સિટાડેલમાં વરુણની દીકરીનો રોલ કરનાર ગુજ્જુ ગર્લ કશ્વી મજમુદાર વિશે જાણો

વરુણ ધવન અને સામન્થા રૂથ પ્રભુ સ્ટારર ‘સિટાડેલ હની બની’ખુબ જ ચર્ચામાં છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સીરિઝમાં ગુજરાતી ક્યુટ ગર્લે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેનું નામ છે કશ્વી મજમુદાર.અમદાવાદની કશ્વી મઝમુદાર 9 વર્ષની છે. હાલમાં તે દુબઈમાં તેના પેરેન્ટ્સ સાથે રહે છે. વેબ સીરિઝમાં કશ્વીના અભિનયની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. આ છોટા પેકેટ બડા ધમાકાએ દર્શકોના દિલ જીતી લીધા છે. આવો જાણીએ કશ્વીને આ વેબ સીરિઝ કેવી રીતે મળી? અને વરુણ તથા સામન્થા સાથે તેણીનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

વરુણ ધવન અને સામન્થા સાથે કશ્વી

એવું નથી કે કશ્વીએ પહેલી વાર કોઈ સ્ટાર સાથે કામ કર્યુ છે.આ પહેલા દુબઈમાં આયોજિત IIFA અવોર્ડ સમારોહમાં કશ્વીએ બૉલિવૂડની જાણીતી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી સાથે ડાન્સ કર્યો હતો. તેણીને ડાન્સ અને એક્ટિંગનો ખુબ જ શોખ છે. કશ્વીએ સિટાડેલમાં વરુણ અને સામન્થાની દીકરી નાડિયાનો રોલ કર્યો છે. વેબ સીરિઝ કેવી રીતે મળી? અને વરુણ ધવન તથા સામન્થા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તેના વિશે કશ્વીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.

અભિનયમાં રસ કેવી રીતે પડ્યો?

મને લાગે છે કે જન્મથી જ મને ડાન્સ અને એક્ટિંગમાં રસ પડવા લાગ્યો હતો. હું એક વર્ષની પણ નહોતી થઈ ને અરીસામાં જોઈને વિવિધ પ્રકારના એક્સપ્રેસન્સ આપતી હતી.બે-બે કલાક સુધી સતત અરીસામાં જોયા કરતી હતી. આવું કરવામાં મને બહુ જ મજા આવતી હતી. મારી મમ્મી કોઈ પણ મ્યુઝિક પ્લે કરતી ને હું તેના પર મારું બૉડી મૂવ કરતી.આ રીતે હું સાવ નાની હતી ત્યારથી ડાન્સ કરતી થઈ ગઈ. મોટી થતી ગઈ એમ ડાન્સ અને અભિનયમાં વધારે રુચી પડવા લાગી. એકવાર બન્યું એવું કે મેં નોરા મેમની ડાન્સ ચેલેન્જ માટે એક ડાન્સ વીડિયો બનાવ્યો હતો. ત્યારે હું તેમની નજર આવી અને મને અબુ ધાબીમાં તેમની સાથે આઈફા એવોર્ડમાં સ્ટેજ શેર કરવાની તક મળી. મેં પ્રથમ વખત તેણી સાથે ડાન્સ કર્યો. બૉલિવૂડની જાણીતી હસ્તીઓ સામે નોરા મેમ સાથે ડાન્સ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત રહ્યો હતો. આ રીતે મને ત્યાંથી એક ઓળખ અને પ્રશંસા મળવાનું શરૂ થયું.

સિટાડેલ વેબ સીરિઝ કેવી રીતે મળી? 

હું મુકેશ છાબરા સરની ઓફિસે તેમને મળવા ગઈ હતી. આ એક સામાન્ય મુલાકાત હતી. પરંતુ મુકેશ છાબરા સરે કહ્યું કે આનું ઑડિશન લઈ લો. મને કોઈ જ ખ્યાલ નહોતો ઓડિશન વિશે. તેમની ટીમે મને સ્કિપ્ટ આપી અને મેં ઓડિશન આપ્યું.આ મારું પહેલું ઓડિશન હતું.જોકે તે સમયે અમને કોઈ અંદાજ નહોતો કે આ ઓડિશન સિટાડેલ હની બની માટે હશે.થોડા સમય પછી મને મુકેશ છાબરા સરનો કૉલ આવ્યો. ડિરેક્ટર સાથે ઝૂમ કૉલ પર વાતચીત કરાવી. જેમાં તેમણે સિટાડેલ સીરિઝ વિશે વાત કરી. તથા વરુણ ધવન અને સામન્થાનાં દીકરીના રોલ વિશે જણાવ્યું. ત્યારે મને ખબર નહોતી કે હું સિલેક્ટ થઈશ કે નહીં. પણ ફાઈનલી, મારું સિલેક્શન થયું અને હું ખુબ જ આનંદમાં આવી ગઈ હતી.

શૂટિંગ દરમિયાન શું અઘરું લાગ્યુ?

શૂટિંગ દરમિયાન કોઈ એવા ખાસ પડકારો નહોતા. મને શૂટ કરવાની ખુબ જ મજા આવી. સેટ પર શૂટિંગની આખી પ્રક્રિયાને મેં ખુબ જ માણી અને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી. એક બાબત એ હતી કે શૂટિંગ અને ટ્રાવેલિંગને કારણે હું પૂરતી ઊંઘ નહોતી લઈ શકતી.પરંતુ હા, મેં મારા કામને ખુબ જ માણ્યું. મને બહુ જ મજા આવી.

વરુણ અને સામન્થા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

વરુણ ભૈયા અને સૅમ દીદી સાથે સમય પસાર કરવાનો અનુભવ શાનદાર હતો. હું એકલી બેઠી હોંઉ ત્યારે વરુણ ભૈયા મારી પાસે આવીને વાતો કરતા હતાં. લાઈફમાં શું ચાલે છે? શૂટિંગ કરવાની મજા આવે છે કે નહીં એવી બધી વાતો કરતા હતાં. આ સિવાય અમે ગુજરાતી લોકો અને ગુજરાતી ફૂડ વિશે વાત કરતા. સામન્થા દીદી પણ મને પ્રોત્સાહન આપતા અને મોટિવેટ કરતાં હતાં. જોકે ઑફ સ્ક્રીન વધારે વાતો કરવાનો સમય મળતો નહોતો પરંતુ જેટલો પણ સમય મળ્યો અમે સરસ રીતે પસાર કર્યો. તે બંને બહુ સારા છે અને મહેનતુ છે.

શું બનવાનું સપનું છે?

 

 

આમ તો હું શાહરુખ ખાન સર બનવા માંગુ છું. આ મારું મોટું સપનું છે. મારે માત્ર બૉલિવૂડ એક્ટર નહીં પણ ગ્લોબલ સ્ટાર બનવું છે. મારે એક એવી અભિનેત્રી બનવું છે જે લોકોને પ્રેરણા આપે. જે પણ લોકો અભિનયમાં આવવાં માંગતા હોય તેમના માટે ઈન્સિપરેશન બની શકું એ મારી ઈચ્છા છે.

દીકરીની સફળતા પર મમ્મીએ શું કહ્યું?

માત્ર 9 વર્ષની દિકરી બાળપણથી જ પોતાના સપનાં તરફ આગળ વધે અને સારું કામ કરે તો સ્વાભાવિક છે કે માતા-પિતાને ગૌરવ થાય જ. કશ્વીના મમ્મીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે પોતાની ખુશી શેર કરતાં કહ્યું કે `અમને પેરેન્ટ તરીકે કશ્વી પર ખુબ જ ગૌરવ છે. જે રીતે તે આગળ વધી રહી છે,પોતાને ગમતું કામ કામ કરી રહી છે, લોકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે, તે જોઈને ખુબ જ આનંદ થાય છે.

(નિરાલી કાલાણી, મુંબઈ)