Home Blog Page 1062

વસ્ત્રાપુરમાં નશાખોર કારચાલકનો આતંક, ચાર વાહનોને લીધા અડફેટે

અમદાવાદ: ઘણા સમયથી અમદાવાદ શહેરમાં અસમાજિક તત્વો અને રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. પોલીસ તંત્ર પણ આવા કેસ ન બને તે માટે ડ્રાઈવ ચલાવી રહી છે. જેથી કરી લુખ્ખા તત્વો પર લગામ લગાડી શકાય. આ વચ્ચે ફરી એક વખત અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક 24 માર્ચની મોડી રાત્રે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, જોકે કારચાલકે છરી બતાવીને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આપી હતી. આ દરમિયાન ક્રોધે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કારચાલકને ધીબેડી નાખ્યો હતો. જોકે પોલીસે કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક થાર કારચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કાર રોકાઈ જતા લોકો તેને ઘેરી લીધો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકો દ્વારા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ કારચાલકે પોલીસને પણ ડરાવી હતી. પરંતુ બાદમાં પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

UNમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી, “PoK ખાલી કરવું જ પડશે…”

ન્યૂયોર્ક: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો હતો, પરંતુ પાકિસ્તાને એકવાર ફરી તેમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પાર્વથાનેની હરીશે જવાબ આપતાં કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદે રીતે આ વિસ્તાર પર કબજો કરેલો છે, જેને તાત્કાલિક ખાલી કરવો પડશે.’ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે તેણે ફરીથી ‘બિનજરૂરી ટિપ્પણીઓ’નો સહારો લીધો છે, પરંતુ તેનાથી પાકિસ્તાનના ગેરકાનૂની દાવા સાચા સાબિત થશે નહીં, ના તો તેની સ્ટેટ-સ્પૉન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત કરી શકાશે. તેમણે આગળ કહ્યું કે ‘ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજેન્ડા તરફ ભટકવા નહીં દે. ભારત આ મામલે વિસ્તારપૂર્વક જવાબ આપવાનું ટાળશે.

કુણાલ કામરાના જોક પર એકનાથ શિંદેની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમયે ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદે પર હાસ્ય કલાકાર કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિવાદ વધતો જ જાય છે. એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ કુણાલ કામરાના સમર્થનમાં છે, તો બીજી તરફ મુંબઈ પોલીસે કુણાલ કામરાને હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. આ બધા વચ્ચે આ સમગ્ર વિવાદ પર એકનાથ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું છે.

એકનાથ શિંદેએ શું કહ્યું?

શિવસેનાના કાર્યકરો દ્વારા હાસ્ય કલાકાર કુણાલ કામરાની ટિપ્પણીઓ અને તોડફોડ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે “અભિવ્યક્તિની સ્વતંત્રતા છે; અમે કટાક્ષ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આવું કોઈની વિરુદ્ધ બોલવા માટે ‘સુપારી’ (કોન્ટ્રાક્ટ પૈસા) લેવા જેવું છે. સામેની વ્યક્તિએ પણ ચોક્કસ સ્તર જાળવી રાખવું જોઈએ, નહીં તો કાર્યવાહીની પ્રતિક્રિયા હોય છે.”

કુણાલ કામરાએ શું કહ્યું?
વાસ્તવમાં, કુણાલ કામરાએ મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કુણાલ કામરાએ દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. આ વિવાદ બાદ રવિવારે રાત્રે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો હોટેલ યુનિકોન્ટિનેન્ટલ (જ્યાં ક્લબ આવેલી છે) ની બહાર આવ્યા અને ક્લબ અને હોટલ પરિસરમાં તોડફોડ કરી. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે કુણાલ કામરા વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી, જેમાં 353(1)(b) (જાહેર ઉપદ્રવ પેદા કરતા નિવેદનો) અને 356(2) (માનહાનિ)નો સમાવેશ થાય છે.

પોલીસે સમન્સ મોકલ્યા
નાયબ મુખ્યમંત્રી શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં મુંબઈ પોલીસે કુણાલ કામરાને નોટિસ ફટકારી છે અને તેમને તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, કુણાલ કામરા મહારાષ્ટ્રની બહાર છે. તેથી, તેમને વોટ્સએપ પર સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નોટિસની નકલ પણ ઔપચારિક રીતે કુણાલ કામરાના ઘરે મોકલવામાં આવી છે અને તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ આ નોટિસ વિશે જાણ કરવામાં આવી છે.

બાંગ્લાદેશમાં યુનુસ વિરુદ્ધ બળવો? સેનાએ કટોકટી બેઠક યોજી

બાંગ્લાદેશ: પાડોશી દેશમાં ટૂંક સમયમાં સેના સત્તા કબજે કરી શકે છે. સૈન્ય વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસને હટાવીને દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લે તેવી શક્યતા દેખાય રહી છે. સ્થાનિક સૂત્રો અનુસાર વાકર-ઉઝ-ઝમાનના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની સેનાએ સોમવારે એક કટોકટી બેઠક યોજી હતી. જેમાં આગામી દિવસોમાં સંભવિત મોટા ફેરફારનો સંકેત આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં પાંચ લેફ્ટનન્ટ જનરલ, આઠ મેજર જનરલ, સ્વતંત્ર બ્રિગેડના કમાન્ડિંગ અધિકારીઓ અને સેના મુખ્યાલયના અધિકારીઓ સહિત ટોચના સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની આગેવાની હેઠળના આવામી લીગ સરકારના પતન પછી મુહમ્મદ યુનુસે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી, બાંગ્લાદેશી લોકોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, બેઠકમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં સૈન્યની સંભવિત ભૂમિકાની આસપાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેવી માહિતી સ્થાનિક સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવી. સૂત્રોએ સંકેત આપ્યો હતો કે સેના રાષ્ટ્રપતિ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવા અથવા યુનુસ વિરુદ્ધ બળવો કરવા દબાણ કરી શકે છે. સેના તેની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાના વિકલ્પની પણ શોધ કરી રહી છે.

તાજેતરના મહિનાઓમાં, વિવિધ રાજકીય પક્ષો અને વિદ્યાર્થી નેતાઓએ સેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. જેના કારણે સેનામાં ઘણા વર્ગો નારાજ થયા છે અને આ વિરોધીઓને કાબૂમાં લેવાની યોજના બનાવવા માટે તેને ઉશ્કેરવામાં આવ્યા છે. ચાલી રહેલા રાજકીય ઉથલ-પાથલ વચ્ચે, યુનુસ ટૂંક સમયમાં ચીનની મુલાકાત લેવાના છે. આ મુલાકાત, જે ચીન-બાંગ્લાદેશ સંબંધોમાં પરિવર્તન લાવી શકે છે, તેના પર ઢાકાના પડોશીઓ નજીકથી નજર રાખશે.

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, શું રહેશે મેટ્રોનો સમય?

અમદાવાદ: 25 માર્ચથી 18 મે, 2025 દરમિયાન IPL 2025ની કેટલીક મેચ રમાવાની છે. જેમાં આજે મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાશે. IPLની મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મંગળવારે IPL 2025ની ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાવાની છે, ત્યારે શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવ્યું છે. જેમાં 1 JCP, 3 DCP, 6 ACP, સહિત 1200 પોલીસકર્મી ટ્રાફિક માટે તહેનાત રહેશે.વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને વૈકલ્પિક રૂટ

અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.IPL 2025ની મેચને લઈને  મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર

અમદાવાદમાં IPL 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો GMRCએ નિર્ણય કર્યો છે.

કુણાલ કામરાને મુંબઈ પોલીસે સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યું

મહારાષ્ટ્ર: નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષભર્યો વિડીયો બનાવનાર સ્ટેન્ડઅપ કોમેડિયમ કુણાલ કામરા વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે પહેલા કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુદ્દે મુંબઈ પોલીસ અધિકારીઓએ તેનો ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હવે ખાર પોલીસે તેને નોટિસ મોકલીને પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

શિવસૈનિકો ભડક્યાં 

આ વીડિયો સામે આવતા જ એકનાથ શિંદેની સેનાના શિવસૈનિકો ભડક્યાં હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. સોમવારે BMC અધિકારીઓની ટીમે મુંબઈમાં હેબિટેટ સ્ટુડિયોનો એક ભાગ તોડી પાડ્યો હતો. આ સ્ટુડિયોમાં જ કામરાએ વિવાદાસ્પદ શૉનું રેકોર્ડિંગ કર્યું હતું.શું છે આખો મામલો?

પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.

VIDEO: મમતા બેનર્જીએ લંડનના હાઇડ્રા પાર્કમાં સાડી અને ચંપલ પહેરીને મોર્નિંગ વૉક કર્યું

લંડન: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખૂબ જ શિસ્તબદ્ધ અને સરળ જીવન જીવે છે. તે ભારતમાં હોય કે વિદેશ પ્રવાસ પર, તેએ પોતાની દિનચર્યા બદલતા નથી. મમતા બેનર્જી હાલમાં બ્રિટનના પ્રવાસે છે, જ્યાં તેમને અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાની છે.

હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લંડનના પ્રખ્યાત હાઇડ્રા પાર્કમાં મોર્નિંગ વોક લેતા જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન પણ તે તેના પરંપરાગત પોશાક – સફેદ સુતરાઉ સાડી અને ચંપલમાં હતી.

વાયરલ વિડીયોમાં, મમતા બેનર્જી લંડનના સૌથી પ્રખ્યાત પાર્કમાંથી પસાર થતા સમયે તેમની સાથે આવતા લોકોને ટેમ્પો જાળવી રાખવા વિનંતી કરતા સાંભળી શકાય છે. તે કહે છે, ‘ખાતરી કરો કે કોઈ પાછળ ન રહી જાય’. બંગાળમાં આ એક પરિચિત દૃશ્ય છે, જ્યાં તેઓ ઘણીવાર રાજકીય રેલીઓ અને જાહેર કાર્યક્રમો દરમિયાન લાંબા અંતર સુધી ચાલતા જોવા મળે છે. જોકે, વિદેશ પ્રવાસોમાં પણ મમતા બેનર્જીની ફિટનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કોઈ ઘટાડો નથી.

જર્મનીથી લઈને સ્પેન, ઇટાલી અને લંડન સુધી, મુખ્યમંત્રી મમતા બેનર્જીની લગભગ તમામ આંતરરાષ્ટ્રીય મુલાકાતો દરમિયાન તેમના પરંપરાગત પોશાકમાં મોર્નિંગ વોક અને જોગિંગ કરવું તેમની ઓળખ રહી છે.

મંગળવારે, મમતા બેનર્જી બંગાળમાં રોકાણ લાવવા માટે યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, FICCI અને WBIDC દ્વારા સંયુક્ત રીતે આયોજિત સેમિનારમાં હાજરી આપશે. તેમની સાથે 15 સભ્યોનું વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આ સેમિનારમાં ભાગ લેવા લંડન ગયું છે.

પ્રતિનિધિમંડળમાં RPSGના વાઇસ ચેરમેન શાશ્વત ગોએન્કા, ઇમામીના વાઇસ ચેરમેન અને એમડી હર્ષ અગ્રવાલ, લક્ષ્મી ગ્રુપના એમડી રુદ્ર ચેટર્જી, અંબુજા નિયોટિયા ગ્રુપના ચેરમેન હર્ષ નિયોટિયા, પેટનના એમડી સંજય બુધિયા, ટીટાગઢ ગ્રુપના વાઇસ ચેરમેન ઉમેશ ચૌધરી અને ધુનસેરી ગ્રુપના ચેરમેન સીકે ​​ધનુકાનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડના રિવરટન કિનારે 6.8 ની તીવ્રતાનો ભૂકંપ

ન્યૂઝીલેન્ડ: રિવર્ટન તટ પર આજે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  સ્થાનિક સમય અનુસાર 2:43 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 33 કિ.મી. નીચે હતું. સ્થાનિક અહેવાલ અનુસાર દેશના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાહતની વાત એ છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યૂઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. અહીં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક પ્લેટોના કારણે ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. ન્યૂઝીલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે. જોકે ભૂકંપના કારણે ત્સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક એજન્સીઓ આ અંગે સમીક્ષા કરી રહી છે.

૨૫ માર્ચ, ૨૦૨૫

ઝાઝાં નબળાં લોકથી કદી ના કરીયે વેર

ઝાઝાં નબળાં લોકથી કદી ના કરીયે વેર

કીડી કાળા નાગનો પ્રાણ લે આ પેર.

નબળાં શબ્દ માત્ર શારીરિક નબળાઈ માટે જ નથી વપરાતો પણ વિકૃત મનનાં કુટિલ અને ડંખીલુ મન ધરાવતી વ્યક્તિઓ માટે પણ વપરાય છે. વ્યક્તિ ગમે તેટલો જોરાવર હોય પણ એ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ફસાય અથવા કોઈ પણ કારણસર એની તાકાત ક્ષીણ થાય ત્યારે એની તુલનામાં મગતરાં કહી શકાય એવા જીવો પણ એના ઉપર હાવી થઈ જાય છે. ક્યારેક તો એ ક્ષુદ્ર જીવ એને મોતને ઘાટ પણ ઉતારી દે છે.

એવું કહેવાય છે કે હાથીના કાનમાં જો મચ્છર ઘૂસી જાય તો એ માથાં પછાડી પછાડીને મરી જાય છે. બરાબર આવું જ ઉદાહરણ સાપનું છે. કીડી આમ જોઈએ તો સાવ સૂક્ષ્મ જીવ છે.

સાપનું એ કાંઇ બગાડી શકતી નથી પણ સાપ જો થોડો ઘાયલ થાય અને એને લોહી નીકળે તો કીડીઓનું આખું ઝુંડ એ ઘા ઉપર ચીટકીને એને ચટકા ભરે છે. સાપ પછડાઈ પછડાઈને આ વેદનાને કારણે વધુ ઘવાય છે અને છેવટે મરી જાય છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાઈ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)