Home Blog Page 1052

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપનો તાંડવ, ઈમારતો ધરાશાયી, લોકોમાં ભયનો માહોલ

મ્યાનમારમાં શુક્રવારે સવારે બે શક્તિશાળી ભૂકંપના આંચકાઓએ ધરતીને હચમચાવી દીધી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથમ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.7 હતી, જેનું કેન્દ્ર સાગાઈંગ નજીક હતું. આ ભૂકંપની અસર એટલી વ્યાપક હતી કે થાઈલેન્ડની રાજધાની બેંગકોક સહિત ચીન, તાઈવાન અને ભારતના કેટલાક ભાગોમાં પણ ઝાટકા અનુભવાયા. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પરનો પ્રખ્યાત એવા બ્રિજ ધરાશાયી થયો, જ્યારે બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઈમારત તૂટી પડી, જેમાં 43 કામદારો ફસાયા હોવાનું જાણવા મળ્યું.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, માંડલેયમાં ભૂકંપને કારણે 20 લોકોના મોત થયા, જ્યારે ટૌગુ શહેરમાં 5 લોકોનો ભોગ લેવાયો. થાઈલેન્ડમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે અને 43 લોકો લાપતા છે. ભારતમાં દિલ્હી, બિહાર અને મેઘાલયના ગારો હિલ્સમાં પણ ઝાટકા અનુભવાયા, જ્યાં ગારો હિલ્સમાં 4.0ની તીવ્રતાનો અલગ ભૂકંપ નોંધાયો.

થાઈલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રાએ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરી છે. બેંગકોકના એરપોર્ટ પર લોકડાઉન લાગુ કરાયું છે અને ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. આ ઘટનાએ બંને દેશોમાં અફરાતફરી ફેલાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઊંચી ઈમારતો પળવારમાં જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, “મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી  ઉદ્ભવેલી સ્થિતિ ચિંતાજનક છે. હું સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક સંભવિત મદદ માટે તૈયાર છે. વિદેશ મંત્રાલયને બંને દેશોની સરકારો સાથે સંપર્કમાં રહેવા અને પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપી છે.” USGSએ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે, જે દર્શાવે છે કે આ આફતનું સ્વરૂપ વ્યાપક હોઈ શકે છે. બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ બંને દેશોમાં વિનાશનું દૃશ્ય ભયાનક છે.

કોમેડી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ શું જરૂરી?

કોમેડિયનની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવો મુદ્દો છે, જે લોકશાહી સમાજમાં હાસ્ય, સર્જનાત્મકતા અને સામાજિક સંવેદનશીલતા વચ્ચેના સંતુલનને પડકારે છે. એક તરફ, કોમેડી એ સમાજનો અરીસો છે, જે રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓને રમૂજ સાથે ઉજાગર કરીને લોકોને વિચારવા મજબૂર કરે છે. બીજી તરફ, જ્યારે આ હાસ્ય વ્યક્તિગત માનહાનિ પણ કરી શકે છે. જ્યારે આ હાસ્ય કોઈ સમૂહ, દેશ અને ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, ત્યારે તેની સીમાઓ પર સવાલ ઉઠે છે. થોડા સમય પહેલાં કોમેડિયન સમય રૈના સાથે થયેલો વિવાદ એનું ઉદાહરણ છે.

એ પછી હમણાં કોમેડિયન કૃણાલ કામરાના વિવાદથી એક પ્રશ્ન ઉભો થાય છે કે શું કોમેડિયનની અભિવ્યક્તિ પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જ્યારે હાસ્યની આડમાં કરાતી ટિપ્પણીઓ રાજકીય અને સામાજિક વિવાદોનું કારણ બની રહી છે, ત્યારે આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો કે આ મામલે અલગ-અલગ વર્ગના લોકો શું કહે છે…

સી. પી. રાઠોડ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ

ભારતીય બંધારણમાં આર્ટિકલ 19 દેશના દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. આ કેસમાં કામરાએ કોઈનું નામ લીધું નથી, ફક્ત કટાક્ષ કર્યો છે, જે તેમની વ્યક્તિગત પસંદગી છે. હાલનો માહોલ ડિક્ટેટરશિપ તરફ જઈ રહ્યો હોય એવું લાગે છે, જ્યાં તમે તમારા વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકતા નથી. લોકશાહી દેશમાં આવું વર્તન દેશના વિકાસ માટે સારું નથી. પહેલાંના સમયમાં નામ સાથે કે વગર કટાક્ષ થતા હતા, પણ ત્યારે એફઆઈઆર નહોતી થતી. હવે આડકતરી ટિપ્પણી પર સ્ટુડિયો પર હુમલા થાય છે, જે સરકાર વિરુદ્ધ બોલવા પર કાયદાનો ડર દેખાડે છે.

ઋષિ ઠેકડી, વિદ્યાર્થી (સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવાર), અમદાવાદ

કાયદો દરેક નાગરિકને બોલવાની છૂટ આપે છે, પણ આપણે દેશ કે ધર્મ વિશે ખરાબ ન બોલવું જોઈએ. અભિવ્યક્તિની છૂટ હોવા છતાં, રાજનીતિ ક્યારેક તેને ખરાબ બનાવે છે. અગાઉ કંગના રનૌત સાથે પણ આવું થયું હતું. મારા મતે, બળજબરીથી અભિવ્યક્તિ છીનવી લેવી યોગ્ય નથી. આપણી પાસે કોર્ટ છે. જો કોઈ ખોટું બોલે તો કાયદાનો સહારો લઈ શકાય. આ કેસમાં કામરાએ નામ લીધા વગર કટાક્ષ કર્યો, જે મને વિવાદનો મુદ્દો નથી લાગતો.

ભૌતિક ચાવડા, પીએચડી સંશોધન વિદ્યાર્થી (બાયોટેકનોલોજી), રાજકોટ

ટૂંકા સમયમાં બે કોમેડિયન સાથે વિવાદ નાની વાત નથી. સમય રૈના ખોટા હતા, પણ કૃણાલ કામરાએ નામ વગર કટાક્ષ કર્યો, જે કાયદાકીય રીતે ખોટું નથી. કોમેડી એક શક્તિશાળી માધ્યમ છે, જે સમાજના પ્રશ્નો ઉજાગર કરે છે. પણ આ વિવાદથી લાગે છે કે કલાકારોની સ્વતંત્રતા પર દબાણ આવી શકે છે. બળજબરીથી બોલવા પર રોક લગાવવી યોગ્ય નથી. આ ઘટનાએ મારા મનમાં સવાલ ઉભો કર્યો કે કલા અને લાગણીઓ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? હું માનું છું કે સ્વતંત્રતા મહત્વની છે, પણ તેની સીમાઓ સમજવી જરૂરી છે.

રોહિત પટેલ, સામાજિક કાર્યકર, અમદાવાદ

આ કેસમાં પહેલો પ્રશ્ન એ છે કે નામ લીધા વગર કરેલી ટિપ્પણી પર આરોપ કેવી રીતે લગાડી શકાય? નામ વગરની ટિપ્પણી પર લેવાયેલી કાર્યવાહી ખોટી છે. આવા વિવાદનો નિર્ણય કોર્ટ પર છોડવો જોઈએ અને કાયદાનો જે નિર્ણય આવે તે માન્ય રાખવો જોઈએ. કોમેડી કોઈ પણ વિષય પર થઈ શકે છે, જ્યાં હાસ્યની સંભાવના હોય. હા, આ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ જોડાયેલી હોવી છે. એટલે કે, હાસ્ય એવું ન હોવું જોઈએ જે વ્યક્તિગત માનહાનિ કરે કે સમૂહની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડે. આવા મુદ્દાઓનું સમાધાન હિંસા કે કાયદાકીય દબાણથી નહીં, પણ સંવાદ અને સહિષ્ણુતા દ્વારા થવું જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)

મોહનલાલ અને મામૂટી વચ્ચે કેમ મચ્યો હોબાળો? આસ્થાના વિવાદનું કારણ શું છે? જાણો

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ તેમની ફિલ્મ ‘L2 એમ્પુરાં’ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ફસાઈ ગયા હતા. જોકે, આનો તેમની ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં, મોહનલાલ 18 માર્ચે સબરીમાલા મંદિરમાં ખાસ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. આ પછી, તેમની યાત્રાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં તે તેના નજીકના મિત્ર મામૂટી માટે પ્રાર્થના કરતા અને આશીર્વાદ માંગતા જોવા મળ્યા હતા. એક હિન્દુ સુપરસ્ટારે બીજા ધર્મના તેના મિત્ર માટે મંદિરમાં પ્રાર્થના કરી, ત્યારબાદ લોકોના એક વર્ગે અભિનેતાની ટીકા કરવાનું શરૂ કર્યું અને વિવાદ શરૂ થયો.

વિવાદ કેમ શરૂ થયો?

મોહનલાલ અને મામૂટી બંને સુપરસ્ટાર છે જે ત્રણ દાયકાથી વધુ સમયથી મિત્રો છે. બંનેએ લગભગ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તાજેતરમાં, જ્યારે 73 વર્ષીય મામૂટી બીમાર પડ્યા, ત્યારે મોહનલાલે કેરળના આદરણીય હિન્દુ મંદિરની મુલાકાત લીધી. જોકે, તેમની મુલાકાતની રસીદ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ અને તેનાથી આસ્થા અંગે વિવાદ શરૂ થયો. મામૂટીના જન્મ નામ મુહમ્મદ કુટ્ટી અંગે લીક થયેલી રસીદને કારણે લોકોના એક વર્ગને પ્રશ્ન થયો છે કે શું બિન-હિન્દુ ધર્મના વ્યક્તિ માટે મંદિરમાં પ્રાર્થના કરવી યોગ્ય છે?

બંને કલાકારો સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે

એવું નથી કે ફક્ત મોહનલાલ પર જ મંદિરમાં પોતાના મિત્ર માટે પ્રાર્થના કરવા બદલ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. પહેલી દલીલ મોહનલાલને નિશાન બનાવે છે, જ્યાં તેમને હિન્દુ દેવતાની પૂજા કરવા અને તેમના મિત્ર માટે શુભકામનાઓ પાઠવવા બદલ એક ચોક્કસ સમુદાયની માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી દલીલ એ છે કે જો મામૂટીએ તેના મિત્રને મંદિરમાં પ્રાર્થના કરવાનું કહ્યું તો તેણે તેના ધર્મ વિરુદ્ધ કૃત્ય કર્યું.

આ બાબતે મોહનલાલે શું કહ્યું?

મોહનલાલે મીડિયા સાથે મંદિરની મુલાકાત અને તેમના બીમાર મિત્ર માટે પૂજા કરવા વિશે વાત કરી. ચેન્નાઈમાં તેમની ફિલ્મના એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે તેમના મિત્ર માટે આશીર્વાદ લેવામાં કંઈ ખોટું છે અને તે સંપૂર્ણપણે તેમનો વ્યક્તિગત નિર્ણય છે જેની જાહેરમાં ચર્ચા ન કરવી જોઈએ.

જ્યારે સંજયભાઈએ ઓલમોસ્ટ સલમાનને ફિલ્મ છોડવા કહ્યું…

ગયા અઠવાડિયે મોડી રાતે ચેનલ-સર્ફિંગ કરતાં કરતાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ પર રિમોટ સ્થિર થાય છે. નવદંપતી નંદિની-વનરાજ (ઐશ્વર્યા રાય-અજય દેવગન) ઈટાલીમાં નંદિનીના પૂર્વ પ્રેમી સમીર (સલમાન ખાન)ને શોધવા આવ્યાં છે ત્યાં સુધીનો પાર્ટ આવી ગયો છે. બાય ધ વે, ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાળી સાહેબ ફિલ્મનો આ ભાગ બુડાપેસ્ટ (હંગેરી)માં શૂટ કરીને એને ઈટાલી ગણાવે છે. શું કામ? એ તો એ જાણે? મુદ્દો એ કે ફિલ્મ જોતાં જોતાં મને પચીસ વર્ષ પહેલાંના એ દિવસો યાદ આવી જાય છે. નોસ્ટાલ્જિક બનીને હું ઈસ્માઈલ દરબારનાં સ્વરાંકન, ખાસ “ઢોલી તારો ઢોલ બાજે” (કવિતા કૃષ્ણમૂર્તિ-કરસન સાગઠિયા-વિનોદ રાઠોડ) જોવા-માણવા ખુરશીમાં ટટાર થઈને બેસું છું.

બીજા દિવસે સવારે દિલડોલ રાસગરબાની કોરિયોગ્રાફી કરનાર દંપતી, સમીર-અર્ષ તન્નાને પૂછું છું, “આ આઈકનિક સોંગની કોરિયોગ્રાફી, એના શૂટિંગની કોઈ મેમરી ખરી?”

સમીરજીએ શું જવાબ આપ્યો એ પછી કહું છું, પહેલાં આ વાંચોઃ

સમીર તન્નાના પિતા અનિરુદ્ધ તન્ના એટલે ‘પારેવડું’ અને ‘કલાનિધિ’ જેવી નૃત્ય અકાદમીના સ્થાપક. સમીરભાઈ માટે ઘરમાં એવું વાતાવરણ કે માતા સિવાય પિતા, ત્રણ બહેનો નૃત્યને સમર્પિત. મુંબઈની ‘નરસી મોનજી કૉલેજ’માં એમને મળ્યાં પારસી બાનુ અર્ષ. એમના ઘરમાં પણ નૃત્યનો માહોલ. અર્ષનાં માતા કથક શીખેલાં, છૂટાછવાયા શો પણ કરતાં, પરંતુ જોઈએ એવી તક મળી નહોતી એટલે એમણે ડીકરીને ડેન્સમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.

(અર્ષ અને સમીર તન્ના) (તસવીર: દીપક ધુરી)

કૉલેજમાં સમીર-અર્ષ વિવિધ નૃત્યસ્પર્ધામાં ભાગ લેતાં. જાણીતી સંસ્થા ‘કલાગુર્જરી’ દ્વારા આયોજિત સ્પર્ધામાં એમને પહેલું ઈનામ મળ્યું. આ કાર્યક્રમ જોવા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી આવ્યા હોય છે. આ સ્પર્ધાના બે’એક વર્ષ બાદ ‘હમ દિલ દે ચૂકે સનમ’ બનાવતી વખતે સંજયભાઈને સમીર-અર્ષ તન્ના યાદ આવે છે. એ ‘કલાગુર્જરી’ પાસેથી સમીરભાઈનો ફોનનંબર મેળવે છે, સંદેશો મૂકે છે અને… હિંદી સિનેમાના અવિસ્મરણીય રાસગરબાનું સ્ટેજ ગોઠવાય છે. પછી તો એમણે સંજયભાઈની જ ‘ગોલિયોં કી રાસલીલા’માં “નગાડા સંગ ઢોલ બાજે” અને “લહુ મૂંહ લગ ગયા” કોરિયોગ્રાફ કર્યાં. એમના કહેવા મુજબ, “લહુ મૂંહ લગ ગયા” પડકાર રૂપ સૉંગ હતું, કારણ કે ગીતના સ્લો ટેમ્પોને ધ્યાનમાં રાખતાં કોરિયોગ્રાફી કરવી અઘરી હતી. ‘ફિલ્મફૅર’ માટે “નગાડા” અને “લહુ” બન્ને નૉમિનેટ થયાં, પણ ટ્રોફી મળી “લહુ”ને.’

-અને હવે ‘હમ દિલ દે ચૂકે સનમ.’ ફિલ્મનું શૂટિંગ શરૂ જ થયું આ ગીતના પિક્ચરાઈઝેશનથી. હા, “ઢોલી તારો ઢોલ બાજે”થી જ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું શૂટિંગ શરૂ થયું. સમીરભાઈ કહે છેઃ “સેટ પર સલમાન ખાન આવ્યો ત્યારે અમે આખું ગીત સલમાન ખાન સામે રજૂ કર્યું. એ ખુશ થઈ ગયો. થોડી વાર પછી મગજમાં બત્તી થતાં એણે સંજયભાઈને પૂછ્યું, મને આ શું કામ દેખાડો છો શું આ ગરબો મારા પર શૂટ થવાનો છે?”

સંજયભાઈ કહે, “હાસ્તો, એટલે તો તને બતાવ્યું.”

સલમાન કહે, “સવાલ જ નથી. ડાન્સ-બાન્સ ઠીક છે. આ તો રાસગરબો. મારાથી નહીં થાય.”

તે પછી લાંબી રકઝક ચાલી. કંટાળીને સંજયભાઈએ સલમાનને રોકડું પરખાવી દીધુઃ “જો તું આ ન કરવાનો હોય તો ફિલ્મમાંથી આઉટ.”

સલમાને કહ્યું, “તમે મજાક કરો છોને?”

સંજયભાઈ કહે, “ના સિરિયસ છું. કોરિયોગ્રાફી આ જ રહેશે. તારે ફિલ્મમાં રહેવું હોય તો આ કરવું પડશે.”

બહુ ઓછા લોકોને ખબર હશે કે સંજય લીલા ભણસાલી પોતે બહુ સારા નૃત્યકાર-કોરિયોગ્રાફર છે. માતા લીલાબહેન સાથે એમણે રાસગરબાની, નૃત્યોની ગૂંથણી કરી છે.

ખેર. સંજયભાઈની મક્કમતા જોઈ સલમાને એ કર્યું અને બાકી ઈતિહાસ. અર્ષ કહે છેઃ “ઐશ્વર્યાએ બહુ ઝડપથી સ્ટેપ્સ શીખી-સમજી લીધાં. જો કે શૂટિંગ વખતે ઐશ્વર્યા-સલમાનને અને અમારા ડાન્સરોને બહુ તકલીફ પડી, કારણ કે ગરબો કલરફુલ એક્રેલિક તથા લાકડાંની પાતળી પટ્ટી પર કરવાનો હતો.”

આ કોરિયોગ્રાફર-દંપતીની પહેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’, જેમાં 13 નાયિકા છે ને એક નાયક. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહને સમીર-અર્ષ તન્ના જ જોઈતાં હતાં. એમણે ત્યાં સુધી કહ્યું કે “તમે ના પાડશો તો કદાચ મારે ફિલ્મ અભરાઈ પર ચડાવી દેવી પડશે. તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે.”

સમીર-અર્ષે હા પાડી ને બાકી ઈતિહાસ… સર્વોચ્ચ નેશનલ એવૉર્ડ્સ ઉપરાંત અનેક ટ્રોફી ઉસેડી જનારી હેલ્લારો માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવૉર્ડ પણ સમીર-અર્ષ તન્નાને મળ્યો.

હેમા માલિનીએ લોકસભામાં ઉઠાવ્યો ડીપફેકનો મુદ્દો

અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ હેમા માલિનીએ ગુરુવારે લોકસભામાં એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરી. તેમણે ડીપફેક ટેકનોલોજીના વધતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી. હેમા માલિનીએ કહ્યું કે આ સમસ્યાને અવગણવી ન જોઈએ કારણ કે તે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત, તે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

ઉદ્યોગના લોકો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે: હેમા માલિની
તેમણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગના લોકો આ ખતરાના સૌથી મોટા ભોગ બની રહ્યા છે. હેમા માલિનીએ કહ્યું, “આ સેલિબ્રિટીઓએ વર્ષોની મહેનતથી પોતાની ઓળખ બનાવી છે, પરંતુ ડીપફેક દ્વારા નકલી વીડિયો બનાવીને તેમની છબી ખરાબ કરવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાય છે અને પીડિતોના મન પર ઊંડી અસર કરે છે.”

સોશિયલ મીડિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
તેમણે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમના મતે સેલિબ્રિટીઓને તેમના અંગત જીવન વિશે કઠોર ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત સત્યને વિકૃત કરવામાં આવે છે અને ખોટી વાર્તાઓ રજૂ કરવામાં આવે છે જે તેમના માટે સમસ્યાઓ ઊભી કરે છે. હેમા માલિનીએ આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની માંગ કરી હતી જેથી લોકોને આ મુશ્કેલીમાંથી બચાવી શકાય.

ફિલ્મી સફર શાનદાર રહી
હેમા માલિનીની ફિલ્મી સફર પણ શાનદાર રહી છે. તેમણે 1963માં તમિલ ફિલ્મ ‘ઈધુ સાથિયમ’થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. 1968માં તેમણે હિન્દી ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. રાજકારણમાં આવતા પહેલા તેણીએ ફિલ્મોમાં મોટું નામ કમાવ્યું હતું. 1999 થી ભાજપને ટેકો આપતી હેમા માલિની 2004માં પાર્ટીની સભ્ય બની હતી. હાલમાં, તે મથુરાથી લોકસભા સાંસદ છે.

હું બ્રહ્માકુમાર છું…

એક ભાઈએ કહ્યું કે હું ખેડૂત છું. અમારે ઘણી વાર સરકારી કચેરીઓમાં કાર્ય અર્થે જવુ પડે છે. અમે 200-400 રૂપિયા આપીને કામ કરાવવા માટે ટેવાઈ ગયા છીએ. એકવાર એક યુવાન કર્મચારી ભાઈને મળવાનું થયું. મારી ટેવ મુજબ તેમના ટેબલ ઉપર રૂપિયા મૂક્યા. તેઓએ જવાબ આપ્યો કે હું આ નહીં લઉં. મેં તેમને ધ્યાનથી જોયા અને પરિચય પૂછ્યો તો તેમણે જણાવ્યું કે હું બ્રહ્માકુમાર છું.

મને વિચાર આવ્યો કે જે બ્રહ્માના આ કુમાર છે તે બ્રહ્મા, કેટલા ઊંચા, પાવન તથા દિવ્ય હશે! તેમને મળવા માટે હું અહીં આવ્યો છું. અહીં મને અવિનાશી પિતા શિવ તથા પ્રજાપિતા બ્રહ્માનો પરિચય મળ્યો, જેમના ગુણોની સુગંધ આજે પણ નવી આવવા વાળી આત્માઓમાં શક્તિ ભરી રહી છે. આજે જ્યારે સરકાર પણ યુવાઓમાં વધતી વિનાશકારી પ્રવૃત્તિ તથા કુચરિત્રથી પરેશાન છે, આ બ્રહ્મા સંતાનોમાં સ્વૈચ્છિક સચ્ચાઈ, ઈમાનદારી, કોઈપણ પ્રલોભન સમક્ષ ન ઝૂકવાની દ્રઢતા એ પિતાશ્રી દ્વારા શરૂ કરાયેલ આધ્યાત્મિક ક્રાંતિનું જ સારું પરિણામ છે.

લેખની મર્યાદાને ધ્યાનમાં રાખતા ઉપર અમે માતાઓ, બહેનો, યુવાઓના જીવનમાં આવેલ પરિવર્તનનું થોડું વર્ણન કરેલ છે. આ આધ્યાત્મિક કાંતિ દ્વારા પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર ગૃહસ્થની સ્થાપના કરવાનું, કલ્યાણકારી સામાજીક પરિવર્તન લાવવામાં મૂલ્યોની ધારણા કરાવવાનું, ઝુંપડી થી શરૂ કરીને મહેલ સુધી આધ્યાત્મિક લહેર ફેલાવવાનું જે મહાન કાર્ય કરેલ છે તે સૂર્યના કિરણો સમાન બધાની સામે સ્પષ્ટ થઈ રહ્યું છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ ક્રાંતિનો આધાર લઈને જ આ સંસાર મુશ્કેલ પરિસ્થિતિઓથી પાર ઉતરી શકે છે તથા તેના દ્વારા માનવ જાતિની એટલી સેવા થઈ જાય છે કે ભવિષ્ય બે યુગો સુધી બીજી કોઈપણ સેવાની જરૂરિયાત રહેતી નથી.

મનુષ્યનો સ્વભાવ એવો છે કે તે સત્ય પરંતુ વિચિત્ર વાતોને સાંભળવી વધુ પસંદ કરે છે. ‘સત્ય પરંતુ વિચિત્ર’ એ ટાઈટલથી આજે ઘણી વાતો મીડિયા દ્વારા મનુષ્ય સુધી પહોંચી રહી છે. પરંતુ તે એ સ્તરની નથી હોતી કે જેને જાણવાથી મનુષ્યનું જીવન સત્ય બની જાય, તેમનું જીવન આધ્યાત્મિક બની જાય. મને આ સંસ્થામાં આવવાથી જીવન જીવવાની નવી દિશા મળી. મારા આચાર વિચારમાં ઘણું પરિવર્તન આવ્યું તથા અતિન્દ્રિય સુખની અનુભૂતિ થઈ છે. આ સત્ય તથા વિચિત્ર કહાની ની શરૂઆત એ રીતે થઈ? વર્ષ 1936માં વિશ્વમાં સામાજિક, ધાર્મિક મૂલ્યોના પતનના વાદળા ઘેરાવા લાગ્યા હતા.

આ દિવસોમાં અખંડ ભારતના સિંધ- હૈદરાબાદ શહેરમાં દાદા લેખરાજ નામના ઝવેરીની ભક્તિ ચરમ સીમા પર પહોંચી ગઈ હતી. તેમને અનેક પ્રકારના સાક્ષાત્કાર ભક્તિના ફળના સ્વરૂપમાં થવા લાગ્યા. જેમાં પરમપિતા પરમાત્મા શિવ, આત્માનું મૂળ સ્વરૂપ, ચક્ર, નવી દુનિયાની સ્થાપના તથા પુરાની દુનિયાના વિનાશના દ્રશ્યો જોયા. જેના પરિણામે તેમના જીવનમાં અદભુત દિવ્ય પરિવર્તન આવ્યું. રાજાઇ સંસ્કાર વાળા દાદા લેખરાજે પોતાની તમામ મિલકત, તન-મન-ધન જન- જનની આધ્યાત્મિક સેવામાં લગાવી દીધી.

તમામ ચીજો સામે હોવા છતાં પણ તેઓ સંપૂર્ણ અનાસકત રહ્યા. તેમને લૌકિક નામ મળ્યું પ્રજાપિતા બ્રહ્મા. ભારતના શાસ્ત્રોમાં તથા પુરાણોમાં વર્ણન કરાયેલ છે કે અસુર વધ માટે દધીચિ ઋષિ. મૃત્યુ પામેલ પૂર્વજોને ગંગાજળથી જીવતા કરવા વાળા ભાગીરથ, મોહને જીતવા વાળા મોહજીત રાજા, તમામ ચીજો હાજર હોવા છતાં જીવન- મુક્ત સ્થિતિને પ્રાપ્ત અનુભવ કરવાવાળા રાજા જનક. આ તમામ પાત્રો બ્રહ્માબાબામાં જીવંત થઈ ગયા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

તે રેખા ભૂંસવી જોઈએ…

અગાઉ ક્યારેક સિંગાપોરના અર્બન પ્લાનિંગ સેન્ટરમાં ગઈ હતી. આગામી પચાસ વર્ષમાં સિંગાપોરમાં શું-શું થવાનું છે તે બધું વિઝિટર્સ માટે અને સ્થાનિકો માટે ત્યાં ડિસ્પ્લે કર્યું હતું. તે સમયે એવું લાગ્યું કે આપણા દેશમાં, દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં પણ આવું હોવું જોઈએ. આગામી એક વર્ષમાં, આગામી પાંચ વર્ષમાં, આગામી દસ વર્ષમાં અને આગામી પચીસ વર્ષમાં આપણા શહેરમાં અમુક-તમુક બાબતો આ રીતે થવાની છે તે આપણા જેવા સામાન્ય નાગરિકો સામે મૂકવામાં આવે અને તે પ્રમાણે કામો થતા હોવાનું નાગરિકોને દેખાય. ગઈકાલ કરતાં આપણો આજનો દિવસ સારો હતો એવું દેખાય તો ચૂંટણીઓ માટે મોટી મોટી પ્રચાર સભાઓ કરવાની જરૂર પડે ખરી?

આપણી બહુ અપેક્ષાઓ નથી. જો કે સારા રસ્તા, ચાલવા માટે ખાડારહિત ફૂટપાથ, સ્વચ્છ પાણી, શુદ્ધ હવા, અખંડિત વીજ અને શિક્ષણથી કોઈ પણ વંચિત નહીં રહે એવા નિમ્ન આર્થિક સ્તરને સમાવી લેનારી એજ્યુકેશન સિસ્ટમ. વડા પ્રધાનનો `ઈન્ડિયા એટ હંડ્રેડ’ `2047નો ભારત’ એવો એક એમ્બિશિયસ પ્લાન છે. તે આપણા બધા માટે `સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ હશે. આથી આપણી અંદર ઉત્સાહ જાગૃત થશે અને આપણી કાર્યક્ષમતામાં પણ નિશ્ચિત જ ફરક પડશે. દેશની બાબતમાં પચીસ અને પચાસ વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ અને એક્ચ્યુઅલી સરકાર કોઈ પણ આવે છતાં દેશના વિકાસનાં નક્કી થયેલાં કામો પૂર્ણ થવાં જોઈએ.

સુવિદિત છે કે મોટી-મોટી કંપનીઓ પણ આ રીતે દસ, વીસ, પચાસ વર્ષનું પ્લાનિંગ કરે છે. કોવિડે જો કે આ પ્લાનિંગને માત આપી. એક બાજુમાં કોવિડ હતો ત્યારે બીજી બાજુ ટેકનોલોજિકલ ઈન્વેન્શન્સ. દુનિયા એટલી ઝડપથી બદલાવા લાગી કે ભારતમાંની અમુક મોટી આઈ.ટી. કંપનીઓએ તે સમયે જાહેર જ કરી નાખ્યું કે, `ફર્ગેટ અબાઉટ ટેન ઈયર્સ પ્લાનિંગ. હાલમાં અમે ફક્ત આગામી એક અથવા બે વર્ષ તરફ જોઈ રહ્યા છીએ.’ અમારી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને તો એટલો ફટકો પડ્યો કે હજુ તેમાંથી બહાર આવી રહ્યાં છીએ. અમે પણ અગાઉ કમ સે કમ આગામી ત્રણ વર્ષ નજર સામે રાખતાં. તેનું ઈન ડિટેઈલ પ્લાનિંગ કરવા પર ભાર અપાતો. જો કે હવે માંડ એક વર્ષના પ્લાનિંગ પર સંતોષ માની રહ્યાં છીએ. તે એક વર્ષના પ્લાનિંગમાં પણ બધી બાબતો ફુલપ્રૂફ કરી શકાતી નથી. કારણ કે આસપાસની પરિસ્થિતિ એટલી બદલાઈ રહી છે, દુનિયામાં એટલી બધી બાબતો બની રહી છે કે ટુરિઝમ અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી બહુત દૂર કી નહીં સોચ સકતે। આઈટી રિવોલ્યુશનનું અગાઉ સારું હતું, નક્કી કરેલી બાબતો નક્કી થયા પ્રમાણે થતી. કારણ કે હમણાંની જેમ મોટાં પરિવર્તન અચાનક આપણી પર આવી પડતાં નહોતાં. આજકાલ આપણે એકાદ બાબત નક્કી કરીએ અને આવતીકાલે એન્વાયર્નમેન્ટ એટલું બદલાઈ જાય છે કે ફરીથી નવો વિચાર કરવો પડે છે. સારા અને ખરાબ બંને અર્થમાં કહી શકાય એવી અનપ્રેડિક્ટેબલ દુનિયામાં આપણે વસી રહ્યાં છીએ. જ્યાં દમદાર પગલાં મૂકતી વખતે થોડું હચમચી જવાય છે. અર્થાત પરિસ્થિતિ સારા અર્થમાં બદલાઈ રહી છે તે પણ એટલું જ સાચું છે.

અગાઉ માણસો પણ આ રીતે એકદમ ખમતીધર હતા અથવા ખમતીધર રહી શકતા હતા.`તૂટીશ પણ વળીશ નહીં’ એવી અથવા `હમ કરે સો કાયદા’વાળી સ્થિતિ હતી. આપણા ગત આયુષ્ય તરફ નજર નાખીએ તો આવા ઘણા બધા ખમતીધર માણસો આપણને દેખાશે. મને મારા કાકા યાદ આવે છે અથવા મારા મામાના ત્યાંના મારી માતાના કાકા તેમજ હાઈસ્કૂલમાં એક શિક્ષક તુરંત નજર સામે આવીને ઊભા રહે છે. તેઓ એટલા કડક હતા કે અમે કાયમ ડર હેઠળ રહેતાં હતાં. અવાજ કરવાનો નહીં. મોટા અવાજમાં બોલવાનું નહીં. ખડખડાટ હસવાનું નહીં.શાળામાં તે સરની સામે તો બાળકો થરથર કાંપતાં. શિસ્ત કેળવવા, ખોટી વર્તણૂકને સીધી કરવા માટે તેમનું તે રૂપ સારું હતું. જોકે ક્યારેક એવું લાગતું કે અરે તેમાં એટલું શું મોટું છે. જરા સબુરીથી લેવું જોઈએ. જોકે અંતે `વ્યક્તિ તેટલી પ્રકૃતિ.’જો અગાઉ એવા માણસો હતા અને આજે પણ છે. જેઓ `હમ કરે સો કાયદા’ પર એટલા મક્કમ હોય છે કે વાતાવરણ બદલાઈ રહ્યું છે, સંદર્ભ બદલાઈ રહ્યા છે તે ધ્યાનમાં જ લેતા નથી.અહીં બોલીવૂડની `કભી ખુશી કભી ગમ’ ફિલ્મનો ડાયલોગ યાદ આવ્યો, `એક બાર કહ દિયા, તો બસ કહ દિયા’ અથવા સલમાન ખાનનો ફેમસ ડાયલોગ, `એક બાર જો મૈને કમિટમેન્ટ કર દી તો ફિર મૈં અપને આપ કી ભી નહીં સૂનતા.’ આ માણસોનું એવું હોય છે કે મારો શબ્દ એટલે પથ્થર પરની રેખા. કાંઈ પણ થાયતો પણ બદલાશે નહીં.

ક્યારેક-ક્યારેક માણસો પોતે આ રેખા દોરી લે છે અથવા તેવું બધા પર ઠસાવે છે તો ક્યારેક પરિસ્થિતિ અથવા પોઝિશન તેમનું વ્યક્તિત્વ તેવું બનાવે છે. અમારો આમ જોવા જોઈએ તો`મોમ પોપ શોપ’ જેવો ફેમિલી બિઝનેસ છે. બધા બધું કરતાં અથવા કોઈને કોઈ પણ કામ કરવું પડતું. જરૂર પડતાં બધા બાંયો ચઢાવી કામ કરવા માટે તૈયાર. બિઝનેસ આકારમાં આવ્યો,થોડો-થોડો મોટો થવા લાગ્યો ત્યારે અગાઉનું તે સ્ટાર્ટઅપ સ્વરૂપ છોડીને પ્રોફેશનાલિઝમ લાવવાની, નાના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં તેનું રૂપાંતર કરવાની જરૂર જણાઈ અને જ્યારે મેં તે કોર્પોરેટ હેડનો પદભાર સંભાળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અરે હવે અગાઉની જેમ વર્તીને નહીં ચાલે. આપણે જે બોલીશું, આપણે જે ડિસિશન્સ લઈશું તે પ્રમાણ માનવામાં આવી રહ્યું છે. આપણો શબ્દ મહત્ત્વનો શબ્દ બની ગયો છે. મોટા ભાગના લોકો આપણા શબ્દને પ્રમાણ માની રહ્યા છે. આપણું વક્તવ્ય કાળા પથ્થર પરની રેખા બની રહી છે. જ્યારે એ ખ્યાલ આવ્યો ત્યારે એક્ચ્યુઅલી આંચકો લાગ્યો. હવે મને દરેક વાર બોલતી વખતે બહુ સાવધાની રાખવી પડશે. નિર્ણય એકદમ વિચારપૂર્વક અને સર્વ બાજુનો, શક્યતાઓનો વિચાર કરીને લેવા પડશે. આપણે જે કાંઈ કરીશું, જે દિશા બતાવીશું તેના પર આગળ કંપનીની પ્રગતિ નક્કી થવાની છે. આથી આપણે આપણી કાર્યક્ષમતા વધારવી જોઈએ. આપણા વિચાર સમૃદ્ધ બનાવવા જોઈએ સંસ્થાની અંદર અને સંસ્થાની બહાર શું ચાલી રહ્યું તેનો એટલે કે, પાસ્ટ-પ્રેઝેન્ટ-ફ્યુચરનો તાલમેલ સાધી શકવો જોઈએ. આપણી ડિસિશન પાવર પણ વધારવી જોઈએ. શિવાજીરાવ ભોંસલેના વ્યાખ્યાનમાંનોએક સંદર્ભ યાદ આવ્યો, લીડર કેવો હોવો જોઈએ તે બાબતમાં. `લીડરનો એક પગ કાયમ સંસ્થામાં હોવો જોઈએ અને બીજો પગ સંસ્થાની બહાર હોવો જોઈએ. બંને પગ સંસ્થાની અંદર હોય તો બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે સમજાતું નથી અને બંને પગ બહાર હોય તો સંસ્થામાંના માણસો સંગાથે આવતા નથી.’ આ બધું થઈ રહ્યું હતું ત્યારે મને વધુ એક બાબત મહેસૂસ થવા લાગી કે મારું `હમ કરે સો કાયદા’ જેવું થઈ રહ્યું છે. આપણે એકાદ વિચાર રજૂ કરવાનો અને તેની પર બધાએ ચર્ચા કરીને નિર્ણય સુધી પહોંચતા, આ પદ્ધતિ આજ સુધી હતી. હવે ચર્ચા ઓછી થઈ હતી અને આપણે જે કહીએ તો ડિસિશન માનીને ટીમતે બાબત આગળ લઈ જવા લાગી. `અરે આ આવું કેમ કર્યું?’ એવું વિચારતાં જ `તમે જ તો કહ્યું હતું’ એ ઉત્તર મળવા લાગ્યા અને મારા મનમાં ખતરાની ઘંટડીઓ વાગી. હું કાંઈ બ્રહ્મદેવ થોડી જ છું કે બધું જ્ઞાન મારી પાસે જ હોય? બહુ બહુ તો `વાછરડામાં લંગડી ગાય ડાહી’ એટલું જ. `તમે જ તો કહ્યું હતું’ આ બાબત અતિ થવા લાગી હતી. મેં કહેલી દરેક વાત `કાળા પથ્થર પરની રેખા’ એવું દરેક જણ લેતા હતા. અને તે ઘાતક હતું અમારા બધા માટે અને ઓર્ગેનાઈઝેશન માટે પણ. `તમે જ તો કહ્યું હતું’ એવી માનસિકતા તૈયાર થવા માટે અમુક દિવસો, મહિનાઓ, વર્ષો લાગવા માંડ્યાં હતાં, પરંતુ હવે તુરંત `તેની વિરુદ્ધ વર્તો, પ્રશ્ન પૂછો’એવું કહેવાનું આસાન હતું, પરંતુ અંગીકાર કરવા માટે સમય લાગવાનો હતો.

`તમે જ તો કહ્યું’ આ ઉત્તર આવ્યો એટલે મેં વિચારવાનું શરૂ કર્યું, `મેં ક્યારે કહ્યું? શા માટે કહ્યું? કયા કોન્ટેક્સ્ટમાં કહ્યું? જે સમયે મેં કહ્યું ત્યારે તેનો સંદર્ભ શું હતો?’ થોડા સમય પૂર્વે અમારી સિનિયર માર્કેટિંગ મેનેજર પ્રણોતી જોશીને મેં પૂછ્યું, `જરા એડવર્ટાઈઝિંગ એક્સપેન્સ મોકલ.’ તેણે કોમન ગ્રુપ પર નહીં મોકલતાં મને એકલીને મોકલ્યું. ફેર ઈનફ. કારણ પૂછતાં તેણે આ જ ઉત્તર આપ્યો, `તમે જ કહ્યું હતું.’ એક દિવસ સિનિયર સેલ્સ મેનેજર પ્રિયાકા પત્નીએ આવો જ કોઈક ડેટા ફક્ત મને જ મોકલ્યો. મેં પૂછ્યું, `ગ્રુપ પર કેમ નહીં મૂક્યો?’ તેણે કહ્યું, `ત્યાં બધા જ છે તેથી તમને એકલીને મોકલ્યો.’ તેની જગ્યાએ તે બરોબર હતી. વીણા વર્લ્ડ શરૂ થયું ત્યારે અમે પણ મૂંઝવણમાં હતાં. કોન્ફિડેન્શિયાલિટી મહત્ત્વની લાગતી હતી. ત્યારથી આ આદત પડી હતી. આજે બાર વર્ષ થયાં. કોવિડે વચ્ચે બે- અઢી વર્ષ ખાધા. તેમાં આખી દુનિયા અપસાઈડ ડાઉન થઈ ગઈ. જો કે અમને એક વાર વીણા વર્લ્ડના આરંભમાં અને કોવિડ પછી એમ બે વાર નવેસરથી શરૂઆત કરવી પડી. હવે નેઉ મેનેજર્સ, સિનિયર મેનેજર્સ અને ઈન્ચાર્જીસ છે, તેમને બધાને રોલ, રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી, અકાઉન્ટેબિલિટી, બધું જ ડેલિગેટ કરી નાખ્યું છે. ટોટલ ડિસેન્ટ્રલાઈઝેશન અને તેથી કંપની સારી રીતે વૃદ્ધિ કરવા લાગી છે. અમે હવે રોજ ટીમને એક્સેસિબલ હોઈએ છીએ, તેઓ ક્યાંક અટકે, એકાદ સમસ્યાનો ઉત્તર નહીં મળે અથવા ઈમરજન્સીના સમયે. બાકી અમે છીએ અને `અમે નથી પણ’ એ આદત પણ હવે ટીમને લાગુ થઈ ગઈ છે. જો કે તે છતાં જૂની આદત જતી નથી તે પ્રમાણે `તમે જ તો કહ્યું હતું’ એવું ક્યારેય માથું ઉપર કાઢે છે.

`ચેક ધ કોન્ટેક્સ્ટ’ એ મેં ટીમમાં કેળવ્યું છે. કારણ કયા સમયે, કયા સ્થળે, કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધો તે ધ્યાનમાં લો. તે જ નિર્ણય અન્ય ઠેકાણે જેમનો તેમ લાગુ પડતો નથી. આ હું એટલી વાર બોલી ચૂકી છું કે અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે મને ખીજવવા લાગી છે. જો કે ક્યારેક-ક્યારેક અમારી મુંબઈની જાહેરાત કોલકતામાં ચાલતી નથી અને અમદાવાદની જાહેરાત બેન્ગલુરુમાં ચાલતી નથી. આટલું જ નહીં, પુણે માટે ક્યારેક અમને મુંબઈ કરતાં અલગ કમ્યુનિકેશન કરવું પડે છે. બસ્સો કિલોમીટર્સમાં આ ફરક છે. એટલે કે, કોન્ટેક્સ્ટ બદલાય તો નિર્ણય અથવા કમ્યુનિકેશન પણ બદલવો પડે છે તે આ રીતે. હવે ઓર્ગેનાઈઝેશનની ઘડી બરોબર બેસાડ્યા પછી, અલગ-અલગ રિસ્પોન્સિબલ ટીમ્સ થયા પછી જે તે રિસ્પેક્ટિવ ટીમને`પિન ટુ એલિફન્ટ’ બધું માહિતી હોવું જોઈએ. આથી હવે ઓર્ગેનાઈઝેશનમાં ફક્ત મારી પાસે, ફક્ત તમારી પાસે એવું કશું નથી,`બધાને ઈન્વોલ્વ કરો એકદમ 100% વિશ્વાસ કરો’ એ વિચારથી માર્ગક્રમણ ચાલુ છે.

ગઈ કાલે શું કર્યું?’ તેના કરતાં `આ રેપિડલી ચેન્જિંગ દુનિયામાં આજે શું કરવું જોઈએ?’ તે મહત્ત્વનું બની ગયું છે. `કાળા પથ્થર પરની રેખા’ હવે નવી કોરી બદલાયેલી દુનિયામાં ચાલશે નહીં. સ્ટાન્ડર્ડાઈઝેશન, સ્ટ્રેટેજિક પ્લાન્સ પાછળ પડી રહ્યા છે. નાક, કાન, આંખ ખુલ્લા રાખીને નિર્ણય લેવા પડશે. ગઈકાલે લીધેલો નિર્ણય કદાચ આજે બદલવો પડે તો તે ફેરફાર કરવા માટેનું ફ્લેક્સિબલ માઈન્ડસેટ આપણે તૈયાર કરવું જોઈએ. ટૂંકમાં બદલાતી દુનિયા સાથે આપણે બદલાવું જોઈએ. માતા-પિતાએ બદલાવું જોઈએ, બાળકોએ બદલાવું જોઈએ. બાળકોને કદાચ આ ઉંમરે ફાવશે નહીં, પરંતુ આજના બાળકો સ્માર્ટ છે, સમય આવતાં તેઓ બદલાશે, શિક્ષકોએ બદલાવું જોઈએ, શાળાએ બદલાવું જોઈએ. હવે `જે અટક્યો તે ખતમ’ તેને બદલે `જે બદલાયો નહીં તે ખતમ’ એવું કહેવાનું વધુ ઉચિત રહેશે. `કાળા પથ્થર પરની રેખા’ હવે ઈતિહાસ જમા કરવી જોઈએ. તે રેખા ભૂંસવી જોઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

કેનેડાના PMએ કહ્યું- અમેરિકા સાથે જૂના સંબંધો ખતમ, ટેરિફ કાયદાઓ સામે લડતા રહીશું

કેનેડા: વડાપ્રધાન માર્ક કાર્નેએ ગુરુવારે કહ્યું કે, અમેરિકા-કેનેડાના જૂના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. ટ્રમ્પ દ્વારા વિદેશી કારો પર 25% ટેરિફ લાદવાના વિવાદ બાદ કેનેડિયન PMએ આ વાત કહી હતી. માઈક કાર્નીએ કહ્યું કે આપણે આગામી થોડા અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોમાં આપણી અર્થવ્યવસ્થા અંગે બોલ્ડ નિર્ણયો લેવા પડશે. આપણે ખાતરી કરવી જોઈએ કે કેનેડા દરેક ક્ષેત્રમાં સફળ થાય. હાલની પરિસ્થિતિ જોતાં, એ વાત ચોક્કસ છે કે આપણે હવે અમેરિકા પર વિશ્વાસ કરી શકતા નથી.

તેમણે કહ્યું કે અમેરિકા સાથે આપણા અર્થતંત્ર, સુરક્ષા અને લશ્કરી સહયોગ અંગે દાયકાઓ જૂના સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે. હવે આપણે સુરક્ષા અને વેપાર સંબંધો પર ફરીથી ચર્ચા કરવાનો સમય છે. કાર્નેએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે કેનેડિયન નાગરિક તરીકે, આપણી પાસે શક્તિ છે. આપણે આપણા દેશનું ભવિષ્ય જાતે નક્કી કરીશું. આપણે આપણા ભવિષ્યનું નિયંત્રણ જાતે કરીશું. કોઈ આપણા પર અધિકારનો દાવો કરી શકે નહીં, અમેરિકા પણ નહીં. તેમણે કહ્યું કે આ આપણા પર સીધો હુમલો છે. આપણે આપણા કામદારો, આપણી કંપનીઓ અને આપણા દેશનું રક્ષણ કરીશું અને આપણે તે સાથે મળીને કરીશું.

કયા દેશને સૌથી વધુ અસર થશે?

કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની અર્થવ્યવસ્થા એકબીજા પર ખૂબ નિર્ભર રહી છે. બંને દેશો ઉત્તર અમેરિકન મુક્ત વેપાર કરાર એટલે કે NAFTA હેઠળ વેપાર કરે છે. 2023ના ડેટા અનુસાર, કેનેડા અમેરિકાનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. અમેરિકા કેનેડાથી લગભગ $421 બિલિયન મૂલ્યના માલની આયાત કરે છે, જેમાં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે.

એક રીતે, કેનેડા અમેરિકાને 60 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ અને 85 ટકાથી વધુ કુદરતી ગેસ સપ્લાય કરે છે. તેના બંધ થવાથી અમેરિકામાં ઊર્જાના ભાવ આસમાને પહોંચી શકે છે. તે જ સમયે, કેનેડાનું અર્થતંત્ર પણ અમેરિકા પર ખૂબ નિર્ભર છે. કેનેડા તેની કુલ નિકાસના આશરે 75 ટકા અમેરિકાને મોકલે છે. જો આ બજાર બંધ થઈ જાય, તો કેનેડાના GDPમાં ભારે ઘટાડો થઈ શકે છે.

કેનેડા માટે નવા વેપારી ભાગીદારો શોધવાનું સરળ રહેશે નહીં. અંતર અને ખર્ચને કારણે યુરોપ અને એશિયા સાથે તાત્કાલિક વિકલ્પો મર્યાદિત છે. આનાથી બેરોજગારી અને આર્થિક સંકટ વધી શકે છે. તમને જણાવી દઈએ કે કેનેડા અને અમેરિકા માત્ર પડોશી જ નથી, પરંતુ નાટો અને નોરાડ (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) જેવા લશ્કરી જોડાણો દ્વારા પણ જોડાયેલા છે.

ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન પ્રદર્શનકારીઓને હોબાળો

લંડન: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે (27 માર્ચ) ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના વિદ્યાર્થી નેતાઓએ ‘ગો બેક’ના નારા લગાવ્યા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રદર્શનકારીઓએ આર.જી. કોલેજ રેપ અને હત્યાકાંડ તેમજ અન્ય કૌભાંડોને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જો કે, મમતા બેનર્જીએ પરિસ્થિતિ સંભાળી અને વિરોધીઓને જવાબ આપ્યો હતો.

મમતા બેનરજીએ શું કહ્યું? 

વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું, ‘આ મામલો કોર્ટમાં છે, જે  કેન્દ્ર સરકાર હસ્તક છે. અહીં રાજકારણ ન કરો, આ પ્લેટફોર્મ રાજકારણ માટે નથી. તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, આને રાજકીય પ્લેટફોર્મ ન બનાવો. તમે બંગાળ આવો અને તમારા પક્ષને વધુ મજબૂત બનાવો. આ દરમિયાન, મમતા બેનર્જીએ ભીડને એક ફોટો બતાવ્યો અને કહ્યું કે તમે મારી આ તસવીર જુઓ, મને કેવી રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

દર્શકોના ખૂંચતા સવાલો 

જ્યારે મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળને લાખો કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે, ત્યારે એક દર્શકે તેમને ચોક્કસ રોકાણો અંગે વિગતો આપવા કહ્યું. તેના પર, મમતાએ જવાબ આપ્યો, “ઘણા બધા છે…” તે વધુ વિગતવાર વાત કરે તે પહેલાં, અન્ય લોકોએ તે માણસને ચૂપ રહેવા કહ્યું, અને દલીલ કરી કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી.

‘મને બોલવા દો, સંસ્થાનું અપમાન ન કરો’

મમતા બેનર્જીએ કહ્યું કે મને મારો દ્રષ્ટિકોણ રજૂ કરવાની તક આપવી જોઈએ. મને બોલવા દો. તમે મારું નહીં, પણ તમારી સંસ્થાનું અપમાન કરી રહ્યા છો. હું જ્યાં પણ જાઉં છું ત્યાં આ લોકો આવું જ કરે છે. હું દરેક ધર્મનું સમર્થન કરું છું. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાનો આદર કરું છું. ફક્ત એક જ જાતિનું નામ ન લો, બધી જ જાતિના નામ આપો. તમે લોકો જે કરી રહ્યા છો તે યોગ્ય નથી. મારા અતિ ડાબેરી અને સાંપ્રદાયિક મિત્રો, આ રાજકારણ ન કરો.

‘હું જનતા સામે માથું નમાવીશ’

જ્યારે કેટલાક દર્શકોએ ‘ગો અવે’ ના નારા લગાવ્યા, ત્યારે મમતા બેનર્જીએ આત્મવિશ્વાસથી કહ્યું, ‘દીદીને કોઈ પરવા નથી.’ દીદી વર્ષમાં બે વાર આવશે અને રોયલ બંગાળ ટાઇગરની જેમ લડશે. આ ઉપરાંત, તેમણે કહ્યું, ‘જો તમે કહો છો, તો હું તમારા કપડાં ધોઈશ અને તમારા માટે ભોજન બનાવીશ.’ પણ જો કોઈ મને નમાવવાનો પ્રયાસ કરશે અથવા દબાણ કરશે તો હું ઝૂકવાની નથી.  હું ફક્ત જનતા સમક્ષ મારું માથું નમાવીશ.

SFI-UK એ પ્રદર્શનની જવાબદારી લીધી

SFI-UK (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા -યુકે) એ આ વિરોધ પ્રદર્શનની જવાબદારી લીધી છે. સંગઠને તેના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે મમતા બેનર્જી અને ટી.એમ.સી.ના ભ્રષ્ટ, અલોકતાંત્રિક શાસન સામે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગના સમર્થનમાં અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ.’

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી, મહેમાનોની યાદી જોઈ અમેરિકન મુસ્લિમો ગુસ્સે થયા

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં પહેલી ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રમ્પની આ ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ ઇફ્તાર ડિનર પર અમેરિકન મુસ્લિમો ગુસ્સે છે. વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનરનું આયોજન કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “હું વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનરમાં તમારા બધાનું સ્વાગત કરું છું.” આપણે ઇસ્લામના પવિત્ર મહિના, રમઝાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહિનો ખૂબ જ અદ્ભુત છે. વિશ્વભરના મુસ્લિમોને રમઝાનની શુભકામનાઓ. આપણે દુનિયાના સૌથી મહાન ધર્મોમાંના એકનો આદર કરીએ છીએ.તેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ મુસ્લિમ અમેરિકન સમુદાયનો પણ આભાર માન્યો. તમને જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવાની બે દાયકા જૂની પરંપરા છે. પરંતુ એવા આરોપો છે કે આ વખતે અમેરિકન મુસ્લિમ સાંસદો અને સમુદાયના નેતાઓને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેના બદલે, મુસ્લિમ દેશોના વિદેશી રાજદૂતોને ઇફ્તાર ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.ઘણા મુસ્લિમ નાગરિક અધિકાર જૂથોએ વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પના ઇફ્તાર પર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ ડોનાલ્ડ ટ્રમ્પનો એક પ્રકારનો દંભ છે. એક તરફ તે દેશમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે અને બીજી તરફ તે ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે.તમને જણાવી દઈએ કે 2017ની શરૂઆતમાં, ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસની ઇફ્તાર પાર્ટી રદ કરી હતી. ઇફ્તાર પાર્ટીની શરૂઆત 1996માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં થઈ હતી, જે પછીના રાષ્ટ્રપતિઓ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ ચાલુ રાખી હતી. મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો ઉપરાંત, મુસ્લિમ દેશોના રાજદ્વારીઓ અને સેનેટરો આ ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપે છે.