વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ

ફ્રાન્સ: પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીની ફાઈનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વૉલિફાઈ થતાં જ વિનેશ ફોગાટની સાથે આખા ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું. તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે તેણે કુશ્તીને જ અલવિદા કરવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે, ‘મા કુશ્તી મારાથી જીતી ગઇ અને હું હારી ગઇ, મને માફ કરજે, તારું સપનું મારી હિમ્મત બધુ તૂટી ગયા છે. હવે મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુશ્તી 2001-2024. વિનેશે માફી માગતા કહ્યું કે હું આપ સૌની હંમેશા આભારી રહીશ.’

વિનેશ અને ભારતીય ટીમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં પણ અપીલ દાખલ કરી છે, જેમાં વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ કરવામાં આવી છે. રમત-ગમતની સર્વોચ્ચ સંસ્થા ગુરુવારે સવારે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદોના મધ્યસ્થી દ્વારા નિરાકરણ માટે CAS ના એડહોક વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે સવારે સુનાવણી થશે.