Home Blog Page 1015

પ્રિયંકા ચોપરા ‘ક્રિશ 4’ સાથે બોલિવૂડમાં કરશે જોરદાર વાપસી

તાજેતરમાં ક્રિશ ફ્રેન્ચાઇઝી અંગે એક મોટી માહિતી સામમે આવી છે. અહેવાલ છે કે આ વખતે પ્રિયંકા ચોપરા જોનાસ પણ આ ફિલ્મ દ્વારા ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરવા જઈ રહી છે.

પિંકવિલાના એક અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરાએ ‘ક્રિશ 4’માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા સાઈન કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા આ ફિલ્મ પ્રત્યે ઋત્વિકના વિઝનથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે તરત જ સંમતિ આપી દીધી. તે ઋત્વિકના નિર્દેશનમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સમાચારથી ચાહકો પણ ખુશ છે, કારણ કે ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’માં પ્રિયંકા અને ઋત્વિકની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતાં.

ફિલ્મમાં બીજા એક ખાસ પાત્રની વાપસીના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝનો પ્રિય એલિયન જાદુ પણ ‘ક્રિશ 4’માં જોવા મળશે. જાદુનું પાત્ર હંમેશા ચાહકોનું પ્રિય રહ્યું છે અને હવે તેના પાછા ફરવાના સમાચારે ઉત્સાહ બમણો કરી દીધો છે. આ વખતે જાદુ શું ભૂમિકા ભજવશે તે જોવું રસપ્રદ રહેશે.

રાકેશ રોશને સત્તાવાર જાહેરાત કરી
28 માર્ચે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશને એક ખાસ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે હવે ‘ક્રિશ 4’નું દિગ્દર્શન તેમના પુત્ર ઋત્વિક રોશન કરશે. રાકેશ રોશને લખ્યું હતું કે, “ડુગ્ગુ, 25 વર્ષ પહેલા મેં તને એક અભિનેતા તરીકે લોન્ચ કર્યો હતો. આજે, 25 વર્ષ પછી, આદિત્ય ચોપરા અને હું તને દિગ્દર્શક તરીકે લોન્ચ કરી રહ્યા છીએ. આ અમારી સૌથી ખાસ ફિલ્મ ‘ક્રિશ 4’ હશે.” આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘ક્રિશ 4’નું શૂટિંગ 2026 ની શરૂઆતમાં શરૂ થશે.

પ્રિયંકા દક્ષિણની ફિલ્મમાં પણ જોવા મળશે
‘ક્રિશ 4’ ઉપરાંત, પ્રિયંકા બીજી એક મોટી ભારતીય ફિલ્મમાં જોવા મળશે. તે એસએસ રાજામૌલીની પેન-ઇન્ડિયા ફિલ્મ, જેનું નામ SSMB 29 છે, તેમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મની ટીમ ઓડિશામાં શૂટિંગ કરતી જોવા મળી હતી.

ન્યુ યોર્કમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લોકોનાં મોત

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્કના મેનહટન વિસ્તારમાં ગઈ કાલે ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના  બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થઇને હડસન નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં મોત થયાં છે. ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અકસ્માત અંગે માહિતી આપતાં ન્યુ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને સ્પેનિશ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ન્યુ યોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતાં કહ્યું હતું કે વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વિડીયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર આકાશમાંથી નીચે પડી રહ્યું છે ત્યારે તેનું પ્રોપેલર ફરી રહ્યું ન હતું. ત્યાર બાદ હેલિકોપ્ટર નદીમાં ખાબકે છે.આ દુર્ઘટનાના પગલે માહિતી આપતાં ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે તમામ છ મૃતકોને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ એક હૃદયદ્રાવક અને દુ:ખદ બનાવ છે.

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર તેઓએ લખ્યું હતું કે હડસન નદીમાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના બની છે. પાઇલટ, બે પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો આપણે ગુમાવ્યા છે. ક્રેશનો જે વિડિયો આવ્યો છે તે ડરામણો છે. ભગવાન મૃતકોના પરિવાર અને મિત્રોને શક્તિ આપે એ જ પ્રાર્થના.

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી, તંત્ર સાથે પોલીસ થઈ દોડતી

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના મેઇલ આઇડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. આ ઇમેઇલ બપોરે પોણા બે વાગ્યે મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવાઇ હતી. આ ગંભીર ધમકીને પગલે તંત્રએ તાત્કાલિક પગલાં લઇને સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ ટીમોએ કચેરીની સઘન તપાસ હાથ ધરી, જોકે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં રાહતનો શ્વાસ લેવાયો હતો. આ ઘટના ગઇકાલે વડોદરાની GIPCL કંપનીને મળેલી સમાન ધમકી બાદ રાજ્યમાં બીજી ચિંતાજનક ઘટના છે.

ધમકીના ઇમેઇલની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરે સમયસૂચકતા દાખવીને તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો, અને તેઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઇ હતી. પાટણના જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને બી ડિવિઝનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી કચેરીના દરેક ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઇ હતી. પોલીસે કચેરીની આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહનોની તપાસ શરૂ કરી હતી. હાલ તપાસ ચાલુ છે, અને ઇમેઇલના સ્ત્રોતની શોધખોળ માટે સાયબર ટીમ પણ કામે લાગી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ધમકીની સત્યતા અને તેની પાછળના ઉદ્દેશ્યોની તપાસ કરી રહી છે.

આ ઘટનાના એક દિવસ પહેલાં, 10 એપ્રિલે વડોદરાના ધનોરા ગામ પાસે આવેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL)ને પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળ્યો હતો. આ ધમકીને પગલે વડોદરા પોલીસે ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. GIPCLના કર્મચારીઓ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઇમેઇલ મોકલનારની શોધખોળ ચાલુ છે. પાટણની ઘટના સાથે આ બંને ઘટનાઓનું સામ્ય ધ્યાન ખેંચે છે, જેના કારણે પોલીસે સાયબર હુમલા અથવા આયોજિત ષડયંત્રની શક્યતા પણ તપાસવાનું શરૂ કર્યું છે.

HNGUમાં શિક્ષણનો ‘છબરડો’, 2025માં 2024નું પેપર અપાયું!

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણમાં એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષામાં માર્ચ 2024નું જૂનું પેપર બેઠેબેઠું પૂછી લેવાયું છે. આ ઘટનાએ યુનિવર્સિટીની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ મામલે સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીની પોલ ખોલી છે, જેની ચર્ચા હવે સમગ્ર રાજ્યમાં થઈ રહી છે.

શું છે આખો મામલો?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળની સંસ્થાઓમાં એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. 7 એપ્રિલ, 2025ના રોજ ન્યાયશાસ્ત્ર (Jurisprudence) વિષયનું પેપર લેવાયું હતું. પરંતુ આ પેપર માર્ચ 2024નું હતું, જેમાં વર્ષ, મહિનો, પ્રશ્ન ક્રમાંક કે સમય બદલવાની પણ તસદી લેવામાં ન આવી. એટલે કે, એક વર્ષ જૂનું પેપર બેઠેબેઠું 2025ની પરીક્ષામાં પૂછી લેવાયું. આ ઘટના એમ.એન. લૉ કોલેજ અને ઊંઝા લૉ કોલેજમાં બની હોવાનું સામે આવ્યું છે, અને બની શકે કે અન્ય કોલેજોમાં પણ આવી લાપરવાહી થઈ હોય.

વિદ્યાર્થીઓને આ બેદરકારીની જાણ ઘરે પહોંચ્યા બાદ થઈ, જ્યારે તેઓએ પેપરની તપાસ કરી. યુનિવર્સિટીના સત્તાધીશો, પરીક્ષા નિયામક કે કોલેજ દ્વારા પેપરની ક્રોસ-ચેકિંગની પ્રક્રિયા પણ નહોતી કરવામાં આવી, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે યુનિવર્સિટીની બેદરકારીને ‘અંધેરી નગરી, ગંડું રાજા’ની સ્થિતિ સાથે સરખાવી. તેમણે જણાવ્યું કે, “અમે બે કોલેજનાં પેપર ચેક કર્યાં, જેમાં આ લાપરવાહી સ્પષ્ટ દેખાય છે. બની શકે અન્ય કોલેજોમાં પણ આવું થયું હોય. HNGU અને સરકારને વિનંતી છે કે તેઓ આ બાબતે તાત્કાલિક પગલાં લે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષ બગડે નહીં.” યુવરાજ સિંહે અગાઉ પણ વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને શિક્ષણ વિભાગની ખામીઓને ઉજાગર કરતી પોસ્ટ્સ કરી છે.

આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી પાસે તાત્કાલિક પગલાંની માગ કરી છે. તેઓનું કહેવું છે કે આવી બેદરકારીને કારણે પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉભા થાય છે. વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે આ પેપર રદ કરીને નવું પેપર લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે. આ ઘટનાએ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીની કામગીરી પર મોટો સવાલ ઉભો કર્યો છે. યુનિવર્સિટીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, જે તેમની ઉદાસીનતા દર્શાવે છે. આવી બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. જો સરકાર અને યુનિવર્સિટી આ મામલે તાત્કાલિક પગલાં નહીં લે, તો વિદ્યાર્થીઓમાં રોષ વધુ વકરી શકે છે.

NSEમાં કુલ રોકાણકાર એકાઉન્ટ્સ 22 કરોડને પાર

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાએ (NSE) એપ્રિલ 2025માં એક સફળતા હાંસલ કરી છે.  NSEમાં કુલ રોકાણકાર એકાઉન્ટ્સ એટલે કે યુનિક ક્લાઈન્ટ કોડ્સ (UCCs)ની સંખ્યા 22 કરોડ (220 મિલિયન)ને પાર થઈ છે, એક્સચેન્જમાં ઓક્ટોબર, 2024માં 20 કરોડ (200 મિલિયન)નો આંકડો પાર કર્યા બાદ ફક્ત છ મહિનામાં જ આ વધારો થયો છે. આ સિવાય એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 31 માર્ચ, 2025ની સ્થિતિએ 11.3 કરોડ હતી, જે 20 જાન્યુઆરી, 2025એ 11 કરોડ (110 મિલિયન)નો માઇલસ્ટોન પાર કર્યો હતો.

એક જ રોકાણકાર પાસે વિવિધ બ્રોકરો સાથે અલગ-અલગ એકાઉન્ટ હોઈ શકે છે, જેથી બહુવિધ ક્લાયન્ટ કોડ્સ બની શકે છે. આમાં મહારાષ્ટ્ર 3.8 કરોડ રોકાણકારોના એકાઉન્ટ્સ સાથે અગ્રેસર છે, ત્યાર બાદ ઉત્તર પ્રદેશ (2.4 કરોડ), ગુજરાત (1.9 કરોડ) અને રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળમાં આશરે દરેક રાજ્યમાં 1.3 કરોડ રોકાણકારોના એકાઉન્ટ્સ  છે. દેશમાં કુલ આ પાંચ રાજ્ય પાસે રોકાણકારોના કુલ એકાઉન્ટ્સના લગભગ 49 ટકા હિસ્સો છે, જયારે ટોચનાં 10 રાજ્યોમાં કુલ મળીને લગભગ ત્રણ ચતુર્થાંશ રોકાણકારોના એકાઉન્ટ્સનો હિસ્સો છે.

પાછલાં પાંચ વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે 22 ટકા અને નિફ્ટી 500 ઇન્ડેક્સે 25 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જન દર્શાવે છે. NSEના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (IPF) 31 માર્ચ, 2025એ વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 2459 કરોડ થયું છે.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણનએ જણાવ્યું હતું  કે ભારતમાં રોકાણકાર આધાર ઝડપથી વધતો જાય છે, જે ફક્ત છ મહિનામાં બે કરોડ નવા એકાઉન્ટ્સ ઉમેરાયા છે – જે ભારતના ગ્રોથમાં રોકાણકારોના મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ છે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છતાં. આ ગ્રોથને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને મોબાઈલ ટ્રેડિંગના વધતા ઉપયોગ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે, જેને કારણે ટિયર 2, 3 અને 4 શહેરોમાં પણ કેપિટલ માર્કેટ્સ ઝડપથી અને સરળતાથી પહોંચી રહ્યાં છે. નાણાકીય સાક્ષર કાર્યક્રમો અને સરળ KYC પ્રક્રિયાઓ જેવી પહેલો દ્વારા શેરબજારમાં રિટેલ ભાગીદારીમાં વધારો થયો છે. ઇક્વિટીઝ, ETFs, REITs, InvITs અને બોન્ડ્સ જેવાં મૂડીરોકાણનાં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણકારોની વ્યાપક ભાગીદારી દર્શાવે છે કે ભારતનું નાણાકીય ઇકોસિસ્ટમ વધુ વિકસિત થઈ રહ્યું છે, જ્યાં ટેક્નોલોજી રોકાણની તકોને વ્યાપક બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

વાસ્તુ: માત્ર સ્વાર્થ માટે ઈશ્વર દર્શન કરવાથી નકારાત્મકતા આવે

જીવન અને મૃત્યુ બંને ઈશ્વરના હાથમાં છે. એવું માનવા વાળો માણસ સતત ઈશ્વર બનવા મથી રહ્યો છે. પક્ષીને ચણ ન નાખીએ તો એ ચણ્યા વિના મરી જશે? માછલીને લોટ ન આપીએ તો એ પાણીમાં ઉપવાસ કરશે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કુદરતના દરેક જીવ પાસે પોતાના નિર્વાહ માટેની વ્યવસ્થા છે. જાણે ચકલીને ઘર ના મળે તો એ આત્મહત્યા કરી લેવાની હોય એવી માનસિકતા સાથે જીવનાર માણસ સતત પોતે જ વિશ્વ ચલાવે છે એવી ભ્રમણામાં જીવી રહ્યો છે.

આમ જોવા જઈએ તો ચણ નાખીને આપણે પક્ષીઓને પરાવલંબી બનાવી દઈએ છીએ. આવું જ આપણે આપણી નવી પેઢી સાથે કરી રહ્યા છીએ. એમને જીવનમાં બધુજ આપીને આપણે અંતે તો એમની મહેનત કરવાની શક્તિને ઓછી કરી દઈએ છીએ. શા માટે મહેનત વિના કશું પણ આપવું જોઈએ? વળી જે લાયક છે એના પૈસા ન આપીને એનું પાપ ધોવા માટે ઘણા લોકો ધર્માદો કરવા જાય છે. શું એને પુણ્ય મળે ખરું? કોઈને છેતરીને ધર્મસ્થાનમાં દસ ટકા મુકવાથી ઈશ્વર માફ કરી દે? અને એ પૈસા ઈશ્વર વાપરે છે ખરા? આ બધી જ બાબતો માત્ર મન મનાવવા માટેની છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું ઈશ્વર માત્ર મંદિરોમાં જ વસે છે? આપને મારો સવાલ થોડો અજુગતો લાગશે. પણ જો જગતના કકણ કણમાં ઈશ્વર હોય તો પછી એને પામવા ભીડ લગાવવાની જરૂર ખરી? એક બિલ્ડરે મારી એક મોટી રકમ લઇ લીધી અને પછી ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. એમણે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે હું ઈશ્વરની સાક્ષીએ તમને વચન આપું છુ કે હું તમને તમારી પ્રોપર્ટી આપીશ. એનો એજન્ટ કહે છે કે એ વ્યક્તિ દસ ટકા મંદિરમાં આપે છે. એટલે મંદિરના લોકો એમનો જ પક્ષ લેશે. તો શું માત્ર પુજારીના કહેવા પર વ્યક્તિત્વ નક્કી થાય? વળી ખોટું કરીને દેવસ્થાનમાં પૈસા મુકીએ એટલે પાપ ધોવાઈ જાય? અને પેલી ઈશ્વરની સાક્ષી વાળી વાર્તાનું શું?

આપણે જે પ્રસાદ ખરીદીને લઈએ છીએ એ ખરેખર ઈશ્વરની સમીપ જાય છે કે પછી એ માત્ર મીઠાઈ હોય છે અને આપણે એને પ્રસાદ માનીને લાઈનમાં ધક્કા ખાઈએ છીએ? પ્રસાદનો વેપાર થઇ શકે? એનો અર્થ તો એજ થયો ને કે જેની પાસે પૈસા છે એને જ ઈશ્વર એમનો પ્રસાદ લેવા માટે લાયક સમજે છે? ઈશ્વરના દરબારમાં પણ આવી પ્રથા? મને આવા નિયમો સમજાતા નથી. જો પ્રસાદ ન ખાઈએ તો ઈશ્વર સાથ ન આપે? જો એવું હોય તો કર્મના સિદ્ધાંતનું શું? બહુ બધું ગોળગોળ લાગે છે. કોઈ એક નિયમ સીધો સમજાતો નથી. મહેરબાની કરીને જો આપની પાસે જવાબ હોય તો સમજાવવા વિનંતી.

જવાબ: આપના સવાલોના જવાબ આપવા માટે આખું પુસ્તક લખી શકાય. આપની વ્યાકુળતા હું સમજી શકું છુ. ઈશ્વર સર્વત્ર છે જ. વળી પ્રસાદ પર બધાનો સમાન અધિકાર છે. ઈશ્વરની સામે બધા સમાન છે. હું સમજુ છુ એ મુજબ જેની પાસે ધન અને સત્તા છે એને અગવડ પડે ત્યારે એ કોઈ મોટા માણસને યાદ કરશે. જેનું કોઈ નથી એ પહેલા ઈશ્વરને યાદ કરશે. એનું કારણ છે કે એની પાસે કોઈ એવી ઓળખાણ નથી કે જેના લીધે એને માણસોને યાદ કરવાનું મન થાય. જે કાર્ય માણસની પહોંચની બહાર છે એના માટે એ ઈશ્વરને યાદ કરે છે.

ઈશ્વર એક તત્વ છે અને એના નિયમો બધા માટે સમાન છે. જો ઈશ્વર સર્વત્ર છે એ માન્યતા પ્રવર્તે તો માણસ ખોટું કરતા ડરે. પણ જેને ખોટું કરવું છે એ મન મનાવી લે છે કે ઈશ્વર માત્ર દેવસ્થાનમાં જ છે. અહી જોવા વાળું કોઈ નથી. ખોટું કરતી વખતે માણસ એ ભૂલી જાય છે કે એક વ્યક્તિને આ વાતની ખબર છે અને એ વ્યક્તિ એ પોતે છે. અને પછી પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એને કોઈની જરૂર પડે છે. જે એને બચાવી શકે. ધાર્મિક હોવું અને અધ્યાત્મિક હોવું એમાં ઘણો મોટો ફર્ક છે. પોતાની જાતને વફાદાર વ્યક્તિ દેવસ્થાનમાં નહિ જાય તો પણ ઈશ્વરની હાજરી એ મહેસુસ કરશે. આને કર્મનો સિદ્ધાંત કહે છે. આપણા ઇતિહાસમાં ઘણા ગરીબ લોકોને ઈશ્વરની પ્રતીતિ થઇ છે એના દાખલા છે. કોઈ પણ ધર્મ એના મૂળભૂત સિદ્ધાંતોથી ઓળખાય છે. તેથી મૂળ સુધી અભ્યાસ કરવો જરૂરી છે. વળી પાપ ધોવાની પ્રથા કોઈ પણ ધર્મનો ભાગ ન હોઈ શકે.

આપે જે બિલ્ડરને પૈસા આપ્યા અને એણે ઈશ્વરની સાક્ષીએ લીધા એ સમયે તમે લખાણ ન લીધું એ યોગ્ય ન કહેવાય. આવા લોકો ઈશ્વરના નામે ખોટું કરતા હોય છે. એમને કર્મની અસર થશે જ. પણ આવો આંધળો વિશ્વાસ ન જ કરાય. દેવસ્થાનમાં જનારી દરેક વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિ માટે જ જાય છે એ જરૂરી નથી. વળી પુજારી જો ખોટા માણસને માત્ર એની દાનની ક્ષમતા જોઇને ખોટું કરવામાં સાથ આપે તો એ પણ એના પાપમાં ભાગીદાર બને છે. જે ધાર્મિક હોવાનો વધુ પડતો દેખાડો કરતા હોય એવા લોકોથી ચેતવું જોઈએ. કશુક છુપાવવા માટે જ દેખાડો કરવો પડે છે.

સૂચન: માત્ર સ્વાર્થ માટે ઈશ્વર દર્શન કરવાથી નકારાત્મકતા આવે છે.

આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી શ્રમિકોને રાહત, બપોરે કામ પર પ્રતિબંધ

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ તીવ્ર ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ બપોરના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ નિયમ જૂન 2025 સુધી લાગુ રહેશે.

શ્રમ આયોગના પત્ર મુજબ, બપોરે 1:00થી 4:00 વાગ્યા દરમિયાન શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારનું કામ ન કરાવવું જોઈએ. ખાસ કરીને ખુલ્લી જગ્યાઓ, જેમ કે મોટા પ્લોટ પર થતા બાંધકામો, જ્યાં સૂર્યનો સીધો તાપ અસર કરે છે, તેવા સ્થળોએ કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનું પાલન તમામ નોકરીદાતાઓ અને શ્રમિકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતથી શરૂ થયેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શ્રમિકોને હીટસ્ટ્રોક અને અન્ય આરોગ્ય સમસ્યાઓથી બચાવી શકાય.

ગુજરાતમાં એપ્રિલના બે સપ્તાહ પૂરા થાય તે પહેલાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુરુવારે (10 એપ્રિલ) કંડલા એરપોર્ટ ખાતે રાજ્યનું સૌથી ઉંચું તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું, જે સતત ચોથા દિવસે વધ્યું હતું. રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી રવિવાર (13 એપ્રિલ) સુધી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આ દરમિયાન તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, સોમવાર (14 એપ્રિલ)થી ગરમીનું પ્રમાણ ફરી વધવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે 14 અને 15 એપ્રિલે ગુજરાતની સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગરમીની નવી લહેર શરૂ થઈ શકે છે.

શ્રમ આયોગે શ્રમિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નોકરીદાતાઓને પણ સૂચના આપી છે કે તેઓ શ્રમિકોને પર્યાપ્ત પાણી, ઠંડા પીણાં અને શરીરને ઢાંકી શકે તેવા હળવા કપડાંનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે. આ ઉપરાંત, કામના સ્થળે છાંયડો અને ઠંડક પૂરી પાડતી વ્યવસ્થા કરવી જોઈએ. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ નિર્ણયનું શ્રમિક સમુદાયે સ્વાગત કર્યું છે, કારણ કે ગરમીના કારણે ખુલ્લામાં કામ કરવું અત્યંત જોખમી બની ગયું હતું. ખાસ કરીને બાંધકામ, રસ્તા બનાવવા અને અન્ય મજૂરીના કામોમાં રોકાયેલા શ્રમિકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. સરકારના આ પગલાથી શ્રમિકોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ બોલિવૂડ હિરોઈન માટે દિવાના હતા

બોલિવૂડની ઘણી એવી હિરોઈન છે જેમને સરહદ પાર બીજા દેશમાં પોતાના જીવનસાથી મળ્યા છે. આમાં પ્રીતિ ઝિન્ટા, માધુરી દીક્ષિત અને ઇલિયાના ડી’ક્રુઝ જેવી હિરોઇનોના નામનો સમાવેશ થાય છે. પરંતુ બીજી એક હિરોઈન છે જેની સાથે ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રોનાલ્ડો આ બોલિવૂડ હિરોઈનને પ્રેમથી મળી રહ્યો છે. એટલું જ નહીં, રોનાલ્ડો આ હીરોઈનને ગાલ પર કિસ કરતો પણ જોવા મળે છે. હવે આ જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરો જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે. આ નાયિકા બીજું કોઈ નહીં પણ બિપાશા બાસુ છે.

2001 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી
બિપાશા બાસુએ 2001 માં અક્ષય કુમાર અને બોબી દેઓલ સાથે ફિલ્મ અજનબીથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. સમય જતાં તેમણે ઉદ્યોગમાં એક મજબૂત ઓળખ બનાવી. 2003 માં જિસ્મ સાથે તેમની મોટી સફળતા મળી, જેના કારણે તેમને વિવેચકો અને ચાહકો બંને તરફથી ખૂબ પ્રશંસા મળી. બિપાશા ભલે અગ્રણી હિરોઈનોમાંની એક બની ગઈ, પણ તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક કાર્યક્રમમાં સાથે હાજરી આપતા અને બાદમાં પાર્ટીમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા. જ્યારે તેમનો ચુંબન કરતો ફોટો ઓનલાઈન સામે આવ્યો, ત્યારે ચાહકોને વિશ્વાસ જ ન થયો. એટલું જ નહીં અફવાઓએ એવો પણ દાવો કર્યો હતો કે બંનેએ પોર્ટુગલના લિસ્બનમાં એક ક્લબમાં પાર્ટી કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો.

બિપાશાએ સ્પષ્ટતા આપી છે
બાદમાં એક ઇન્ટરવ્યુમાં, બિપાશાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મળવા વિશે વાત કરી અને કહ્યું કે તેઓ બંને એકબીજાને સારા મિત્રો માને છે. તેમણે આ મુલાકાતને એક સ્વપ્ન ક્ષણ ગણાવી અને કહ્યું કે તેઓ સાથે એક ક્લબમાં ગયા હતા. તેમના મતે, રોનાલ્ડોએ તો એમ પણ કહ્યું હતું કે તે તેને તેની બધી રમતો જોવા માટે આમંત્રણ આપશે. “તેમને મળવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું,” બિપાશાએ કહ્યું. શો પછી અમે ક્લબિંગ કરવા ગયા, અને તે ખરેખર અદ્ભુત હતું. તે ખૂબ જ સુંદર છે અને જ્યારે તે મને સુંદર કહેતો હતો ત્યારે તે વિચિત્ર લાગતું હતું, તે હવે મારો મિત્ર છે, અને તેણે મને વચન આપ્યું છે કે મને તેની બધી મેચોમાં આમંત્રિત કરશે એવું પણ અભિનેત્રીએ કહ્યું હતું.

બિપાશા જોન અબ્રાહમ સાથે રિલેશનશિપમાં હતી
તે સમયે બિપાશા જોન અબ્રાહમ સાથે રિલેશનશિપમાં હતી અને રોનાલ્ડો સાથે વાયરલ થયેલા કિસિંગ ફોટોને કારણે તેમની વચ્ચે તણાવ સર્જાયો હોવાનું કહેવાય છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે જોન ખૂબ જ નારાજ હતો અને તેણે સંબંધ તોડી નાખવાનું પણ વિચાર્યું હતું. જોકે, તે બિપાશાને ખૂબ પ્રેમ કરતો હોવાથી તેણે બધું ઉકેલવાનું નક્કી કર્યું અને તેઓએ સમાધાન કર્યું. છતાં આઠ વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યા અને ડેટિંગ કર્યા બાદ તેમણે આખરે તેમના બ્રેકઅપની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.

બુદ્ધિ રુપી સુક્ષ્મતારનું નિરંતર પરમાત્મા સાથે જોડાણ

જ્વાળામુખી સમાન આગની જ્વાળામાં લપેટાયેલ વિશ્વને રાહત આપવા માટે બ્રહ્માબાબા સતયુગી દુનિયાના નિર્માણ માટે ઈશ્વરીય માધ્યમ બની ગયા. પરમ પિતા શિવ પરમાત્મા તેમના મુખ દ્વારા દરરોજ ઈશ્વરીય જ્ઞાન આપવા લાગ્યા, જેના બળથી અનેક વ્યક્તિઓના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા.

આ સુખદાઇ, આહલાદક પરિવર્તનોની કથા જો લખવા બેસીએ તો અનેક પુસ્તકો છપાવવા પડે. તોફાન, આગ થી પણ ભયંકર આજની ફેશન, દેહની સજાવટ, જુઠી શાન વિગેરેને રોકવા માટે બ્રહ્મા બાબાએ અંધકારને દૂર કરવા વાળા નક્ષત્ર સમાન પોતાના પરિવાર, સમાજ તથા વિશ્વભરની અનેક આત્માઓને સચ્ચાઈ, સાદગી તથા ઊંચા વિચારોના પાઠ ભણાવ્યા. આપણે સાધુ સંન્યાસીઓને આગની ધૂણી ધખાવીને બેસતા જોયા છે. તેઓ આગને સતત સળગતી રાખવી તથા તેની સામે બેસવું તેને જ તપ માને છે. પરંતુ પ્યારે બ્રહ્મા બાબાએ તો શિવબાબા પ્રત્યે અતૂટ પ્રેમ તથા પરમાત્મા ની યાદ ને જ મહત્વ આપ્યું. બુદ્ધિ રુપી સૂક્ષ્મ તારને નિરંતર પરમાત્મા સાથે જોડેલો રાખ્યો. મરજીવા બન્યા પછી તેમની પ્રિતબુદ્ધિ બની ગઈ.

જ્યારે શરીર રૂપી વસ્ત્રનું ભાન તૂટી જાય છે તથા નિરંતર આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ જઈએ છીએ તો ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે અને ઈચ્છા માત્ર અવિદ્યા સ્થિતિ બની જઈએ છીએ. પ્યારે બ્રહ્મા બાબાએ તો પહેલા દિવસથી જ પોતાના શરીરને ભગવાનનો રથ બનાવી દીધું. મનને ભગવાનની યાદ,મનન-ચિંતનમાં લગાવી દીધું તથા ધન પણ અર્પણ કરી દીધું. તેઓ પહેલા દિવસ દિવસથીજ ઈચ્છા માત્રમ અવિદ્યા અવિદ્યા બની ગયા. હવે તેમને આત્માને જ સંપૂર્ણ બનાવવાનું લક્ષ્ય હતું. માટે જ તેઓ કહેતા હતા કે – ” બાળકો! આ અંતિમ જન્મના શરીરને કેટલા થીઘડા લાગ્યા છે! તેનું શું અભિમાન કરવું! કપડા પણ થીગડા વાળા પહેરો તો દેહ અભિમાન તૂટી જાય. તમોપ્રધાન તત્વોથી બનેલ આ પતીત વિકારી શરીરને બહુ સજાઓ નહીં. સાદગી તથા સત્યતાએ તેમના વ્યક્તિત્વને સાધારણ શરીર હોવા છતાં પણ એટલું તેજોમય બનાવી દીધું કે તેમના સ્પંદનો ચુંબકની જેમ સર્વને આકર્ષિત કરતા હતા, જેવી રીતે ગોળથી ભરેલ થેલી ગળી થઈ જાય છે તેવી જ રીતે બ્રહ્માબાબા પણ પ્યારે શિવબાબાને પોતાના રથના સારથી બનાવીને તેમના સમાન બની ગયા. તેમનો એક એક બોલ સત્ય બની જતો હતો.

પ્યારે બાબા સ્વાગત માટે ફૂલો વિગેરે લાવવાની પણ મનાઈ કરતા હતા. તેવો કહેતા કે પ્રકૃતિ પણ પ્રભુની બેટી છે, તેને પણ જરૂર વગર શા માટે ઉપયોગમાં લેવી? જેટલો ઓછો ઉપયોગ કરીશું તેટલી તે અત્યારે તથા સતયુગમાં પણ સેવક બનીને ખુબ સુખ આપશે. અહીં તો મનુષ્ય પ્રાપ્તિઓની ઈચ્છા કરે છે. પરંતુ સતયુગમાં તો સર્વ પ્રાપ્તિઓ દેવતાઓને સેવા કરવા માટે તત્પર રહેશે.

બાબા હંમેશા ઓછો ખર્ચ કરવા પર ધ્યાન દોરતા હતા. તેઓ કહેતા હતા કે પોતાના ભોજન પર વધુ ખર્ચો ન કરવો જોઈએ. જ્યારે દાળ સસ્તી હોય ત્યારે તેનો ઉપયોગ કરો. પ્યારા બાબા કોઈ પણ વધુ કિંમતની વસ્તુ પોતાના માટે પસંદ નહોતા કરતા. તેમનું મન તો હંમેશા સતયુગી દુનિયાના સતો પ્રધાન દ્રશ્યો તથા સતયુગી દુનિયાની ચીજોમાં રમણ કરતું હતું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

મુંબઈ: અંધેરી ખાતે આ તારીખે ઉજવાશે કવિ કાન્ત સ્મરણોત્સવ

આપણી ભાષાના અગ્રસર કવિ-ખંડકાવ્યના પ્રણેતા, નિબંધકાર, નાટ્યલેખક, ધર્મચિંતક મણિશંકર રત્નજી ભટ્ટનું નામ પડે એટલે યાદ આવે વસંતવિજય, ચક્રવાકમિથુન અને દેવયાની જેવાં ઉત્તમ ખંડકાવ્યો અને ઉપહાર, ઉદગાર, વત્સલનાં નયનો તથા સાગર અને શશી જેવી રચનાઓ. તેમની યાદમાં મુંબઈના અંધેરીખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કવિ કાન્તની સાહિત્યિક સ્મૃતિની જ્યોત સદા પ્રજ્વલિત રાખવાના હેતુથી એમના કટુંબીજનો દ્વારા મુંબઈમાં 2023માં પૂર્વાલાપ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. આનાં સો વર્ષ પહેલાં એટલે કે 1923માં જે દિવસે કવિ કાન્તના કાવ્યસંગ્રહ પૂર્વાલાપનું અમદાવાદમાં વિમોચન થવાનું હતું એ જ દિવસે કવિનું રાવળપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં અણધાર્યું નિધન થયું હતું. ત્યારે હવે પૂર્વાલાપ ફાઉન્ડેશન મુંબઈના અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગમાં કવિ કાન્ત વિશે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

આગામી 20 એપ્રિલ, રવિવારના રોજ અંધેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનની ફેલોશિપથી સુરતના યુવાન ફિલ્મદિગ્દર્શક, સંશોધનકાર જય ખોલિયાએ કવિ કાન્તના જીવન પર સર્જેલી 85 મિનિટની અભ્યાસપૂર્ણ ફિલ્મ પણ જોવા મળશે. વળી અગ્રણી સાહિત્યકાર અને કાન્તના જીવનકવનને આવરી લેતું નાટક ‘જળને પડદે’ રચનારા ડૉ. સતીશ વ્યાસ આ કાર્યક્રમમાં વક્તવ્ય આપશે. નાટકના નાયક કમલ જોશીએ જય ખોલિયાની ફિલ્મમાં કાન્તનો કંઠ આપ્યો છે.

સંશોધક-સલાહકાર અમૃત ગંગરની પરિકલ્પનાવાળા આ કાર્યક્રમ માટે કવિ કાન્તના દોહિત્ર મુકુલ પંડ્યા અમેરિકાથી આવશે, જ્યારે ભારતમાં એકમાત્ર પ્રવૃત્તિશીલ સ્વીડનબૉર્ગિયન ચર્ચના રેવરન્ડ પીટર દેવાસી કેરળથી આવશે અને કાર્યક્રમમાં હાજરી આપશે.ઈમેન્યુઅલ સ્વીડનબૉર્ગ નામના સ્વીડિશ વિજ્ઞાની-ખ્રિસ્તી રહસ્યવાદી અને ધર્મશાસ્ત્રીનાં લખાણોની કવિ કાન્તના જીવન પર ઘેરી અસર હતી. ઈચ્છુક દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.

તારીખ:20 એપ્રિલ, રવિવાર
સમય:સવારે 10વાગ્યે
જગ્યા:અંધેરીની ભવન્સ કૉલેજ કૅમ્પસ, એસ.પી. જૈન ઓડિટોરિયમ