અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓનો ડંકો, આ નેતાઓએ મારી બાજી

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી (US Midterm Elections)નાં પરિણામો સામે આવવા લાગ્યાં છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓએ શાનદાર જીત મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના પિયા ડાંડિયા, સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલરે ચૂંટણીમાં જીત મેળવી છે. આ જીત સાથે અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.

પિયા ડાંડિયા, સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલર

પિયા ડાંડિયાએ ફ્લોરિડામાંથી જીતી અમેરિકી પ્રતિનિધિ સભાની ચૂંટણી

પિયા ડાંડિયા(Pia Dandiya) અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા છે. તેમણે ફ્લોરિડામાંથી અમેરિકી પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં જીત મેળવી છે. આ ચૂંટણીમાં તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ મરીન સૈનિક કેસી અસ્કરને હરાવ્યા હતા.

મંગળવારે જાહેર થયેલા પરિણામો અનુસાર, હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પિયા ડાંડિયાને 51.9 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કેસી અસ્કરને 49.1 ટકા મત મળ્યા હતા. આ જીત સાથે પિયા અમેરિકી કોંગ્રેસમાં પહોંચનારાં નવાં ભારતીય-અમેરિકન સભ્ય બન્યાં છે.

પિયાના માતા-પિતા ભારતથી અમેરિકા જઈને વસ્યાં હતાં. તેમણે ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશથી એક હાઈસ્કૂલની સ્થાપના પણ કરી હતી, જેથી વિદ્યાર્થીઓને આર્થિક સ્વતંત્રતા મેળવવામાં મદદ મળી શકે.

સુહાસ સુબ્રમણ્યમ ફરી અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાયા

ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્ય(Suhas Subramanyam)મે પણ ચૂંટણીમાં જીત મેળવી છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા સુહાસ વર્જિનિયાની 10મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ફરી અમેરિકી પ્રતિનિધિ સભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.

40 વર્ષીય સુહાસને કુલ મતમાંથી 61.5 ટકાથી વધુ મત મળ્યા હતા, જ્યારે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ડેવ બેકવિથને 36.4 ટકા મત મળ્યા હતા.

સુહાસના માતા-પિતા ભારતીય મૂળના છે. તેઓ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત હરિકેન કેટરીનાથી પ્રભાવિત વિસ્તારોના પુનર્નિર્માણ માટે સ્વયંસેવકોને એકત્રિત કરવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અરુણા મિલર ફરી મેરીલેન્ડનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાયાં

ભારતીય મૂળનાં અરુણા મિલરે પણ ચૂંટણીમાં જીત મેળવી છે. તેઓ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા છે અને ફરી એકવાર મેરીલેન્ડનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાયાં છે.

અરુણા મિલર(Aruna Miller)એ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર રોબ ક્રોપને હરાવ્યા હતા. આ જીત સાથે રાજ્યના વહીવટી તંત્રમાં તેમનો વધુ એક કાર્યકાળ નિશ્ચિત થયો છે. તેમની જીતથી અમેરિકાના રાજ્ય સ્તરના નેતૃત્વમાં ભારતીય-અમેરિકનોનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહેશે.

ચૂંટણી પહેલાં અરુણા મિલરે ખાસ કરીને પ્રવાસી સમુદાયના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે અમેરિકાના નાગરિકોને ટ્રમ્પ-વેન્સ વહીવટી તંત્રને જવાબદાર ઠેરવવા માટે મતાધિકારનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અરુણા મિલરનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. ભારતીય મૂળનાં અરુણા મિલરે અમેરિકાના રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.