રાજ્યસભામાં હંગામો : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – મારું અપમાન થયું

બુધવારે પણ રાજ્યસભાની કાર્યવાહીમાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં બોલતા ખડગેએ કહ્યું, ગઈકાલે સંસદમાં મારું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ખડગે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ તેમની પાછળ ઉભા હતા. અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોના ઊભા રહેવા સામે વાંધો ઉઠાવ્યો, જેના જવાબમાં ખડગેએ કહ્યું કે જો તે મારી પાછળ ઊભા ન રહે તો શું તમે મોદીની પાછળ ઊભા રહેશે ? ખડગેએ આટલું કહેતાં જ ગૃહમાં ભાજપના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા અને ગૃહના નેતાને પોતપોતાના સભ્યોને શાંત રહેવા કહ્યું. હંગામો શાંત ન થતો જોઈને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો

બુધવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ કારગિલ દિવસ અને જવાનોને સલામી આપી હતી. આ પછી મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો શરૂ થયો હતો. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે મેં મણિપુરના મુદ્દા પર ટૂંકા ગાળાની ચર્ચાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે અધ્યક્ષે ટૂંકા ગાળાની ચર્ચા વિશે વાત કરી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જ્યારે નક્કી થઈ ગયું છે કે ચર્ચા થશે તો પછી હંગામો શા માટે છે. આખરે વિરોધ પક્ષો ગૃહની કાર્યવાહી કેમ ચાલવા દેવા નથી માંગતા? રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે આ અંગેનો સમય ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.


હિંમત હોય તો રાજસ્થાન, છત્તીસગઢ અને બંગાળની ચર્ચા કરો : સ્મૃતિ ઈરાની

બુધવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં ખૂબ જ નારાજ દેખાઈ. વિપક્ષના હોબાળા પર તેમણે કહ્યું કે, મણિપુર પર ચર્ચાની માંગ કરનારાઓ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાન પર ચર્ચા કેમ નથી ઈચ્છતા. ઈરાનીએ કહ્યું કે, આ લોકો રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ પર ચર્ચા કરવાની હિંમત કેમ નથી કરતા. જો તમારામાં હિંમત હોય તો રાજસ્થાન, છત્તીસગઢ અને બંગાળની ચર્ચા કરો.