શ્રીગંગાનગરઃ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે અનુપગઢ-સુરતગઢ રેલવે ટ્રેક પર ગામ 50 GB પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ થયો હતો, જેને કારણે ટ્રેકના સિમેન્ટના બે પિલરને નુકસાન થયું હતું. નોંધનીય છે કે આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 20 કિલોમીટરના અંતરે બની હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ATS, FSL, ડોગ સ્ક્વોડ અને રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્ફોટનાં કારણોની તપાસ શરૂ કરી હતી. હવે રેલવે ટ્રેકને નિશાન બનાવવા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી નેટવર્કની ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ આ કાવતરાના તાર આતંકવાદી શહજાદ ભટ્ટીના નેટવર્ક સાથે પણ જોડીને તપાસ કરી રહી છે.
રૂટની તમામ ટ્રેનો રદ કરવામાં આવી
અનુપગઢ-સુરતગઢ રેલવે ટ્રેક પર વિસ્ફોટ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટની તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ વિસ્ફોટનાં કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સરહદી વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટ પાછળ અસામાજિક તત્ત્વો અથવા દેશવિરોધી શક્તિઓનો હાથ છે કે કેમ. નોંધનીય છે કે તાજેતરમાં જ અનુપગઢમાં પાકિસ્તાનથી RDX મગાવવાની ઘટના સામે આવી હતી. થોડા દિવસો પહેલાં જપ્ત કરવામાં આવેલા સાડાસાત કિલો RDXનો આ ઘટના સાથે અત્યાર સુધી કોઈ સંબંધ સામે આવ્યો નથી. જોકે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
Sri Ganganagar, Rajasthan: A suspected explosion near village 50 GB on the Anupgarh-Suratgarh railway line damaged the tracks and two supporting concrete pillars. The blast reportedly occurred shortly after a train passed through the area. Police and railway officials reached the site to investigate
— IANS (@ians_india) November 4, 2026
ATS, CID અને ડોગ સ્ક્વોડે સંભાળી તપાસની કમાન
આ ઘટનાની જાણ થતાં જ રેલવે અને સુરક્ષા એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રે આશરે બે વાગ્યે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ATS, CID, ડોગ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રેલવે ટ્રેક પર થયેલા આ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલમાં તપાસ પૂર્ણ થવાની અને વિસ્ફોટ પાછળનું સાચું કારણ સામે આવવાની રાહ જોવાઈ રહી છે.




