નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક થઈ હતી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કઝાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (KNB)ના પૂર્વ પ્રમુખ અને KGBના ભૂતપૂર્વ અધિકારી મેજર જનરલ એલનુર મુસાયેવએ દાવો કર્યો છે કે પુતિન પાસે ટ્રમ્પ વિરુદ્ધ એવા વિડિયો રેકોર્ડિંગ અને દસ્તાવેજો છે, જે તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરી શકે છે.
એક ભૂતપૂર્વ સોવિયત અધિકારીનો ગંભીર આક્ષેપ
મુસાયેવના જણાવ્યા મુજબ રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) પાસે એવા દસ્તાવેજો અને વિડિયો છે, જેમાં ટ્રમ્પના સગીરો વિરુદ્ધ યૌન ગુનાઓ, ગેરકાયદે આર્થિક સોદા અને જેફરી એપ્સ્ટીનના સેક્સ રેકેટ સાથે જોડાયેલા પુરાવા છે. તેમનો દાવો છે કે પુતિન અને ક્રેમલિન આ પુરાવાનો ઉપયોગ ટ્રમ્પ પર રાજકીય દબાણ બનાવવા માટે કરી શકે છે, જેથી તે રશિયાનાં હિતોને ટેકો આપે અને કદાચ નાટો અને યુરોપિયન યુનિયનને નબળા પાડવા માટે કામ કરે.
તેમણે જણાવ્યું હતું કે 1990ના દાયકામાં કઝાકિસ્તાનના કેટલાક વેપારીઓએ એપ્સ્ટિનના ખાનગી દ્વીપ અને ફ્લોરિડામાં આવેલા ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં યુવતીઓને ઉપલબ્ધ કરાવી હતી. આ કેસના મુખ્ય આરોપી તોફિક આરિફોવ પર ગુનાકીય કેસ ચાલી રહ્યો હતો ત્યારે જ FSBએ તેના પર આરોપ મૂક્યો હતો. ત્રણ અન્ય ધનિક કઝાક નાગરિકો પર પણ રશિયાને ઈશારે મદદ કરવાનો આક્ષેપ છે.
