લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તાધારી ભાજપએ ચૂંટણીપ્રચાર માટે પોતાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. પાર્ટી પોતાના ચૂંટણી અભિયાનમાં કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. સોમવારે મથુરામાં શરૂ થયેલી પાર્ટીની બે દિવસીય વ્યૂહાત્મક બેઠકના પ્રથમ દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પાર્ટીના પ્રદેશ એકમના 54 મુખ્ય હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે. બે દિવસીય આ બેઠક મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ચૂંટણીપ્રચાર કાર્યક્રમ અને ચૂંટણી સંબંધિત અન્ય મુદ્દાઓ પર સૂચનો સાથે પૂર્ણ થશે.
આવતા મહિનાથી ચૂંટણી પ્રચાર શરૂ થવાની શક્યતા
બેઠકના પ્રથમ દિવસે ચૂંટણી પ્રચારની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ભાજપ આવતા મહિનાથી રાજ્યમાં ચૂંટણી અભિયાન શરૂ કરી શકે છે. હાલમાં પાર્ટીનું ધ્યાન વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા પાત્ર મતદારોનાં નામ ઉમેરાવવા પર છે.
કાયદો અને વ્યવસ્થા તથા મહિલા સુરક્ષા રહેશે મુખ્ય મુદ્દા
બેઠક બાદ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી કાયદો અને વ્યવસ્થા તથા મહિલા સુરક્ષાને પોતાના ચૂંટણી એજન્ડામાં સૌથી વધુ પ્રાથમિકતા આપશે. પાર્ટીનું માનવું છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દાઓએ મતદારોને પ્રભાવિત કર્યા હતા.

કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરાશે
ભાજપે ચૂંટણી પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચ વધારવાની વ્યૂહરચના પણ તૈયાર કરી છે. પાર્ટીના નેતાઓને મફત અનાજ અને આવાસ જેવી યોજનાઓનો લાભ મેળવનારા લોકોનો સીધો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યાનુસાર કલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ જાતિ અને સમુદાયના લોકો સુધી પહોંચ્યો છે. આવી સ્થિતિમાં પાર્ટી આ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરીને તેમને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરશે.
ચૂંટણી પ્રચારની શરૂઆતમાં જ જોવા મળશે પીએમ મોદી, ગૃહ મંત્રી
આ બેઠકમાં ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વધુમાં વધુ જિલ્લાઓની મુલાકાત લે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે.






