મહેમદાવાદ: અકસ્માતમાં પોતાના અંગ ગુમાવનાર દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે કૃત્રિમ અંગ આપીને નવજીવન બક્ષનાર નારાયણ સેવા સંસ્થાને હવે અબોલ પશુઓની સેવાનો અનોખો યજ્ઞ શરૂ કર્યો છે. માનવસેવાથી આગળ વધીને સંસ્થાને 9 દિવ્યાંગ ગાય અને બળદને કૃત્રિમ અંગ (મોડ્યુલર પ્રોસ્થેટિક્સ) લગાવવાની વિશિષ્ટ પહેલ હાથ ધરી છે.
મહેમદાવાદ સ્થિત ‘યુવા સ્વરાજ ફાઉન્ડેશન’ દ્વારા દિવ્યાંગ ગાયો અને બળદો માટે કૃત્રિમ અંગ બનાવવાની વિનંતી નારાયણ સેવા સંસ્થાનને કરવામાં આવી હતી. સંસ્થાનના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ વિભાગ દ્વારા ઓનલાઇન ઓપીડી મારફતે પશુઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. પશુઓની સ્થિતિની ગંભીરતાને સમજીને સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે તાત્કાલિક 4 નિષ્ણાતોની એક ટીમને એમ્બ્યુલન્સ સાથે ઉદેપુરથી આશરે 250 કિલોમીટર દૂર મહેમદાવાદ રવાના કરી હતી.
મહેમદાવાદ પહોંચીને નિષ્ણાતોની ટીમે સતત 8 કલાક સુધી જહેમત ઉઠાવી પૂનમ, સરસ્વતી, સુહાની, રૂપા, કિસાન, ખટરાજ, કલ્કિ મહારાજ, રુદ્ર અને મોહન એમ કુલ 9 દિવ્યાંગ ગાય અને બળદની ઝીણવટભરી તપાસ કરી કૃત્રિમ અંગો માટેનું ચોક્કસ માપ લીધું હતું.
ઉદેપુર પરત ફર્યા બાદ પ્રમુખ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, અબોલ પશુઓ માટે કૃત્રિમ અંગ બનાવવા એ માત્ર ટેકનિકલ કામગીરી નથી, પરંતુ કરુણા અને સંવેદના સાથે જોડાયેલી કટિબદ્ધતા છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રીમાંથી દરેક પશુની શારીરિક રચના મુજબ સચોટ ‘નારાયણ અંગ’ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં અંગો તૈયાર થયા બાદ ટીમ ફરી મહેમદાવાદ ખાતે ખાસ કેમ્પ યોજીને આ પશુઓને કૃત્રિમ અંગ ફિટ કરશે અને તેમને સરળતાથી ચાલવાની તાલીમ પણ આપશે. સંસ્થાની આ પહેલે સમાજમાં એ સંદેશ આપ્યો છે કે કરુણા અને માનવતાની કોઈ સીમા હોતી નથી.






