વડોદરાઃ ગુજરાતના અનેક ગામ-શહેરના ગરબા કોઈકને કોઈ વિશેષતા ધરાવે છે. એમાંય વાત વડોદરાની હોય તો અહીંના નોખા ગરબાની ગૂંજ તો દૂર દૂર સુધી સંભળાય. શહેરના મસમોટા મેદાનમાં પચાસ હજાર જેટલા ખેલૈયા હિલોળે ચડ્યા હોય. એનાથીય મોટી સંખ્યામાં દર્શકો ગરબા જોવાની મઝા લૂંટતા હોય. આ ભવ્ય નજારો જોવા દેશ-વિદેશથી દર્શકો આવીને અહીં રોકાય. એ લોકો નવ રાત મનપસંદ મેદાનમાં ગરબા નિહાળવા સાંજથી નીકળી પડે. મધ્યાન્તર અને ગરબા પૂરા થાય કે ખાણી -પીણીના સ્ટોલ પર વાનગીઓનો સ્વાદ માણવાનો. એમાંય છેલ્લે નોરતે તો ઘરે પાછા જતા સવાર પડી જાય.
જો કે આ વર્ષે કોરોનાના નામનું ગ્રહણ ગરબાને નડ્યું છે. મોટા ભાગના આયોજકોએ જ નનૈયો ભણી દીધો છે. એનાથી તો ઘણાને જિંદગીની એક નવરાત્રિ નકામી ગઈ એનો રંજ છે. નવરાત્રિના આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી છે એમ છતાં શહેરની બજારમાં ગ્રાહકોની ચહલપહલ નથી. ખરેખર તો ત્રણ અઠવાડિયા પહેલા બજારમાં કીડિયારું ઉભરાય. વડોદરાની નવા બજાર, મંગલ બજાર, ઘડિયાળી પોળ , અલકાપુરી વગેરે વિસ્તારમાં ચાલવાની જગ્યા ન મળે. કેટલીક યુવતી એક સાથે પાંચ-સાત ચણીયા- ચોળી ખરીદી લે. એના મેચિંગમાં દાગીના અને મેકઅપનો સામાન તો કેમ ભૂલાય? ચાલુ વર્ષે એ બધું સ્વપ્ન લાગે છે. ખેલૈયા દુઃખી છે અને વેપારી લમણે હાથ દઈ બેઠા છે.
નવા બજારમાં ચણીયા-ચોળીની દુકાન ધરાવતા દીપકભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે આ વર્ષે ધંધો નહીં થાય એ વાતની ખાતરી હતી. એટલા માટે આ વર્ષે ચણીયા-ચોળીનો સ્ટોક કર્યો નથી. સામાન્ય સંજોગોમાં પાંચ મહિના પહેલા ચણીયા-ચોળીની ડિઝાઈન અને રો મટીરીયલ કારીગરોને મોકલાવી દઈએ અને નવરાત્રિના મહિના પહેલા દુકાનમાં માલ આવવા લાગે. સેંકડો ચણીયા-ચોળી તો રાજકોટ, અમદાવાદ અને સ્થાનિક કારીગરો પાસેથી તૈયાર કરાવી ખરીદી લેતા. એ પણ વેચાઈ જશે એની ગેરેન્ટી સાથે!
દીપકભાઈ કહે છે કે ચણીયા-ચોળી વેચતા શહેરમાં દોઢસો થી બસો જેટલા નાના -મોટા વેપારી છે. એ ઉપરાંત, સિઝનલ ધંધો કરવાવાળા દોઢસો જેટલા વેપારી. એ લોકો સિઝનમાં રૂપિયા 60,000 થી એક લાખ ચૂકવી ભાડે દુકાન રાખે. રોડ સાઈડ પરના નાના ધંધાવાળા તો અલગ. બધા ભેગા થઈ નવરાત્રીમાં અંદાજે દોઢસો કરોડનો ધંધો કરી લે. એમની સાથે ઈમિટેશન જવેલરીવાળા પણ આ સિઝનમાં લગભગ 40 કરોડનો ધંધો કરે. આ વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે લોકડાઉન લાગુ થયું ત્યારથી ગંધ હતી કે આ નવરાત્રિ કોરી જશે. એ ધ્યાનમાં રાખી નવા દાગીનાનો ઓર્ડર આપ્યો જ નહોતો. અગાઉ તો અમુક યુવતી એક સાથે બે-ત્રણ હજારના દાગીના ઉભા ઉભા ખરીદી લે. એવાય પાછા રોજના 40થી 50 ગ્રાહક આવે. અત્યારે તો પાંચ રૂપિયાના ચાંલ્લાના પેકેટને વેચતા પરસેવો પડી જાય છે.
વડોદરામાં દસેક મેદાન પર સામુહિક ગરબા થાય. એ મેદાનોને રાજવી ઠાઠથી સજાવવામાં આવે. આ સજાવટ કરનારા ફરાસખાનાવાળા માત્ર નવરાત્રિમાં 50 કરોડનો ધંધો કરી લેતા. એ લોકો તો જાતે જ સમજી ગયા કે આ વખતે એક રૂપિયાનું કામ સુધ્ધાં મળવાનું નથી.
ઢોલ, નગારા, તબલા, રામઢોલ, નાલ, વગેરે વગર ગરબા શક્ય નથી. નવરાત્રિ પહેલાં ગાયકવૃંદ અને મંડળવાળા ઢોલ-નગારા વગેરે ખરીદે કે રીપેર કરાવે. શહેરમાં ઢોલ-નગારા વેચતા ચારેક જાણીતા ડબગર છે. ગુજરાત તબલા સ્ટોરવાળા અશોકભાઈ ડબગર ચિત્રલેખા ને કહે છે કે આજ દિન સુધી સમખાવા પૂરતું એક ઢોલ વેચાયું નથી. કોઈ તબલા રીપેર કરાવવા પણ આવ્યું નથી. આ નવરાત્રિએ તો અમારે બેકારીમાં મંજીરા જ વગાડવાના છે!
(ગોપાલ પંડયા-વડોદરા)
(તસવીરોઃ ચિરાગ ભટ્ટ)