મણિપુર : UNLF હિંસા છોડવા સંમત, શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મણિપુરમાં સૌથી જૂનું સશસ્ત્ર જૂથ UNLF હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. તેમણે કહ્યું કે UNLFએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગૃહમંત્રી શાહે પોતાના એક્સ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી અને કહ્યું, એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે! યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ આજે ​​નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાથી પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવા માટે મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગૃહમંત્રીએ કહ્યું, મણિપુરનું સૌથી જૂનું ખીણ સ્થિત સશસ્ત્ર જૂથ UNLF હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. હું તેમનું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં સ્વાગત કરું છું અને શાંતિ અને પ્રગતિના માર્ગ પર તેમની સફરમાં શુભેચ્છા પાઠવું છું.

ઐતિહાસિક સિદ્ધિ

અન્ય પોસ્ટમાં ગૃહ પ્રધાને કહ્યું ભારત સરકાર અને મણિપુર સરકાર દ્વારા આજે UNLF સાથે થયેલ શાંતિ કરાર છ દાયકા લાંબી સશસ્ત્ર ચળવળનો અંત દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતમાં યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.