વિશ્વ આરોગ્ય દિવસ: રિક્ષા ચાલકોને તાત્કાલિક સારવારની તાલીમ અપાઈ

અમદાવાદ : ‘વિશ્વ આરોગ્ય દિવસ ‘ નિમિત્તે શહેરના ચામુંડા બ્રિજ પાસે આવેલી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક અનોખા અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલના સેમિનાર હોલમાં નવયુગ ઓટો ડ્રાઈવર એસોસિએશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન માટે એક ઈમરજન્સી સારવાર કેવી રીતે થઈ શકે એનું જીવંત નિદર્શન સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિક્ષા ચાલકોને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી

રિક્ષા ચાલકો તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકે એ અંગેના જાગૃતિ કાર્યક્રમ વિશે જીસીએસ હોસ્પિટલના નેહા પંચાલ ચિત્રલેખા.કોમને કહે છે ઠંડી ગરમી કે વરસાદ કોઈ પણ ઋતુમાં માર્ગો પર રિક્ષા અને રિક્ષાઓના ચાલક પહેલાં મળી જાય. માર્ગ પરથી પસાર થતાં કોઈ પણ વ્યકિતને હ્રદય રોગનો હુમલો આવે, સ્ટ્રોક આવે કે અન્ય કોઈ શારીરિક સમસ્યા ઉભી થાય ત્યારે મોટે ભાગે રિક્ષા ચાલક કે પબ્લિક કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર્સ માર્ગ ઉપર ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક મદદે દોડી આવતા હોય છે. પરંતુ બધા જ રિક્ષા ચાલકો કે ડ્રાઈવરો તાત્કાલિક સારવાર આપવા ટ્રેઈન નથી હોતા. માર્ગ પર સતત ફરતાં રિક્ષા ચાલકો માટે રસ્તે જતાં લોકોને કેવી રીતે મદદ થઈ શકે એ સંદર્ભની તાલીમ જીસીએસ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી. રિક્ષા ચાલકોને પ્રાથમિક સારવારની તાલીમ સાથે ફર્સ્ટ એઈડ કિટ પણ આપવામાં આવી હતી.

વિશ્વ આરોગ્ય દિવસે એસ.ટી સહિત જુદી જુદી જગ્યાએ તાત્કાલિક સારવારની તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટીના કંડકટર અને ડ્રાઈવર સહિતના સ્ટાફના બ્લડ પ્રેશર, હાર્ટ ચેકઅપ, ECG અને બ્લડ ચેકઅપ કરવામાં આવ્યા હતાં. માર્ગ પર જ્યારે કોઈ વ્યકિત અચાનક બિમાર થઈ જાય ત્યારે વાહન ચાલકો, રિક્ષા ચાલકો પોલીસ કર્મચારીઓ જ પ્રથમ મદદરૂપ થતાં હોય છે. એટલે માર્ગ ઉપર સતત ફરતાં નોકરી કરતાં લોકોને પ્રાથમિક અને તાત્કાલિક સારવાર આપવાની તાલીમ જરૂરી છે. જેથી અચાનક જ કોઈની તબિયત લથડેતો સારવાર આપી શકાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)