નેતા રવિશંકરે કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટક સરકારે પોતાના બજેટમાં સાર્વજનિક રૂપે જાહેરાત કરી છે કે સરકારી ટેન્ડરોમાં ચાર ટકા મુસ્લિમોની અનામત હશે. અત્યાર સુધી આપણે નોકરીઓમાં અનામત વિશે સાંભળ્યું છે, હવે તે મુસ્લિમો માટે સરકારી ટેન્ડર અનામત કરી રહ્યા છે. આ તુષ્ટીકરણની પરાકાષ્ઠા છે.

આ પહેલાં 7 માર્ચે કર્ણાટક સરકારનું બજેટ રજૂ કરતાં CM સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી હતી કે સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રેક્ટમાં ચાર ટકા હવે મુસ્લિમો માટે શ્રેણી-II બી હેઠળ અનામત રાખવામાં આવશે.

આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની અભિનયમાં એન્ટ્રી,સાઉથની ફિલ્મમાં મચાવશે ધમાલ

અનુષ્કા શર્માથી લઈને ગીતા બસરા સુધી, ઘણી બોલિવૂડ સુંદરીઓ ક્રિકેટરો સાથે સેટલ થઈ ગઈ છે. ક્રિકેટ અને સિનેમા વચ્ચેનું જોડાણ કોઈથી છુપાયેલું નથી. ઘણા કલાકારો એવા છે જેમણે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવ્યો છે અને ઘણા ક્રિકેટરો એવા પણ છે જેમણે અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરવા જઈ રહ્યું છે. પણ, આ નામ થોડું આશ્ચર્યજનક છે. ક્રિકેટના મેદાન પર દર્શકોને પ્રભાવિત કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પોતાની ફિલ્મી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. તે પણ દક્ષિણ ભારતીય ફિલ્મ સાથે.

ડેવિડ વોર્નર ફિલ્મ જગતમાં હલચલ મચાવવા માટે તૈયાર છે
દર્શકોમાં દક્ષિણ ભારતીય ફિલ્મોનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ખાસ વાત એ છે કે આ ક્રેઝ ફક્ત દક્ષિણ ભારતીય રાજ્યો પૂરતો મર્યાદિત નથી. આ ફિલ્મોનો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર પણ દક્ષિણ સિનેમાથી પ્રભાવિત છે. ડેવિડ વોર્નર મૈત્રી મુવીઝ મેકર્સની ફિલ્મથી પોતાની ફિલ્મી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે.

ડેવિડ વોર્નરનો રોબિન હૂડનો પહેલો લુક

આગામી ફિલ્મમાંથી ડેવિડ વોર્નરનો ફર્સ્ટ લુક મૈત્રી મૂવીઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રમતગમત ક્ષેત્રે પોતાની છાપ છોડ્યા બાદ ડેવિડ વોર્નર હવે ફિલ્મ દર્શકોમાં હલચલ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘રમતના મેદાન પર પોતાની છાપ છોડ્યા પછી, ડેવિડ વોર્નર હવે રૂપેરી પડદે ચમકવા માટે તૈયાર છે.’ તે રોબિન હૂડ ફિલ્મ દ્વારા ભારતીય સિનેમામાં એક જબરદસ્ત કેમિયો કરી રહ્યો છે. આ ફિલ્મ 28 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થશે.

આ પોસ્ટમાં ડેવિડ વોર્નર ડેશિંગ અવતારમાં જોવા મળી રહ્યા છે. તેણે નારંગી રંગનું ટી-શર્ટ પહેર્યું છે અને તેના ચહેરા પર ગંભીરતા દેખાય છે. મૈત્રી મૂવીઝની આ પોસ્ટ અત્યાર સુધીમાં 244.9 થી વધુ લોકોએ જોઈ છે. આ ફિલ્મમાં ડેવિડ વોર્નર સાથે દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર નીતિન અને શ્રીલીલા પણ જોવા મળશે. નિર્માતાઓએ હજુ સુધી આ ફિલ્મમાં ડેવિડ વોર્નરની ભૂમિકા શું હશે તે જાહેર કર્યું નથી, પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નકારાત્મક ભૂમિકામાં રૂપેરી પડદે તબાહી મચાવતો જોવા મળશે.

સંજુ સેમસનની ફિટનેસ ઉઠ્યા પ્રશ્નો, RR માટે કોણ કરશે વિકેટકીપિંગ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે, અને રાજસ્થાન રૉયલ્સ (RR) પોતાની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે. પરંતુ IPL શરૂ થવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે ટીમમાટે ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખની સંજુ સેમસનની ફિટનેસને લઈ પ્રશ્નો ઉભા થયા છે. IPL 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે, અને RRના ચાહકોની નજર હવે સંજુ સેમસનની ફિટનેસ પર રહેશે. RRના પ્રથમ મુકાબલામાં એ જોવા મળશે કે કેપ્ટન વિકેટકીપિંગ કરી શકશે કે ધ્રુવ જુરેલને આ જવાબદારી સોંપવામાં આવશે.

ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ દરમિયાન સંજુ સેમસનની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેના IPL 2025માં વિકેટકીપિંગ કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠી રહ્યો છે. હાલમાં તેને બેંગલુરુ સ્થિત નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)માં બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, મેડિકલ ટીમ હજુ પણ તેની વિકેટકીપિંગની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સેમસન વિકેટકીપિંગ માટે સંપૂર્ણ રીતે ફિટ ન હોય, તો ધ્રુવ જુરેલ રાજસ્થાન રૉયલ્સ માટે મુખ્ય વિકેટકીપર તરીકે રમવા માટે તૈયાર છે. ટીમે જુરેલને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, અને ટીમમાં અન્ય કોઈ વિકેટકીપર-બેટ્સમેન ઉપલબ્ધ નથી.

રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સંજુ સેમસન પોતાની ફિટનેસ સાથે સાથે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે ફરીથી કામ કરવા માટે પણ ઉત્સાહિત છે. સેમસને જણાવ્યું કે, “રાહુલ સર તે જ હતા જેમણે મને પહેલીવાર ટ્રાયલ્સમાં જોયો અને કહ્યું કે હું તેમની ટીમ માટે રમી શકું. આજે હું RRનો કેપ્ટન છું અને તેઓ ફરીથી ટીમ સાથે જોડાઈ રહ્યા છે. હું તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છું, અને મને આશા છે કે તેમની પાસે શીખવા માટે ઘણું મળશે.” સેમસને કહ્યું કે રાહુલ દ્રવિડ એક ખૂબ જ પ્રોફેશનલ કોચ છે અને ખેલાડીઓની તૈયારીમાં ભારે રસ લે છે. “ગયા મહિને, હું નાગપુરમાં રાજસ્થાન રૉયલ્સની સ્પોર્ટ્સ એકેડમીમાં સવારથી સાંજ સુધી હતી, અને દ્રવિડ સર હંમેશા બેટ્સમેન અને બોલરો સાથે જોડાયેલા હતા. તેઓ કોચિંગમાં ઊંડાણથી સામેલ રહે છે,”

અમૃતસર મંદિર બ્લાસ્ટના ત્રણ આરોપીઓની બિહારથી ધરપકડ

અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં મોડી રાત્રે થયેલા ગ્રેનેડ હુમલા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ હથિયારો અને ગ્રેનેડના સપ્લાયમાં સામેલ હતા. પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે આ ત્રણ યુવાનોને બિહારથી ત્યારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે 7 માર્ચે FIR નોંધવામાં આવી હતી, જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓ પાસેથી હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, ત્રણ યુવાનોના નામ પ્રકાશમાં આવ્યા – કર્ણ, મુકેશ અને સાજન. કર્ણ VKI સાથે સંકળાયેલો હતો અને શસ્ત્રો સપ્લાય કરતો હતો. અમે કર્ણનો પીછો કર્યો અને બિહારના મધેપુરા પહોંચ્યા અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી.

ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે પોલીસ આરોપીને બિહારથી લાવી રહી છે. આ લોકો ગ્રેનેડ સપ્લાય કરી રહ્યા હતા, તેમના છુપાયેલા સ્થળો વિશે પણ માહિતી મળી છે. તેમણે કહ્યું કે જ્યારથી ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ શરૂ થઈ છે, ત્યારથી પોલીસને શંકા છે કે આ લોકો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ લોકો તે સ્થળના રહેવાસી છે જ્યાં વિસ્ફોટ થયો હતો. ભુલ્લરે કહ્યું કે આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવશે.

આરોપીઓ ભારત છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ બિહારથી નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમને પકડી લીધા. હવે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેનાથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

સુપર ઓવરમાં વિના રન બનાવ્યા આઉટ થઈ ટીમઃ 16 વર્ષમાં સૌપ્રથમ વાર

નવી દિલ્હીઃ T20 ક્રિકેટમાં ટાઈ બ્રેકર તરીકે સુપર ઓવરનો ઉપયોગ છેલ્લાં 16 વર્ષથી થઈ રહ્યો છે, પરંતુ શુક્રવારે બહેરિન અને હોંગકોંગ વચ્ચેની મેચમાં કંઈક એવું બન્યું કે જે પહેલાં ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થયું ન હતું. કુઆલા લમ્પુરમાં હોંગકોંગ સામે બહેરિનની ટીમ સુપર ઓવરમાં એક પણ રન કર્યા વિના જ બંને વિકેટ ગુમાવી બેઠી હતી.

મલેશિયા ત્રિપક્ષી શ્રેણીની આ મેચ દરમિયાન હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને સાત વિકેટે 129 રન બનાવ્યા હતા, એના જવાબમાં બહેરિનની ઓપનર જોડીએ ફિયાઝ અહમદ અને પ્રશાંત કુરુપે પ્રારંભિક ચાર ઓવરમાં 30 રન બનાવી ઝડપી શરૂઆત કરી.

કપ્તાન અહમર બિન નાસિરની શાનદાર બેટિંગથી બહેરિને મેચમાં પરત ફર્યું હતું. છેલ્લી ઓવરમાં જીત માટે 13 રનની જરૂર હતી. નાસિરે મધ્યમ ગતિના બોલર નસરુલ્લા રાણાની બોલ પર એક ગગનચુંબી છક્કો ફટકારીને સ્કોર બરાબર કરી દીધો, પરંતુ છેલ્લા બોલ પર વિકેટકીપર જિશાન અલીએ તેનો કેચ પકડી લીધો અને મેચ ટાઈ થઈ ગઈ હતી.

જોકે સુપર ઓવરમાં નાસિર રન નહીં બનાવી શક્યો. હોંગકોંગના અનુભવી ઓફ-સ્પિનર એહસાન ખાને સતત બે બોલ પર તેને અને સોહેલ અહમદને આઉટ કરી દીધા. ICCના નિયમો અનુસાર સુપર ઓવરમાં બે વિકેટ પડતાં જ બેટિંગ પૂરી થઈ જાય છે. ત્યાર બાદમાં, હોંગકોંગે માત્ર ત્રીજા બોલે વિજય મેળવ્યો. બાબર હયાતે વિજયી રન બનાવ્યો હતો.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં આ 33મો પ્રસંગ હતો જ્યારે કોઈ મેચ સુપર ઓવર સુધી પહોંચી હોય. રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર હતું જ્યારે બાહરિને સુપર ઓવરમાં હારનો સામનો કર્યો. આ પહેલાં તે બે વખત સુપર ઓવર જીત્યું હતું.

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, બલૂચિસ્તાનમાં સૈન્યના કાફલા પર IED બ્લાસ્ટ

બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓનો સિલસિલો યથાવતિ્ છે. તાજેતરમાં જ બલૂચિસ્તાની બળવાખોરોએ જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી હતી, અને તે ઘટનાના આઘાતમાંથી પાકિસ્તાની સેના હજી બહાર આવી નથી. એ દરમિયાન આજે ફરી એકવાર શાહબાઝ શરીફના શાસનમાં દેશની સેનાને ભારે ધક્કો પહોંચ્યો છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર IED બ્લાસ્ટથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘણાં જવાનો ઘાયલ થયા હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે, હાલ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શુક્રવારે બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો. સંગઠનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ તેમની માગણીઓ ન સ્વીકારતાં તમામ 214 બંધકોને મારી નાખ્યા હતા. BLAએ અગાઉ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. BLAના આ દાવાથી પાકિસ્તાન સરકાર અને સેના દબાણમાં આવી ગઈ છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ શુક્રવારે નિવેદન આપ્યું હતું કે બલૂચિસ્તાન ટ્રેન હુમલામાં 26 બંધકો માર્યા ગયા હતા, જેમાંથી 18 સુરક્ષાકર્મીઓ, 3 સરકારી અધિકારીઓ અને 5 નાગરિકો હતા. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ઓપરેશન દરમિયાન 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ BLAના દાવાઓને કારણે પાકિસ્તાનના દાવા પર શંકા ઉભી થઈ છે.

‘તમારી હિન્દી ભાષા અમારા પર લાદશો નહીં…’પ્રકાશ રાજે પવન કલ્યાણ પર કર્યા પ્રહારો

છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે. હવે અભિનેતા પ્રકાશ રાજે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પર હિન્દી ભાષા પરની તેમની તાજેતરની ટિપ્પણીઓ બદલ આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પવન કલ્યાણ પર હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો છે.

પ્રકાશ રાજે કેવી પ્રતિક્રિયા આપી?
અભિનેતા પ્રકાશ રાજે શનિવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પવન કલ્યાણની ટીકા કરી અને તેમના પર અન્ય લોકો પર હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો. પ્રકાશે પોતાની પોસ્ટમાં લખ્યું, “તમારી હિન્દી ભાષા અમારા પર લાદશો નહીં. આ બીજી ભાષાને નફરત કરવા વિશે નથી; તે આપણી માતૃભાષા અને આપણી સાંસ્કૃતિક ઓળખને આત્મસન્માન સાથે બચાવવા વિશે છે. કૃપા કરીને કોઈ પવન કલ્યાણ ગરુને આ સમજાવો.”

પવન કલ્યાણે હિન્દીના સમર્થનમાં વાત કરી
કાકીનાડાના પીથમપુરમ ખાતે જનસેના પાર્ટીના 12મા સ્થાપના દિવસ સમારોહમાં પવન કલ્યાણના તાજેતરના ભાષણના પ્રતિભાવમાં પ્રકાશ રાજની પ્રતિક્રિયા આવી. પવન કલ્યાણે રાજ્યમાં હિન્દી લાદવા અંગે તમિલનાડુના રાજકારણીઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ નેતાઓ હિન્દીનો વિરોધ કરે છે, પરંતુ તેઓ નાણાકીય લાભ માટે તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપે છે. આ દરમિયાન તેમણે કહ્યું, “મને સમજાતું નથી કે કેટલાક લોકો સંસ્કૃતની ટીકા કેમ કરે છે. તમિલનાડુના રાજકારણીઓ નાણાકીય લાભ માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપતી વખતે હિન્દીનો વિરોધ કેમ કરે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે પણ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ કેવો તર્ક છે?”

પ્રકાશ રાજનો કાર્યક્ષેત્ર
અભિનેતા પ્રકાશ રાજના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે ‘ધલાપતિ’માં જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મોમાં’રેટ્રો’, ‘વીરા ધીરા સુરણ’, ‘ઠગ લાઈફ’, ‘ઈડલી કઢાઈ’ અને ‘કુલી’નો સમાવેશ થાય છે.

ભાષા વિવાદ પર તમિલનાડુના નેતાઓને પવન કલ્યાણનો જવાબ

પવન કલ્યાણની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને ડીએમકે શાસિત તમિલનાડુ નવી શિક્ષણ નીતિનો એક ભાગ એવા ‘ત્રણ-ભાષા ફોર્મ્યુલા’ પર કડવાશમાં રોકાયેલા છે. હવે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ હિન્દી-તમિલ ભાષા વિવાદમાં ઉતર્યા છે. પવન કલ્યાણે તમિલનાડુ પર દંભનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના નેતાઓ નાણાકીય લાભ મેળવવા માટે તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપે છે પરંતુ ભાષાનો વિરોધ કરે છે.

પોતાની પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, જનસેનાના વડાએ કહ્યું કે દેશની અખંડિતતા માટે ભારતને તમિલ સહિત ઘણી ભાષાઓની જરૂર છે. પવન કલ્યાણે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)નું નામ લીધું ન હતું, પરંતુ તમિલનાડુના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો અને તેમના પર દંભનો આરોપ લગાવ્યો હતો.

તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ કેમ કરવામાં આવે છે?

તેમણે કહ્યું, તમિલનાડુના લોકો હિન્દી લાદવાનો વિરોધ કરે છે. આનાથી મને આશ્ચર્ય થાય છે કે જો તેઓ હિન્દી નથી ઇચ્છતા, તો તેઓ પૈસા કમાવવા માટે તમિલ ફિલ્મોને હિન્દીમાં ડબ કેમ કરે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે, પણ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ કેવો તર્ક છે?” કલ્યાણે એ પણ ભાર મૂક્યો કે તમિલનાડુ તરફથી ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા હિન્દી ભાષી રાજ્યોના મજૂરોનું સ્વાગત કરવું પણ તેમની ભાષાનો અસ્વીકાર કરવો એ “અન્યાયી” છે.

ગુજરાતમાં ગરમીનો કહેર, કચ્છમાં ઓરેન્જ અને દીવ માટે યેલો હિટવેવ એલર્ટ

ગુજરાતમાં ગરમી દિવસે-દિવસે વધી રહી છે, અને હવામાન વિભાગે હિટવેવને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. કચ્છમાં તીવ્ર હિટવેવ (Severe Heatwave) માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દીવ માટે યેલો એલર્ટ જાહેર થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 39°C નજીક પહોંચી ગયું છે, જેમાં અમદાવાદમાં 39.3°C અને ગાંધીનગરમાં 39.4°C નોંધાયું છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 39°Cથી નીચે નોંધાઈ રહ્યું છે, પરંતુ કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરે તાપમાન ઉંચી સપાટીએ પહોંચતાં લોકોને ગરમીનો મારો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં હલકો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાત્રિ તાપમાન પણ વધી શકે છે. હીટવેવના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક, ચક્કર, માથાનો દુખાવો, ઉલટી અને બેહોશી જેવી તકલીફો સર્જાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગો ધરાવતા લોકોને હિટવેવ વધુ અસર કરે છે. તડકામાં વધુ સમય પસાર કરનારા લોકો માટે પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15થી 17 માર્ચ દરમિયાન ગુજરાત, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તીવ્ર ગરમી રહેશે.

ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે પવન અને કરા પડી શકે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 16-17 માર્ચે વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને ગરમીમાં સુરક્ષિત રહેવા માટે પુરતી તકેદારી રાખવાની સલાહ આપી છે.

પાન કાર્ડની જેમ હવે ચૂંટણી કાર્ડ પણ આધાર સાથે લિંક થશે

ચૂંટણી પારદર્શિતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવાની પ્રક્રિયા હવે ઝડપી બનાવી શકાય છે. પાન કાર્ડની જેમ હવે ચૂંટણી પંચ મતદાર ઓળખ કાર્ડ (EPIC) ને આધાર સાથે લિંક કરવાની યોજના પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ બેઠક આવતા અઠવાડિયે યોજાવા જઈ રહી છે, જેમાં ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય અને આધાર જારી કરતી સંસ્થા UIDAI ના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. આ પહેલનો ઉદ્દેશ્ય નકલી અને ડુપ્લિકેટ મતદારોને ઓળખીને મતદાર યાદીને વધુ સ્વચ્છ બનાવવાનો છે.

અહેવાલ મુજબ 2021માં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં સુધારો કર્યા પછી, ચૂંટણી પંચે સ્વેચ્છાએ મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવાનું શરૂ કર્યું. જોકે, ચૂંટણી પંચે હજુ સુધી આધાર અને મતદાર ઓળખ કાર્ડ ડેટાબેઝને લિંક કર્યા નથી. આ પ્રક્રિયા ડુપ્લિકેટ મતદાર નોંધણીઓ ઓળખીને મતદાર યાદીને શુદ્ધ કરી શકાય તે માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું ન હતું.

આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ચૂંટણી કમિશનર વિવેક જોશી 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, વિધાનસભા વિભાગના સચિવ રાજીવ મણિ અને UIDAIના CEO ભુવનેશ કુમારને મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં મતદારોના EPIC નંબર સમાન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ અંગે, ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે કેટલાક રાજ્યોમાં ખોટી આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ફરીથી એ જ નંબરો જારી કરવામાં આવ્યા હતા.