વ્લાદિમીર પુતિનને મળ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન 24 ઓગસ્ટના રોજ મોસ્કો સ્થિત ક્રેમલિનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે સઘન ચર્ચા થઈ હતી.

પીએમ મોદીનો ખાસ સંદેશ અને પુતિનને આમંત્રણ

બેઠકની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમનો એક ખાસ અંગત સંદેશ સુપ્રત કર્યો હતો. જયશંકરે પુતિનને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી એસસીઓ (SCO) શિખર સંમેલનમાં તેમની સાથે મુલાકાત કરવા ઉપરાંત ભારત ખાતે યોજાનારા આગામી બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં તેમનું સ્વાગત કરવા આતુર છે. આ સાથે બંને દેશોની અનુકૂળતા મુજબ વાર્ષિક શિખર સંમેલન યોજવા માટે પણ ભારતે ઉત્સાહ દર્શાવ્યો હતો.

ઉપ-પ્રધાનમંત્રી ડેનિસ મંતિરોવ સાથે દ્વિપક્ષીય આર્થિક બેઠક

નોંધનીય છે કે, વિદેશ મંત્રી જયશંકર 23 ઓગસ્ટના રોજ મોસ્કો પહોંચ્યા હતા. તેમણે પોતાની મુલાકાતના બીજા દિવસે એટલે કે સોમવારે રશિયાના પ્રથમ ઉપ-પ્રધાનમંત્રી ડેનિસ મંતિરોવ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના વેપાર, આર્થિક ભાગીદારી, ઊર્જા ક્ષેત્ર, ખાતર સપ્લાય અને પરમાણુ ક્ષેત્રે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી અને તેને વધુ ઝડપી બનાવવા સંમતિ દર્શાવી હતી.

જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ વચ્ચે મજબૂત સંબંધો

બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમયની જટિલ અને પડકારજનક વૈશ્વિક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ છતાં ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો સતત મજબૂત થયા છે. આ યાત્રા દરમિયાન જયશંકર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ વિસ્તૃત બેઠક કરશે, જેમાં યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને અન્ય પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 જુલાઈના રોજ મનિલા ખાતે પણ જયશંકર અને લાવરોવ વચ્ચે મુલાકાત થઈ હતી.જયશંકરની આ રશિયા યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવે તેવી શક્યતા છે.