ફ્લાઈટમાં મહિલાએ તેના કપડાં ઉતાર્યા, ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક કરી

અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ (યુકે-256) એ સમયે હંગામો મચાવ્યો જ્યારે એક ઈટાલિયન મહિલાએ તેના કપડાં ઉતાર્યા અને ફ્લાઈટમાં ફરવા લાગી. રોકવામાં આવતા મહિલાએ ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક કરી અને ઝપાઝપી પણ કરી. ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થતાં જ ક્રૂ મેમ્બરની ફરિયાદ પર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાલીમાં રહેતી મહિલાની ઓળખ પાઓલા પેરુચિયો તરીકે થઈ છે. તે ફ્લાઈટમાં નશામાં હતી. તેમણે કહ્યું કે, તપાસ પૂર્ણ કર્યા બાદ આરોપી મહિલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ મહિલાને જામીન મળી ગયા છે.

મહિલા ઈટલીની છે

પોલીસે જણાવ્યું કે, મહિલા જે ઈટલીની છે, તે ફ્લાઈટ દરમિયાન બિઝનેસ ક્લાસમાં જઈને બેઠી હતી, જ્યારે તેની પાસે ઈકોનોમી ક્લાસની ટિકિટ હતી. જ્યારે ક્રૂ મેમ્બરે તેને તેની સીટ પર જવાનું કહ્યું તો મહિલાએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો. તેણે ક્રૂ મેમ્બરને મુક્કો માર્યો અને એક પર થૂંક્યું. આ પછી મહિલાએ તેના કપડા ઉતાર્યા અને અહી-ત્યાં ફરવા લાગી.

 

મહિલાના આવા વર્તનથી ફ્લાઈટમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, કેપ્ટનની સૂચના પર, ક્રૂ મેમ્બરે મહિલાને પકડી અને તેને ડ્રેસ પહેરાવ્યો. મહિલાને સીટ સાથે બાંધી દેવામાં આવી હતી અને જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે તેને પોલીસને સોંપવામાં આવી હતી. આ મામલે વિસ્તારા એરલાઈન્સ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે, પાયલોટે અન્ય મુસાફરોની સુરક્ષાને લઈને નિયમિત જાહેરાત કરી. જોકે, મહિલાના ઇનકાર પર ફ્લાઇટ લેન્ડ થતાં જ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, SOP મુજબ, ઘટનાની માહિતી સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે. વિસ્તારા તેના મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા અંગે ઝીરો ટોલરન્સ નીતિનું નિશ્ચિતપણે પાલન કરે છે.