પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની નવી સરકારે જનતા અને સરકારી કર્મચારીઓ માટે ખુશીના પિટારા ખોલી દીધા છે. સોમવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં 7th પે કમિશન લાગુ કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ મોટા નિર્ણયની જાહેરાત રાજ્ય મંત્રી અગ્નિમિત્રા પોલે કરી હતી. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર, ભથ્થા તેમજ નિવૃત્તિ વેતનમાં મોટો વધારો જોવા મળશે, જેનાથી તેમને મોંઘવારીના જમાનામાં મોટી રાહત મળશે.

બેઝિક સેલરી અને ફિટમેન્ટ ફેક્ટરનું નવું માળખું
ટેકનિકલ વિગતો અનુસાર, સાતમા પગાર પંચના માળખામાં કુલ 25 લેવલ સામેલ છે. આ અંતર્ગત કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલરી (મૂળ પગાર) 17000 રૂપિયા થશે, જ્યારે મહત્તમ બેઝિક સેલરી 128900 રૂપિયા સુધી પહોંચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના 6th પે કમિશન દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) નક્કી કર્યો હતો, જે કર્મચારીઓના પગાર અને પેન્શન વધારા માટે મલ્ટિપ્લાયર (ગુણક) તરીકે કામ કરે છે. નવી સરકાર આગામી દિવસોમાં આ ફિટમેન્ટ ફેક્ટરની સત્તાવાર જાહેરાત કરશે, જેની સાથે જ દરેક કર્મચારીના પગારમાં થનારા ચોક્કસ ફેરફારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બંગાળમાં અગાઉ September 2019 માં છઠ્ઠા પગાર પંચની અધિસૂચના બહાર પડાઈ હતી, જેના કારણે કર્મચારીઓને 1 January 2016 થી એરિયર્સ (બાકી નાણાં) ચૂકવવામાં આવ્યા હતા.
‘અન્નપૂર્ણા ભંડાર’ યોજના અને મહિલાઓ માટે મફત મુસાફરી
કર્મચારીઓ ઉપરાંત નવી સરકારે બંગાળની મહિલાઓ માટે પણ ઐતિહાસિક લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ (Annapurna Bhandar Yojana) ના પ્રસ્તાવને લીલીઝંડી આપવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 3000 રૂપિયાનું આર્થિક ભથ્થું સીધું તેમના ખાતામાં આપવામાં આવશે. આ નવી યોજના અગાઉની સરકારની ‘લક્ષ્મી ભંડાર યોજના’ હેઠળ નોંધાયેલી મહિલાઓ સાથે જોડાઈને તેમને વિસ્તૃત લાભ આપશે.

