VIDEO: ઉજ્જવળ ભવિષ્યની આશાએ આવેલા લોકો સાથે આતંકી જેવું વર્તન

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે.

મસ્કની મશ્કરી કોમેન્ટ

જો કે બીજી તરફ વ્હાઈટ હાઉસે હવે બેશરમ થઈને ડિપોર્ટ કરવાની આખી પ્રોસેસનો વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં ઈલિગલ ઈમિગ્રન્ટસને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુંખાર અપરાધીઓની જેમ જ તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે.  વીડિયોમાં ઈમિગ્રન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાંકળમાં જકડતાં દેખાય છે. ઈલોન મસ્ક જાણે આ આખી પ્રોસેસની મજા લઈ રહ્યા હોય તેમ, આ વિડીયોને રિટ્વટ કરતા લખે છે, “Ha Ha Wow….” અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે.

શું છે વિડીયોમાં?

વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારી એક સ્થળાંતર કરનારને દેશનિકાલ માટે તૈયાર કરતા જોઈ શકાય છે. વીડિયોમાં, અધિકારી સ્થળાંતર કરનાર વ્યક્તિને હાથકડી પહેરાવતા જોઈ શકાય છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે.

યુએસ ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગયા અઠવાડિયે, બ્લૂમબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ 18,000 ભારતીયોની ઓળખ કરી છે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે.