‘IIMA હેલ્થકેર સમિટ 2026’નું આયોજન : ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રે AIના ઉપયોગ પર ભાર મુકાયો

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA) ખાતે ‘Advancing AI in Healthcare’ (હેલ્થકેરમાં AIને પ્રોત્સાહન) થીમ હેઠળ ત્રીજી ‘આઇ.આઇ.એમ.એ હેલ્થકેર સમિટ 2026’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સંબોધતા અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું, “ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક મજબૂત બળ સાબિત થઈ શકે છે. તેમણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને માત્ર “ફાર્મસી ઓફ ધ વર્લ્ડ” બની રહેવાને બદલે “લેબોરેટરી ઓફ ધ વર્લ્ડ” બનવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે PRIP યોજના (5,000 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી સાથે) અને નેશનલ બાયોફાર્મા મિશન જેવા પગલાંઓ દ્વારા સરકાર સંશોધન અને ઇનોવેશનને વેગ આપી રહી છે.”

આ પ્રસંગે 125 વર્ષથી વધુના ભારતીય ફાર્મા ઇતિહાસને સાચવતા પ્રથમ ડિજિટલ પબ્લિક આઇકાર્વ ‘ઇન્ડિયન ફાર્મા આઇકાર્વ્સ’ (Indian Pharma Archives) પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે ભારતની કોવિડ-19 રસી વિકાસ યાત્રા પર આધારિત ‘ફ્રોમ લેબ્સ ટુ જેબ્સ’ (From Labs to Jabs) પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું.

IIMAના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, “2030 સુધીમાં AI હેલ્થકેર ગ્લોબલ માર્કેટ 868 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જેમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે.”IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન અને ઝાયડસ લાઇફસાયન્સના ચેરમેન પંકજ પટેલે સ્વાસ્થ્ય ક્ષેત્રે AIના નૈતિક અને જવાબદારીપૂર્વકના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

સમિટ દરમિયાન નીતિ નિર્માણ, AI નેતૃત્વ, ડાયગ્નોસ્ટિક્સ અને ફાર્મા વેલ્યુ ચેઇન જેવા વિષયો પર પેનલ ચર્ચા અને ફાયરસાઇડ ચેટ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 500થી વધુ ઉદ્યોગ સાહસિકો, સંશોધકો અને આરોગ્ય નિષ્ણાતોએ ભાગ લીધો હતો.