કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘બિલોગિંગ: અ જર્ની ઓફ લવ’ ચર્ચામાં આવ્યું છે. 544 પાનાંના આ પુસ્તકમાં તેમણે પોતાના રાજકીય અને અંગત જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને વર્ષ 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કેમ કર્યો હતો, તેને લઈને તેમણે મોટો ખુલાસો કર્યો છે.

સોનિયા ગાંધીએ પુસ્તકમાં જણાવ્યું છે કે તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી ઇચ્છતા નહોતા કે તેઓ દેશનાં વડાપ્રધાન બને. તેનું મુખ્ય કારણ પરિવાર સાથે જોડાયેલી ભૂતકાળની દુઃખદ ઘટનાઓ હતી.
રાહુલ અને પ્રિયંકા નહોતા ઇચ્છતા કે માતા PM બને
સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના આઘાતમાંથી રાહુલ અને પ્રિયંકા હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવ્યા નહોતા. બંનેને ડર હતો કે જો તેમની માતા વડાપ્રધાન બનશે તો તેમના જીવન પર પણ જોખમ ઊભું થઈ શકે છે.
સોનિયાએ પુસ્તકમાં જણાવ્યું કે 2004ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે પોતાના બંને બાળકો સાથે વડાપ્રધાન બનવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન એક બાળકે તેમને સીધો સવાલ કર્યો હતો કે જો કોંગ્રેસ ચૂંટણી જીતી જશે તો શું તેઓ વડાપ્રધાન પદ સ્વીકારશે? આ સવાલના જવાબમાં સોનિયાએ કહ્યું હતું, ‘બિલકુલ નહીં!’ જ્યારે બાળકોએ ફરીથી પૂછ્યું કે શું તેઓ આ નિર્ણય અંગે સંપૂર્ણપણે નિશ્ચિત છે, ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ આ બાબતે સ્પષ્ટ છે.
સોનિયા ગાંધીએ પુસ્તકમાં જણાવ્યું છે કે 2004માં કોંગ્રેસની જીત બાદ 10 જનપથ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન પાર્ટીના નેતાઓ તેમના પર વડાપ્રધાન બનવા માટે દબાણ કરી રહ્યા હતા.નેતાઓના આગ્રહ અને દબાણ વચ્ચે તેમણે ધીમા અવાજે ‘ઠીક છે’ કહી દીધું હતું. પરંતુ તેમનો આ જવાબ સાંભળીને રૂમની બહાર ઊભેલી પ્રિયંકા ગાંધી ભાવુક થઈ ગઈ હતી.સોનિયાના જણાવ્યા અનુસાર, પ્રિયંકા આંસુ સાથે ઘરની અંદર રાહુલને શોધવા દોડી ગઈ અને તેમને કહ્યું કે માતાએ નેતાઓની માંગ સ્વીકારી લીધી છે.
સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે આ વાત સાંભળીને રાહુલ ગાંધી ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સવાલ કર્યો હતો કે માતાએ આવું શા માટે કર્યું અને તેઓ ક્યાં છે?
ત્યારબાદ રાહુલે સોનિયા ગાંધીને પૂછ્યું હતું, ‘તમે હા કેમ કહી દીધી?’ આના જવાબમાં સોનિયાએ કહ્યું હતું કે નેતાઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા. તેઓ વડાપ્રધાન બનવા માંગતા નહોતા, પરંતુ નેતાઓ તેમના પર દબાણ કરી રહ્યા હતા.આ સાંભળીને રાહુલે સવાલ કર્યો હતો, ‘તમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે? તો પછી અમારું શું?’ સોનિયા ગાંધીએ આગળ જણાવ્યું કે રાહુલ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પ્રિયંકાએ તેમને સમજાવ્યું હતું કે તેઓ શરૂઆતથી જ પોતાના નિર્ણય અંગે સ્પષ્ટ રહ્યાં છે અને કોઈના દબાણમાં આવવાની જરૂર નથી. પ્રિયંકાએ માતાને કહ્યું હતું કે, ‘તમે જે નિર્ણય લીધો છે તેના પર અડગ રહો. અમે બંને તમારી સાથે છીએ અને આ પરિસ્થિતિનો સામનો કરવામાં તમારી મદદ કરીશું.’
જોકે, આખરે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનના અનેક રાજકીય અને અંગત પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં ઇમરજન્સી, બાબરી મસ્જિદ ધ્વંસ અને તે સમયે તેમની લાગણીઓ વિશે પણ વાત કરવામાં આવી છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના તેમના વિચારોનો પણ પુસ્તકમાં ઉલ્લેખ છે.
સોનિયા ગાંધીના આ ખુલાસાઓને કારણે 2004માં તેમણે વડાપ્રધાન પદ કેમ સ્વીકાર્યું નહોતું, તેની પાછળના પારિવારિક કારણો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.






