ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ

ગુજરાત ઉપરનું લોપ્રેશર દરિયામાં જઈને પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું હતુ પરંતુ, તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જતું રહ્યું છે. આજે પણ તે વાવાઝોડા (સાયક્લોકિ સ્ટોર્મ) તરીકે સક્રિય હતું અને તે ડીપ્રેસનમાં ફેરવાઈને ક્રમશઃ દરિયામાં જ નબળુ પડશે. ગુજરાત પરનો ખતરો ટળ્યો ત્યાં દેશની ઉત્તરે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેની અસર રૂપે ગુજરાત સિવાય દેશના લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસવા સાથે કમોસમી વાદળો છવાયા હતા.

રાજ્યોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ

દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓ જ્યાં ફરવા જતા હોય છે તે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.

અરબી સમુદ્રમાં દૂર ઓમાન તરફ દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ

‘શક્તિ’વાવાઝોડુ આજે થોડું નજીક આવીને સૌરાષ્ટ્રના દ્વારકાથી 940 કિ.મી.ના અંતરે અને ઓમાનથી 210 થી 310 કિ.મી.ના અંતરે મધદરિયે હતું જે હવે દક્ષિણ-પૂર્વ, પૂર્વ દિશા તરફ આગળ વધશે અને આવતીકાલે સવાર સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાશે અને બાદમાં લો પ્રેશરમાં ફેરવાશે. જેના પગલે ગુજરાતના બંદરો ઉપર એકાદ સપ્તાહથી એલ.સી. (લોકલ કોશનરી) સિગ્નલ-3 લગાવાયા હતા પરંતુ, અરબી સમુદ્રમાં દૂર ઓમાન તરફ દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ છે.