નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના એક ગામમાં માત્ર ત્રણ મહિનાની અંદર 27,397 જન્મની નોંધણીઓ નોંધવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ નથી કે એટલા જન્મ નોંધાયા, પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તે સંપૂર્ણપણે અલગ જ વાત કહે છે. જે ગામમાં 27,000થી વધુ જન્મ નોંધાયેલા બતાવવામાં આવ્યા છે, ત્યાંની કુલ વસતિ માત્ર 1500 છે. આ કારણે આ મામલાને મહારાષ્ટ્રના સૌથી મોટા સાયબર ફ્રોડ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઘણા લોકો તેને જન્મ પ્રમાણપત્ર કૌભાંડ પણ કહી રહ્યા છે.
આ આખો મામલો યવતમાળ જિલ્લાના અર્ણી તાલુકાની શેદુરુસાણી ગ્રામ પંચાયત સાથે જોડાયેલો છે. હકીકતમાં, સપ્ટેમ્બરથી નવેમ્બર, 2025 દરમિયાન પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી ત્યારે આ ગરબડ બહાર આવી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS)માં જ છેડછાડ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)એ એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિની તપાસમાં સ્પષ્ટ થયું કે 27,397 જન્મ નોંધણીઓ જરૂર કરવામાં આવી હતી, પરંતુ તે આ ગ્રામ પંચાયતની બહારના લોકોની હતી.
હાલમાં પ્રશાસન એ બાબતની તપાસ કરી રહ્યું છે કે CRSની લોગિન ID એટલી મોટી સંખ્યામાં કેવી રીતે કોમ્પ્રોમાઇઝ થઈ. એ સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું ખોટી જન્મ નોંધણી કરાવીને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રયાસ થયો હતો કે નહીં. એ દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા જ્યારે ગામની મુલાકાતે પહોંચ્યા, ત્યારે તેમણે દાવો કર્યો કે નોંધાયેલા કેસોમાંથી લગભગ 99 ટકા લોકો પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના છે.


