ટ્રમ્પે ફરી ઉઠાવ્યો ટેરિફ મુદ્દો: ભારત પાસે પૂરતા નાણાં, તો 2 કરોડ ડૉલર કેમ આપીએ?

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 20 મિલિયન ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે? 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા?

ઈલોન મસ્કે લીધો હતો નિર્ણય… 

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે, અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 20 મિલિયન ડૉલર પર કાતર ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે. 

DOGE શું છે?
હવે ચાલો સમજીએ કે DOGE શું છે? અને ટ્રમ્પના આ નવા વિભાગનું નામ ક્યાંથી આવ્યું? વાસ્તવમાં ડોગેકોઈન એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે અને તે 2013માં બનાવવામાં આવી હતી. તેને બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેમાં શિબા ઇનુ કૂતરાનો ફોટો છે.

રસપ્રદ વાત એ છે કે ડોગેકોઈન એ બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ આ ક્રિપ્ટોકરન્સી વર્ષ 2021માં ચર્ચામાં આવી. તેના ચર્ચામાં આવવાનું કારણ પણ એલોન મસ્ક હતા.

તેમણે આ ચલણ વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યું અને લોકોએ તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ડોગેકોઈનના લોગોને ડોગે કહેવામાં આવે છે. તેના મીમ્સ વાયરલ થયા પછી, ક્રિપ્ટોકરન્સી સમુદાયમાં લોકોનો રસ તેના પ્રત્યે વધ્યો.

ભારતને ટેરિફ કિંગ માને છે ટ્રમ્પ 

ખરેખર તો અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને બે કરોડ ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતના આકરા  ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.