અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને આપી ચેતવણી

વોશિંગટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રશિયાએ યુક્રેન પર હુમલાઓ તેજ કર્યા છે. આ યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયાને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે આગામી 50 દિવસમાં કોઈ સમજૂતી નહીં થાય, તો તેઓ રશિયા પર કડક શૂલ્ક લાદશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે નાટોના મહાસચિવ માર્ક રૂટ સાથે ‘ઓવલ ઓફિસ’માં થયેલી બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે જો 50 દિવસમાં કોઈ સમજૂતી ન થઈ તો અમે ખૂબ કડક શુલ્ક લગાવીશું. તેમણે એ નથી જણાવ્યું કે આ શૂલ્ક કેવી રીતે લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે હું વેપારનો ઉપયોગ અનેક બાબતો માટે કરું છું. પરંતુ યુદ્ધના ઉકેલ માટે આ ખૂબ જ સારું પગલું છે.

ટ્રમ્પ લાંબા સમયથી પુતિન સાથે પોતાના મિત્રસભર સંબંધોનો ઉલ્લેખ કરતા રહ્યા છે અને જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા પછી અનેક વખત કહ્યું છે કે યુક્રેન કરતાં વધુ રશિયા શાંતિ સમજૂતી માટે તૈયાર છે. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી પર યુદ્ધને લંબાવવાનો આરોપ મૂક્યો હતો અને તેમને ‘તાનાશાહ’ પણ કહ્યા હતા. જોકે યુક્રેનના રહેણાક વિસ્તારો પર રશિયાના સતત હુમલાઓ પછી ટ્રમ્પે હવે રશિયા પર નિશાન સાધ્યું છે.

રશિયા અને યુક્રેન માટે ટ્રમ્પના વિશેષ દૂતે સોમવારે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમણે અને ટ્રમ્પના દૂત, નિવૃત્ત લેફ્ટિનન્ટ જનરલ કિથ કેલોગે યુક્રેનની હવાઈ રક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા, સંયુક્ત શસ્ત્રો ઉત્પાદન અને યુરોપીય દેશો સાથે મળીને અમેરિકન હથિયારોની ખરીદી તથા રશિયા પર કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સંભાવનાઓ અંગે સાર્થક ચર્ચા કરી છે.