અમદાવાદના ખાડિયામાં પ્રચાર માટે મુકવામાં આવ્યું પીએમ મોદીનું આબેહૂબ પૂતળું

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે અને પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે અને મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે અવનવા કાર્યક્રમો કરે છે. સતત હાઇટેક થતાં યુગમાં પરંપરાગત રીતે પ્રચાર કરી મતદારોને જોડવા પ્રયાસ શરૂ થઇ ગયા છે.  અમદાવાદ શહેરનું ખાડિયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે. હિંદુત્વ અને ભારતીય જનતા પાર્ટીને સક્ષમ બનાવવા ખાડિયા રાયપુરમાં ઘણાં પ્રયોગો થયાં. નરેન્દ્ર મોદીનું પાર્ટીમાં વિશાળ કદ થયાં પછી ચૂંટણીઓ દરમિયાન મોદીના પોસ્ટર્સ, બેનર્સ અને અવનવાં રૂપમાં પૂતળાં મૂકી પ્રસાર કરવા પર જોર મુકવામાં આવે છે.

આબેહુબ નરેન્દ્ર મોદી જેવું જ પુતળું મુકાયું

આ ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક છે. ત્યારે હવે શહેરની જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારમાં પણ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં આબેહુબ નરેન્દ્ર મોદી જેવું જ પુતળું બાંકડા પર બેસાડવામાં આવ્યું છે. બાંકડે બેસેલા નરેન્દ્રભાઇના પુતળાની બાજુમાં ચૂંટણી ઢંઢેરા માટેના મુદ્દાઓ અને સાથે પ્રજાના પ્રશ્નો માટે એક સજેશન બોક્સ મુકવામાં આવ્યું છે. ખાડિયા રાયપુરમાંથી અસંખ્ય કાર્યકર્તાઓ તૈયાર થયા છે. આમ તો રાજકારણ અને ચૂંટણીની સાચી હકીકત અને પાયાની બાબતોનું તારણ ગામના ચોરે, પોળના નાકે, પાનનાં ગલ્લે કે ફૂટપાથના બાંકડેથી અસરકારક રીતે મળી રહે છે.

પીએમ મોદીનું પૂતળું આકર્ષણનું કેન્દ્ર બન્યું

હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારને લઈને કોઈ કમી રાખવામાં આવી નથી. હાલમાં ખાડિયા વિસ્તારમાં મુકવામાં આવેલું આ પીએમ મોદીનું પૂતળું હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)