અમેરિકાના પ્રમુખ જો બાઈડને કરી દિવાળીની ઉજવણી, ઉપપ્રમુખ કમલા હેરિસે રંગોળી કરી

હિન્દુઓને દિવાળીની શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે, અમેરિકાની પ્રગતિમાં દક્ષિણ એશિયન મૂળના અમેરિકી નાગરિકોનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે કહ્યું કે, આ સમુદાયે રાષ્ટ્રના (અમેરિકાના) માળકામાં દિવાળીની ઉજ્જ્વળ પરંપરાઓનું ગુંથન કર્યું છે. દિવાળીની શુભેચ્છા પાઠવવા સાથે અમેરિકી પ્રમુખ તેમજ તેમનાં પત્નીએ વ્હાઈટ હાઉસમાં દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

 

અમેરિકા સ્થિત સમગ્ર ભારતીય સમુદાયને શુભેચ્છા સંદેશો આપતા પ્રમુખ બાઈડને કહ્યું કે, “અમેરિકા તેમજ દુનિયાભરમાં રહેતા એક અબજ કરતાં વધુ હિન્દુઓ, જૈનો, સિખ તથા બૌદ્ધોને અમે દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. પેઢી દર પેઢી દક્ષિણ એશિયન અમેરિકનોએ અમારા દેશમાં દિવાળીની પરંપરાઓનું ગુંથન કર્યું છે, જેમાં અજ્ઞાનના અંધકાર, ઘૃણા તથા વિભાજનની ઉપર જ્ઞાનના પ્રકાશ, પ્રેમ તથા એકતાના સંદેશાનું પ્રતીક છે, તેમ પ્રમુખ બાઈડને જણાવ્યું હતું.

પ્રમુખ બાઈડેન ઉપરાંત ઉપપ્રમુખ કમલા હેરિસે પણ ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. કમલા હેરિસ ભારતીય મૂળનાં છે તેથી તેમણે તેમના નિવાસસ્થાનની બહાર રંગોળી પણ બનાવી હતી. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે દિવાળી નિમિત્તે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. આ માટે આયોજિત કાર્યક્રમમાં ઝગમગતી રોશની પણ કરવામાં આવી હતી.