વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મિડ ટર્મ ચૂંટણીમાં પાછળ રહી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની હાર સ્વીકારી લીધી હોય તેવા સંકેત આપ્યા છે. તેમણે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેઓ બેલેટ પેપર પર નહોતા. જો તેમનું નામ બેલેટ પેપર પર હોત તો રિપબ્લિકન પાર્ટીએ મોટી જીત નોંધાવી હોત.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો તેઓ પોતે ચૂંટણી લડ્યા હોત તો તેમની રિપબ્લિકન પાર્ટીને એકતરફી જીત મળી હોત.એ સાથે જ તેમણે કહ્યું કે તેઓ અમેરિકાની જનતાનો જનાદેશ સ્વીકારવા તૈયાર છે.
અમેરિકામાં મિડટર્મ ચૂંટણી દરમિયાન પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો અને સેનેટની કુલ 100માંથી 35 બેઠકો પર મતદાન થયું છે. આ ઉપરાંત 36 રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી પણ યોજવામાં આવી છે. ટ્રમ્પની પાર્ટીના હાથમાંથી બંને ગૃહોનું નિયંત્રણ જતું રહેતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી નોંધપાત્ર જીત તરફ આગળ વધી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું, “હું બેલેટ (મતપત્ર) પર નહોતો અને જો હોત તો અમે જંગી બહુમતીથી જીત્યા હોત. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ.”
આ ચૂંટણીને ટ્રમ્પના વિવાદોથી ઘેરાયેલા બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ અંગેના જનમત તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકામાં જીવનનિર્વાહનો વધતો ખર્ચ, ટેરિફ અને ઈરાન વિરુદ્ધ અમેરિકાના યુદ્ધને લઈને લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ યુદ્ધને કારણે તેલ અને ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની અસર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પર પડી છે. બીજી તરફ ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ પણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરની નજીક છે.
I wasn’t on the Ballot and if I was, we would have won IN A LANDSLIDE! Thank you for your attention to this matter. President DONALD J. TRUMP
( TS: Nov 3 2026, 10:37 PM ET ) https://t.co/sZG6BGvmsL
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) November 4, 2026
જો અંતિમ પરિણામોમાં પણ આ અનુમાન યથાવત્ રહે છે તો વોશિંગ્ટનમાં રિપબ્લિકન પાર્ટીનું બંને ગૃહો પરનું નિયંત્રણ ખતમ થઈ જશે. હવે ટ્રમ્પ પ્રશાસનને પોતાના કાર્યકાળનાં આગામી બે વર્ષ દરમિયાન કોંગ્રેસમાં ડેમોક્રેટ્સના પડકારનો સામનો કરવો પડશે.




