Home Blog Page 1013

ગુજરાત સહિત દેશભરમાં UPI સેવાઓ ઠપ, લાખો યુઝર્સને ચૂકવણીમાં મુશ્કેલી

દિલ્હી-એનસીઆર અને દેશના અન્ય ઘણા શહેરોમાં શનિવારે (12 એપ્રિલ, 2025) બપોરથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવાઓ અચાનક બંધ થઈ જતાં લાખો લોકોને ચૂકવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ટેકનિકલ ખામીને કારણે ગુજરાતના અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ યુઝર્સને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ડાઉનડિટેક્ટર વેબસાઇટે આ આઉટેજને ટ્રેક કર્યું અને તેની માહિતી જાહેર કરી.

આ આઉટેજની સૌથી વધુ અસર Paytm, PhonePe અને Google Pay જેવી લોકપ્રિય UPI એપ્સના યુઝર્સ પર પડી. આ એપ્સ દ્વારા ચૂકવણી કરવાનો પ્રયાસ કરનારા યુઝર્સને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. ડાઉનડિટેક્ટરના અહેવાલ મુજબ, શનિવારે બપોરે 12 વાગ્યાથી જ યુઝર્સે UPI સેવાઓની સમસ્યાઓ અંગે ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું હતું.

આઉટેજ દરમિયાન યુઝર્સે QR કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટ પ્રોસેસિંગનો મેસેજ જોયો, પરંતુ પાંચ મિનિટથી વધુ સમય વીતવા છતાં ચૂકવણી પૂર્ણ થઈ ન હતી. આ સમસ્યાએ ખાસ કરીને અમદાવાદમાં UPI પર નિર્ભર રહેતા લોકોને મૂંઝવણમાં મૂક્યા. ઘણા યુઝર્સ દુકાનો અને વેપારીઓ સાથે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે તેમને નાણાકીય વ્યવહારોમાં અડચણોનો સામનો કરવો પડ્યો.

હજુ સુધી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તરફથી આ આઉટેજના કારણો અંગે સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. જોકે, અગાઉ માર્ચ 2025માં પણ આવી જ સમસ્યા ઊભી થઈ હતી, જેને NPCIએ ટેકનિકલ ખામી ગણાવી હતી. ગુજરાત સહિત દેશભરના લોકો, જેઓ રોજિંદા વ્યવહારો માટે UPI પર નિર્ભર છે, તેમને આ સમસ્યાને કારણે નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીમાં ફરી વાવાઝોડાની ચેતવણી

શુક્રવારે રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આવેલા જોરદાર ધૂળના તોફાનની અસર શનિવારે પણ જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પર ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, કેટલીક રદ કરવામાં આવી હતી અને ડઝનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી. આને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ શનિવારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે અને મુસાફરોને ચેતવણી આપી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે શનિવારે સાંજે 5:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ફરીથી ધૂળની આંધી આવવાની શક્યતા છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી શકે છે.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલની જેમ, આજે પણ હવામાન પરિસ્થિતિઓના કારણે ફ્લાઇટ્સનું ડાયવર્ઝન, વિલંબ અને હવાઈ ટ્રાફિકમાં ભીડ થઈ શકે છે. આ અસર ધીમે ધીમે ફ્લાઇટ્સના સમયપત્રકને પણ અસર કરે છે. અમારી ટીમો પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરી રહી છે.

મુસાફરોને નિયમિતપણે અપડેટ રહેવા વિનંતી

તેથી, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એર ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા તેમની ફ્લાઇટ્સની સ્થિતિ વિશે પોતાને અપડેટ રાખે. ખરાબ હવામાનને કારણે ગ્રાઉન્ડ ઓપરેશન્સ પણ પ્રભાવિત થઈ શકે છે, તેથી એરપોર્ટ માટે વધારાના સમય સાથે રવાના થાઓ. એર ઇન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું કે તેમની પ્રાથમિકતા મુસાફરોની સલામતી છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં આકરી ગરમીમાં લાગી બ્રેક, એકા-એક અમદાવાદમાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભીષણ ગરમીમાં શુક્રવારે (11 એપ્રિલ) નોંધપાત્ર રાહત મળી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું, જે ગત 24 કલાકમાં 6 ડિગ્રી ઘટ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યભરમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગત રાત્રે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ (12થી 14 એપ્રિલ) અમદાવાદનું તાપમાન 39થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, 15થી 17 એપ્રિલ દરમિયાન ગરમીનું જોર ફરી વધવાની સંભાવના છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં ગરમીની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન

અમદાવાદઃ રાજ્યના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતાં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદમાં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જેમાં હજારો કલાકારો તાલીમ લઇ ચૂક્યા છે.

કુમુદિની લાખિયાની જન્મ 17 મે 1930એ થયો હતો. તેમણે સાત વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમનાં માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમનાં માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ તાલીમ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમને લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલાહાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો.કુમુદિની લાખિયાએ રામ ગોપાલ સાથે નૃત્ય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે ગયા હતા, આ દરમિયાન તેમણે ભારતીય નૃત્યને વિદેશમાં પ્રખ્યાત કર્યું હતું, ત્યાર બાદ તેમણે કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

તેમની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફર પણ હતી.

સાળંગપુરધામમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે શનિવારે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામના સંચાલન હેઠળ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) અને કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનમાં થયું હતું. આ દિવસે શ્રી કષ્ટભંજનદેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનાવેલા વાઘા પહેરાવવામાં આવ્યા, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

હનુમાન જયંતીના દિવસે સવારે 5:15 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા થઈ હતી. આ દરમિયાન ભવ્ય આતશબાજી સાથે શ્રી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું. સવારે 7:00 વાગ્યે દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન દીધાં. 7:30 વાગ્યે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું ઉષ્માભર્યું સ્વાગત થયું. આ ઉપરાંત, 250 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવાયો, જેમાં હજારો ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા.

સવારે 7:00 વાગ્યે સમૂહ મારૂતી યજ્ઞનું આયોજન થયું, જેમાં 1,000થી વધુ ભક્તોએ ભાગ લઈ દાદાના દરબારમાં આધ્યાત્મિક લાભ મેળવ્યો. બપોરે 11:00 વાગ્યે મહાઅન્નકૂટનું આયોજન થવાનું છે, જેમાં હજારો ભક્તો ભાગ લેશે. શ્રી કષ્ટભંજનદેવને પહેરાવવામાં આવેલા 8 કિલો સોનાના વાઘાની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. આ વાઘા 2019માં 22 ડિઝાઇનર્સની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું હતું. આ ઉપરાંત, રાજકોટ અને જયપુરમાં પણ આ કામનો એક ભાગ થયો હતો. આ વાઘા બનાવવા માટે 100 જેટલા સોનીઓએ 1,050 કલાકની મહેનત કરી અને એક વર્ષના સમયગાળામાં આ વાઘા તૈયાર થયા.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે 3,000થી વધુ સ્વયંસેવકો 25 જુદા-જુદા વિભાગો જેવા કે ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગમાં સેવા આપશે. ભક્તોની સુવિધા માટે બરવાળા અને બોટાદ તરફથી આવતા માર્ગો પર વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 10,000થી વધુ વાહનો એકસાથે પાર્ક થઈ શકે છે.

સુરક્ષા દળોએ અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર કર્યાઃ ઓપરેશન જારી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. હજી ઓપરેશન જારી છે.  ચાતરીના નૈદગામના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અને બાશા ઠાર મરાયા હતા. આ ત્રણેય પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સયુંકત કાર્યવાહી કરી હતી. ગાઢ જંગલોનો લાભ લઈને આતંકવાદીઓ ઘણી વાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઓપરેશન ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તહેનાત કર્યા હતા.

અહેવાલો અનુસાર કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન છે. 10 એપ્રિલે આતંકવાદીઓએ સુરક્ષા દળોનો સામનો થયો હતો અને એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 એપ્રિલની સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ હજી કમસે કમ એક આતંકવાદી છુપાયો હોવાની આશંકા છે અને ગોળીબાર બંને તરફથી ચાલુ છે. આ ઓપરેશન પહાડો પર ચાલી રહ્યું છે.

ગોવિંદાએ નૃત્યમાં ગણેશ આચાર્યનો નંબર લગાવ્યો

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ અક્ષયકુમાર, સલમાન ખાન વગેરે હીરોની અનેક ફિલ્મો કરી છે પણ સૌથી વધુ લોકપ્રિયતા ગોવિંદા સાથેના ગીતોથી મળી છે. ગણેશની કારકિર્દીની સફળતાની શરૂઆત જ ગોવિંદાને કારણે થઈ હતી. ગોવિંદાએ જ એને નંબર વન કોરિયોગ્રાફર બનાવ્યો હતો. ગણેશને સૌથી પહેલાં એક સિરિયલમાં ગીત અને પછી એક જાહેરાતમાં કામ મળ્યું હતું. ફિલ્મોમાં પહેલી અરમાન કોહલીની ‘અનામ’ (1992) હતી. એ પછી ફિલ્મોમાં એક-બે નાના ગીત મળતા રહ્યા. નિર્માતા કે.સી. બોકાડિયાએ ફિલ્મ ‘આઓ પ્યાર કરેં’ (1994) માં ‘હાથોમાં આ ગયા જો કલ રૂમાલ આપ કા’ ગીત આપ્યું અને ગણેશને લોકો ઓળખવા લાગ્યા.

ગણેશના ગીતો જોઈને એની બહેને સૂચન કર્યું કે તારી સ્ટાઈલ ગોવિંદા સાથે મેળ પડે એવી છે. ગણેશની ગોવિંદા સાથે મુલાકાત કરવા માટેના પ્રયત્ન શરૂ થઈ ગયા. મહિનાઓ પછી ગોવિંદાએ ફિલ્મ ‘પ્રેમ શક્તિ’ (1994) માં કામ અપાવ્યું. ગણેશે બે દિવસમાં માત્ર બે કલાક કામ કરાવીને એક ગીત પૂરું કરી દીધું અને એના કામથી પ્રભાવિત થઈને કહ્યું કે તું નિર્દેશક ડેવિડ ધવનને મળીને વાત કર. ગણેશ ડેવિડ પાછળ ફરવા લાગ્યો. છ મહિના પછી એમણે ગણેશની પરીક્ષા લેતા હોય એમ કહ્યું કે ‘સાજન ચલે સસુરાલ’ નું ‘તુમ તો ધોકેબાજ હો’ ની કોરિયોગ્રાફી કરીને બતાવ. એ ગીત જોઈને ડેવિડે બંધ પડી ગયેલી એ ફિલ્મ ફરી શરૂ કરી. ડેવિડે પોતાની ગોવિંદા સાથેની ફિલ્મ ‘કુલી નંબર વન’ (1995) માં ગણેશને લેવાનો વિચાર કર્યો પણ નિર્માતા રમેશ તોરાની એ સમયના લોકપ્રિય કોરિયોગ્રાફરો ચિન્ની પ્રકાશ અને સરોજ ખાનને જ લેવા માગતા હતા.

ડેવિડ અને ગોવિંદા ઇચ્છતા હતા કે ‘ગોરિયા ચુરાના મેરા જિયા’ ગીતની કોરિયોગ્રાફી ગણેશ કરે. એ માટે બંનેએ ચાલ રમી. જ્યારે રમેશ સરોજ ખાન કે ચિન્ની પ્રકાશની તારીખો લાવતા ત્યારે બંને પોતાની પાસે એ તારીખ ના હોવાનું બહાનું રજૂ કરતા રહ્યા. અને બંનેએ તપાસ કરીને જાણી લીધું કે ક્યારે એ બંને પાસે તારીખ નથી. અને રમેશને કહ્યું કે એ તારીખે ગીત કરવું પડે એમ છે. જ્યારે એમણે વિકલ્પ આપવા કહ્યું ત્યારે ડેવિડે તરત ગણેશનું નામ આપ્યું. અને ‘કુલી નંબર વન’ માં ગણેશનો નંબર લગાવી દીધો. ફિલ્મ રજૂ થયા પછી ગણેશને બહુ લોકપ્રિયતા મળી અને પાછું વળીને જોવું જ ના પડ્યું. એક પછી એક ગીતો મળતા જ રહ્યા.

એક સમય એવો આવ્યો કે નિર્દેશકો એના ગીતમાં પણ એને ચમકાવવા લાગ્યા. અસલમાં ફિલ્મ ‘ઘાતક’ (૨૦૧૮) ના ‘કોઈ આયે તો’ ગીતમાં પ્રભુ દેવા કે જાવેદ જાફરીની ડાન્સર તરીકેની ભૂમિકા હતી. પણ ગીતના શુટિંગ વખતે કોઈ ઉપલબ્ધ ન હોવાથી ગણેશ જાતે જ માથા પર પટ્ટી બાંધીને ડાન્સ કરવા લાગ્યો. એ ગીતને એટલું પસંદ કરવામાં આવ્યું કે એને ‘લકી’ સમજીને ગીતમાં ડાન્સર તરીકે લેવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ધીમે ધીમે એ ગીતોમાં અભિનેતા પણ બની ગયો.

આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ: અવકાશમાં પ્રવેશનાર પ્રથમ માનવ કોણ છે?

અવકાશના ઇતિહાસમાં એપ્રિલ મહિનો ખાસ મહત્વ ધરાવે છે. આ મહિનામાં જ પ્રથમ માનવી અને પ્રથમ ભારતીય અવકાશમાં ગયા,એ પહેલી ઘટના 12 એપ્રિલના રોજ બની હતી. 12 એપ્રિલ, 1961ના રોજ, સોવિયેત નાગરિક યુરી ગાગરીને અવકાશમાં ઉડાન ભરનાર અને પાછા ફરનાર પ્રથમ માનવ બનીને ઇતિહાસ રચ્યો. આ ઘટનાને એક રીતે અશક્યને શક્ય બનાવવાના માર્ગ તરીકે માનવામાં આવતી હતી અને તેણે માત્ર માનવ શક્યતાઓને મર્યાદિત કરી ન હતી પરંતુ વિજ્ઞાન સાહિત્યમાં કઈંક શક્યતાઓની આશા પણ જગાવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે આ દિવસને આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) તરીકે ઉજવે છે.

7 એપ્રિલ 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઠરાવ A/RES/65/271 દ્વારા,12 એપ્રિલને આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ તરીકે જાહેર કર્યો, જે અવકાશમાં માનવ યુગની શરૂઆત દર્શાવે છે. તે સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યોનો પુનરોચ્ચાર કરે છે જેમ કે બાહ્ય અવકાશનો શાંતિપૂર્ણ ઉપયોગ અને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા લોકો અને રાજ્યોની સુખાકારી વધારવા અને ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અવકાશનું મહત્વપૂર્ણ યોગદાન.

આ એક જ ઘટનાએ ઐતિહાસિક રીતે માનવજાતના લાભ માટે અવકાશ સંશોધનના નવા પરિમાણો ખોલ્યા. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવતાના સામાન્ય હિતો પ્રત્યેની પોતાની ઊંડી પ્રતિબદ્ધતા અને સમગ્ર માનવજાતના લાભ માટે અવકાશના ઉપયોગ અને શોધના વિસ્તરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવા માટે આ દિવસ અપનાવ્યો હતો.

યુરી ગાગરીનને અવકાશમાં મોકલનાર અવકાશ સંશોધન કાર્યક્રમ 4 ઓક્ટોબર 1957 ના રોજ શરૂ થયો હતો, જ્યારે સોવિયેત સંઘે વિશ્વનું પ્રથમ અવકાશયાન સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું હતું. આ પછી 1961 માં, રશિયન લેફ્ટનન્ટ યુરી ગાગરીન વોસ્ટોક 1 અવકાશયાન દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

એક મહાન યુગની શરૂઆત
ગાગરીનની ઉડાન 108 મિનિટની મુસાફરીમાં 327 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી. આ પછી, 16 જૂન 1963ના રોજ વેલેન્ટિના તેરેશકોવાને પ્રથમ મહિલા અવકાશયાત્રી બનવાનો સન્માન મળ્યો અને પછી 20 જુલાઈ 1969 ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા. 17 જુલાઈ, 1975 ના ​​રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયાના એપોલો અને સોયુઝ અવકાશયાનને અવકાશમાં પ્રથમ વખત જોડવાની ઐતિહાસિક ઘટના બની.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું યોગદાન
આ સમયગાળા દરમિયાન અવકાશ અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધનું મેદાન પણ બન્યું. પરંતુ સોવિયેત યુનિયનના પતન અને યુરોપિયન યુનિયનની રચના સાથે વિશ્વના દેશો અવકાશ બાબતોમાં સહયોગ કરવા સંમત થયા અને 17 દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની કલ્પના કરી, જ્યાં વિવિધ દેશોના અવકાશયાત્રીઓ અને વૈજ્ઞાનિકો એક જ અવકાશ સ્ટેશનમાં જઈ શકે છે અને પ્રયોગો કરી શકે છે.

અવકાશ પ્રવાસન સહિત ઘણી શક્યતાઓ
આ દ્રષ્ટિ વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ; પહેલી વાર રશિયા અને અમેરિકાએ સાથે મળીને કામ કર્યું, જે એક સમયે અશક્ય માનવામાં આવતું હતું. અવકાશ મથક પર લાંબા ગાળાના માનવ મિશન માટે કરવામાં આવેલા પ્રયોગોએ વધુ ધ્યાન ખેંચ્યું. અવકાશમાં ખોરાક અને રહેવા સંબંધિત અન્ય સમસ્યાઓના ઉકેલ શોધવા માટે ઘણા સમયથી પ્રયોગો ચાલી રહ્યા છે, જે અવકાશ પ્રવાસનના પાયાને મજબૂત બનાવી રહ્યા છે.

ગુલકંદ – ૧૨ એપ્રિલ ૨૦૨૫

મીઠી બુંદીનો પ્રસાદ

કહેવાય છે કે, હનુમાન દાદાને મીઠી બુંદી પ્રસાદમાં બહુ ભાવે છે. મીઠી બુંદીનો પ્રસાદ ઘરમાં બનાવવો બહુ જ સહેલો છે. તો આ હનુમાન જયંતિ નિમિત્તે ઘરે જ બનાવી લો મીઠી બુંદીનો પ્રસાદ!

 

સામગ્રીઃ

  • ઝીણો દળેલો ચણાનો લોટ 1 કપ
  • સાકર ¾ કપ
  • ખાવાનો સોડા 1 ચપટી
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • કેસરના તાંતણા 10-11
  • લીંબુનો રસ ¼ ટી.સ્પૂન
  • તળવા માટે ઘી અથવા તેલ,
  • કાજુ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ ચણાનો લોટ લઈ તેને બારીક ચાળણીમાં ચાળી લો. તેમાં 1 ચપટી ખાવાનો સોડા મેળવી લો. હવે ચણાના લોટને એક બાઉલમાં લઈ તેમાં પોણા કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરતાં જઈ ચમચા વડે હલાવતા જાઓ. તેમાં ગઠ્ઠા ના થવા જોઈએ.

આ મિશ્રણ બહુ જાડુ કે બહુ પાતળુ ન થવું જોઈએ. તેથી પાણી બહુ સાચવીને તેમાં રેડવું.

બુંદી માટેનું મિશ્રણ બરાબર છે કે નહિ તે તપાસવા માટે જે ચમચા વડે મિશ્રણ હલાવતા હો તે ચમચામાંનું મિશ્રણ તે જ વાસણમાં રેડવાથી સહેલાઈથી નીચે રિબીનની માફક પડે અને ચમચો ઉંધો કરવાથી તેમાં ચણાના લોટનું મિશ્રણ ચોંટેલું હોવું જોઈએ. આ ચમચા ઉપર આંગળી ફેરવવાથી તેની ઉપર એકસરખી લીટી પડેલી હોય તો સમજવું મિશ્રણ બરાબર છે. બીજી રીત પ્રમાણે, એક સ્ટીલની વાટકીમાં પાણી લઈ તેમાં ચમચા વડે 3-4 ટીપાં લોટ પાડવાથી તે નીચે બુંદી અથવા લીટી આકાર બને અને તે ચોંટી જાય કે ફેલાઈ નહીં. તો મિશ્રણ બરાબર છે. ટૂંકમાં, લોટનું ખીરું એ પ્રમાણે ઘટ્ટ હોય કે ચમચામાંથી રેડતાં તે સરળતાથી નીચે પડે.

બુંદી પાડવા માટે સ્ટીલનો ઝારો, ચાળણી કે દૂધી ખમણવાની ખમણી લઈ શકાય. ખમણી વધુ સારી રહેશે.

કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. ઘી ગરમ થાય એટલે એક આંગળી લોટના મિશ્રણમાં ડૂબાડીને કઢાઈમાં ઉપરથી અધ્ધર રાખવી. જેથી તેમાંથી લોટના ટીપાં પડે અને બુંદીનો આકાર આવે. જો આ લોટ નીચે ઘીમાં પડતાંની સાથે જ બુંદી બનીને તરત ઉપર આવે તો સમજવું કે ઘી સરખું ગરમ થયું છે. હવે ગેસની આંચ ધીમી કરી દો.

ચોખ્ખી ધોઈને લૂછેલી ખમણી એક હાથ વડે કઢાઈથી 3-4 ઈંચ ઉપર પકડી રાખવી. બીજા હાથેથી ચમચા વડે લોટનું મિશ્રણ ખમણીમાં રેડવું. ખમણી સ્થિર પકડી રાખવી. તેને હલાવવી નહીં. લોટની બુંદી આપમેળે ઘીમાં પડશે. ખમણીમાંનું મિશ્રણ પૂરું થાય એટલે બીજો ચમચો રેડીને બુંદી પાડો.

હવે ખમણી ધીરેથી ખસેડીને બીજી થાળીમાં મૂકી દો. ઝારા વડે બુંદીને ફેરવીને 2-3 મિનિટમાં કાઢી લો. બુંદીને વધુ લાલ નથી કરવી.

બીજીવાર બુંદી બનાવવા માટે ખમણીને એક કપડા વડે આગળ-પાછળથી ચોખ્ખી લૂછી લો. કારણ કે, મિશ્રણ ચોંટેલું હશે તો બુંદી સરખી ગોળ નહિં પડે.

બધી બુંદી તળી લીધા બાદ ગેસ બંધ કરી દો. કેસરના તાંતણાને પા વાટકી જેટલા પાણીમાં પલાળી રાખો.

બીજા એક પેનમાં સાકર લઈ તે ડૂબે તેટલું પાણી રેડી ગેસની મધ્યમ-ધીમી આંચે સાકર ઓગળવા દો. સાકર ઓગળે એટલે ગેસની આંચ તેજ કરીને ચાસણીને હલાવતા રહો. જ્યાં સુધી તે મધ જેવી ચિપચિપી ન થાય. ચાસણી તપાસવા માટે ચમચા વડે ચાસણીનું એક ટીપું પ્લેટમાં રેડીને ઠંડું થાય એટલે બે આંગળીની વચ્ચે લઈ તપાસી જોવું. ચાસણી તૈયાર થવા આવે એટલે લીંબુનો રસ મેળવી દો. થોડીવાર બાદ કેસરવાળું પાણી તેમજ એલચી પાઉડર મેળવી દો. ગેસ બંધ કરી દો. ચાસણી થોડી ઠંડી થાય એટલે તેમાં બુંદી મેળવી. ચમચા વડે મિક્સ કરીને તેમાં ડ્રાય ફ્રુટની કાતરી મેળવીને 3-4 કલાક માટે ઢાંકીને રહેવા દો.

4 કલાક બાદ મીઠી બુંદીમાં ચાસણી પચી જશે અને પ્રસાદ તૈયાર થઈ જશે.