ભૂજઃ બાળકોમાં અને યુવાનોમાં મોબાઇલનો જબરો ક્રેઝ જોવા મળે છે, પરંતુ આ ગાંડપણ ક્યારેક અવળા રસ્તે પણ ધકેલી આપે છે. આવો જ એક કિસ્સો ભૂજમાં બન્યો છે. અહી એક મોબાઈલ ગેમમાં હારી જતાં કિશોરે નિંદામણ બાળવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે.
ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરુણ અંત લાવી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરિયાએ ચોથી જાન્યુઆરીએ નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તેનું 8મી જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત થયું હતું.
પથ્થર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતાં તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. તેનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.
પરિવારમાં શોકનો માહોલ
મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.