પેરિસ ઓલિમ્પિક 2024માં ઘણા ખેલાડીઓએ ભાગ લીધો છે. કેટલાક ખૂબ જ નાના છે, જ્યારે કેટલાક એથ્લેટ એવા છે જેમની ઉંમર દરેકને સલામ કરવા મજબૂર કરે છે. આ વખતે 58 વર્ષીય મહિલા ખેલાડીએ ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું હતું અને તેની વાર્તા દરેક માટે પ્રેરણાદાયી છે.
આ મહિલાનું નામ ઝિઇંગ ઝેંગ છે, જે ટેબલ ટેનિસ ખેલાડી છે. ઝિઇંગ ઝેંગે તેની રમતગમત કારકિર્દીની શરૂઆત ચીન તરફથી રમીને કરી હતી, જ્યાં તેણે પોતાની પ્રતિભાના આધારે ઘણી સફળતાઓ હાંસલ કરી હતી. ઝેંગ ઝિઇંગે 58 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યુ હતું.
વાસ્તવમાં, ટેબલ ટેનિસ ખેલાડી ઝિઇંગ ઝેંગનો જન્મ 1966માં ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં થયો હતો. તેમની માતાએ તેમને બાળપણમાં કોચિંગ આપ્યું હતું અને ટેબલ ટેનિસ માટેની તેમની પ્રતિભા શરૂઆતમાં ઉભરી આવી હતી. જ્યારે તેણી 11 વર્ષની હતી, ત્યારે તેણીને બેઇજિંગમાં જુનિયર એલિટ ટીમ માટે પસંદ કરવામાં આવી હતી. 1983 સુધીમાં ઝિઇંગ ઝેંગ ચીનની રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટીમનો ભાગ બન્યા અને તેણે ઓલિમ્પિકમાં રમવાનું સપનું જોયું.
પરંતુ 1986માં અમલમાં આવેલ “દો રંગ નિયમ” એ તેની રમતમાં અવરોધ ઉભો કર્યો અને તેને રાષ્ટ્રીય ટીમ છોડવી પડી. ત્યારબાદ 1989 માં એક ચાઇનીઝ કોચે તેને ચિલીમાં શાળાના બાળકોને ટેબલ ટેનિસ શીખવવાની નોકરીની ઓફર કરી. ત્યાર બાદ ઝિઇંગ ઝેંગે ચીન છોડીને ચિલીમાં સ્થાયી થવાનું નક્કી કર્યું અને ત્યાં ચીની ચીજવસ્તુઓ આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો.
2002 માં, તેણે તેના પુત્રની વિડિયો ગેમની આદતને દૂર કરવામાં મદદ કરવા માટે ફરીથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને સ્થાનિક ટુર્નામેન્ટ જીતી.
38 વર્ષની નિવૃત્તિ બાદ ઝિયિંગે ટેબલ ટેનિસમાંથી પુનરાગમન કર્યું હતું. COVID-19 રોગચાળા દરમિયાન તેણે તેના ઘરે એકલા ટેબલ ટેનિસ રમીને પોતાનો જુસ્સો જીવંત રાખ્યો. જ્યારે લોકડાઉન સમાપ્ત થયું, ત્યારે તેણે સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લીધો. 2023 સુધીમાં તે દેશની ટોચની મહિલા ખેલાડી બની અને ચિલીની રાષ્ટ્રીય ટીમ માટે ક્વોલિફાય થઈ.
આખરે પેરિસ ઓલિમ્પિક સુધી પહોંચી 58 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો. જો કે, તેનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું પરંતુ આટલી ઉમંરે સાહસ કરી જુસ્સા સાથે મેદાનમાં ઊતરવું એ જ મોટી જીત અને મેડલ સમાન છે.