નવી દિલ્હીઃ અમેરિકામાં ઓનલાઇન બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. બેંક ઓફ અમેરિકા, કેપિટલ વન, ચેઝ અને યુએસ બેંક જેવી મોટી બેંકોના ગ્રાહકો ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. માઇક્રોસોફ્ટની સેવાઓ અને ફ્લાઇટ્સ પર લાગેલા ગ્રાઉન્ડ સ્ટોપ બાદ હવે બેંકિંગ સિસ્ટમમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ છે. ચેઝ બેંકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક ગ્રાહકને જવાબ આપતાં ટેકનિકલ સમસ્યાની કબૂલાત કરી હતી. ચેઝના સપોર્ટ એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું હતું કે અમે તમારી પોસ્ટ જોઈ છે અને તમારો સંપર્ક કરવા માગીએ છીએ. અમને ખેદ છે કે હાલમાં અમે ઓનલાઈન બેંકિંગ સંબંધિત સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ. કૃપા કરીને થોડા સમય બાદ ફરી પ્રયાસ કરો. તમને પડેલી અસુવિધા બદલ અમે માફી માગીએ છીએ.
સાયબર એટેકના સવાલ પર શું કહ્યું ચેઝ બેંકે?
ચેઝ બેંકે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સાયબર એટેક નથી. જેપી મોર્ગન ચેઝે બાદમાં અમેરિકાના ફોક્સ બિઝનેસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમસ્યાઓ સાયબર સુરક્ષા સાથે સંબંધિત નથી.બેંકે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે કેટલાક ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો છે. જોકે ગ્રાહકો હજુ પણ પોતાના એકાઉન્ટ અને નાણાંનો ઉપયોગ કરી શકે છે. અમે આ સમસ્યાને વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ટેકનિકલ સમસ્યા છે, સાયબર સુરક્ષા સાથે સંબંધિત નથી.
યુએસ બેંકે જણાવ્યું કે કયા ગ્રાહકોને થઈ રહી છે મુશ્કેલી?
યુએસ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ બેંકની સિસ્ટમ પર સીધી અસર થઈ નથી. જોકે, જે ગ્રાહકો અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે પેમેન્ટ કરવા અથવા નાણાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને ટ્રાન્ઝેક્શનમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.
આખરે શા માટે સર્જાઈ બેંકિંગ સિસ્ટમમાં ખામી?
અમેરિકાની સૌથી મોટી બેંકોમાંની એક જેપી મોર્ગન ચેઝે જણાવ્યું હતું કે સોફ્ટવેરમાં આવેલી એક ખામી તેની આંતરિક હાર્ડવેર સિસ્ટમને અસર કરી રહી છે. તેના કારણે નાણાકીય વ્યવહારો પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે. બેંકિંગ સેવાઓ ફરીથી સામાન્ય બનાવવા માટે કંપની કામ કરી રહી છે.






