મુંબઈ: કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં યુદ્ધ રણનીતિ અને જવાનોની શહીદીની કરાઈ વાત

મુંબઈ: ” યુદ્ધ સૌપ્રથમ બંને તરફના કમાન્ડરના મગજમાં રમાય છે” કારગિલ વિજય દિવસ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા કાર્યક્રમમાં કર્નલ મનીષ કચ્છીએ જણાવ્યું.

કર્નલ મનીષ કચ્છી, હીરેન મહેતા, સંજય પંડ્યા અને પ્રફુલ શાહ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં કારગિલ વિશે એક યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. 1999ના જુલાઈ મહિનામાં દ્રાસ અને કારગિલ વિસ્તારમાં 130 કરતાં પણ વધુ ભારતીય ચોકીને ભારતીય લશ્કરે પાકિસ્તાન સૈન્યના ઘૂસણખોરોના હાથમાંથી છોડાવી. એ વિજયને 25 વર્ષ થયાં. જો કે આ વિજય મેળવતાં ભારતે 527 જવાનોની શહીદીનો ઘા ઝીલવો પડ્યો હતો.

આ કાર્યક્રમમાં કર્નલ મનીષ કચ્છીએ ખાસ હાજરી આપી હતી. ” મિલીટરી ઇન્ટેલિજન્સ” સાથે જોડાયેલા નિવૃત્ત કર્નલ મનીષ કચ્છીએ પ્રથમ પાકિસ્તાનની વ્યૂહ રચનાની જાણકારી આપી. એ વ્યૂહમાં ભારતીય ચોકીનો કબજો મેળવ્યા પછી શું કરવું કે ભારત કેટલી આક્રમકતાથી ઊંચાઈએ આવેલી પોતાની પોસ્ટ પાછી મેળવશે એવી દીર્ઘ દ્રષ્ટિનો સદંતર અભાવ હતો એની વાત કરી હતી. ભારતે શરૂઆતમાં કેમ ખુવારી ભોગવવી પડી એની પણ એમણે શ્રોતાઓને માહિતી આપી હતી.


‘ચિત્રલેખા’ સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર હાજર એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા અને એ સમયે પત્રકાર તરીકે ચિત્રલેખામાં એમણે યુદ્ધ વિષયક ઘણા લેખો લખ્યા હતા. તેમણે યુદ્ધ સમયની સરહદ પરના નાગરિકોની તથા જવાનોની જવાંમર્દીની તથા શહીદીની વાત કરી.

આ સાથે જ જાણીતા લેખક તથા પત્રકાર પ્રફુલ શાહે આપણા શહીદો વિશે 250થી વધુ લેખો લખ્યા છે જે પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયા છે. ફિલ્મી હિરો આપણા સાચા હિરો નથી પણ સરહદ પર સેવા આપતા જવાનો તથા શહીદો સાચા હિરો છે એવું એમણે જણાવ્યું હતું. આપણા અખબારો તથા સામયિકોએ જવાનોના શૌર્યના પ્રસંગ આવરી લઈ પ્રજાને એમનાથી પરિચિત કરવા જોઈએ એવી સ્પષ્ટ ટકોર કરી હતી.

સંચાલન દરમિયાન સંજય પંડ્યાએ યુદ્ધ વિષયક સાહિત્યની જાણકારી આપતાં વર્ષા અડાલજાની ‘આતશ ‘, શિવકુમાર શર્માની ‘આભ રૂએ એની નવલખ ધારે’, હર્ષલ પુષ્કર્ણાનું ‘પરમવીર ચક્ર’ જેવાં ગુજરાતી પુસ્તકો ઉપરાંત હિન્દી, મરાઠી અને અંગ્રેજી પુસ્તકોનાં નામ પણ ટાંક્યા હતાં.

કેઈએસ ગુજરાતી ભાષાભવન વતી સંસ્થાના પ્રેસિડેન્ટ મહેશ શાહે શરૂઆતમાં સહુનું સ્વાગત કર્યું હતું. ડૉ.જે જે રાવલ, નવલકથાકાર દિનકર જોષી, પત્રકાર જયેશ ચિતલિયા, કવયિત્રી પ્રતિમા પંડ્યા, વરિષ્ઠ નાટ્ય કલાકાર અરવિંદ વેકરિયા, જૂની રંગભૂમિ તથા ફિલ્મોના સંશોધક હાર્દિક ભટ્ટ, સંવિત્તિના કીર્તિ શાહ, લેખિકા મમતા પટેલ વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી.