નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે. તેમણે મહાકુંભમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. એ દરમ્યાન તેમણે મા ગંગાની પૂજા-અર્ચના કરી હતી. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર હતા. તેમણે તીર્થ સ્થળો પર સુવિધાઓ અને માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે અનેક મહત્ત્વનાં પગલાં લીધાં છે. આ પહેલાં તેમણે 13 ડિસેમ્બરે, 2024એ પ્રયાગરાજની મુલાકાત દરમ્યાન રૂ. 5500 કરોડના ખર્ચે 167 વિકાસ પ્રોજેક્ટોનો શુભારંભ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળો 2025 શરૂ થયો છે. આજે PM મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025માં પહોંચીને પવિત્ર ડૂબકી લગાવી છે. તેમણે માઘ માસની અષ્ટમી તિથિએ સવારે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. એ દરમિયાન તેઓ અખાડા, આચાર્યવાડા, દાંડીવાડા અને ખાકચોકના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા.
View this post on Instagram
PM મોદી ફેબ્રુઆરીમાં 2019માં પણ કુંભ મેળામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગંગામાં સ્નાન કર્યું હતું અને ગંગા પંડાલમાં સફાઈ કામદારોના પગ ધોયા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ વખતે તેમનો કાર્યક્રમ નેત્ર કુંભના શિબિરમાં પ્રસ્તાવિત છે. રાષ્ટ્રપતિ મુર્મુ 10 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે. 13 જાન્યુઆરીએ શરૂ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલશે.
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં તમામ રેકોર્ડ્સ તૂટી રહ્યા છે. 144 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આયોજિત આ મહાકુંભમાં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચીને ગંગા, યમુના અને સરસ્વતિના પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. આજે માઘ માસની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. સાથે આજના દિવસને ભીષ્માષ્ટમીના રૂપમાં પણ ઊજવવામાં આવે છે.
