UPI: દેશમાં દરરોજ થાય છે રૂ. 90,446 કરોડની લેવડદેવડ

નવી દિલ્હીઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ઓગસ્ટ, 2025માં UPIની સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂ. 90,446 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે જાન્યુઆરીમાં નોંધાયેલા રૂ. 75,743 કરોડની તુલનામાં ઘણી વધારે છે, એટલે કે ગયા આઠ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

SBI રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ જુલાઈ, 2025માં ડિજિટલ પેમેન્ટના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે. એકલા મહારાષ્ટ્રનો હિસ્સો 9.8 ટકા રહ્યો છે. તેના પછી 5.5 ટકાના હિસ્સા સાથે કર્ણાટક અને 5.3 ટકાના હિસ્સા સાથે ઉત્તર પ્રદેશનું સ્થાન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરી અને ઔદ્યોગિક રાજ્યો સાથે કૃષિ આધારિત રાજ્યોમાં પણ ડિજિટલ પેમેન્ટનો પ્રચાર ઝડપથી વધી રહ્યો છે.

UPI એપ્સમાં ફોનપે આગળ

UPI એપ્સની વાત કરીએ તો ફોનપે (PhonePe) સૌથી આગળ છે, ત્યાર બાદ Google Pay અને Paytmનું સ્થાન છે. અહેવાલે ચેતવણી આપી છે કે માત્ર થોડી જ એપ્સ પર આટલી મોટી લેવડદેવડ કેન્દ્રિત થવું, ભવિષ્યમાં ભારત-કેન્દ્રિત ફિનટેક ઇનોવેશન માટે જોખમી બની શકે છે. આ કારણે એક દેશી કાઉન્ટર એપ અને AI આધારિત માળખાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

UPIની સફળતાનો અંદાજ આથી લગાવી શકાય છે કે એપ્રિલથી જુલાઈ, 2025 વચ્ચે માસિક સરેરાશ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રૂ. 24,554 અબજ નોંધાયો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન રોકડ સર્ક્યુલેશન (CIC)નો માસિક સરેરાશ વધારો ફક્ત રૂ.193 અબજ રહ્યો. એટલે કે રોકડની માંગની તુલનામાં UPIનો ઉપયોગ અનેક ગણો વધી રહ્યો છે. ડેબિટ કાર્ડ અને ATMમાંથી રોકડ ઉપાડાની તુલનામાં પણ UPI ઘણી આગળ છે.