વોટર લિસ્ટમાં તમારું નામ છેઃ તેજસ્વીના આરોપ પર ECનો જવાબ

પટનાઃ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે દાવાને ચૂંટણી પંચે ખોટો સાબિત કર્યો છે. તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે બિહારની મતદાતા યાદી (વોટર લિસ્ટ)ના ડ્રાફ્ટમાંથી તેમનું નામ ગાયબ છે. ચૂંટણી પંચે થોડા દિવસો પહેલાં જ મતદાતા યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો હતો.

તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમણે SIR દરમિયાન મતદાર ફોર્મ ભરી દીધું હતું, છતાં પણ જે ડ્રાફ્ટ યાદી બહાર પડી છે તેમાં તેમનું નામ નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમનું નામ યાદીમાં નથી તો તેઓ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે લડી શકે? તેમણે કહ્યું હતું કે તેમણે ચૂંટણી પંચના પોર્ટલ પર ECIP (Electors Photo Identity Card) નંબર RAB2916120 દાખલ કરીને તપાસ્યું ત્યારે નો રેકોર્ડ ફાઉન્ડ દર્શાવાયું.

તેમણે આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા જે વચન આપ્યું હતું, તે બધાથી પીછેહઠ કરી છે. તેજસ્વીના આ દાવા બાદ તરત જ ચૂંટણી પંચે ફેક્ટ ચેક કર્યું અને જણાવ્યું કે તેજસ્વી ખોટું બોલી રહ્યા છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે તેજસ્વીનું નામ મતદાતા યાદી (ડ્રાફ્ટ)માં સમાવિષ્ટ છે અને તેમાં તેમનું નામ, ફોટો, ઉંમર, પિતાનું નામ અને મકાન નંબર વિગેરે વિગતો યોગ્ય રીતે દર્શાવેલી છે. પંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેજસ્વીનો દાવો કે તેમનું નામ યાદીમાં નથી, તે સંપૂર્ણપણે ખોટો અને તથ્યવિહીન છે.

SIRને લઈને બિહારમાં હંગામો ચાલુ

બિહારમાં ગયા મહિનેથી જ SIR પ્રક્રિયા ને લઈને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે બિહારમાં મતદાતા યાદીની Special Intensive Revision પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે આ એક વ્યૂહરચના છે, જેના માધ્યમથી પછાત, દલિત અને નબળા વર્ગના લોકોના મત હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.