લોકસભા ચૂંટણી : કેનેડામાં નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

દેશભરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. દરમિયાન કેનેડાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કેનેડિયન નાગરિકોને એવી સલાહ આપવામાં આવી છે કે જ્યાં લોકસભા ચૂંટણી દરમિયાન પ્રદર્શન અને મોટા મેળાવડા થઈ રહ્યા હોય તેવા સ્થળોએ જવાનું ટાળો. રિપોર્ટ અનુસાર કેનેડાની ટ્રુડો સરકારે બુધવારે ટ્રાવેલ એડવાઈઝરીમાં આ મુદ્દો ઉમેર્યો છે. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડિયન નાગરિકોએ ભારતમાં રહીને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવી જોઈએ.

કેનેડાએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી

કેનેડા દ્વારા જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં 19 એપ્રિલથી 1 જૂન, 2024 વચ્ચે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પહેલા, દરમિયાન અને પછી પ્રદર્શન થઈ શકે છે. આ સમય દરમિયાન ત્યાં ટ્રાફિક સુવિધાઓ અને જાહેર પરિવહનમાં પણ વિક્ષેપ આવી શકે છે, આવી સ્થિતિમાં, કેનેડિયન નાગરિકોને એવા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જ્યાં પ્રદર્શન અને મોટા મેળાવડા થઈ રહ્યા હોય.