પુણે: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ૧૫ નવેમ્બરના રોજ પુણે સ્થિત વિશ્વની સૌથી મોટી ફોર્જિંગ સુવિધા ‘કલ્યાણી – ભારત ફોર્જ’ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભારત ફોર્જ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદ્મભૂષણ બાબા કલ્યાણીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ ભારત ફોર્જની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે એક વિશેષ સ્મારક તકતીનું (માઈલસ્ટોન પ્લાક) અનાવરણ કર્યું હતું, જે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં કંપનીની છ દાયકાની ગૌરવશાળી સફરનું પ્રતીક છે. તેમણે ફોર્જિંગ લાઇન્સનું નિરીક્ષણ કર્યું અને કંપનીના નેતૃત્વ સાથે ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘સશક્ત ભારત, સુરક્ષિત ભારત’ના વિઝન હેઠળ દેશની ઉત્પાદન અને સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં ભારત ફોર્જની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ભારત ફોર્જની સંપૂર્ણ માલિકીની સંરક્ષણ પેટાકંપની ‘કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ’ (KSSL) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત વિવિધ સંરક્ષણ સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું. ગૃહમંત્રીએ નાના હથિયારો, આર્ટિલરી ગન, દારૂગોળાની સિસ્ટમ તેમજ હવા, જમીન અને પાણીમાં કાર્યરત માનવરહિત સિસ્ટમ્સ (Unmanned Systems) નિહાળી સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ કંપનીના યોગદાનની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UPSTF) માટે સ્વદેશી બનાવટની ૫.૫૬ x ૪૫ મીમી રાઈફલ્સના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો. પુણે સ્થિત બહુરાષ્ટ્રીય કંપની ભારત ફોર્જ ઓટોમોટિવ, એરોસ્પેસ, ડિફેન્સ, રેલ, મરીન અને એનર્જી સહિતના ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પૂરા પાડવામાં અગ્રેસર છે.






