મુંબઈ: અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ બોલિવૂડ કલાકારોની સુરક્ષાને લઈને સતર્ક બની છે. આ દરમિયાન મુંબઈ પોલીસે ફિલ્મી કલાકારોને ભીડભાડવાળી જાહેર જગ્યાઓ પર જવાનું ટાળવા અને ચાહકો સાથે જાહેરમાં મળવાનું ટાળવાની સલાહ આપી છે.

પોલીસે સુરક્ષાના કારણોસર આ એડવાઇઝરી જાહેર કરી હોવાનું જાણવા મળ્યું છે. ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટના અને તપાસ દરમિયાન કેટલીક જાણીતી હસ્તીઓના ઘરની બહાર શંકાસ્પદ નજર રાખવામાં આવી હોવાના અહેવાલો બાદ પોલીસ વધુ સાવચેત બની છે.
શા માટે મુંબઈ પોલીસે કલાકારોને આપી સલાહ?
ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટના બાદ તુષાર કપૂર, આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સહિત અનેક ફિલ્મી હસ્તીઓને ધમકીઓ મળ્યાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે બોલિવૂડ કલાકારોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કલાકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
આયુષ્માન ખુરાનાને ધમકી આપવાના કેસમાં એક યુવકની ધરપકડ
આયુષ્માન ખુરાના સાથે જોડાયેલા ધમકી અને ખંડણીના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બેંગલુરુમાંથી 30 વર્ષીય યુવક વૈભવ મિશ્રાની અટકાયત કરી હતી.આરોપ છે કે વ્યવસાયે આઇટી એન્જિનિયર એવા વૈભવ મિશ્રાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ લઈને ફિલ્મી કલાકારોને ધમકીભર્યા ઓડિયો મેસેજ મોકલ્યા હતા.
જુહુમાં ટાઇગર શ્રોફની કાર પર થયું હતું ફાયરિંગ
ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટના 18 ઓક્ટોબરે મુંબઈના જુહુ વિસ્તારમાં બની હતી. આ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ અભિનેતાની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં ટાઇગર શ્રોફને કોઈ ઈજા થઈ નહોતી, પરંતુ તેમના ડ્રાઇવર અને ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીને ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા.
આ ઘટનાઓ બાદ મુંબઈ પોલીસ બોલિવૂડ કલાકારોની સુરક્ષા માટે ખાસ સાવચેતી રાખી રહી છે અને તેમને જાહેર સ્થળોએ અવરજવર કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.



